શંખપુષ્પી (શંખાવલી)

January, 2006

શંખપુષ્પી (શંખાવલી) : દ્વિદળી વર્ગમાં આવેલા કન્વૉલ્વ્યુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Evolvulus alsinoides Linn. (સં. શંખપુષ્પી, વિષ્ણુકાંતા; મ. શંખાહુલી; હિં. કૌડીઆલી, શંખાહુલી; બં. ડાનકુની; ક. કડવલમર) છે. તે એક બહુવર્ષાયુ, રોમિલ, જમીન પર પથરાતી શાખાઓવાળી કે ઉપોન્નત (suberect) શાકીય વનસ્પતિ છે. તેની શાખાઓ કાષ્ઠમય નાના મૂલવૃન્ત (rootstock) પરથી ઉત્પન્ન થાય છે. પર્ણો સાદાં, એકાંતરિક, લગભગ અદંડી, બંને સપાટીએ સફેદ, રોમિલ અને અંડાકાર કે ભાલાકાર હોય છે. પુષ્પો વાદળી રંગનાં અને ચક્રાકાર હોય છે. તે ખુલ્લાં ઘાસનાં મેદાનોમાં અપતૃણ તરીકે ઊગી નીકળે છે. ભારતમાં તે લગભગ બધે જ થાય છે. તે હિમાલયમાં 1,800 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે.

આ વનસ્પતિ કડવી હોય છે અને બલ્ય તેમજ જ્વરહર (febrifuge) ગુણધર્મો ધરાવે છે. જોકે અપચો અને અતિસાર સહિતના તાવમાં તે અસરકારક નહિ હોવાનું માલૂમ પડ્યું છે. તે કૃમિઘ્ન (vermifuge) છે અને તેલ સાથે તે વાળની વૃદ્ધિ પ્રેરે છે.

શંખપુષ્પી તરીકે ઓળખાવાતી બીજી વનસ્પતિનું નામ Convolvulus microphyllus છે અને તે પણ કન્વૉલ્વ્યુલેસી કુળની વનસ્પતિ છે. તે પણ જમીન પર પથરાતી શાખાઓવાળી રોમિલ અને શાકીય વનસ્પતિ છે. તેનું સોટીમૂળ 30 સેમી.થી 45 સેમી. ઊંડાઈ સુધી વિકસે છે. પર્ણો સાદાં, એકાંતરિક, એકાકી કક્ષીય, બંને સપાટીએ રોમિલ, 1.2 સેમી.થી 2.5 સેમી. લાંબાં, રેખીય-લંબચોરસ (linear-oblong) કે ઉપરના ઉપવલયી (elliptic) હોય છે. પર્ણોનો તલપ્રદેશ ભાલાકાર (hastate) કે કર્ણાકાર (auriculate) હોય છે. પુષ્પો કક્ષીય એકાકી કે 2-4ના ગુચ્છમાં, ગુલાબી, પીળાં અને ઘંટાકાર હોય છે. પુષ્પ અને પ્રાવર પ્રકારના ફળનું નિર્માણ વધુ વરસાદના દિવસો સિવાય સમગ્ર વર્ષ દરમિયાન થાય છે. ફળ ઉપવલયી કે ઉપગોલાકાર હોય છે, પાકટ થતાં ફાટે છે અને બીજ જમીન પર પડે છે. બીજ અરોમિલ અને ક્વચિx પિટિકામય (papillose) હોય છે. એપ્રિલમે માસમાં છોડની નીચે ખરેલાં ફળ અને બીજ સાવરણાથી વાળી એકત્રિત કરી સાફ કરી લેવામાં આવે છે.

શંખપુષ્પી(Convolvulus microphyllus)નો છોડ

આ છોડને ખેતી હેઠળ લાવવાનાં સંશોધનો આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધીય સંશોધનવિભાગમાં હાથ ધરવામાં આવ્યાં છે અને તેની વૈજ્ઞાનિક ખેતીપદ્ધતિ વિકસાવવામાં આવી છે.

શંખપુષ્પીની ખેતી હલકી જમીનથી માંડી ફળદ્રૂપ જમીન સુધીની, જ્યાં પાણી ભરાઈ ન રહેતું હોય તેવી બધા જ પ્રકારની જમીનમાં સફળતાપૂર્વક કરી શકાય છે. આ પાકને ગરમ અને સૂકું હવામાન વધુ માફક આવે છે. પ્રતિ હેક્ટરે 10 ટન છાણિયું ખાતર અથવા 5 ટન મરઘાંનું ખાતર નાખી જૂન માસમાં સારી ખેડ કરી જમીન તૈયાર કરી હેક્ટરે 400 ગ્રામ બીજની જૂનના છેલ્લા અઠવાડિયામાં અથવા જુલાઈના પ્રથમ અઠવાડિયામાં વાવણી કરવામાં આવે છે. બીજને બે ચાસ વચ્ચે 45 સેમી. અંતર રાખી 1 સેમી.ની ઊંડાઈએ રેતી અથવા માટીમાં ભેળવી ઉગાડવામાં આવે છે. વરસાદ ન હોય તો પિયત આપવાથી આઠથી દસ દિવસમાં છોડ ઊગી નીકળે છે. ત્યારબાદ જરૂર પ્રમાણે નીંદણ અને શક્ય હોય ત્યાં સુધી આંતરખેડ કરવામાં આવે છે. શંખપુષ્પીની કાપણી જમીન બરાબરથી ઑક્ટોબર માસથી શરૂ કરી દર ત્રણ માસે વર્ષ દરમિયાન ત્રણ વખત કરવાથી ઉચ્ચ ગુણવત્તાવાળું વધુ ઉત્પાદન મેળવી શકાય છે. ત્રણેય કાપણીનું કુલ મળી આશરે 5થી 6 હજાર કિલો સૂકું પંચાંગ મેળવી શકાય છે. ઉત્પાદનનો રંગ લીલો જળવાઈ રહે તે માટે તેને છાંયે સૂકવવામાં આવે છે. રાત્રે તેની ઉપર ઝાકળ ન પડે તેની કાળજી રાખવામાં આવે છે.

સારું બજાર મળે તો ઓછા ખર્ચવાળી તથા આર્થિક રીતે પોષાય તેવી ખેતી શંખપુષ્પીની ગણાય છે. આ છોડ ગરમી સહન કરી શકતો હોવાથી ઉનાળામાં સર્વત્ર જોવા મળે છે. વસ્તીવધારો, વનનાશ, પડતર જમીનમાં ઘટાડો વગેરે કારણોસર તેની ઉપલબ્ધતામાં ઘટાડો થયો છે, પરંતુ આયુર્વેદ તરફનું વલણ વધતાં તેનો વપરાશ વધ્યો છે.

તેનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. તાજા છોડોનું બાષ્પનિસ્યંદન કરતાં લીલી છાંટવાળું આછા પીળા રંગનું તેલ મળે છે. આ વનસ્પતિમાંથી શંખપુષ્પિન્ (C17H23NO3) નામનું એક આલ્કેલૉઇડ અને બે પ્રકારનાં સ્ફટિકીય દ્રવ્ય હોય છે.

ગુણધર્મ : શંખપુષ્પી સ્વાદે કડવી-તૂરી; ગુણમાં ઠંડી, વાયુ અને પિત્તશામક, મેધાશક્તિવર્ધક, રસાયન, અવાજ-સુધારક, વશીકરણ-સિદ્ધિ દેનારી, મળમૂત્રની સારક, પુદૃષ્ટિ તથા વીર્યવર્ધક; યાદશક્તિ, વર્ણ, કાન્તિ, બળ તથા જઠરાગ્નિને વધારનારી, માનસિક રોગો મટાડનારી અને પિત્ત, વાયુ, ખાંસી, વિષ, વાઈ (ફેફરું), કોઢ તથા કૃમિ મટાડનારી છે. તે આયુસ્થાપક, માંગલ્યપ્રદ અને સર્વઉપદ્રવનાશક તથા 100 વર્ષ જિવાડનારી છે. ચિકિત્સાકાર્યમાં સફેદ પુષ્પોવાળી જાત ઉત્તમ ગુણકારી છે, સફેદ પુષ્પની શંખપુષ્પી વાયુ-પિત્તશામક છે; જ્યારે શ્યામ કે ભૂરા રંગની વિષ્ણુક્રાંતા-જાત કફ અને વાયુદોષશામક છે. માનસિક દર્દોની તમામ દેશી દવાઓમાં શંખપુષ્પી વપરાય છે. તે ઠંડી હોવાથી વધુ ઠંડા કે વાયુ પ્રકૃતિવાળા લોકોને હાનિકારક છે. તે હાનિનું નિવારણ કાળાં મરીથી થાય છે.

તેનો ઉપયોગ કફ-વાયુની ઊલટી, ત્રિદોષજન્ય ઉદરરોગ, ચિત્તભ્રમ, ગાંડપણ, શૈયામૂત્ર, પિત્તજ માનસિક રોગો અને કેશપતન, આફરો, ગોળો, કબજિયાત અને હરસ; રુધિરાભિસરણતંત્ર, શ્વસનતંત્ર અને ઉત્સર્જનતંત્રના દર્દોમાં થાય છે.

Evolvulus alsinoides અપસ્માર માટે ઉપયોગી નથી. તેનામાં દીપન, સારક, જ્વરઘ્ન અને પૌદૃષ્ટિક ગુણધર્મો છે. તે ગર્ભાશય, મગજ અને ચેતાતંતુઓ માટે લાભદાયક છે. તે તાવ અને તે પછીની નિર્બળતામાં વપરાય છે. તાવમાં રોગી બકવાસ કરતો હોય કે તોફાન કરતો હોય તો મગજને શક્તિ આપવા અને નિદ્રા લાવવા માટે તેનો ફાંટ આપવામાં આવે છે. રક્તસ્રાવ બંધ કરવા માટે તેનો સ્વરસ આપવામાં આવે છે.

બંગાળમાં Canscora decussata Schult.ને શંખપુષ્પી કહે છે. તેનું કુળ જેન્શિયાનેસી છે. ભારતમાં તે ભેજવાળી જમીન પર બધે જ થાય છે અને 1,200 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. તે એકવર્ષાયુ શાકીય વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં, સંમુખ અને લાંબાં હોય છે, પુષ્પો સફેદ કે આછાં ગુલાબી હોય છે.

આયુર્વેદ અનુસાર તે કડવી, તીખી, દીપન, રોચક, સારક અને શામક છે. ઉન્માદ રોગમાં આશરે 20 ગ્રા.થી 40 ગ્રા. સ્વરસ આપવાથી દસ્ત સાફ આવે છે અને મદ ઊતરી જાય છે. તેનાં મૂળ કબજિયાત, ગુલ્મ અને આફરા પર વાપરવામાં આવે છે.

દિનકર હ. પટેલ

મહેશભાઈ અં. પટેલ

એસ. શ્રીરામ

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ