શંખવટી : પેટનાં દર્દો અને ખાસ કરી પાચનનાં દર્દો માટેની ખૂબ પ્રસિદ્ધ આયુર્વેદિક ઔષધિ.

નિર્માણવિધિ : આમલીનો ક્ષાર  40 ગ્રામ, પંચલવણ [સિંધવ, સંચળ, બીડલૂણ, વરાગડું (સાંભર) મીઠું અને સમુદ્રી (ઘેસથું) મીઠું] 40 ગ્રામ લઈ એક ખરલમાં મિશ્ર કરી, તેમાં 200 ગ્રામ લીંબુનો રસ નાંખી, ઘૂંટવામાં આવે છે. પછી તેમાં 40 ગ્રામ શંખભસ્મ મેળવી તે ઘૂંટાય છે. બીજા ખરલમાં પ્રથમ શુદ્ધ ગંધક તથા શુદ્ધ પારો મિશ્ર કરી ઘૂંટીને તેની કજ્જલી બનાવી, તેમાં ઘીમાં શેકેલી હિંગ, સૂંઠ, મરી, શુદ્ધ વછનાગ અને લીંડીપીપર ચૂર્ણ 1010 ગ્રામ મેળવી અગાઉની દવામાં ભેળવી, તેમાં નવો લીંબુનો રસ નાંખતા જઈ ત્રણ દિવસ સુધી ખરલ કરી, તેની 23 રતીની ગોળીઓ વાળી લેવામાં આવે છે.

માત્રા : 1થી 2 ટૅબ્લેટ કે ગોળીઓ દિવસમાં બેથી ત્રણ વાર પાણી સાથે અપાય છે.

ઉપયોગ : આ ઔષધિ ખાસ કરીને વાયુ અને પિત્તદોષજન્ય અર્જીણ, અપચો, અમ્લપિત્તમાં થતું પેટનું શૂળ કે મંદપાચન, ખાટા-કડવા ઘચરકા, પંક્તિશૂળ વગેરે રોગોમાં લાભપ્રદ છે. આ દવા વાયુદોષથી થતા, વિષ્ટબ્ધાર્જીણથી થતા ઉદરશૂળ તથા અપચામાં સારી અસર કરે છે. એ જ રીતે પિત્તદોષથી થતા વિદગ્ધાર્જીણ રોગના ઉપદ્રવો કંઠમાં દાહ, ખાટા ઓડકાર, પેટમાં બળતરા, જમ્યા પછી ખોરાક, સમયસર ન પચવું (અપચો) જેવા દર્દમાં પણ ઉત્તમ લાભ કરે છે. વળી અન્નવિષ(food poision)થી થતા ઝાડા કે કબજિયાત; મસ્તક પીડા, મૂર્ચ્છા, ભ્રમ, પીઠ અને કમર જકડાઈ જવી, બગાસાં, તરસ, તાવ, ઊલટી, મરડો, અરુચિ વગેરે વિકારોમાં પણ આ દવા સારી લાભપ્રદ છે. અપચાથી થતા ઝાડાના દર્દમાં તેમજ સંગ્રહણી રોગની તીવ્ર અવસ્થામાં જ્યારે કફપ્રધાન લક્ષણો સાથે ઉદરશૂળ હોય ત્યારે પણ આ દવા સારું પરિણામ આપે છે. પરિણામે શૂળ રોગમાં કબજિયાત, આફરો અને પેટમાં ચૂંક થતાં હોય ત્યારે અથવા હોજરીમાં ખોરાક વધુ સમય પચ્યા વિના પડી રહેવાથી થતા ઉદરશૂળમાં પણ તે કામ કરે છે. આ ઉપરાંત જૂની કબજિયાતના રોગમાં નાના અને મોટા આંતરડાના સંયોગસ્થાને, આંત્રપુચ્છમાં કે મોટા આંતરડામાં થતા ગૅસ વાયુ, ચૂંક, આફરો, ગભરામણ, અસુખ જેવાં લક્ષણોની સ્થિતિમાં પણ શંખવટી સારો લાભ કરે છે.

શંખવટી વાત અને કફ દોષના વિકારો ઉપરાંત હોજરી, યકૃત (લીવર), બરોળ અને નાનાં-મોટાં આંતરડાં ઉપર વિશેષ અસર કરે છે.

સૂચના : આ દવાની ગોળી મોંમાં રાખી ચૂસવી કે ચાવવી નહિ. પાણી સાથે તે ગળી જવી. કોઈને આ દવાના સેવનથી મોં આવી જવું, દાંતમાં દર્દ કે હરસમાં લોહી પડવું જેવા ઉપદ્રવો જણાય ત્યારે આ દવા બંધ કરી દેવાય છે કે તેની સાથે સંશમની કે અમૃતાઘનવટીની ગોળી ઉમેરીને લેવાય છે.

વૈદ્ય બળદેવપ્રસાદ પનારા