વ્હેલી વૉટસન જૉન (કર્નલ) (. 1838, પુણે; . 1889) : કાઠિયાવાડના 4થા પોલિટિકલ એજન્ટ તથા ગુજરાતના પુરાતત્વના જ્ઞાતા. પિતા વ્હેલી પુણેમાં બ્રિટિશ સરકારના એક અધિકારી હતા. 16 વર્ષની વયે જૉને ઇંગ્લૅન્ડમાં લશ્કરી તાલીમ પૂરી કરી ભારત આવી પુણે એક્સાઇન રેજિમેન્ટમાં ભરતી થયા. ક્રમશ: ઉત્તરોત્તર બઢતી મેળવતા જઈ 1862માં કૅપ્ટન થયા અને ફેબ્રુઆરી 1863માં કાઠિયાવાડના પ્રથમ 4થા આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ ને બાદમાં 1886માં પોલિટિકલ એજન્ટ તરીકે નિમાયા. લગભગ 25 વર્ષના સમય દરમિયાન વડોદરા, ભાવનગર, ગોંડલ, પાલિતાણા ખાતે વિભિન્ન હોદ્દાઓ પર ફરજ બજાવી. છેલ્લે પોલિટિકલ એજન્ટ તરીકે રાજકોટ રહ્યા. આ પદ પર તો તેઓ ત્રણ વર્ષ જ રહ્યા હોવા છતાં તેમની લોકાભિમુખ કામગીરી પ્રશસ્ય રહી. ભારતમાં આવેલ અન્ય અંગ્રેજ અધિકારીઓ કરતાં અલગ પડતાં વૉટસનને અહીંનાં દેશી રાજ્યો અને તેના વિભિન્ન લોકોમાં રસ પડતાં તેઓની સાથે સતત સંપર્ક ને સંબંધ વધારતા રહ્યા. અહીંના સૌરાષ્ટ્રના ઇતિહાસ ને પુરાતત્વમાં સવિશેષ રુચિ હોઈ એ અંગે વિપુલ માહિતી-સામગ્રી એકઠી કરી. ‘હિસ્ટરી ઑવ્ કાઠિયાવાડ’ (1886) નામે દળદાર ગ્રંથ લખ્યો; જેમાં સૌરાષ્ટ્રના પ્રાચીનથી છેક છેલ્લે સુધીના ઇતિહાસનું આલેખન કરવા ઉપરાંત અહીંની વિવિધ કોમો અને ગામોનો સંક્ષિપ્ત પરિચય પણ આપેલ છે. આ પુસ્તક કર્નલ વૉટસને કર્નલ બાર્ટન, મેજર નટ, મેજર હંટર વગેરે અંગ્રેજ સહાયકો ઉપરાંત આચાર્ય વલ્લભજી હરિદત્તના મહત્વના સહયોગથી લખેલ. તત્કાલીન કાઠિયાવાડ પ્રાંતના પ્રાચીન ઇતિહાસ ઉપરાંત રાજકીય પરિસ્થિતિ, વસ્તી, જમીન, વહીવટ, ન્યાય, કેળવણી તેમજ લોકસ્થિતિની વિગતે માહિતી આપે છે. પ્રસ્તુત ગ્રંથના સૌથી મોટા પ્રકરણ (13)માં ‘જાણવા જોગ જગાઓ’ અંતર્ગત પ્રાંતનાં લગભગ તમામ ગામોનો પરિચય આપેલ છે. પ્રસ્તુત ગ્રંથ તત્કાલીન પ્રાપ્ત સાધનોને આધારે તૈયાર કરેલ મહત્વનો સંદર્ભગ્રંથ છે. આ ગ્રંથનો કવિ નર્મદે ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ નામથી ગુજરાતી અનુવાદ પણ કરેલ છે. આ ઉપરાંત તેમણે કાઠીનો પણ સંક્ષિપ્ત ઇતિહાસ લખેલ, જે અદ્યાપિ અપ્રસિદ્ધ છે. કર્નલ વૉટસન અને આચાર્ય વલ્લભજી હરિદત્તે જૂનાગઢ આસપાસનો પુરાતત્ત્વીય સર્વે પણ કરેલ. એટલું જ નહિ, જૂનાગઢ (જીર્ણ દુર્ગ) અંગે ઘણી માહિતી-સામગ્રી પણ એકઠી કરેલ. ફાર્બસના પ્રસિદ્ધ ગ્રંથ ‘રાસમાલા’(ગુજરાતનો ઇતિહાસ)ની પ્રસ્તાવના પણ એમણે લખી છે. રાજકોટના કબ્રસ્તાનના એક ખૂણે ઝાડી-ઝાંખરાં વચ્ચે કર્નલ વૉટ્સનની આરસની કબર આવેલ છે. રાજકોટનું મ્યુઝિયમ ‘વૉટસન મ્યુઝિયમ’ નામથી પ્રખ્યાત છે.

હસમુખ વ્યાસ