વ્હૉલર, ફ્રેડરિક (Wohler, Friedrich) (. 31 જુલાઈ 1800જર્મની; . 23 સપ્ટેમ્બર 1882, ગોટિન્જન, જર્મની) : અકાર્બનિક (inorganic) પદાર્થમાંથી કાર્બનિક (organic) સંયોજન(યુરિયા)નું સૌપ્રથમ સંશ્લેષણ કરનાર તેમજ ધાત્વિક ઍલ્યુમિનિયમ બનાવવાની વિધિ વિકસાવનાર જર્મન રસાયણવિદ. તેમણે ફ્રૅન્કફર્ટ જિમ્નેશિયમમાં અભ્યાસ કર્યો હતો પણ તેઓ વિદ્યાર્થી તરીકે બહુ ઝળક્યા ન હતા.

ફ્રેડરિક વ્હૉલર

પાછળથી તેમણે આનું કારણ આપતાં જણાવ્યું હતું કે તેમને રસાયણશાસ્ત્રમાં એટલો બધો રસ પડ્યો હતો કે તેઓ પોતાનો મોટા-ભાગનો સમય ખનિજો એકઠી કરવામાં અને ઘરે રાસાયણિક પ્રયોગો કરવામાં ગાળતા. 1820માં તેઓ માર્બુર્ગ યુનિવર્સિટીમાં ફિઝિશિયન બનવાના ઇરાદાથી જોડાયા. તે પછીના વર્ષે તેઓ હાઈડેલબર્ગ આવ્યા અને ત્યાં જર્મનીના ખ્યાતનામ રસાયણવિદ લિયૉપોલ્ડ ગ્મેલિનની અસર હેઠળ આવ્યા. ગ્મેલિને તેમને રસાયણશાસ્ત્રમાં પોતાની કારકિર્દી બનાવવાની સલાહ આપી. આમ, 1823માં ભલે તેમણે તબીબી પદવી મેળવી છતાં તેમણે પ્રૅક્ટિસ ન કરતાં સ્ટૉકહોમમાં યુરોપના આગળ પડતા રસાયણવિદ જે. જે. બર્ઝેલિયસ પાસે રસાયણશાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો અને તેમની સાથે એક વર્ષ (1823-24) માટે કાર્ય કર્યું. પોતાના શિક્ષક સાથેની તેમની મિત્રતા જીવનભર ચાલુ રહી હતી અને બર્ઝેલિયસનાં ઘણાં પુસ્તકોનો તેમણે જર્મન ભાષામાં અનુવાદ કર્યો હતો.

જર્મની પાછા ફર્યા બાદ 1825માં તેમણે બર્લિનમાં રસાયણશાસ્ત્ર ભણાવવાનું શરૂ કર્યું અને 1831 સુધી ત્યાં રહ્યા. 1836થી તેમના મૃત્યુ સુધી તેમણે ગોટિન્જન વિશ્વવિદ્યાલયમાં પ્રાધ્યાપક તરીકે શિક્ષણકાર્ય તથા સંશોધન કર્યું. વ્હૉલરે સાયનેટ્સની શોધ કરીને 1828માં જાહેર કર્યું કે એમોનિયમ સાયનેટ(એક અકાર્બનિક પદાર્થ)ને ગરમ કરવાથી યુરિયા બને છે.

NH4CNO → CO(NH2)2

યુરિયા એક જાણીતી પ્રાણીજ નીપજ છે. આમ, અકાર્બનિક પદાર્થોમાંથી પ્રાણીજ પદાર્થ (યુરિયા) બનાવવાને કારણે તે સમયે પ્રચલિત જીવનબળ સિદ્ધાંત(theory of vital force)ને મોટો ધક્કો લાગ્યો. 1840ના દાયકામાં કોલ્બેએ તથા 1850ના દાયકામાં બર્થોલેટે આવા અનેક કાર્બનિક પદાર્થો અકાર્બનિક પદાર્થોમાંથી મેળવ્યા. પરિણામે જીવનબળ સિદ્ધાંતનું ખંડન થયું. 1828નું વ્હૉલરનું યુરિયાનું સંશ્લેષણ બધાંના મતે જીવનબળ સિદ્ધાંત તોડનારું મુખ્ય પરિબળ ગણાયું છે.

1832માં વ્હૉલરનાં પહેલાં પત્નીનું અવસાન થતાં લીબીગે તેમને પોતાની પાસે ગીઝેન (Giessen) આવી સંશોધનમાં જોડાવા આમંત્ર્યા. અહીં કડવી બદામના તેલ ઉપર સંશોધન દ્વારા આ બંનેએ બેન્ઝાલ્ડિહાઇડ, બેન્ઝૉઇક ઍસિડ, બેન્ઝોઇલ ક્લોરાઇડ અને બેન્ઝામાઇડ બનાવ્યાં. આ સમયે કાર્બનિક રસાયણમાં બંધારણ અંગેનો સિદ્ધાંત અસ્તિત્વમાં આવવાનો સમય પાક્યો નહોતો, પરંતુ વ્હૉલર તથા લીબીગે પરમાણુઓનો સમૂહ (બેન્ઝૉઇલ સમૂહ C6H5 CO) તેમનાં બધાં જ સંયોજનોમાં હાજર હતો તે સાબિત કરીને કાર્બનિક રસાયણોમાં સમૂહોનાં અસ્તિત્વ વિશે જાણકારી મેળવી. હવે તો કાર્બનિક રસાયણ એટલે સમૂહોનું વિજ્ઞાન એવી પરિભાષા માન્ય થઈ છે.

1827માં ઍલ્યુમિનિયમ તથા 1828માં બેરિલિયમ મેળવનાર વ્હૉલર પ્રથમ હતા. આ ઉપરાંત યિટ્રિયમ, ટ્રાઇટેનિયમ વગેરેને તેઓનાં ખનીજમાંથી તેમણે અલગ પાડી બતાવ્યાં તથા બોરોન અને સિલિકોનનાં સ્ફટિકમય સ્વરૂપો બનાવ્યાં. કૅલ્શિયમ કાર્બાઇડ બનાવી તેમાંથી એસિટિલીન વાયુ મેળવનાર પણ તેઓ પ્રથમ હતા. છેક 1863માં તેમણે કાર્બન અને સિલિકોનનાં સંયોજનોમાં સામ્ય દર્શાવ્યું હતું.

તેમણે કાર્બનિક, અકાર્બનિક અને વૈશ્લેષિક રસાયણ વિશેનાં પુસ્તકો પણ લખ્યાં છે. ‘જસ્ટસ લીબિગ્સ એનાલેન દર કેમિ’ના તેઓ એક સંપાદક પણ રહ્યા હતા.

જ. પો. ત્રિવેદી