વ્હિસ્લર, જેમ્સ (ઍબોટ) મેકનીલ (WHISTLER JAMES (ABBOT) MCNEILL)
January, 2006
વ્હિસ્લર, જેમ્સ (ઍબોટ) મેકનીલ (WHISTLER JAMES (ABBOT) MCNEILL) (જ. 14 જુલાઈ 1834, લૉવેલ, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; અ. 17 જુલાઈ 1903, લંડન) : લંડનના રાત્રિજીવનનાં ચિત્રો તથા વ્યક્તિચિત્રો આલેખવા માટે જાણીતો અમેરિકન ચિત્રકાર.
એમના વડવાઓ સ્કૉટિશ અને આયરિશ ખાનદાનના હતા. વિદ્યાર્થી તરીકે તે ‘યુનાઇટેડ સ્ટેટ્સ મિલિટરી એકૅડેમી’માં જોડાયા પણ તુરત જ ત્યાંથી છૂટા થઈ ગયા. એમની તલબ કલાની હતી.
1855માં તેઓ ચિત્રકલાનો અભ્યાસ કરવા માટે પૅરિસ ગયા. અહીં તેમણે બેફિકરા રખડુ કલાવિદ્યાર્થી તરીકે જીવન શરૂ કર્યું. પહેલેથી જ તેમનાં ચિત્રોમાં નક્કર વાસ્તવવાદ દેખાય છે. તેમને કલ્પનોત્થ પુરાકથાઓ કે ધાર્મિક પ્રસંગો કે ઐતિહાસિક પ્રસંગો પ્રત્યે આરંભથી જ સૂગ હતી. કલ્પનોત્ય વિષયોની બાદબાકી કરતા શૈલીમાં કામ કરતા ચિત્રકારો ગુસ્તાવ કૉર્બે (Gustave Courbet) તથા હાંરી ફાન્તિ-લાતૂર (Henri Fantin-Latour) તરફ તેમને આકર્ષણ થયું; તેમના ઘનિષ્ઠ સંપર્કમાં તેઓ આવ્યા. કોર્બેના તે અંતેવાસી બન્યા અને કોર્બે સાથે તેઓ બ્રિટની અને બ્રિટન ગયા; સમુદ્રનાં નિસર્ગચિત્રો ચીતરવાં તેમણે શરૂ કર્યાં. 1863માં તેઓ લંડનમાં સ્થિર થયા. પછીને વર્ષે તેમણે પૅરિસમાં પોતાનાં ચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન કર્યું. ત્યારે ફ્રેંચ કવિ ચાર્લ્સ બોદલેરે તેમની પ્રશસ્તિ કરી. કલાપ્રદર્શનની સરકારી સંસ્થા સાલોં (Salon) સામે તરછોડાયેલા કલાકારોએ ઊભી કરેલી સંસ્થા સાલોં દ રેફ્યુસે(Salon de Refuses)માં તેમણે એ જ વર્ષે તેમનું ચિત્ર ‘સિમ્ફની ઇન વ્હાઇટ નં. 1 : ધ વ્હાઇટ ગર્લ’ રજૂ કર્યું. ઘણા કલાપ્રેમીઓ અને કલાકારોને આ ચિત્ર ગમી ગયું. પછી અઢારમી સદીની જાપાની છાપચિત્રકલા ઉકિયો-ઇ (Ukiyo-E) પ્રત્યે તેમને આકર્ષણ જાગ્યું. ઉકિયો-ઇના પ્રભાવ હેઠળ થોડાં ચિત્રો ચીતર્યાં; જેમાં સૌથી વધુ વિખ્યાત છે : ‘રોઝ ઍન્ડ સિલ્વર’ તથા ‘કૅપ્રિસ ઇન પર્પલ ઍન્ડ ગોલ્ડ નં. 2 : ધ ગોલ્ડન સ્ક્રીન’.
1866માં તેમણે ચિલીની મુલાકાત લીધી. ચિલીની પ્રકૃતિને પણ તેમણે ચિત્રોમાં ઉતારી. ચિત્રો છે : ‘સિમ્ફની ઇન ગ્રે ઍન્ડ ગ્રીન : ધ ઓશન’ તથા ‘ઑલ્ડ બેટર્સી બ્રિજ નૉકચર્ન : બ્લ્યૂ ઍન્ડ ગોલ્ડ’.
ચિત્રોનાં શીર્ષકોમાં ‘સિમ્ફની’, ‘હાર્મની’, ‘બેલેડ’, ‘નૉકચર્ન’, ‘કૅપ્રિસ’, ‘માઝુર્કા’ જેવા સાંગીતિક શબ્દો વાપરવાનું તેમનું કારણ સ્પષ્ટ હતું. જે રીતે કાન વડે સંગીત માણવામાં આવે છે તે રીતે આંખ વડે ચિત્રો માણવાનું વ્હિસ્લરનું ઇજન એમાં છે.
1870 પછી વ્યક્તિચિત્રણાએ તેમની કલામાં મુખ્ય સ્થાન લીધું; જેમાં સૌથી વધુ નોંધપાત્ર છે : ‘ઍરેન્જમેન્ટ ઇન ગ્રે ઍન્ડ બ્લૅક, નં. 1 : ધી આર્ટિસ્ટ્’સ મધર’; ‘હાર્મની ઇન ગ્રે ઍન્ડ ગ્રીન’ : મિસ સિસિલી ઍલેક્ઝાન્ડર’; ‘ઍરેન્જમેન્ટ ઇન ગ્રે ઍન્ડ બ્લૅક, નં. 2 : થૉમસ કાર્લાઇલ’ તથા ‘સિમ્ફની ઇન ફ્લૅશ કલર ઍન્ડ પિન્ક : મિસિસ ફ્રેડરિક લેલેન્ડ’. સ્પૅનિશ ચિત્રકાર ડાયેગો વાલાસ્ક્વેથ(Diego Velazquer)થી પ્રભાવિત આ બધાં ચિત્રોમાં રંગોનો ઉપયોગ અત્યંત મૃદુતાભર્યો જોવા મળે છે. સત્તરમી સદીના ફ્લેમિશ ચિત્રકાર ઍન્થની વાન ડીક તરફનું વ્હિસ્લરનું આકર્ષણ પણ અહીં છતું થાય છે.
1878માં લંડન ખાતેની ગ્રૉસ્વેનૉર ગૅલરી ખાતે તેમણે ભીંતચિત્ર ચીતર્યું; અને લીવરપુલના એક વહાણવટી શ્રીમંત એફ. આર. લેલૅન્ડ માટે તેમના લંડનના નિવાસમાં એક મોટો ઓરડો અંદરથી ચીતરી આપ્યો, જે ‘પીકૉક રૂમ’ નામે પ્રસિદ્ધિ પામ્યો. કમનસીબે લેલૅન્ડને વ્હિસ્લરના ચિત્રકામથી સહેજેય સંતોષ થયો નહિ. 1919માં આ ઓરડો લંડનની ફ્રીયર ગૅલરી ઑવ્ આર્ટમાં ખસેડવામાં આવ્યો. એ પછી વ્હિસ્લરે થોડાં પુસ્તકોનાં આવરણો માટે પણ ચિત્રો કર્યાં.
લંડનમાં રહેતા ‘પ્રિરફાયેલાઇટ બ્રધરહૂડ’, કલાઆંદોલન ચિત્રકારો આલ્બર્ટ મૂરે અને દાંતે ગૅબ્રિયલ રોસેતી સાથે વ્હિસ્લરને દોસ્તી થઈ. કૉર્બે તથા પોતાને માટે મૉડેલિંગનું કામ કરતી આયરિશ મહિલા જો હિફર્નાન સાથે તેમણે ઘણાં વર્ષોથી લગ્ન વિના રહેવા માંડેલું. તેમની નાણાકીય હાલત બહુ સારી નહોતી. તેઓ સતત નાણાંની તંગી અનુભવતા હોવા છતાં મિત્રો અને મહેમાનો પાછળ પૈસા લૂંટાવી દેતા.
વ્હિસ્લરના એક ચિત્ર ‘નૉકચર્ન ઇન બ્લૅક ઍન્ડ ગોલ્ડ : ધ ફૉલિન્ગ રૉકેટ’ ઉપર વિખ્યાત નીતિવાદી વિવેચક જૉન રસ્કિને જાહેરમાં કડવી ટીકા કરેલી. તેના પ્રત્યાઘાતમાં વ્હિસ્લરે 1877માં કોર્ટમાં બદનક્ષીનો દાવો કરેલો. કોર્ટમાં વ્હિસ્લર દાવો જીત્યો પણ ખરો, પણ વળતર પેટે તેમને માત્ર એક જ ફાર્ધિન્ગ (farthing) મળ્યો. દાવા માટે વકીલ પાછળ કરેલા ધૂમ ખર્ચાની સામે મળેલું આ વળતર તદ્દન હાસ્યાસ્પદ હતું. પરિણામે 1879માં વ્હિસ્લર નાદાર જાહેર થયા. ચેલ્સીયા (Chelsea) ખાતેનું તેમનું સુંદર ઘર વ્હાઇટ હાઉસ તેમણે નછૂટકે વેચવું પડ્યું. પોતાની નવી રખાત મૉડ ફ્રેન્કલીન સાથે તે વેનિસ ચાલ્યા ગયા. ત્યાંના ચૌદ માસના નિવાસ દરમિયાન તેઓ ત્યાંના સ્થાનિક શ્રીમંતો અને પ્રવાસીઓ બંને માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ દરમિયાન તેમણે વેનિસમાં તૈલચિત્રણા તદ્દન બંધ કરી દીધેલી અને માત્ર ઑઇલ પૅસ્ટલ્સ તથા જળરંગો વડે જ ચીતરવાનું રાખેલું. વેનિસની ફાઇન આર્ટ સોસાયટી માટે તેમણે 50 છાપચિત્રો (Etchings) સર્જ્યાં. આ છાપચિત્રોનું લંડનમાં 1880 અને 1883માં એમ બે વાર પ્રદર્શન થયું અને તેથી પોતાની ગુમાવેલી સુવાસ તેઓ પાછી મેળવી શક્યા. લંડન પાછા ફરીને તૈલરંગો વડે વ્યક્તિચિત્રો ચીતરવાનું ફરી શરૂ કર્યું. તેમાં પાબ્લો દા સારાસાતે, લેડી ઍર્ચિબાલ્ડ કૅમ્પબેલ, થિયોડોર દુરે, રૉબર્ટ મોન્તેસ્કયુ-ફેઝેન્સે, (Montesquiou-Fezensac) જેવી પ્રસિદ્ધ હસ્તીઓ મૉડેલ તરીકે જોવા મળે છે.
જીવનનાં અંતિમ વર્ષોમાં વ્હિસ્લર આધુનિક કલાના મોરચા પર અગ્રેસર રહી શક્યા નહિ. કૉર્બે અને વ્હિસ્લરની બાર્બિઝોં શૈલીથી પણ આધુનિકતામાં એક ડગલું આગળ એવી પ્રભાવવાદી ચળવળ હવે 1890માં જન્મ લઈ ચૂકી હતી. વ્હિસ્લર પ્રભાવવાદી જેવા શુદ્ધ રંગોમાં નિસર્ગ ચીતરી શક્યા નહિ. ઑસ્કાર વાઇલ્ડ સાથે વાદવિવાદમાં એ ઊતર્યા. 1888માં વાઇલ્ડે બિયાટ્રિક્સ ગૉડ્વીન નામની એક વિધવા સાથે લગ્ન કરેલું. 1890 પછી બંનેએ પૅરિસમાં વસવાટ શરૂ કરેલો. પૅરિસમાં તેમણે એક કળાશાળા પણ શરૂ કરી. 1896માં બિયાટ્રિક્સનું અવસાન થતાં વ્હિસ્લર એવા ઊંડા વિષાદમાં ખૂંપી ગયા કે તેઓ મૃત્યુપર્યંત તેમાંથી બહાર નીકળ્યા નહિ.
1885માં વ્હિસ્લરે કલા ઉપર આપેલું વ્યાખ્યાન ‘ટેન ઓ ક્લૉક’ પુસ્તક રૂપે પ્રકાશિત થયું છે. આ ઉપરાંત તેમના પત્રો ‘ધ જેન્ટલ આર્ટ ઑવ્ મેકિન્ગ એનિમિઝ’ 1890માં છપાયેલા. આ બંને પુસ્તકોમાં તેમની દૃઢ પ્રતીતિઓ અને ચબરાક રમૂજ પ્રગટ થાય છે.
અમિતાભ મડિયા