વ્હિસ્લર : સુસવાટા મારતું વાતાવરણ. સંવેદનશીલ ધ્વનિવર્ધક (audioamplifier) વડે પ્રસંગોપાત્ત, ઉત્સર્જિત થતો ઉચ્ચથી નિમ્ન આવૃત્તિવાળો, હળવેથી પસાર થતો (gliding) આ ધ્વનિ છે. પ્રારંભમાં તે અડધી સેકન્ડ જેટલો ટકે છે. ત્યારબાદ સમાન અંતરાલે (સમયાંતરે) તેનું પુનરાવર્તન થતું હોય છે. તે પછી, આવો અંતરાલ લાંબો થતો અને મંદ પડતો જાય છે. વાતાવરણમાં થતા તડિત-વિસર્જન-(lighthing-discharge)માં તેનું મૂળ રહેલું છે. ખાસ કરીને 300થી 30,000 હર્ટ્ઝ આવૃત્તિઓવાળા વિદ્યુતચુંબકીય વિકિરણ સાથે સંકળાયેલી આ ઘટના છે.

વિદ્યુતચુંબકીય તરંગો, આમ તો સીધેસીધા સંભળાતા નથી. પણ તેમને એ જ આવૃત્તિવાળા ધ્વનિમાં રૂપાંતર કરીને ધ્વનિવર્ધક વડે શ્રાવ્ય (audible) બનાવી શકાય છે. પૃથ્વીના ઉપલા વાતાવરણે આયનીકૃત (ionized) વિભાગોમાં આવેલા એક અર્ધગોળાર્ધમાંથી બીજામાં તે સંચરણ પામે છે. 19,000થી 26,000 કિમી.ની ઊંચાઈએ ચુંબકીય વિષુવવૃત્ત આગળ આવું બને છે. આ સંકેતો, ઝડપી અને ઉચ્ચ આવૃત્તિવાળા તરંગોને અનુસરી, જ્યાં સુધી વિરુદ્ધ ગોળાર્ધમાં અનુરૂપ ભૂચુંબકીય અક્ષાંશ (geomagnetic latitude) વડે પરાવર્તન થાય ત્યાં સુધી ચુંબકીય બળરેખાઓની દિશામાં ગતિ કરે છે.

નિમ્ન (ધીમા) તારત્વ (pitch) વાળા ધ્વનિ આગળ રહેલા ધ્વનિવર્ધકના ઉચ્ચ આવૃત્તિઘટક પાસે પહોંચતાં આવું વ્હિસલિંગ થાય છે. તરંગોના વિસર્જન (dispersion) અને શોષણ (absorption) વડે વારંવાર પેદા થતાં પરાવર્તનો લાંબાં થતાં જાય છે અને મંદ પંડે છે. આ પ્રક્રિયા વ્હિસલિંગ માટે કારણભૂત બને છે.

વિસર્જનની અસરના અભ્યાસને આધારે 19,000થી 26,000 કિમી.ની ઊંચાઈએ ઇલેક્ટ્રૉનની ઘનતા નક્કી કરી શકાય છે. સાથે સાથે ઉપલા વાતાવરણમાં ઇલેક્ટ્રૉન ઘનતામાં થતા દૈનિક, વાર્ષિક અને દીર્ઘકાલીન ફેરફારો પણ નક્કી કરી શકાય છે.

પ્રહલાદ છ. પટેલ