વ્હિલર, મોર્ટિમર (. 1890; . 1976) : પુરાતત્વ-ખોદકામ-પદ્ધતિને સુયોજિત વૈજ્ઞાનિક સ્વરૂપ આપનાર પ્રસિદ્ધ પુરાવિદ. મધ્યમવર્ગીય સ્કૉટિશ પરિવારમાં જન્મેલ વ્હિલરનું પૂરું નામ રૉબર્ટ એરિક મોર્ટિમર વ્હિલર. અભ્યાસ પૂરો કર્યા પછીથી રૉયલ કમિશન ઑવ્ હિસ્ટૉરિકલ મ્યુઝિયમમાં જુનિયર સંશોધક તરીકે જોડાયા બાદ પહેલું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં એમણે ફ્રાન્સ અને ઇટાલીના મોરચે તોપદળમાં કામ કરેલ. આ પછીથી વેલ્સના નૅશનલ મ્યુઝિયમના પુરાતત્વ-વિભાગના વડા તરીકે નિમણૂક મળી. બીજા વિશ્વયુદ્ધમાં પણ એમણે ભાગ લીધેલ.

મોર્ટિમર વ્હિલર

આ સમય દરમિયાન ઈ. સ. 1944માં ભારતના પુરાતત્વ ખાતાના નિવૃત્ત થતા વડા જ્હૉન માર્શલની જગ્યાએ નીમવામાં આવ્યા. અહીં ચાર વર્ષ સફળ કામગીરી બજાવી. આ પછી પણ છેક ઈ. સ. 1965માં ભારત સરકારે પુરાતત્વ-વિભાગની પુનર્રચનાનું માળખું તૈયાર કરવા તેમને ખાસ બોલાવેલા. તે કામ એમણે ત્રણ સપ્તાહમાં કરી આપેલું. એમણે સર્વપ્રથમ વાર થર (સ્તર) વાર ખોદકામ  કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી. આ પદ્ધતિ મુજબ એમણે સર્વપ્રથમ વાર ઇંગ્લૅન્ડમાં Maiden Castle નામના સ્થળે ખોદકામ કરી-કરાવી રોમન કિલ્લેબંધી શોધી કાઢેલી. ભારતમાં તક્ષશિલાના ખોદકામ ઉપરાંત કર્ણાટકના અરિક મેડુ નામના સ્થળે ખોદકામ કરી (ઈ. સ. 1945) પ્રાચીન ભારત-રોમ વચ્ચે વ્યાપારિક સંબંધ હોવાનું પુરાતાત્ત્વિક પ્રમાણોથી સિદ્ધ કર્યું. આનાથી દક્ષિણ ભારતના ઇતિહાસનો કાળક્રમ પણ નિશ્ચિત થયો. અરિક મેડુનું ખોદકામ વ્હિલરનું શ્રેષ્ઠ કાર્ય મનાય છે. આ પછીથી ઈ. સ. 1946માં હડપ્પા નગરની કિલ્લેબંધી પણ પ્રકાશમાં લાવ્યા. ‘સિવિલાઇઝેશન ઑવ્ ઇન્ડસ ઍન્ડ બિયૉન્ડ’, ‘સ્પ્લેન્ડર્સ ઑવ્ ધી ઈસ્ટ’, ‘અર્લી ઇન્ડિયા ઍન્ડ પાકિસ્તાન’, ‘ધી ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન’ વગેરે પ્રમુખ સંશોધન-ગ્રંથો ઉપરાંત ‘સ્ટિલ ડિગિંગ’ નામે આત્મકથા પણ લખી છે.

હસમુખ વ્યાસ