વ્હિપલ, જ્યૉર્જ હૉયટ (George Hoyt Whipple) (. 28 ઑગસ્ટ 1878, ઍશલૅન્ડ, ન્યૂહૅમ્પશાયર, યુ.એસ.; . 1 ફેબ્રુઆરી 1976) : સન 1934ના દેહધર્મવિદ્યા કે તબીબીવિદ્યા અંગેના નોબેલ પારિતોષિક-વિજેતા. તેઓ સાથે જ્યૉર્જ આર. મિનોટ અને વિલિયમ પી. મર્ફિને પણ આ સન્માન પ્રાપ્ત થયું હતું. વિપ્રણાશી પાંડુતા(pernicious anaemia)ના રોગમાં યકૃત વડે સારવાર કરવાથી ફાયદો થાય છે તે દર્શાવવા માટે તેમનું આ બહુમાન કરવામાં આવ્યું હતું. તેઓ એશ્લી કુપર (પિતા) તથા ફ્રાન્સિસ (Frances) હૉયટ(માતા)ના પુત્ર હતા. તેમના પ્રપિતા અને પ્રપિતામહ ન્યૂ હૅમ્પશાયરમાં જ જન્મ્યા, ઊછર્યા અને તબીબ તરીકે જીવ્યા હતા. એન્ડોવર અકાદમીમાં શિક્ષણ પ્રાપ્ત કરીને તેઓ યેલ વિશ્વવિદ્યાલયમાં ગયા, જ્યાં તેમણે સન 1900માં ઉપાધિ મેળવી.

જ્યૉર્જ હૉયટ વ્હિપલ

સન 1905માં જ્હૉન્સ હૉપ્કિન્સ વિશ્વવિદ્યાલયમાંથી એમ.ડી.ની ઉપાધિ મેળવવામાં સફળ થયા. ત્યાંની તબીબી શાખામાં રુગ્ણવિદ્યા(pathology)માં મદદનીશ તરીકે નિમાયા (1905). વચ્ચે એક વર્ષ તેઓ ઍન્કન હૉસ્પિટલ, પનામામાં રુગ્ણવિદ (pathologist) તરીકે ગયા હતા તેને બાદ કરતાં સન 1914 સુધી તેઓ જૉન્સ હૉપ્કિન્સ વિશ્વવિદ્યાલયમાં જ રહ્યા, જ્યાં તેઓ સહપ્રાધ્યાપકના હોદ્દા સુધી પહોંચ્યા. સન 1914માં કૅલિફૉર્નિયા મેડિકલ સ્કૂલમાં સંશોધનલક્ષી તબીબી વિદ્યાના પ્રાધ્યાપક બન્યા. ત્યારબાદ તેઓ મેડિકલ સંશોધનના હુપર ફાઉન્ડેશનમાં નિયામક અને સન 1920-21માં ડીન બન્યા. સને 1921માં તેઓ મેડિસિનના પ્રાધ્યાપક અને રોચેસ્ટર વિશ્વવિદ્યાલયની મેડિસન સ્કૂલના ડીન બન્યા.

તેમણે પાંડુતા (anaemia) તથા યકૃતની દેહધર્મક્રિયા અને રુગ્ણવિદ્યાનો વિશેષ અભ્યાસ અને તે અંગે સંશોધનો કર્યાં હતાં. જૉન્સ હૉપ્કિન્સ ખાતે તેમણે યકૃતની અતિશય પુનર્જનન (regeneration) ક્ષમતા અંગે જાણકારી મેળવી હતી. તેમણે પિત્તનાં રંગદ્રવ્યોના ઉત્પાદન અને ઉત્સર્જનનો અભ્યાસ કરીને કમળો થવાની પ્રક્રિયા અંગે પણ માહિતી મેળવી હતી. તેમણે પિત્તનાં રંગદ્રવ્યો યકૃતની બહાર બને છે તેવું સી.ડબ્લ્યૂ. હૂપર સાથે સંશોધન કરીને દર્શાવ્યું હતું. હૂપર ઇન્સ્ટિટ્યૂટમાં તેમણે પાંડુતા અંગે પણ અભ્યાસ કર્યો હતો. તેમાં તેમણે લોહી વહેવડાવીને તથા ઊણપવાળો ખોરાક આપીને કૂતરામાં પાંડુતા કરવાના પ્રયોગો કર્યા હતા. તેમાં તેમણે વિપ્રણાશી પાંડુતાની સારવારમાં યકૃતની મહત્તા દર્શાવી હતી, જેણે તેમને નોબેલ પારિતોષિક અપાવ્યું. આ ઉપરાંત તેમણે ક્ષયરોગ, સ્વાદુપિંડશોથ (pancreatitis), ક્લૉરૉફોર્મની ઝેરી અસર, વિકિરણશીલ સમસ્થાની દ્રવ્ય વડે પ્રોટીનનો ચયાપચય અને પ્રજીવક B12ના વિતરણ અને ક્રિયાકાર્યનો અભ્યાસ પણ કર્યો હતો. તેમને અનેક સન્માનો પ્રાપ્ત થયાં હતાં. તેમણે સન 1914માં કેથેરિન બૉલ વૉરિંગ સાથે લગ્ન કર્યાં હતાં, જેનાથી એક પુત્ર (જ્યૉર્જ) અને એક પુત્રી (બાર્બરા) મળ્યાં હતાં.

શિલીન નં. શુક્લ