વ્હિપલ, ફ્રેડ (Fred Lawrence Whipple) (. 1906, આયોવા સ્ટેટ, યુ.એસ.; . 30 ઑગસ્ટ 2004,) : વીસમી સદીના એક ખ્યાતનામ અમેરિકન ખગોળવિજ્ઞાની. કૅલિફૉર્નિયા યુનિવર્સિટીના લૉસ ઍન્જેલસ ખાતેથી વિજ્ઞાનના સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને આ યુનિવર્સિટીના બર્કલે (Berkeley campus) ખાતેના સંકુલમાં શિક્ષણ-સહાયક (teaching assistant) તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. 1931માં લિક વેધશાળા (Lick observatory) ખાતેથી તેમણે ડૉક્ટરેટની પદવી મેળવી અને હાર્વર્ડ વેધશાળા(Harvard Observatory)માં નિમણૂક મેળવી. આ સંસ્થામાં તેઓ 1950થી 1977નાં વર્ષો દરમિયાન પ્રાધ્યાપકની પદવી પર રહ્યા.

ફ્રેડ વ્હિપલ

સૌરમંડળના પદાર્થો અને ખાસ તો ધૂમકેતુ અને ઉલ્કા, એ તેમના સંશોધનનું મુખ્ય ક્ષેત્ર રહ્યું હતું. 1949માં તેમણે સૂચવ્યું કે ધૂમકેતુના નાભિ, ધૂલીય રજકણો અને થીજેલા સ્વરૂપમાં રહેલા મિથેન, એમોનિયા અને કાર્બન ડાયૉક્સાઇડ જેવા વાયુઓ મિશ્રિત બરફની વિશાળ શિલાના સ્વરૂપના હોઈ શકે. ધૂમકેતુના નાભિ માટેની આ પરિકલ્પનાને ‘Dirty Snowball Model’ નામ અપાયું. આ પરિકલ્પના અનુસાર, આ પ્રકારનો પદાર્થ જ્યારે સૂર્ય નજીક આવે ત્યારે સૂર્યની ગરમીથી તેના થીજેલા પદાર્થોનું બાષ્પીભવન થવાને કારણે તેની ફરતાં વાયુનું આવરણ તેમજ તેની પૂંછડી જેવી ઘટનાઓ સર્જાય, જે ધૂમકેતુ સ્વરૂપે જોવા મળે છે. આ જ અરસામાં (1953) રેમન્ડ લીટલટન (Raymond Lyttleton) નામના એક ખગોળવિજ્ઞાનીએ ધૂમકેતુના સ્વરૂપ અંગે એક અન્ય પ્રકારની પરિકલ્પના સૂચવી. ‘Sand-bank Model’ તરીકે ઓળખાતી આ પરિકલ્પનામાં ધૂમકેતુનું નાભિ થીજેલા વાયુઓ મિશ્રિત રેતીના ઢેર જેવું સૂચવાયું. અવકાશયાન દ્વારા અભ્યાસ શક્ય બન્યો તે પહેલાં તો ધૂમકેતુના વાસ્તવિક નાભિની તસવીર લેવાનું શક્ય નહોતું, પરંતુ નાભિ દ્વારા ઉત્સર્જિત વાયુના ધક્કાને કારણે ધૂમકેતુઓની કક્ષામાં સર્જાતા વિક્ષોભો(જેને rocket effect કહેવાય છે)ના અભ્યાસ પરથી whipple દ્વારા સૂચિત Dirty Snow-ball પરિકલ્પનાને સમર્થન મળ્યું. ત્યારબાદ 1986માં તો Griotto નામના અવકાશયાને હેલીના ધૂમકેતુના નાભિની તસવીર પણ મેળવી છે અને Dirty Snowball Modelને સંપૂર્ણ સમર્થન મળ્યું.

વ્હિપલ 1955થી 1973નાં વર્ષો દરમિયાન સ્મિથ્સોનિયન વેધશાળા (Smithsonian observatory)ના નિર્દેશક-પદે પણ રહ્યા હતા અને આ દરમિયાન તેમની રાહબરી નીચે પૃથ્વી ફરતા મુકાયેલ કૃત્રિમ ઉપગ્રહોની કક્ષાઓ ચોકસાઈપૂર્વક નક્કી કરવા માટે બેકર-નન (Baker-Nonn) પ્રકારના કૅમેરાઓથી સજ્જ એવી વેધશાળાઓની વિશ્વવ્યાપી શૃંખલા સ્થાપવામાં આવી; ત્યાંથી આવા ઉપગ્રહોની તસવીરો ઝડપવામાં આવતી હતી. આ શૃંખલામાં ભારતની નૈનિતાલ વેધશાળાનો પણ સમાવેશ થયો હતો. તેમણે ખાસ પ્રકારના ગતિશીલ શટર ધરાવતા કૅમેરા વિકસાવ્યા, જે ઉલ્કાની ઝડપી તસવીર લેવા માટે ઘણા ઉપયોગી નીવડ્યા. ઉલ્કા અને ધૂમકેતુની કક્ષાના સંબંધ વિશેના તેમના અભ્યાસે દર્શાવ્યું કે ઉલ્કા મુખ્યત્વે ધૂમકેતુઓના અવશેષ-સ્વરૂપના પદાર્થો છે.

વ્હિપલે 6 જેટલા નવા ધૂમકેતુઓ શોધ્યા હતા. 1971માં તેમને અમેરિકન ઍસોસિયેશન ફૉર ઍડ્વાન્સમેન્ટ ઑવ્ સાયન્સ દ્વારા કૅપ્લર ચંદ્રક મળ્યો. આ ઉપરાંત તેમને 6 વખત Dohahav ચંદ્રક પણ મળ્યા હતા.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ