વ્હિટ્રીજ (થૉમસ) વર્ધિન્ગ્ટન (Whittredge (Thomas) Worthington)

January, 2006

વ્હિટ્રીજ, (થૉમસ) વર્ધિન્ગ્ટન (Whittredge, (Thomas) Worthington) (. 22 મે 1820, સ્પ્રિન્ગફીલ્ડ, ઓહાયો, યુ.એસ.; . 25 ફેબ્રુઆરી 1910, સમિટ, ન્યૂ જર્સી, યુ.એસ.) : અમેરિકાની હડ્સન રિવર ઘરાણાનો નિસર્ગ-ચિત્રકાર.

તેનાં ચિત્રોમાં ચિત્રિત પ્રકાશ અને છાયા ઉપરથી દર્શક ચિત્રિત દિવસના સમયનું સાચું અનુમાન કરી શકે છે. માત્ર આટલી ચોકસાઈ જ નહિ, ચિત્રિત પ્રકાશ દ્વારા તે અલગ અલગ વિશિષ્ટ મનોદશા(mood)નું આલેખન કરવામાં પણ સફળ થયા છે. કોઈ એક સ્થળ પસંદ કરી ત્યાં બેસી જઈ ત્યાંથી દૃશ્યમાન નિસર્ગને ચીતરવાને બદલે વ્હિટ્રીજ નિસર્ગના મનપસંદ અલગ અલગ ઘટકોનું સંયોજન ચીતરતો.

મકાનોની દીવાલો ચીતરવાથી આરંભ કરીને વ્હિટ્રીજ વ્યક્તિચિત્રકાર બન્યો. પ્રસિદ્ધ અમેરિકન નિસર્ગચિત્રકારો થૉમસ કોલ અને એશર ડુરાન્ડનાં નિસર્ગચિત્રો જોઈને તે એટલો બધો પ્રભાવિત થયો કે તે નિસર્ગચિત્રકાર બન્યો. એના આશ્રયદાતાઓએ તેને કલાના વધુ અભ્યાસ માટે યુરોપ મોકલી આપ્યો. યુરોપમાં ડુસેલ્ડૉર્ફના નિસર્ગચિત્રકારોથી તે આકર્ષાયો. ડુસેલ્ડૉર્ફમાં પાંચ વરસ વિતાવીને તે રોમ ગયો; અહીં પણ તેણે પાંચ વરસ વિતાવ્યાં. રોમમાં વિખ્યાત ચિત્રકાર એમાન્યુઅલ લ્યુત્ઝ (Leutze) માટે વ્હિટ્રીજે મૉડેલિંગ કર્યું. લ્યુત્ઝે વ્હિટ્રીજને ચિત્ર ‘વૉશિન્ગ્ટન ક્રૉસિંગ ધ ડેલ્વારે’માં જ્યૉર્જ વૉશિંન્ગના પાત્રમાં ચીતર્યો.

1859માં વ્હિટ્રીજ અમેરિકા પાછો ફર્યો. ત્યાંની સમૃદ્ધ પ્રકૃતિ તેને નવાં ચિત્રોના સર્જનમાં પ્રેરણારૂપ બની. 1865માં અમેરિકન સરકારે અન્ય નિસર્ગચિત્રકારો ફ્રેડેરિખ કૅન્સેટ અને સાન્ફૉર્ડ જિફૉર્ડ સાથે વ્હિટ્રીજને રૉકી પર્વતમાળામાં 2,000 માઈલના નિરીક્ષણ પ્રવાસે મોકલ્યા. આ સરકારી સહાયની ફલશ્રુતિ રૂપે વ્હિટ્રીજે વિરાટ કદના કૅન્વાસ ઉપર અનેક સુંદર નિસર્ગચિત્રો ચીતર્યાં. તેમાં ‘ક્રૉસિંગ ધ પ્લેઇન’ (1870), ‘ધ ટ્રાઉટ પૂલ’ અને ‘કૅમ્પ મિટિંગ’ શ્રેષ્ઠ ગણાય છે. દૂર દેખાતા ધુમ્મસથી વીંટળાયેલા પર્વતો, ખીણો, શેવાળ અને ફૂગથી આચ્છાદિત ખડકો, તથા બારીક પાંદડાં ધરાવતી હંસરાજ (fern) વનસ્પતિઓની ઘટામાંથી ચળાઈને પડતો પ્રકાશ એ વ્હિટ્રીજનાં નિસર્ગચિત્રોના પ્રમુખ ઘટકો છે.

અમિતાભ મડિયા