વ્હિટમૅન, વૉલ્ટ (. 31 મે 1819, વેસ્ટ હિલ, લાગ આઇલૅન્ડ, ન્યૂયૉર્ક, યુ.એસ.; . 26 માર્ચ 1892, કૅમ્ડન) : અમેરિકન કવિ, પત્રકાર અને નિબંધકાર. આઠ સંતાનોમાં ત્રીજા જન્મેલા વૉલ્ટરે પોતાનું નામ પાછળથી ‘વૉલ્ટર’ને બદલે ‘વૉલ્ટ’ રાખેલું. માતા લૂઇસા વાન વેલ્સર; પિતા વૉલ્ટર વ્હિટમૅન. વડવાઓ મૂળ ઇંગ્લૅન્ડમાંથી અમેરિકા આવીને કનેક્ટિકટ રાજ્યમાં અને પાછળથી હંટિંગ્ટનમાં સ્થિર થયેલા. પિતાએ વેસ્ટ હિલ્સ પર નાનું મકાન બંધાવેલું તેમાં વૉલ્ટ વ્હિટમૅનનો જન્મ થયેલો. રાષ્ટ્રીય સ્મારક તરીકે આજે પણ તે ન્યૂયૉર્ક રાજ્યે જાળવી રાખ્યું છે. વ્હિટમેનનાં કાવ્યોમાં દરિયો અને તેના કિનારાના સંદર્ભોનાં મૂળમાં માતૃપક્ષના વડવાઓ દરિયાખેડુઓ હતા તે હકીકત છે. જોકે કવિના બૌદ્ધિક વિકાસમાં તેમના પિતાનો વિશેષ ફાળો છે. પિતા

વૉલ્ટ વ્હિટમૅન

જાણીતા ચિંતક ટૉમસ પેઇનના અંગત મિત્ર હતા. ચાર વર્ષના વ્હિટમૅનને લઈ માતાપિતા બ્રુકલિનમાં રહેવા ગયેલાં. પ્રાથમિક શિક્ષણ ત્યાંની સાર્વજનિક શાળામાં લીધું. કિશોર વયમાં ડૉક્ટર, વકીલ અને છાપખાનામાં કામે રહ્યા. 15 વર્ષની વયે પુખ્ત ઉંમરની વ્યક્તિની ગંભીરતા ધરાવતા વ્હિટમૅનને ભાષા, વાચન અને નાટકનો ગજબનો શોખ હતો. છાપખાનામાં કામ કરતાં, રાત્રિશાળામાં શિક્ષક અને 1838માં થોડા સમય માટે હંટિંગ્ટનમાં ‘લાગ આઇલેન્ડર’ નામના એક સાપ્તાહિકમાં સંપાદક રહ્યા. આ નિમિત્તે ‘સન-ડાઉન પેપર્સ ફ્રૉમ ધ ડેસ્ક ઑવ્ અ સ્કૂલમાસ્ટર’ના લેખો લખ્યા. કોઈ રાજકીય પક્ષના સભ્યોની ચૂંટણી-ટાણે એમણે પ્રચારકાર્યમાં ઝંપલાવ્યું; પરંતુ એમાં કંઈ બર આવ્યું નહિ. 23 વર્ષની ઉંમરે ‘ઑરોરા’ નામના દૈનિકના તંત્રી બન્યા; પરંતુ ટૂંક સમયમાં એમને માલિકોએ રુખસદ આપી. પછી અન્ય છાપાંઓમાં કામ કર્યું, જેનો હવાલો આપતાં કોઈ લખાણો ઉપલબ્ધ નથી. વ્હિટમૅને 1842ના વર્ષમાં સર્જનાત્મક સાહિત્ય લખવાનો નિર્ધાર કર્યો. ‘ઇગલ’ દૈનિકના તંત્રી તરીકે મેક્સિકો સાથેના યુદ્ધની તરફેણમાં અને ગુલામીના વિરોધી તરીકે લેખો લખ્યા; પરંતુ સત્તાપલટો થતાં તેમને આ પદ છોડવાની ફરજ પડેલી. ‘ફ્રાન્કલિન ઇવાન્સ ઑર ધી ઇન-બ્રિયેટ’ (1842) નવલકથા લખી, જે માટે વ્હિટમેને પાછળથી શરમ અનુભવેલી. 1848માં પોતાના બંધુ જેફ સાથે ન્યૂઑર્લિયન્સમાં ‘ક્રેસન્ટ’ સમાચારપત્રમાં તંત્રી તરીકે જોડાયા. ત્રણ માસમાં રાજીનામું આપી મિસિસિપી, ગ્રેટલેક્સ અને હડસન નદીના રસ્તે ન્યૂયૉર્ક પરત આવ્યા. બ્રૂકલિનના ‘ફ્રીમેન’ના તંત્રી તરીકે જોડાયા અને બીજા દિવસે એટલે કે 9 સપ્ટેમ્બર 1848ના રોજ પ્રેસ કાર્યાલય આગમાં ભસ્મીભૂત થઈ ગયું. આ પછી તંત્રી તરીકે 1857-59માં ‘બ્રૂકલિન ટાઇમ્સ’માં કાર્ય કર્યા પછી તેઓ સ્વેચ્છાએ નિવૃત્ત થયા. એમના કેટલાક આગ્રહોને કારણે પત્રકારત્વના કાર્યમાંથી તેઓ હઠી ગયા. પછી તો જીવનનિર્વાહ માટે છાપકામ, લેખન-સાહિત્ય-સામગ્રીની દુકાન અને દસ્તાવેજોની નકલ ઉતારનાર તરીકે પ્રયત્નો કર્યા. વચમાં મકાન બાંધવાનો ધંધો પણ કર્યો. પિતા માંદા રહેતા. વળી માતા અને મંદબુદ્ધિ અને પગે ખોડખાંપણવાળા ભાઈ એડીની જવાબદારી પણ તેમના શિરે હતી.

‘લીવ્ઝ ઑવ્ ગ્રાસ’(1855)ની પ્રથમ આવૃત્તિ અમેરિકન કવિતા માટે મહત્વની બની રહી. તેમનું ‘સૉંગ ઑવ્ માઇસેલ્ફ’ કાવ્ય ખૂબ જાણીતું બની ગયું. રાલ્ફ વાલ્ડો એમર્સને આ કાવ્યસંગ્રહની ગુણવત્તાને પ્રથમ નજરે જ પારખી લીધી. તેને ‘બુદ્ધિ અને ડહાપણ’ના સર્વશ્રેષ્ઠ અમેરિકન ઉદ્ગાર તરીકે નવાજ્યો. આ પુસ્તકની નવી આવૃત્તિઓમાં નવાં કાવ્યોનો વધારો થતો રહ્યો. રાષ્ટ્રીય કવિ અને લોકશાહીના કવિ તરીકે વ્હિટમૅન જાણીતા થવા માંગતા હતા. ‘લીવ્ઝ ઑવ્ ગ્રાસ’ની ચોથી અને પાંચમી આવૃત્તિ અનુક્રમે 1867 અને 1871માં પ્રસિદ્ધ થઈ હતી.

અમેરિકાના આંતરવિગ્રહ બાદ વ્હિટમૅન વૉશિંગ્ટનમાં સરકારી કારકુન તરીકે નોકરીમાં રહ્યા. ત્યાં સેક્રેટરી જેમ્સ હાર્બને તેમના ‘લીવ્ઝ ઑવ્ ગ્રાસ’ કાવ્યસંગ્રહનું અવલોકન કરતાં તેમને સરકારી નોકરીમાંથી લાગલી જ રુખસદ આપી. જોકે મિત્રોએ કવિની તરફેણમાં વિરોધ કર્યો. ઍટર્ની જનરલના કાર્યાલયમાં તેમની પુન: નિયુક્તિ કરવામાં આવી. 1873માં લકવાગ્રસ્ત થતાં કવિ સ્વેચ્છાએ ત્યાંથી છૂટા થયેલા. આ પહેલાં કવિના મિત્ર વિલિયમ ડી. ઑકોનરે ‘ધ ગુડ ગ્રે પોએટ’ (1866)માં સ્વાતંત્ર્યનો બચાવ કરતું સંવેદનાસભર નિવેદન કરેલું.

‘ડ્રમ-ટેપ્સ’માં આંતરવિગ્રહના વિષય પરનાં કાવ્યો કવિએ સ્વખર્ચે પ્રસિદ્ધ કરેલાં. વળી લિંકનના મૃત્યુના શોકમાંથી નીપજેલાં બે કરુણ-પ્રશસ્તિ કાવ્યો ‘વ્હેન લિલેક્સ લાસ્ટ ઇન ધ ડોરયાર્ડ બ્લૂઝ’ અને ‘ઓ કૅપ્ટન ! માય કૅપ્ટન !’ 1865માં પ્રસિદ્ધ કરેલાં. વિલિયમ રોઝેટીએ ઇંગ્લડમાં કવિના ‘લીવ્ઝ ઑવ્ ગ્રાસ’માંથી કેટલાંક કાવ્યોનું સંપાદન કરી પ્રસિદ્ધ કર્યાં અને અંગ્રેજ સર્જકો-વિવેચકોનું ધ્યાન કવિ તરફ સવિશેષ ગયું. છેલ્લાં વર્ષોમાં તેમની માંદગીમાં અમેરિકાના જૉન બરોઝ, કેલરન્સ ઇ સ્ટેડમેંન વગેરેએ તેમને આર્થિક મદદ કરેલી. 1873માં કવિની માતાનું મૃત્યુ થયું, જે આઘાતજનક હતું. જોકે આ સમય દરમિયાન એક યુવાન મિત્ર હૉરેસ ટ્રૉબેલ ઑવ્ કૅમ્ડને તેમની ખાસ સંભાળ લીધી અને કવિની પાસે આવતા મહાનુભાવોની મુલાકાતોની નોંધ ‘વૉલ્ટ વ્હિટમૅન ઇન કૅમ્ડન’ પુસ્તકમાં પ્રસિદ્ધ કરી. વિધવા મિસિસ ઍન ગિલક્રિસ્ટ વૉલ્ટનાં કાવ્યો વાંચી તેમના પ્રેમમાં પડેલાં. જોકે લગ્ન વિશેનો પ્રસ્તાવ કવિએ નકારી કાઢેલો; પરંતુ ઍન બેધડક કવિના ઘર પાસે ફિલાડેલ્ફિયામાં બે વર્ષ રહેલાં. કવિ તેમને અવારનવાર મળવા જતા હતા.

ઍનના આગમન પહેલાં વ્હિટમૅને ‘સેન્ટેનિયલ’ અને ‘ટુ રિવુલેટ્સ’ 1876માં પ્રસિદ્ધ કરેલાં. ‘ટૂ રિવુલેટ્સ’માં કાવ્યોની સાથે કેટલાક નિબંધો પણ છે. કવિની પ્રશંસા ઇંગ્લૅન્ડમાં ખૂબ થઈ. કવિની તબિયત ધીમે ધીમે સારી થતી ગઈ અને 1879માં પશ્ચિમમાં છેક ડેનવર સુધી અમેરિકામાં પ્રવાસ કર્યો. તેઓ કૅનેડા પણ ફરી આવ્યા. 1883માં ડૉ. બકે કવિનું જીવનચરિત્ર પ્રસિદ્ધ કર્યું. કવિએ પોતાના પસંદગીનાં કાવ્યોનું સંપાદન કર્યું, જે બૉસ્ટનના ઑસગુડ પ્રકાશકે પ્રસિદ્ધ કર્યું. જોકે કેટલાંક કાવ્યોનાં લખાણ વિશે પ્રકાશક સાથે વાંધો પડતાં રીઝવેલ્સે ફિલાડેલ્ફિયામાં તે 1882માં પ્રસિદ્ધ કર્યું. ‘સ્પેસિમન ડેઝ’ (1882) ગદ્ય-લખાણનું સંપાદન છે. આની કમાણીમાંથી કવિએ કૅમ્ડનમાં નાનું ઘર ખરીદ્યું. મૃત્યુ પર્યન્ત કવિ આ ઘરમાં જ રહ્યા. અહીં જ તેમણે ‘ડૅથબેડ’ નામની ‘લીવ્ઝ’નાં કાવ્યોની પ્રત તૈયાર કરી. આમાં તેમનાં ગદ્ય લખાણો પણ આવી જતાં હતાં. તેમના મૃત્યુ સમયે જગતભરમાંથી શોકાંજલિઓ મળી હતી, જે તેમને જગત-ચોકના કવિ તરીકે પ્રતિષ્ઠિત કરે છે. તેમની કાવ્યરચનાઓના અનુવાદ જગતની કેટલીક ભાષાઓમાં થયા છે. તેમના પત્રવ્યવહારના 5 ગ્રંથો (1961-1969) અને તેમના ‘કલેક્ટેડ રાઇટિંગ્ઝ’(1963-1980)ના 16 ગ્રંથો પ્રસિદ્ધ થયા છે.

વિ. પ્ર. ત્રિવેદી