વ્હિટની ઈલી (Whitney Eli) (. 8 ડિસેમ્બર 1765, વેસ્ટબરો, મૅસેચૂસેટ્સ, યુ.એસ.; . 8 જાન્યુઆરી 1825) : અમેરિકન સંશોધક. યેલમાં અભ્યાસ કર્યા બાદ તેઓ જ્યૉર્જિયામાં શિક્ષક તરીકે જોડાયા.

ઈલી વ્હિટની

જનરલ ગ્રીનની વિધવા નાથાનેલ ગ્રીને તેમની સંશોધક વૃત્તિને આધાર આપ્યો. ગ્રીનના કપાસનાં મોટાં ખેતરો હતાં, જેમાંથી મળતા રૂમાંથી કપાસિયાં અલગ કરવા માટે તેમણે પદ્ધતિ શોધી કાઢી તથા તેને 1793માં પેટન્ટ કરાવી. આ ઉપરાંત વ્હિટની કાયદાશાસ્ત્રનો અભ્યાસ પણ કરતા હતા અને યાંત્રિક ઇજનેરીના પ્રયોગો પણ કરતા હતા. કપાસ લોઢવાનું તેમનું મશીન (યંત્ર) કોઈ તફડાવી ગયું અને તેના હક્ક માટે લડતાં તેમણે બધી આવક ગુમાવી. 1798માં તેમણે બંદૂકો બનાવવાનો સરકારી કૉન્ટ્રાક્ટ મેળવ્યો અને તેમાં તેઓ ખૂબ કમાયા. આ બંદૂકો મોટા પાયે બનાવવાની નવી રીતો તેણે વિકસાવી.

તેણે મશીન ટૂલ્સની ડિઝાઇન તૈયાર કરી તથા અંતર્વિનિમય સિદ્ધાંત (principle of interchangeability) વિકસાવ્યો; જે ખૂબ પ્રચલિત બન્યો. 1801માં વ્હિટનીએ આ સિદ્ધાંત આધારિત તેની પદ્ધતિ અમેરિકન પ્રમુખ તથા અન્ય પદાધિકારીઓ આગળ રજૂ કરતાં તેને બહોળી સ્વીકૃતિ મળી.

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ