વ્હાઇટહેડ, આલ્ફ્રેડ નૉર્થ (. 1861, રામ્સે ગેઇટ, થાણેટ ટાપુ, ઇંગ્લૅન્ડ) : જાણીતા બ્રિટિશ તત્વચિંતક. તેમનું કુટુંબ ઍન્ગ્લિકન હતું. કુટુંબનું વાતાવરણ ચુસ્ત ધાર્મિક હતું. તેની અસર પોતાના ચિંતન પર પડી છે એમ વ્હાઇટહેડે પોતાની ‘આત્મકથનાત્મક નોંધ’માં લખ્યું છે. ડોરસેટની પ્રાચીન પબ્લિક સ્કૂલમાં, શૅરબોર્ન ખાતે તેમનું પ્રાથમિક શિક્ષણ સંપન્ન થયું. એ સ્કૂલમાં ‘ક્લાસિક’ અને ‘ઇતિહાસ’ના વિષયોમાં તેમણે શિક્ષણ લીધું. શૅરબોર્ન ખાતે ગણિતનું પણ શિક્ષણ લીધું. 1880માં એ ટ્રિનિટી કૉલેજ કેમ્બ્રિજમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો. એમાં તેમને ગણિતના વિષયમાં શિષ્યવૃત્તિ પ્રાપ્ત થઈ હતી. 1884માં એ ટ્રિનિટીના ફેલો તરીકે પસંદ થયા હતા. બર્ટ્રાન્ડ રસેલ તેમના માનીતા શિષ્ય હતા. 1900થી 1911 વચ્ચે ‘પ્રિન્સિપિયા મૅથેમેટિકા’ ગ્રંથ લખવામાં બંને સાથે હતા. આ ગ્રંથમાં તેમણે એ નિર્દેશિત કરવા પ્રયાસ કર્યો કે પ્રાતીક તર્કશાસ્ત્રના અમુક આધાર-વિધાનમાંથી ગણિતનું નિગમન પ્રાપ્ત કરી શકાય છે.

ડબ્લ્યૂ. વી. ક્વાઇનના ગ્રંથ ‘વ્હાઇટહેડ અને આધુનિક તર્કશાસ્ત્રનો વિકાસ’ – એ ગ્રંથમાં ‘પ્રિન્સિપિયા મૅથેમેટિકા’ને બૌદ્ધિક લેખનની એક મહાન નિત્યસિદ્ધિ તરીકે લેખી છે. 1910માં વ્હાઇટહેડે કેમ્બ્રિજમાં વ્યાખ્યાતાની જગ્યા પરથી રાજીનામું આપ્યું અને લંડન આવ્યા. 1914 સુધી લંડન વિશ્વવિદ્યાલયમાં અધ્યાપક તરીકે રહ્યા. એ ઇમ્પીરિયલ કૉલેજમાં સાયન્સ અને ટેક્નૉલોજીના પ્રાધ્યાપક તરીકે રહ્યા. આ સમય દરમિયાન ‘વિજ્ઞાનના તત્વચિંતન’ના વિષયમાં મુખ્ય કાર્ય કર્યું.

1924માં વ્હાઇટહેડે હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાં ફિલૉસોફીની ‘ચૅર’ માટેનું નિમંત્રણ સ્વીકાર્યું. આ વખતે તેમની ઉંમર 63 વર્ષની હતી. આ ફેરફારથી તેમના વિચાર અને લખાણમાં પરિવર્તન આવ્યું. પોતાના વિજ્ઞાનના તત્વચિંતનને ‘તત્વવિદ્યા’(મેટાફિઝિક્સ)માં પૂર્ણ રીતે વિકસાવ્યું અને ‘પ્રોસેસ ઍન્ડ રિયાલિટી’ ગ્રંથમાં આલેખિત કર્યું. 1938માં એ પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા.

આલ્ફ્રેડ નૉર્થ વ્હાઇટહેડ

તેમના મુખ્ય ગ્રંથોમાં 1910-1913માં બર્ટ્રાન્ડ રસેલ સાથે ત્રણ ખંડોમાં ‘પ્રિન્સિપિયા મૅથેમેટિકા’ પ્રસિદ્ધ થયું. 1919માં ‘ઍન એન્ક્વાયરી કન્સર્નિગ ધ પ્રિન્સિપલ્સ ઑવ્ નૅચરલ નૉલેજ’, 1920માં ‘કૉન્સેપ્ટ ઑવ્ નેચર’, 1926માં ‘સાયન્સ ઍન્ડ ધ મૉડર્ન વર્લ્ડ’, 1926માં ‘રિલિજિયન ઇન ધ મેકિંગ’, 1928માં ‘સિમ્બોલિઝમ’, 1929માં ‘પ્રોસેસ ઍન્ડ રિયાલિટી’ અને 1933માં ‘એડ્વેન્ચર ઑવ્ આઇડિયાઝ’ પ્રસિદ્ધ થયા.

તેમના વિજ્ઞાનના ચિંતનના મુખ્ય વિચારો જાણવા માટે આઇન્સ્ટાઇનનો સાપેક્ષવાદનો સિદ્ધાંત ચાવીરૂપ છે. જે દ્રવ્ય તદ્દન સ્થિર હોય અને ગુણો કે સંબંધ સાથે પરિવર્તનશીલ ન હોય તે વ્હાઇટહેડને સ્વીકાર્ય નથી. પરમાણુઓ કે વીજળીક તત્વો તેના નિશ્ચિત બંધારણમાં સક્રિય અને પરિવર્તનશીલ છે. દ્રવ્યગુણ, ઉદ્દેશ્ય-વિધેય, મન-શરીર, સત્ અને જગતત્વના સંબંધો ક્રિયાશીલ છે. વર્તમાન ભૌતિકશાસ્ત્ર અને અન્ય નિસર્ગલક્ષી વિજ્ઞાનો તેના મૂળતત્વને તેના હાર્દમાં પરિવર્તનશીલ માને છે. જડતત્વ સૂક્ષ્મ રીતે સક્રિય અને શક્તિથી સભર છે. દિક્ અને કાળના ખ્યાલો બદલાયા છે. એ સંયુક્ત છે અને કાળનો સંબંધલક્ષી ચોથા પરિમાણનો ખ્યાલ આંતરિક સંબંધોને સમર્થન આપે છે. આંતરિક સંબંધ એ સવિશેષ અભિવ્યક્તિ છે. એ ‘વિસ્તાર પામતા પરિમાણ’થી ઓળખાય છે. તેમાં વાસ્તવિકતા સર્જવાની ગર્ભિત શક્તિ છે.

ઉપર્યુક્ત સક્રિયતા જ્ઞાનમીમાંસામાં રજૂ થવી આવશ્યક છે. એ જ્ઞાનના ક્ષેત્રમાં દ્વૈતવાદને નકારે છે. જે પ્રકૃતિ મનુષ્યને અનુભવ દ્વારા પ્રતીત થાય છે. તે સ્વયં સત્ તત્વ છે. પ્રકૃતિમાં વિભાજન નથી, પરંતુ સાતત્ય છે. જેમ બાહ્ય બનાવો, તત્વો અને પ્રાકૃતિક સત્ તત્વમાં એકતા અને સાતત્ય છે તેમ આંતરિક મન અને શરીર, હેતુ અને મૂર્તજ્ઞાન, ધ્યેય અને માનવપ્રવૃત્તિમાં આંતરિક સેતુ રહ્યો છે. જ્ઞાનમીમાંસામાં જે જ્ઞાતા, જ્ઞેય અને જ્ઞાન વચ્ચે વિભાજન લેખવામાં આવે છે તેને વ્હાઇટહેડ સ્વીકારતા નથી. તેમાં આંતરિક સંબંધ રહ્યો છે. ઇન્દ્રિય-પ્રત્યક્ષ, પ્રતિમા, સંકલ્પના અને બૌદ્ધિક વિચારણા વચ્ચે એકતા રહી છે અને વિકાસની દૃષ્ટિએ તેમાં સેતુ રહ્યો છે. ચેતનતત્વ તેના શિખર તરીકે કાર્ય કરે છે. અનુભૂતિ કે પ્રતીતિ તેના આધાર અને આંતરસંબંધ તરીકે રહે છે. જ્ઞાન કેવળ સભાન અને બૌદ્ધિક પાસાં પૂરતું સીમિત નથી, પરંતુ તે લાગણી, અંત:સ્ફુરણા દ્વારા પણ સંભવિત બને છે.

જગત એ વિવિધ જીવંત એકમોનું બનેલું છે, તેના સેન્દ્રિય ઘટકો પરસ્પર સંકલિત છે. સાર્વત્રિક ખ્યાલો અને વાસ્તવિક ઘટનાઓ અને બનાવો એકબીજા સાથે પ્રતિબિંબ સ્વરૂપે સંબંધિત છે. તે ચિદણુ સમાન છે. જેમ આભલું જગતને સંક્ષિપ્તપણે પ્રદર્શિત કરે છે તેમ જગતના વાસ્તવિક બનાવો સાર્વત્રિક ખ્યાલને પોતાની રીતે રજૂ કરે છે. જગત એ વિકાસ પામતી, વિષયોમાં નિમ્ન કે બૌદ્ધિક સ્તરે સંબંધિત, જ્ઞાન પામતી, પ્રગટ કરતી ઊર્ધ્વ ધ્યેય તરફની ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે. જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને વ્હાઇટહેડ આકલન સંકલન સંયુક્ત કરણ લેખે છે. તેને ‘પ્રિહેન્સન’ કહે છે. એ કેવળ પ્રત્યક્ષ કે બૌદ્ધિક ખ્યાલયુક્ત અમૂર્ત ક્રિયા નથી. તેમાં ભાવના, પ્રત્યક્ષ અને અમૂર્ત સંકલ્પનાનું મિશ્રણ છે.

આમ છતાં જગતમાં સાર્વત્રિક, નિત્ય અને શાશ્વત વિષયો પણ રહ્યા છે. જે વિષયો જગતના પ્રાકૃતિક સ્તરમાં રહ્યા છે તેમાં આ નિત્યવિષયો અનુસ્યૂત થાય છે. તેને વ્હાઇટહેડ અંતર્વેધક ઉત્ક્રાંતિ કહે છે અને વિષયો તેમજ જગતની ઉત્ક્રાંતિ શક્ય બને છે. જે સાર્વત્રિક તત્વો અચલ અને શાશ્વત વિચારવામાં આવે છે તે તેવાં રહેતાં નથી, પરંતુ વિશિષ્ટ વિષયોમાં ‘ભાગ લે’ છે અને જગતની ઉત્ક્રાંતિમાં પોતાનો હિસ્સો પ્રગટ કરે છે. ‘અંતર્લક્ષી’ પ્રક્રિયા એ વસ્તુઓ અને વિષયોમાં ભાગ લેવાની ક્રિયા છે. આમ નિત્યતત્વો વિશિષ્ટમાં આંતરિક રીતે ભાગ લે છે અને ઉત્ક્રાંતિ આગળ ધપે છે. જે સમયમાં ક્રિયા થાય છે તે સમયાતીત શાશ્વતતત્વો દ્વારા ગતિશીલ બને છે. જે વિશિષ્ટ વિષયોમાં ક્રિયા થાય છે તે ‘વાસ્તવિક’ જગતમાં, સમયમાં, મૂર્તિમંતપણે કાર્ય કરે છે. સંભવિત અને વાસ્તવિક વિષયો વચ્ચે થતી ક્રિયા તે ઉત્ક્રાંતિ છે.

આ મૂર્તિમંતપણાની પ્રક્રિયાને કોણ મૂળભૂત રીતે ગતિ આપે છે ? એ ઈશ્વરતત્વ દ્વારા અમૂર્ત, શાશ્વત અને વિશિષ્ટ તત્વને સંયુક્ત રીતે ક્રિયાશીલ બનાવે છે. ઈશ્વરનાં બે સ્વરૂપ છે : એક તેનું આદિ મૂળભૂત અને બીજું પરિણામ-સ્વરૂપ. આદિ મૂળભૂત રૂપ એ તેના સુષુપ્ત, સંભવિત અને શાશ્વત તત્વમાં અંતર્ભૂત થયેલું છે. એ સમયથી પર છે. અમૂર્ત અને વાસ્તવિક જગતથી ભિન્ન એવું તેનું પરાત્પર તત્વ છે. ઈશ્વર વિના શાશ્વત તત્વો કદી વિશિષ્ટ વાસ્તવિક વસ્તુ અને વિષયોમાં ભાગ લેવા સમર્થ બની શકે નહિ. ઈશ્વર એ સંભવિત વિભાવનાઓનું વાસ્તવિક બનાવોમાં મૂર્તિમંતપણું છે; પરંતુ આદિ મૂળભૂત સ્વરૂપમાં ઈશ્વર ખરેખર વસ્તુઓમાં પ્રગટ વસ્તુ રૂપે પ્રગટ થતા નથી. તે તેના પરિણામ-સ્વરૂપમાં વસ્તુઓ સાથે સંકલિત થાય છે અને સાકાર બને છે. જે મૂર્તિમંત તત્વ આદિસ્વરૂપમાં ખૂટે છે તે તેના પરિણામ-સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે. તેનું ચેતન-સ્વરૂપ આદિતત્વમાં નથી એ તેના પરિણામ-સ્વરૂપમાં વ્યક્ત થાય છે. પરિણામ-સ્વરૂપમાં જગત વાસ્તવિક સ્વરૂપ ધારણ કરે છે. સર્જનની દૃષ્ટિએ ઈશ્વર જગતને સર્જતા નથી; પરંતુ સત્ય, સૌંદર્ય અને શુભના સ્વયં દર્શન દ્વારા જગતને દોરવણી આપે છે. જગત અને ઈશ્વર વચ્ચે આપલે થાય છે. પરિમિત તત્વો, વ્યક્તિ અને ઈશ્વર વચ્ચે આંતરક્રિયા થાય છે અને આ રીતે ઈશ્વર પોતાના સ્વરૂપને પરિપૂર્ણ બનાવે છે. બીજી તરફ પરિમિત તત્વો શાશ્વત સ્વરૂપ સાથે અનુરૂપ બની સ્વયં પરિપૂર્ણતા પ્રાપ્ત કરે છે. આને પરિણામે વ્હાઇટહેડ સ્વીકારે છે કે બંનેના સંબંધોમાં દ્વંદ્વાત્મક સંયોગો ઉપસ્થિત થાય છે. અમુક સંયોગોમાં ઈશ્વર અચલ છે તો જગત ચલિત છે. જગત અચલ રહે છે તો ઈશ્વર ચલિત રહે છે. એ પણ સાચું છે કે અમુક સંયોગોમાં ઈશ્વર એક છે. તો જગતનું બહુત્વ પ્રદર્શિત થાય છે અને ઈશ્વરનું બહુત્વ પ્રદર્શિત થાય છે, તો જગતની એકતા જળવાય છે.

વ્હાઇટહેડનો સર્જનશીલતાનો સિદ્ધાંત જગતમાં ઉત્ક્રાંતિના તથ્યને સમજાવવા પ્રયાસ કરે છે. તત્વચિંતન એ વિજ્ઞાનથી જુદું પડે છે. વૈજ્ઞાનિક ક્રિયામાં ભાવવાહીકરણ રહે છે ત્યારે તત્વચિંતનમાં વાસ્તવિક જગતને સર્જનશીલતા દ્વારા સમગ્ર રીતે સમજાવવામાં આવે છે. સર્જનશીલતાનો સિદ્ધાંત જગતના બનાવો, તેની વાસ્તવિકતાને સેન્દ્રિય એકમની રીતે નિહાળે છે અને બનાવો એકબીજામાં અંતર્નિહિત હોય તેમ લેખે છે. તે કારણ અને અસરની માફક ભિન્ન લેખતા નથી. સર્જનશીલતાનો સિદ્ધાંત ઈશ્વરનો એક અંશ છે, જે તેના પરિણામ-સ્વરૂપમાંથી વ્યક્ત થાય છે. એ સગુણ સ્વરૂપને આવકારે છે. આમ વ્હાઇટહેડ ઈશ્વરના ખ્યાલને ફક્ત ચિંતન પૂરતો મર્યાદિત રાખતા નથી, પરંતુ ધર્મ અને વ્યક્તિના અનુભૂતિના ક્ષેત્રને પણ સ્પર્શે છે. એ કહે છે કે ભાષાની મર્યાદામાં રહીને તત્વચિંતન જગતના અનંતપણાને વ્યક્ત કરવા પ્રયાસ કરે છે. ધર્મ એ વ્યક્તિના આંતરિક અનુભવ અને જીવનની કલાત્મક અભિવ્યક્તિ છે. નિરાસક્ત ભાવે મનુષ્ય પોતાના જીવનને કેટલે અંશે પરિવર્તિત કરી શકે છે તે પ્રયત્ન ધર્મની ભાવના દર્શાવે છે.

હરસિદ્ધ મ. જોશી