વ્યૂહવાદ : વૈષ્ણવ ધર્મમાં વીરોપાસનાનો સિદ્ધાંત. વીરોપાસનાનો પ્રારંભ તંત્રકાલીન વૈષ્ણવ ધર્મના પ્રચાર સાથે થયો હતો, જેમાં એના આરંભિક પુરુષો (1) વાસુદેવ કૃષ્ણ, (2) સામ્બ, (3) બલરામ, (4) પ્રદ્મુમ્ન, સંકર્ષણ અને અનિરુદ્ધ હતા. એમાં વાસુદેવ કૃષ્ણના ષાડગુણ્ય-વિગ્રહ-જ્ઞાન, શક્તિ, ઐશ્વર્ય, બલ, વીર્ય અને તેજ – ને તેમના પાર્ષદો કે નિકટવર્તી વીરોમાં કલ્પિત કરીને વ્યૂહવાદના સિદ્ધાંતની રચના કરી હતી. આ વ્યૂહવાદમાં વાસુદેવ કૃષ્ણ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધને શક્તિ-સમુચ્ચય રૂપે ગણીને તેમને ચતુર્વ્યૂહ તરીકે ઓળખવામાં આવ્યા. વ્યૂહનો પહેલો સંકેત ક્યારથી મળે છે તે બાબતમાં મતભેદો પ્રવર્તે છે. કેટલાકને મતે પહેલો સંકેત બાદરાયણના બ્રહ્મસૂત્ર(2-2-42-45)માં મળે છે. ભાંડારકરને મતે પાણિનિના ‘જનાર્દન સાસ્વતમ્ ચતુર્થ ઇવ’નું સૂત્ર વ્યૂહવાદ તરફ સંકેત કરે છે. વિષ્ણુસંહિતા(72-2)માં ચતુર્વ્યૂહ શબ્દના પ્રયોગ સાથે એમાં પ્રથમ વાસુદેવ, પછી સંકર્ષણ, પદ્યુમ્ન અને અનિરુદ્ધનો નામોલ્લેખ થયો છે. પાંચરાત્રસંહિતામાં ઉપાસના પરત્વે આ સિદ્ધાંતને પ્રતિપાદિત કર્યો છે. તે પરથી ઈ. સ.ની ત્રીજીથી છઠ્ઠી સદી દરમિયાન આ સિદ્ધાંત દૃઢ થયો જણાય છે. એ વખતે પૂજાના આરંભિક સંકેત રૂપે બલદેવ, કૃષ્ણ અને સુભદ્રાની સંયુક્ત મૂર્તિસ્વરૂપોની ઉપાસના પ્રવર્તતી હતી. (આજે પણ પુરીમાં આ ત્રણેય સ્વરૂપો જગન્નથ, બલભદ્ર  અને સુભદ્રાના સંયુક્ત વિગ્રહ તરીકે પ્રતિષ્ઠિત અને પૂજિત થાય છે.)

પાંચરાત્રમાં વર્ણિત વ્યૂહવાદમાં ઉપર્યુક્ત છ ગુણોમાંથી સંકર્ષણ વ્યૂહમાં જ્ઞાન અને બળ, પ્રદ્યુમ્નમાં ઐશ્વર્ય અને વીર્ય તેમજ અનિરુદ્ધમાં શક્તિ અને તેજનું પ્રાધાન્ય રહેલું કહ્યું છે. વાસુદેવ કૃષ્ણનો એક પરાવ્યૂહ છે જેને ભગવદ્ વ્યૂહ કહેવામાં આવે છે. આ ચારેય મળીને ચતુર્વ્યૂહ કહેવાય છે. અહિર્બુધ્ય સંહિતામાં સંકર્ષણને સૃષ્ટિના કર્તા, પ્રદ્યુમ્નને કર્મકાંડનું પ્રવર્તન અને અનિરુદ્ધને મોક્ષરહસ્યનું જ્ઞાન કરાવનાર કહ્યા છે.

વ્યૂહવાદના સિદ્ધાંતનું સંશોધન મધ્યકાળમાં ચૈતન્ય સંપ્રદાયમાં થયું. તદનુસાર વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધને ક્રમશઃ ચિત્ત, અહંકાર, બુદ્ધિ અને મનનો મૂળસ્રોત કહેવામાં આવેલ છે. રૂપ ગોસ્વામીએ જોકે ચતુર્વ્યૂહના સિદ્ધાંતનું ખંડન કરીને નવવ્યૂહનો સિદ્ધાંત આગળ કર્યો. એમાં વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ ઉપરાંત નારાયણ, હયગ્રીવ, વરાહ, નૃસિંહ તેમજ બ્રહ્માનો સમાવેશ કર્યો. પણ આ નવવ્યૂહમાં અવતારવાદને ચતુર્વ્યૂહ સાથે સાંકળવાના પ્રયત્નરૂપ હોઈ તેનો સ્વીકાર ન થયો. મધ્યકાળમાં આ વ્યૂહવાદનો પ્રભાવ રામકથા પર પણ પડ્યો અને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નને ક્રમશઃ વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ રૂપે ગણાવાયા.

પ્રવીણચંદ્ર પરીખ