વ્યૂહાત્મક આયુધ પ્રણાલી (strategic weapons system)

January, 2006

વ્યૂહાત્મક આયુધ પ્રણાલી (strategic weapons system) : આંતરખંડીય પ્રાક્ષેપિક પ્રક્ષેપાસ્ત્રના નિયમન તથા કાર્ય માટેની પ્રચલિત પ્રણાલી. આ ઉપરાંત બિન-પ્રાથમિક પ્રક્ષેપાસ્ત્ર ક્રૂઝ તથા અમેરિકન અને રશિયન વાયુદળનાં વ્યૂહાત્મક બૉમ્બરોનો આમાં સમાવેશ થાય છે.

આ પ્રણાલીમાં તેના નિયમન, સંગ્રહ તથા જાળવણી ઉપરાંત તેમના યથાર્થ અને ત્રુટિ વગરના પરિચાલન વગેરે માટેના પ્રશ્ર્નોનો પણ સમાવેશ થાય છે. પ્રક્ષેપાસ્ત્ર માટે યોગ્ય નિર્વાહ (maintainance), તેની પ્રણોદન-પ્રણાલી, તેની આંતરિક નિયંત્રણ-પદ્ધતિ, તેનાં કમ્પ્યૂટર, તેમાં ભરવામાં આવતો લશ્કરી સામાન (pay-load) તેના અવકાશમાંથી પાછા ફરવાનું નિયંત્રણ અથવા તેમાં રાખેલી યુદ્ધ-સામગ્રી વગેરે અનેક વસ્તુનું યોગ્ય નિયમન જરૂરી હોય છે.

આ પ્રણાલીમાં સ્વતંત્ર રીતે નિયમન કરાતાં અનેક પ્રક્ષેપાસ્ત્રો પણ હોય છે. તેને MIRV (multiple independently targeted re-entry vehicle) કહે છે. આ પ્રક્ષેપાસ્ત્રો સબમરીન કે ઍરોપ્લેન દ્વારા છોડી શકાય છે. આવાં વિમાનો માટે યોગ્ય તળભૂમિ (base) તથા તેની અત્યાધુનિક જાળવણી માટે વ્યવસ્થાતંત્ર રાખવું પડે છે. આખી પ્રણાલી માટે તેને ચોક્કસ દિશામાં લક્ષ્ય ઉપર છોડવાની પ્રવિધિ વગેરે દરેક બાબત આવી આયુધ પ્રણાલીમાં જ ગણાય છે.

પોલારીસ

1980નાં શરૂઆતનાં વર્ષોમાં યુ.એસ., રશિયા, ચીન, યુ.કે. તથા ફ્રાન્સ દ્વારા આવી પ્રણાલી ઉપયોગમાં લેવાતી; પરંતુ તેમાં પણ માત્ર યુ.એસ. તથા રશિયા પાસે જ આ પ્રકારનાં આયુધો વિપુલ માત્રામાં હતાં. શરૂઆતમાં ચીન પાસે આ સગવડ ખૂબ ખામીયુક્ત અને અધૂરી હતી તેમ માહિતી મળેલી; દા. ત., તેની પાસે 50 મધ્યમ અંતરવાળાં પ્રક્ષેપાસ્ત્રો જ હતાં.

1980માં ફ્રાન્સ પાસે સબમરીનમાંથી છોડી શકાય તેવાં તેમજ હાઇડ્રોજન-બૉમ્બ લઈ જઈ શકે તેવાં પ્રક્ષેપાસ્ત્રો હતાં. બ્રિટને તેની સબમરીનો પોલારીસ પ્રક્ષેપાસ્ત્રથી સજ્જ કરેલી, જેમાં પછીથી ટ્રાઇડેન્ટ પ્રક્ષેપાસ્ત્ર ઉમેરાયેલું. 1980માં અમેરિકા તથા રશિયા આ બે દેશો જ આ ક્ષેત્રમાં સર્વોપરિ રહેલા.

માઇન્યૂટ મૅન

યુ.એસ. પાસે બે ક્રિયાશીલ આંતરખંડીય પ્રાક્ષેપિક પ્રક્ષેપાસ્ત્ર (inter continental ballistic missile) – માઇન્યૂટ મૅન (1000 પ્રક્ષેપાસ્ત્રવાળું) તથા ટાઇટન-II(52 પ્રક્ષેપાસ્ત્ર સાથે)ની વ્યવસ્થા તૈયાર હતી. આ પછી તો તેણે લુપ્તપ્રાય (obsolescent) પોલારીસ ઉપરાંત પૉઝાઇડૉન તથા ટ્રાઇડેન્ટ પ્રણાલી પણ વિકસાવેલી.

રશિયા તથા અમેરિકા પાસેની પ્રક્ષેપાસ્ત્ર પ્રણાલીઓમાં આંતરિક કમ્પ્યૂટરો ગોઠવાયેલાં હોય છે તથા તેમાં થરમૉન્યૂક્લિયર બૉમ્બ (હાઇડ્રોજન બૉમ્બ) ગોઠવાયેલા હોય છે.

આ બધી આયુધ પ્રણાલીમાં માનવી તથા યંત્ર વચ્ચે એક અકસ્માતરહિત સંચારવ્યવસ્થા ખૂબ જરૂરી બની રહે છે. આમાંના કોઈ પણ એક વિભાગની ભૂલની પશ્ર્ચાદ્વર્તી અસરો અતિભયાનક નીપજી શકે છે.

જ. પો. ત્રિવેદી