વ્યાસ, શરદ (જ. 14 જાન્યુઆરી 1929, ભંડારિયા (વિરપુર)) : ગુજરાતમાં ફોટોગ્રાફીના પ્રારંભના કેટલાક ફોટોગ્રાફરોમાંના એક. શરદ વ્યાસે અગિયાર વર્ષની ઉંમરે ફોટોગ્રાફીનો આરંભ કરેલો. શાળાકીય શિક્ષણ એમણે ખાસ નહોતું મેળવ્યું પણ ફોટોગ્રાફીનો અભ્યાસ એમણે સ્વયં ફોટોગ્રાફીનાં અંગ્રેજી પુસ્તકો અને સામયિકો વાંચીને કર્યો તથા સ્થાનિક ફોટોગ્રાફર મિત્રોના ડાર્કરૂમમાં રોલ ડેવલપિંગ અને પ્રિન્ટિંગનું કામ શીખ્યા. એમણે અનેક વ્યક્તિઓ અને મહાનુભાવોનાં પૉટ્રેઇટ્સ ફોટાઓ ખેંચ્યાં. એમને મોનોક્રોમ ફોટોગ્રાફીમાં વધુ રસ રહ્યો છે. મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ફિલ્મના સ્ટીલ ફોટોગ્રાફર તરીકે કાર્ય કર્યું છે. ફોટોગ્રાફીમાં બર્ન–જર્મનીથી અપાતો એ.એફ.આઈ.એ.પી.(A.F.I.A.P.)નો ઑનર્સ 1963માં મળેલો. આ ઑનર્સ એ સમયે દેશમાં બહુ જૂજ ફોટોગ્રાફરો પાસે હતો. તેઓ ફેડરેશન ઑફ ઇન્ડિયન ફોટોગ્રાફી, ફોટોગ્રાફિક સોસાયટી ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટોગ્રાફિક કાઉન્સિલના તથા ફોટોગ્રાફી સોસાયટી ઑફ અમેરિકાના સક્રિય સભ્ય રહ્યા છે. ફેડરેશન ઑફ ઇન્ડિયન ફોટોગ્રાફીના એક્સપેરિમેન્ટલ ડિવિઝનના સેક્રેટરી તરીકે પણ કાર્ય કરેલું છે. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફિક સેલોનમાં એમના ફોટોગ્રાફ્સ પસંદ થયેલા છે તથા જામનગરમાં ચાર ઑલ ઇન્ડિયા ફોટોગ્રાફિક સેલોન અને એક ઇન્ટરનેશનલ સેલોનનું આયોજન કર્યું હતું. 1957માં એમણે સૌરાષ્ટ્ર ફોટોગ્રાફિક સોસાયટીની સ્થાપના કરી. અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફોટોગ્રાફિક સેલોનમાં નિર્ણાયક તરીકે કાર્ય કર્યું. 1966માં એમને ફેડરેશન ઑફ ઇન્ડિયન ફોટોગ્રાફીનો મેમ્બરશિપ ડ્રાઇવ ઍવૉર્ડ મળ્યો છે. એમણે ઘણાં પુસ્તકો અને સામયિકોનાં આવરણો તૈયાર કરેલાં છે.

શરદ વ્યાસને ફોટોગ્રાફી ઉપરાંત ચિત્રકળા, સાહિત્ય અને શાસ્ત્રીય સંગીતનો શોખ છે.

અભિજિત વ્યાસ