વ્યાસ, વિષ્ણુકુમાર દયાળજી

January, 2006

વ્યાસ, વિષ્ણુકુમાર દયાળજી (. 9 ઑગસ્ટ 1920, થાણા દેવળી, સૌરાષ્ટ્ર; . 29 સપ્ટેમ્બર 1998) : આધુનિક ગુજરાતી રંગભૂમિના ખ્યાતનામ નટ, દિગ્દર્શક અને નાટ્યશિક્ષક. પ્રાથમિક ઘડતર રાજકોટ ખાતે. પહેલાં કરણસિંહજી મિડલ સ્કૂલમાં ને પછી આલ્ફ્રેડ હાઈસ્કૂલ-(આજનું મહાત્મા ગાંધી વિદ્યાલય)માં ભણ્યા. 1939માં મૅટ્રિક પાસ કર્યા પછી ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજમાં ઇન્ટર સુધી અભ્યાસ કરી 1944માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષય સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી, બેસ્ટ સ્ટુડન્ટ ઑવ્ ઇયરનું મસુરેકર પારિતોષિક મેળવ્યું. 1946માં બી. ટી. થયા અને 1949માં ગુજરાતી અંગ્રેજી વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા.

1944માં ઘાટકોપરની ગુરુકુળ શૈક્ષણિક સંસ્થામાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. વલ્લભવિદ્યાનગરની વાણિજ્ય કૉલેજ, મુંબઈની સિદ્ધાર્થ કૉલેજ, વડોદરાની મ્યૂઝિક કૉલેજ અને અંજુમન કૉલેજ ઓવ્ કૉમર્સ  મુંબઈમાં 28 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક અધ્યાપનકાર્ય કરી યુનેસ્કો સંકલિત નાટ્યસંઘ સંચાલિત નાટ્યઅકાદમીમાંથી ડિપ્લોમા મેળવ્યો. ‘રંગભૂમિ નાટ્ય અકાદમી’ના ઉપનિયામક તરીકે અને ‘પરાગવિજયદત્ત અકાદમી’ના પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવવા ઉપરાંત ચારેક વર્ષ ‘મુકુંદ આયર્ન ઍન્ડ સ્ટીલ વકર્સ’માં સેલ્સ ઑફિસર તરીકે પણ કામ કર્યું.

રાજકોટના ‘સૌરાષ્ટ્ર કલા રસોત્સવ મંડળ’ના માંડવે ભજવાતાં નાટકોમાં સૂત્રધાર સાથે નાન્દી ગાતા બાળનટ રૂપે તખ્તા ઉપર પહેલી વાર પ્રવેશ કર્યો ને વજુભાઈ ટાંકના ‘પેશ્ર્વાઈ પતન’ નાટકમાં પોર્ટુગીઝની કૉમિક ભૂમિકા ભજવી નાટ્યજીવનના શ્રીગણેશ કર્યાં, તે પછી આ જ સંસ્થાનાં ‘પરિવર્તન’, ‘ફૂલમાળ’, ‘દલિતદુલારી’ વગેરે નાટકો નટ-ગાયક તરીકે ભજવ્યાં. કૉલેજકાળમાં આચાર્ય રમણલાલ યાજ્ઞિકની નિગેહબાની હેઠળ ‘અખો’, ‘સંધ્યાકાળ’, ‘વંઠેલાં’, ‘શાહજહાં’, ‘ડોલ્સ હાઉસ’ જેવાં સાહિત્યિક નાટકો ભજવી નૂતન રંગભૂમિ પર પગરણ માંડ્યાં. 1945માં ‘ઇપ્ટા’ના નાટક ‘અલ્લાબેલી’માં ભૂમિકા ભજવી મુંબઈના તખ્તા ઉપર પ્રવેશ કર્યો. 1948 સુધી ‘ઇપ્ટા’ સાથે સંકળાયેલા રહી ‘રંગભૂમિ’ સંસ્થાના સ્થાપક સભ્ય બન્યા. આ સંસ્થાના નેજા હેઠળ તેમણે ‘મૃચ્છકટિક’, ‘પુત્રસમોવડી’, ‘આપઘાત’, ‘પૂર્ણિમા’, ‘દયારામ’, ‘શાહજહાં’, ‘પરિણીતા’, ‘સુમંગલા’, ‘સુવર્ણરેખા’, ‘રેતીનાં રતન’, ‘રાણીનો બાગ’, ‘1942’, ‘ઝેર તો પીધાં જાણી જાણી’ જેવાં ગંભીર નાટકો અને ‘ઈડરિયો ગઢ જીત્યા’, ‘આવ્યા-ગયા’, ‘ભાડૂતી પતિ’, ‘પલ્લવી પરણી ગઈ’, ‘બારમો ચન્દ્રમા’, ‘સંસ્કારમૂર્તિ’, ‘અક્કરમીનો પડિયો કાણો’, ‘દર્પણ’, ‘ચકરાવો’ જેવાં હળવી શૈલીનાં પ્રહસનો ભજવ્યાં. ધંધાદારી ન બનવાની દૃષ્ટિ સાથે ‘રંગભૂમિ’ સંસ્થાએ પોતાની પ્રવૃત્તિ સંકેલી લીધી એટલે આઇ. એન. ટી.માં જોડાયા. અહીં તેમણે પ્રવીણ જોષી સાથે ‘સગપણનાં ફૂલ’, બરજોર પટેલ સાથે ‘16મી જાન્યુઆરીની મધરાતે’ અને સુરેશ રાજડા સાથે ‘કસબ’ અને ‘પૌરુષ’ નાટકો ભજવ્યાં અને ‘પાણી ઉપર પગલાં’ નાટકનું દિગ્દર્શન કર્યું. વળી પિરાન્દેલોના વિખ્યાત નાટક ‘હેન્રી ફોર્થ’ પરથી અરવિંદ ઠક્કરે કરેલા ગુજરાતી રૂપાંતર ‘શેરે અફઘાન’માં તેમના જ નિર્દેશનમાં, પોતાની કારકિર્દીની શ્રેષ્ઠ મુખ્ય ભૂમિકા ભજવી. આઇ. એન. ટી. છોડ્યા પછી લાલુ શાહના નિમંત્રણથી તેમની ‘બહુરૂપી’ સંસ્થામાં જોડાયા અને ઈસ્ટ આફ્રિકાનો નાટ્યપ્રવાસ ખેડી, ‘ધરમની પત્ની’ અને ‘ધૂપછાંવ’ નાટકોમાં અભિનય કર્યો ને ત્યાંથી પાછા ફર્યા બાદ ‘બહુરૂપી’ સંસ્થા માટે પોતાની કારકિર્દીનાં ઉત્તમ નાટકો ‘વિસામો’, ‘માંડવાની જૂઈ’ અને ‘અભિમાન’ પોતાના દિગ્દર્શનમાં રજૂ કર્યાં. કાંતિ મડિયાની ‘નાટ્યસંપદા’ સંસ્થાનાં નાટકો ‘સળગ્યાં લીલુડાં વાંસવન’ અને ‘બાણશય્યા’માં તથા ભારતીય વિદ્યાભવનની ‘કલાકેન્દ્ર’ સંસ્થાનાં નાટકોમાં વિવિધ સત્વશીલ ભૂમિકાઓ ભજવી. તે પછી રાજેન્દ્ર બુટાલાની શિવમ્ સંસ્થા માટે શતપ્રયોગી નાટક ‘સાથિયામાં એક રંગ ઓછો’ ઉપરાંત ‘કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’, ‘સરતાં સપનાં ખરતી પાંખો’ નાટક અને જયેશ ગોકાણી (નટખટ જયુ) સાથે ત્રણચાર નાટકો કર્યાં. જેમાં ‘સૂરજ થવાને શમણે’ સૌથી વધુ યશસ્વી અને સફળ નીવડ્યું. 1979થી 1992 દરમિયાન દર દોઢ-બે વરસે લંડન રહી ભારતીય વિદ્યાભવન માટે ‘ઝેર તો પીધાં જાણી જાણી’, ‘સાથિયામાં એક રંગ ઓછો’, ‘સૂરજ થવાને શમણે’, ‘માંડવાની જૂઈ’ નાટકો અને ‘મીરાં’, ‘સૂરદાસ’, ‘શકુંતલા’, ‘આમ્રપાલી’, ‘રાજા ભર્તૃહરિ’ જેવાં નૃત્યનાટકો લખ્યાં અને ભજવ્યાં. 1992થી 1994 દરમિયાન પોર્ટુગલ-લિસ્બનમાં ભારતીય વિદ્યાભવનની નવી ખૂલેલી શાખાના રજિસ્ટ્રાર તરીકે જોડાઈ ત્યાં વસતા ભારતીયો માટે ગુજરાતી, હિંદી, અંગ્રેજી ભાષાના તેમજ હાર્મોનિયમ-તબલાના વર્ગો ચલાવ્યા અને તેમની પાસે ‘મીરાં’, ‘શકુંતલા’ જેવાં નૃત્યનાટકો તૈયાર કરાવ્યાં. વ્યાવસાયિક રંગભૂમિને સમાંતરે તેમણે ધર્મલક્ષી નાટકો પણ ભજવ્યાં જેમાં ‘સ્વાધ્યાય’ પરિવાર માટેનું ‘સંસ્કાર’ નાટક અને ગોસ્વામી મુકુન્દરાયજી માટેનું ‘સુરદાસ’ નાટક મુખ્ય છે. ઢળતી કારકિર્દીએ તેમણે ચન્દ્રકાન્ત સાંગાણીનું ‘તરસ્યો સંગમ’ અને હરિન ઠાકરનું ‘દેરાણી-જેઠાણી’ પણ ભજવ્યું.

કૉલેજકાળમાં સૉનેટો અને ગીતો દ્વારા લેખનક્ષેત્રે ઝંપલાવી દિગ્દર્શન અને અભિનયની સમાંતરે તેમણે ડૉ. ફોસ્ટસ, ઑલિવર ગોલ્ડસ્મિથ (રેડિયો-રૂપાંતર), ‘બિંદુનો કીકો’ (ટીવી રૂપાંતર), ‘પૂર્ણિમા’, ‘કવિ દયારામ’, ‘કલંકિની’, ‘કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’, ‘સરતાં સપનાં ખરતી પાંખો’ વગેરે અનેક નાટ્યરૂપો રચ્યાં. ‘ગ્રંથ’ સામયિક માટે નાટ્યઅવલોકનો લખ્યાં. ‘નાટ્યરંગ’ માસિકનું તંત્રીપદ સંભાળ્યું. નવી રંગભૂમિ વિશે પરિચય-પુસ્તિકા લખી.

યુનિવર્સિટી, રાજ્ય અને રાષ્ટ્ર સ્તરે યોજાતી નાટ્ય હરીફાઈઓમાં નિર્ણાયક તરીકે સેવાઓ આપીને નાટ્યશિબિરોનું સંચાલન પણ કર્યું. 1967માં ‘કંપાલા કલાકેન્દ્ર’ના આમંત્રણથી એકાંકી નાટ્યસ્પર્ધાના નિર્ણાયક અને સમગ્ર નાટ્યકર્મના સમીક્ષક તરીકે યુગાન્ડા ગયા અને કમ્પાલા અને કેનિયાનો પ્રવાસ ખેડ્યો.

અભિનયની સાથે સાથે ગીત-સંગીતના સંસ્કારો પણ તેમણે બાળપણમાં ઝીલેલા, જેના પરિપાક રૂપે મુંબઈ રેડિયો પર સુગમ સંગીત ગાતા થયા અને કાળક્રમે અવિનાશ વ્યાસ સાથે સુગમ સંગીત પરીક્ષણ સમિતિના પાંચેક વર્ષ સભ્ય રહ્યા. ‘પૂર્ણિમા’, ‘મૃચ્છકટિક’, ‘કવિ દયારામ’ જેવાં સ્વનિર્દેશિત નાટકોમાં સંગીતની ધૂનો પણ બેસાડી અને ‘અભિમાન’ જેવું તાનસેન બૈજુની જુગલબંધીનું સંગીત-નાટક અને ‘મીરાં’, ‘સુરદાસ’ જેવાં નૃત્યનાટકો તેમની આગવી સંગીતસૂઝને લીધે ખીલી ઊઠ્યાં.

50 વર્ષની નાટ્યકારકિર્દી દરમિયાન સો ઉપરાંત નાટકોમાં અભિનય, પચાસ નાટકોનું દિગ્દર્શન, પાંચેક નાટકોનું લેખન કરી ગુજરાતી રંગભૂમિને ઘડવામાં સક્રિય અને અગ્રગણ્ય ભાગ ભજવનાર અને ગુરુજીનું બિરુદ મેળવનાર વિષ્ણુકુમારે તખ્તાની સમાંતરે 60 જેટલી ગુજરાતી ફિલ્મો, 10 જેટલી હિંદી ફિલ્મો ઉપરાંત ભોજપુરી અને મરાઠી ફિલ્મોમાં કામ કર્યું; જેમાં ‘કલાપી’, ‘દાદા હો દીકરી’, ‘પારકી થાપણ’, ‘મોટા ઘરની વહુ’, ‘ઝેર તો પીધાં જાણી જાણી’, ‘ઘરસંસાર’, ‘જીવી રબારણ’, ‘જીથરો ભાભો’, ‘દીકરી ચાલી સાસરિયે’  જેવી ગુજરાતી ફિલ્મો અને ‘આઈ તેરી યાદ’, ‘ફાસલા’, ‘સુન સજના’, ‘નદીયા કે પાર’, ‘તુલસી’, ‘પ્રેરણા’ જેવી હિંદી ફિલ્મો નોંધપાત્ર છે. આ ઉપરાંત ‘જયશ્રી યમુના મહારાણી’ ફિલ્મનું દિગ્દર્શન પણ કરેલું છે. ગુજરાત સરકાર તરફથી ‘રમત રમાડે રામ’, ‘ઝેર તો પીધાં જાણી જાણી’, ‘ઘરસંસાર’ અને ‘દીકરી ચાલી સાસરિયે’ ફિલ્મો માટે શ્રેષ્ઠ ચરિત્રનટનું, સંતુરંગીલી ફિલ્મ માટે શ્રેષ્ઠ સંવાદલેખકનું પારિતોષિક મેળવ્યું છે તો મહારાષ્ટ્ર-ગુજરાત સરકારનાં શ્રેષ્ઠ નાટકો માટેનાં પારિતોષિકો મેળવ્યાં છે, જેમાં અભિનેતા તરીકે ‘રાણીનો બાગ’, ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ તથા ‘રેતીનાં રતન’ માટે દિગ્દર્શક તરીકે, ‘પૂર્ણિમા’ માટે લેખક તરીકે, ‘કવિ દયારામ’ માટે મેળવેલાં ઇનામોનો સમાવેશ થાય છે.

ઑગસ્ટ 1998માં તેમના અવસાનના એક મહિના પહેલાં તેમની આત્મકથા ‘નાટ્યાત્મકથા’ પ્રકાશિત થઈ જેમાં તેમના જીવનની કથાની સાથે સાથે છેલ્લા છ દાયકાના રંગમંચનો ગુજરાતી નાટકનો, ગુજરાતી ફિલ્મોનો તેમજ ગુજરાતી ટી.વી. સીરિયલોનો દસ્તાવેજી આલેખ પણ મળી રહે છે. આ દરેક ક્ષેત્રના અસંખ્ય કલાકારો, દિગ્દર્શકો, લેખકો કસબીઓ, નિર્માતાઓ વગેરેની સિદ્ધિઓ ને વિશેષતાઓની ઝલક અને તેમની સાથેના એમના હકારાત્મક પ્રેમસંબંધનો અણસાર મળી રહે છે.

મહેશ ચંપકલાલ શાહ