વ્યાસ, શંકરરાવ (. 23 જાન્યુઆરી 1898, કોલ્હાપુર; . 17 ડિસેમ્બર 1956, અમદાવાદ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના શાસ્ત્રકાર, પ્રચારક અને અગ્રણી ગાયક. પિતા પંડિત ગણેશ પોતે સિતાર અને હાર્મોનિયમના અચ્છા વાદક હતા, જેને પરિણામે પુત્ર શંકરરાવને નાનપણથી જ શાસ્ત્રીય સંગીતના સંસ્કાર મળ્યા હતા. શંકરરાવ માત્ર સાત વર્ષના હતા ત્યારે પિતાનું અવસાન થતાં તેમનો તે પછીનો ઉછેર તેમના કાકા કૃષ્ણ સરસ્વતીની નિશ્રામાં થયો હતો.

શંકરરાવ વ્યાસ

જોગાનુજોગ શંકરરાવ સંગીતની શિક્ષા પ્રાપ્ત કરતા હતા તે દરમિયાન શાસ્ત્રીય સંગીતના વિખ્યાત શાસ્ત્રકાર અને ગાયક પંડિત વિષ્ણુ દિગંબર પળુસ્કર જે તે અરસામાં ભારત-ભ્રમણ કરતા હતા, તેમની નજર શંકરરાવ પર પડી અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓથી વિષ્ણુ દિગંબર બહુ પ્રભાવિત થયા અને તેમને પોતાની સાથે પ્રવાસમાં જોડાવાની દરખાસ્ત તેમના વાલી સમક્ષ રજૂ કરી. પંડિત પળુસ્કરના માર્ગદર્શન હેઠળ શંકરરાવે સંગીત-સાધના ચાલુ રાખી; એટલું જ નહિ, પરંતુ ‘સંગીતપ્રવીણ’ની પદવી સુધી અધ્યયન કરી સુવર્ણચંદ્રક પ્રાપ્ત કર્યો. ખયાલ ગાયકીમાં તેમનું પ્રભુત્વ સર્વત્ર પ્રશંસાને પાત્ર ઠર્યું હતું. ત્યારબાદ, પરિવારના ભરણપોષણની જવાબદારી આવી પડતાં શંકરરાવે રાષ્ટ્રીય શાળામાં નોકરી સ્વીકારી લીધી. શંકરરાવે પોતાની બધી જ શક્તિઓનો ઉપયોગ શાસ્ત્રીય સંગીતના પ્રચારાર્થે કરવો જોઈએ એવા વિચારથી વિષ્ણુ દિગંબરે તેમની નિમણૂક લાહોર ખાતેના તેમણે જ સ્થાપેલા ‘ગાંધર્વ મહાવિદ્યાલય’ના આચાર્યપદે કરી. તે અરસામાં શંકરરાવના ભાઈ નારાયણરાવ શાસ્ત્રીય સંગીતની શિક્ષા પ્રાપ્ત કરતા હતા, જે પૂર્ણ થતાં આ બંને ભાઈઓએ અમદાવાદ આવીને ત્યાં ‘ગુજરાત સંગીત મહાવિદ્યાલય’ની સ્થાપના કરી. શુદ્ધ શાસ્ત્રીય સંગીતની સાધનાની સાથોસાથ શંકરરાવ વૃંદવાદનમાં રુચિ લેતા થયા અને તેમાં ટૂંક સમયમાં જ તેમણે પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું. આ ક્ષેત્રમાં તેમની ખ્યાતિ ફિલ્મ જગતમાં ફેલાતાં મુંબઈની પ્રકાશ ફિલ્મ કંપનીએ તેમને સંગીતનિર્દેશનની જવાબદારી સોંપી, જેના પરિણામે તેમણે તે ફિલ્મ કંપની દ્વારા નિર્મિત કેટલાંક ચલચિત્રોને શાસ્ત્રીય સંગીત પર આધારિત સંગીત પૂરું પાડ્યું. આ ચલચિત્રોમાં ‘પૂર્ણિમા’, ‘નરસી-ભગત’, ‘ભરતમિલાપ’, ‘રામરાજ્ય’ તથા ‘વિક્રમાદિત્ય’ ચલચિત્રોનો સમાવેશ થાય છે. આ સાથે હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં પણ તેમણે તેમની આગેકૂચ ચાલુ રાખી હતી. તેમના ગાયન પર ગ્વાલિયર ઘરાણાની છાપ સ્પષ્ટપણે દેખાતી હતી.

તેમણે તેમના જીવનકાળ દરમિયાન શાસ્ત્રીય સંગીત પર કેટલાંક પુસ્તકો લખ્યાં છે, જેમાં ‘વ્યાસકૃતિ’ અને ‘મુરલી કી ધૂન’ (બંનેનું પ્રકાશનવર્ષ 1933); ‘પ્રાથમિક સંગીત’ તથા ‘સિતારવાદન’નો સમાવેશ થાય છે.

તેમના લઘુબંધુ નારાયણરાવ વ્યાસ પણ શાસ્ત્રીય સંગીતના ગાયક તરીકે જાણીતા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે