વ્યાસ, કિશોરભાઈ દયાશંકર (જ. 13 નવેમ્બર 1942, સાવરકુંડલા, જિ. અમરેલી; અ. 16 જૂન 1999, ડૂસલડૉફ, જર્મની) : ભારતના ઉદ્યોગક્ષેત્રના એક અગ્રણી. માતા મોંઘીબહેન, પિતા દયાશંકર વ્યાસ. 1972માં હર્ષદાબહેન સાથે લગ્ન થયાં. ધોરણ નવ સુધીનો અભ્યાસ ખડસલી લોકશાળામાં કર્યો. ધોરણ દસ-અગિયાર સાવરકુંડલા હાઈસ્કૂલમાં ભણ્યા. બેચલર્સ ડિગ્રી ઇન મિકેનિકલ ઍૅન્ડ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર. પ્રથમ બે વર્ષ ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અને ત્યારબાદ અમદાવાદની એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાંથી મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ ઇજનેરીનું શિક્ષણ લઈ સ્નાતક થયા. મોટા ભાઈ રવિભાઈની હૂંફ અને આર. ડી. શેઠની લોનની મદદથી અમેરિકા જઈ યુનિવર્સિટી ઑવ્ મિસૂરી, યુ.એસ.માં પ્રથમ વર્ગમાં બીજા નંબરે એમ. એસ. ઇલેક્ટ્રિકલની પદવી મેળવી.
અનુસ્નાતક ઉપાધિ મેળવ્યા પછી તેમણે ત્રણ વર્ષ અમેરિકામાં ઇજનેર તરીકે નોકરી કરી; ખૂબ સારો અનુભવ અને આત્મવિશ્ર્વાસ મેળવ્યો. રાષ્ટ્રહિતની વિશાળ ભાવનાથી સ્વદેશ પાછા ફર્યા અને પૂર્વ અમદાવાદના ઔદ્યોગિક વિસ્તારમાં ઇલેક્ટ્રૉનિક કન્ટ્રોલ કૉર્પોરેશન ફૅક્ટરી શરૂ કરી. તેમની પાસે ઉત્તમ ઉદ્યોગપતિ બનવા માટેના જરૂરી ગુણો હતા પ્રામાણિકતા, દૂરંદેશિતા, ધગશ અને દૃઢ મનોબળ.
કિશોરભાઈની સચ્ચાઈભરી રજૂઆતથી અમેરિકન કંપનીના ચૅરમૅન સહકારિતા (collaboration) માટે સહમત થયા. કિશોરભાઈ અને મયૂરભાઈ શાહની ઉજ્જ્વળ કારકિર્દીથી પ્રભાવિત થઈ ચાલીસ ટકા હિસ્સો ભારતીઓનો અને સાઠ ટકા અમેરિકન હિસ્સાની સમજૂતી સાથે ‘ઇલેક્ટ્રૉનિક કન્ટ્રોલ કૉર્પોરેશન’ સમેટી લઈ 1983માં અમેરિકાની પેઢીનું અસલ નામ રાખીને પશ્ચિમ અમદાવાદમાં ઇન્ડક્ટોથર્મ (ઇન્ડિયા) લિમિટેડની શરૂઆત કરી. કિશોરભાઈ ‘ઇન્ડક્ટોથર્મ’ (ઇન્ડિયા) લિમિટેડના પ્રથમ મૅનેજિંગ ડિરેક્ટર બન્યા. તેમની ઔદ્યોગિક દૂરંદેશિતા અને દેશદાઝ એટલી નોંધપાત્ર કે ‘અમેરિકન ઇન્ડક્ટોથર્મ’ કંપનીના સ્થાપક હેન્રી એમ. રોવને તેમને ખૂબ જ નોંધપાત્ર ક્ષમતાવાળા માણસ તરીકે બિરદાવ્યા હતા; જ્યારે આંતરરાષ્ટ્રીય ફર્નેસ ગ્રૂપના પ્રેસિડેન્ટ મી. જ્હૉન એચ. મૉર્ટિમોરે તો એટલે સુધી કહ્યું કે ફક્ત ભારતીય બજારમાં જ નહિ, પૂરી દુનિયામાં ઇન્ડક્શન ક્ષેત્રનો વિકાસ કરવામાં કિશોરભાઈનું યોગદાન નોંધપાત્ર છે. તેમની વહીવટી શક્તિ ગજબની હતી. તેમણે સમગ્ર કર્મચારીગણ પાસેથી ધાર્યું કામ લીધું. કામદારોને નફામાં ભાગીદાર બનાવ્યા. આવા એક સફળ ઉદ્યોગપતિને બિરદાવતાં અમદાવાદ મૅનેજમેન્ટ ઍસોસિયેશન તરફથી ઍવૉર્ડ ફૉર આઉટસ્ટૅન્ડિંગ મૅનેજર ઑવ્ ધી ઇયર 1990 આપવામાં આવ્યો હતો. ઇન્ડો-અમેરિકન ચેમ્બર ઑવ્ કૉમર્સના તેઓ વાઇસ ચૅરમૅન હતા. વળી આઇ. આઇ. એફ. નૅશનલ કાઉન્સિલના તેઓ સભ્ય હતા. ઉપરાંત અમદાવાદ મૅનેજમેન્ટ ઍસોસિયેશનના પણ તેઓ સભ્ય હતા. જર્મનીના ડૂસલડૉફ શહેરમાં ‘ગીફા’ ઔદ્યોગિક પ્રદર્શનમાં ઇન્ડક્ટોથર્મનો સ્ટૉલ હતો ત્યાં પ્રદર્શનના છેલ્લા દિવસે ઇન્ડક્ટોથર્મના મુખ્ય માણસોની મિટિંગમાં પ્રવચન કરતાં 16 જૂન 1999ના રોજ તેમનું હૃદયરોગના હુમલાથી આકસ્મિક અવસાન થયું. ભારતના ઔદ્યોગિક આકાશના એક તેજસ્વી વ્યક્તિત્વનો એ રીતે અકાળે અંત આવ્યો.
શંકરલાલ વ્યાસ