વ્યાસ, કિરણભાઈ લાભશંકર

January, 2006

વ્યાસ, કિરણભાઈ લાભશંકર (જ. 31 માર્ચ 1944, લખતર, જિ. સુરેન્દ્રનગર) : વિદેશસ્થિત ભારતીય સંસ્કૃતિના પ્રસારક. મૂળ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના વતની. ત્યાં જ રૂઢિચુસ્ત બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. એમના પિતાનું નામ લાભશંકર. એ સ્વાતંત્ર્ય-સેનાની હતા. માતાનું નામ ચંદ્રકલાબહેન. લાભશંકર વ્યાસ થામણાની સ્કૂલમાં શિક્ષક હતા. ત્યાંથી સાબરમતી ગયા. 1942માં જેલ ભોગવી. પછી કરાડીની રાષ્ટ્રીય શાળામાં જોડાયા. શ્રી અરવિંદની અતિમનસયાત્રાના અભ્યાસી. એમને યોગમાં રસ હતો. કિરણભાઈને લઈને માતા મુંબઈ ગયેલાં. પછી નારગોલ આવ્યાં. કિરણભાઈએ ત્યાંની તાતા વાડિયા હાઈસ્કૂલમાં શિક્ષણ લીધું. ત્યાંથી પુદુચેરી (પોંડિચેરી) ગયા. ત્યાં અંગ્રેજી-ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો. ત્યાં જ ઉચ્ચશિક્ષણ મેળવ્યું. 1967માં તત્વજ્ઞાન, વિજ્ઞાન અને ઇતિહાસ સાથે સ્નાતક થયા.

1968માં તેઓ પુદુચેરી(પોંડિચેરી)થી નારગોલ આવ્યા. રમતગમતના ક્ષેત્રે રસ લઈ નારગોલમાં શારીરિક શિક્ષણનું કાર્ય કર્યું; બારડોલીમાં સ્કૂલ ઊભી કરી. ફ્રાન્સની સરકારના મંત્રી માલરોના નિમંત્રણે ફ્રાન્સ ગયા. મુક્ત વિદ્યાપીઠ(ઓપન યુનિવર્સિટી)ની વિસ્તૃત કલ્પના કિરણભાઈ પાસે હતી, જેનો ફ્રાન્સે ઉપયોગ કર્યો. ત્યાંથી ઇંગ્લૅન્ડ ગયા. વળી તેમણે અન્ય દેશોનો પ્રવાસ પણ કર્યો. આ પ્રવાસ પછી પૅરિસમાં અદ્યતન શિક્ષણસંસ્થા સ્થાપવાનાં ચક્રો ગતિમાન કર્યાં. દરમિયાન ઇન્સિયા (INSEA) ‘ઇન્ટરનૅશનલ સોસાયટી ફૉર એજ્યુકેશન થ્રૂ આર્ટ’ના અગ્રણીઓનો સંપર્ક થયો. એ સંસ્થામાં જોડાયા. એ સંસ્થાના ઉપપ્રમુખ પણ થયા. શિક્ષણ પર સેમિનાર ગોઠવીને તેમણે સંશોધનાત્મક લેખો લખ્યા. તેઓ ફ્રેન્ચ કમ્પેરેટિવ સોસાયટીના સભ્ય થયા અને લંડન તથા સ્પેનમાં આ સંસ્થાના આશ્રયે કામગીરી કરી. તેઓ બ્રિટિશ કાઉન્સિલના સલાહકાર તરીકે નિયુક્ત થયા. ટાગોર, શ્રી અરવિન્દ અને ગાંધીજીના શિક્ષણવિષયક વિચારોને આધુનિક સંદર્ભે રજૂ કરવાનું વિચારીને એ વિષયમાં કામ પ્રારંભ્યું.

1971માં ડૉ. વિક્રમ સારાભાઈના નિમંત્રણથી ત્રિવેન્દ્રમ્ આવ્યા. થુંબામાં અવકાશક્ષેત્રે ફ્રેન્ચની જે ટુકડી આવી હતી તેની સાથે રહ્યા. કામગીરી પૂર્ણ થતાં વળી ફ્રાન્સ પાછા પહોંચ્યાં. ત્યાં કિરણભાઈએ ધ્યાન અને યોગનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. એમાં સફળતા મળતાં ધ્યાનકેન્દ્રો ઊભાં કર્યાં અને ડૉ. ઝેરાં અને સાંતાલના સહયોગથી 1977માં ‘તપોવન’ નામક સંસ્થા ઊભી કરી. ‘સ્કૂલ ફૉર પોલિટિકલ લીડર્સ’ના ડિરેક્ટર પિયેર નોરા એ સંસ્થાના પ્રમુખ બન્યા. ફ્રાન્સના અનેક અગ્રણીઓએ કિરણભાઈ પાસે યોગ અને ધ્યાનનું શિક્ષણ લીધું. ‘તપોવન’ દ્વારા ભારતીય જીવનપદ્ધતિનું શિક્ષણ અપાય છે અને પ્રતિ વર્ષ ત્યાંથી એક જૂથ ભારતદર્શને આવે છે. બીજું કેન્દ્ર ઊભું કરાયું તે ‘આદિશક્તિ’ નામે ઓળખાય છે. શિબિરમાં યોગ, પંચકર્મ અને આયુર્વેદનું જ્ઞાન અપાય છે.

કિરણભાઈને ઈ. સ. 2008માં ફ્રાન્સનો ‘વિશ્વ આયુર્વેદ રત્ન’ ઍવૉર્ડ એનાયત થયો છે. એમણે ડૉ. ક્લેર સાથે લગ્ન કર્યાં છે. કિરણભાઈને ‘સાંસ્કૃતિક એલચી’ તરીકે પણ ઓળખાવવામાં આવ્યા છે.

પ્રફુલ્લ રાવલ