વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health)

January, 2006

વ્યાવસાયિક સ્વાસ્થ્ય (occupational health) : કામદારોની માનસિક, શારીરિક અને સામાજિક સુખાકારી(well-being)નું રક્ષણ, જાળવણી અને વર્ધન તથા તેમના કાર્યને લીધે થતા રોગો, વિકારો કે જોખમોનું પૂર્વનિવારણ. આમ તે મુખ્યત્વે પૂર્વનિવારણલક્ષી (preventive) તબીબીવિદ્યાનું એક અંગ છે. તેને વ્યાવસાયિક આરોગ્ય પણ કહે છે. સન 1950માં આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન અને વિશ્વઆરોગ્ય સંસ્થાની સંયુક્ત સમિતિએ વ્યાવસાયિક સ્વાસ્થ્યની ઉપર જણાવેલી વ્યાખ્યા આપી હતી. તેનું મુખ્ય ધ્યેય કામને માણસ સાથે અને માણસને તેના કામ સાથે અનુકૂળ કરાવી આપવાનું હોય છે. તેમાં પૂર્વનિવારણ ચિકિત્સાવિદ્યાનાં બધાં જ લક્ષણો – આરોગ્યવર્ધન, રોગ સામે રક્ષણ, વહેલું નિદાન અને સારવાર, અપંગતામાં ઘટાડો અને પુનર્વાસ – તેમજ વસ્તીરોગવિદ્યા, અંકશાસ્ત્ર, આરોગ્યલક્ષી વિવૃત્તન (health screening) તથા આરોગ્યશિક્ષણ જેવાં બધાં જ સાધનોનો ઉપયોગ કરાય છે. તેથી વ્યાવસાયિક સ્વાસ્થ્યને પૂર્વનિવારણ ચિકિત્સાવિદ્યાની કામધંધાના સ્થળ પરની પ્રયુક્તિ (application) ગણવામાં આવે છે. ભૂતકાળમાં તેનો ઉપયોગ યંત્રશાળાઓ (factories) અને ખાણોમાં જ થતો; તેથી તેને ‘ઔદ્યોગિક આરોગ્ય’ (industrial health) કે ‘ઔદ્યોગિક સ્વાસ્થ્ય સંભાળ’ (industrial hygiene) કહેવાતું, પણ હાલ તેનો ઉપયોગ દરેક પ્રકારના ધંધારોજગાર માટે કરાય છે; જેમ કે, વેપાર, વિવિધ પ્રકારની સેવાઓ, વનસંપત્તિવિદ્યા (forestry), કૃષિ (ખેતીવાડી) વગેરે. વળી તેનો વ્યાપ વધારીને હવે ઔદ્યોગિક સ્વાસ્થ્યસંભાળ ઉપરાંત ઔદ્યોગિક અકસ્માતો, ઔદ્યોગિક દ્રવ્યની વિષવિદ્યા (toxicology), પુનર્વાસ તથા ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો પણ તેમાં સમાવેશ કરાયો છે. વ્યાવસાયિક સ્વાસ્થ્ય સેવા અથવા વ્યાવસાયિક આરોગ્ય સેવાના ભાગ રૂપે શ્રમવિધાનવિદ્યા(ergonomics)ની એક શાખા વિકસી છે. તેમાં માનવ (કામદાર), યંત્ર અને સ્થળની પરિસ્થિતિ એકબીજા સાથે સુમેળ સર્જીને શ્રેષ્ઠ પ્રકારની કાર્યક્ષમતાનું સર્જન કરે એવી વિભાવના સમાયેલી છે. તેના ઘટકો રૂપે યંત્રો, સાધનો (tools) અને ઉપકરણો(equipments)ની ડિઝાઇન, ઉત્પાદનપ્રક્રિયા, કામના સ્થળની ગોઠવણી (lay-out), કામ કરવાની શૈલી તથા સ્થાનિક વાતાવરણ હોય છે. શ્રમવિધાનવિદ્યાનું મુખ્ય ધ્યેય શ્રમ-શ્રમિક (કામ અને કામદાર) વચ્ચે પરસ્પરાનુકૂલન સાધીને માનવીય કાર્યક્ષમતા અને સુખાકારી સ્થાપવાનો છે. શ્રમવિધાનવિદ્યાના ઉપયોગથી ઔદ્યોગિક અકસ્માતો ઘટ્યા છે અને કામદારોની ક્ષમતા અને સુખાકારી વધી છે.

કામદારનું આરોગ્ય : ઔદ્યોગિક કામદારો સમગ્ર વસ્તીના એક ભાગ રૂપે છે અને તેથી સમગ્ર વસ્તી માટેના આરોગ્યની જાળવણીના સિદ્ધાંતો તેમને પણ લાગુ પડે છે. તેથી તેમનું રહેઠાણ, પાણી, મળમૂત્ર અને કચરાનો નિકાલ, પોષણ અને શિક્ષણ વગેરે વિવિધ પાસાંઓને તેમાં આવરી લેવાય છે. આ ઉપરાંત કામ કરવાના સ્થળનું વાતાવરણ, સગવડો અને અનારોગ્યપ્રદ સ્થિતિ વગેરે પણ તેટલાં જ મહત્વનાં પાસાં છે. ઔદ્યોગિક ઉત્પાદન વધારવા અને કામદારોનું આરોગ્ય જાળવવા લેવાતાં કે લેવાં જરૂરી બધાં જ પગલાંનો તેમાં સમાવેશ થાય છે. તેને ઔદ્યોગિક વાતાવરણ (occupational environment) કહે છે. તેમાં મુખ્યત્વે 3 પ્રકારની આંતરક્રિયાઓ થાય છે  માણસ-માણસ વચ્ચે, માણસ અને યંત્ર વચ્ચે અને માણસ તથા ભૌતિક, રાસાયણિક અને જૈવિક વસ્તુઓ વચ્ચે.

માણસ અને વાતાવરણની વસ્તુઓ વચ્ચેની આંતરક્રિયાઓમાં કેટલાંક ભૌતિક પરિબળો મહત્વનાં હોય છે; જેમ કે, ગરમી, ઠંડી, ભેજ, વાતાયન અથવા હવાની અવરજવર, વિકિરણ, પ્રકાશ, ઘોંઘાટ, ધ્રુજારી તથા આયનકારી અથવા વીજગકારી (આયનકારી) વિકિરણો (ionising radiation). આ ઉપરાંત કામ કરવા માટેની જગ્યાની મોકળાશ, ભીડ ન થાય તેટલી સંખ્યા, શૌચાલયોની સગવડ અને સ્વચ્છતા, ધોવા-નાહવા માટેની સગવડ વગેરે વિવિધ અન્ય ભૌતિક સ્થિતિઓનો પણ તેમાં સમાવેશ થાય છે. રાસાયણિક પરિબળો રૂપે વિવિધ પ્રકારનાં રસાયણો, ઝેરી રજકણો, ઝેરી વાયુઓ વગેરે હોય છે. તેઓ કામદારની ચામડી, ફેફસાં તથા શ્વસનમાર્ગ, લોહી તથા શરીરના અન્ય અવયવોને અસરગ્રસ્ત કરે છે. આ ઉપરાંત કામદાર વિષાણુ, જીવાણુ, પરોપજીવ વગેરે જેવા જૈવિક રોગકારક ઘટકોના સંસર્ગમાં પણ આવી શકે છે. તેમાં પ્રાણીઓ સાથેનો ઘનિષ્ઠ સંસર્ગ, પ્રાણીઓની વિષ્ટા સાથે સંસર્ગ, પ્રદૂષિત પાણી, જમીન કે ખોરાકનો સંસર્ગ પણ હોઈ શકે.

ઉદ્યોગોમાં માણસ યંત્રો સાથે કામ કરે છે. યંત્રોના હલનચલન કરતા ભાગો ઈજા પહોંચાડી શકે છે. જો તેમની અબહિર્વાહકતા (insulation) અંગે પૂરતી તકેદારી રાખેલી ન હોય તો વીજળીનો આંચકો લાગવાની સંભાવના પણ રહે છે. આ ઉપરાંત અન્ય પ્રકારની સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોય તોપણ અકસ્માત સર્જાય છે. કામદાર લાંબા સમય માટે અગવડ પડે તેવી સ્થિતિમાં બેસીને, ઊભા ઊભા કે અન્ય રીતે કામ કરે તો તેને થાક, પીઠ કે અન્ય સ્થળે દુખાવો, સાંધાના અને સ્નાયુના રોગો થઈ આવે છે.

માણસ-માણસ વચ્ચેના સંબંધોમાં માનસિક અને સામાજિક સમસ્યાઓ થઈ શકે છે. વિવિધ પ્રકારના માનસિક વિકારો થવામાં કામનો પ્રકાર, તેની ઢબ, સ્થિરતા અને રોજગારની સુરક્ષા, નોકરીની શરતો અને પરિસ્થિતિ, કાર્યસંતોષ, નેતાગીરીની શૈલી, જીવનની સુરક્ષા, કામદારોની નીતિનિર્ણયોમાં ભાગીદારી, તેમની વચ્ચે અને તેમની તથા સંચાલકો વચ્ચેનો સંવાદ અને સંવાદિતા, પગાર કરવાની પદ્ધતિ, કામદાર-કલ્યાણ યોજનાઓ, જવાબદારીની કક્ષા, કામદાર સંઘોની કામગીરી, પ્રોત્સાહન પદ્ધતિ વગેરે. વિવિધ પરિબળો અસરકારક હોય છે. કામના સ્થળનો તણાવ કામદારના ઘર સુધી પહોંચે છે તેથી તેના કૌટુંબિક વાતાવરણની પણ તેના સ્વાસ્થ્ય પર અસર થાય છે.

ઔદ્યોગિક જોખમો (occupational hazards) : તેમને 5 વિભાગમાં વહેંચવામાં આવે છે : (અ) ભૌતિક જોખમો, (આ) રાસાયણિક જોખમો, (ઇ) જૈવિક જોખમો, (ઈ) યાંત્રિક જોખમો અને (ઉ) માનસિક જોખમો.

ભૌતિક જોખમોમાં ગરમી અને ઠંડીની અતિશયતા, પ્રકાશ, ઘોંઘાટ, ધ્રુજારી, પારજાંબલી વિકિરણ અને વીજગકારી અથવા આયનકારી (ionising) વિકિરણનો સમાવેશ થાય છે. ગરમીને કારણે દાઝવું, લૂ લાગવી, ગરમીથી સ્નાયુઓનું પીડાકુંચન (cramps) થવું વગેરે જોવા મળે છે. આવું ભઠ્ઠીઓ અને મોટા ચૂલા હોય ત્યાં થઈ શકે છે. વિકિરણશીલ ઉષ્ણતા(radiation heat)નું જોખમ કાચ અને ધાતુ(પોલાદ)ની ભઠ્ઠીઓ અને ઉદ્યોગોમાં તથા ખાણોમાં જોવા મળે છે. અતિશય ઠંડકને કારણે શીતદાહ તથા શરીરનું તાપમાન ઘટી જવું જેવી વિષમતાઓ થઈ આવે છે.

અતિશય પ્રકાશમાં આંખને નુકસાન થાય છે. જ્યારે ઘોંઘાટ અને તીવ્ર અવાજથી શ્રવણક્ષમતાને અસર થાય છે અને ક્યારેક કાયમી કે ટૂંકા ગાળાની બહેરાશ આવે છે. ઘોંઘાટથી કાર્યક્ષમતા ઘટે છે, થાક લાગે, માનસિક દુર્બળતા આવે, બોલવામાં અને વાત કરવામાં ખલેલ પડે, અણગમો થાય તથા કામ કરવામાં અડચણ પડે છે. શારડી, હથોડી તથા અન્ય સાધનોવાળાં યંત્રોથી ઘણી વખત ધ્રુજારી ઉત્પન્ન થાય છે જે હાથપગનાં સાંધાને તથા આંગળીઓની સંવેદનશીલતાને અસર કરે છે. રેણ કરતી ચાપ(arc welder)માંથી પારજાંબલી વિકિરણો નીકળે છે જે આંખને નુકસાન કરે છે. જોકે તેવી ઈજા સપાટીગત હોય છે અને તે આંખની અંદરની સંરચનાઓને અસરગ્રસ્ત કરતી નથી તેથી અંધાપો આવતો નથી. વીજગકારી અથવા આયનકારી (ionising) વિકિરણન(ક્ષ-કિરણો, વિકિરણશીલ સમસ્થાનિકો – radio-active isotops)થી લોહી બનાવતી અસ્થિમજ્જા નામની પેશીને તથા જનનગ્રંથિઓને ઈજા પહોંચે છે. તેને કારણે જનીનીય ફેરફારો, કુરચનાઓ, કૅન્સર, રુધિરકૅન્સર, વાળ ખરવા, ચાંદાં પડવાં, વંધ્યતા આવવી તથા ક્યારેક મૃત્યુ થવું વગેરે જોવા મળે છે.

રસાયણો સ્થાનિક સંસર્ગ દ્વારા, શ્ર્વાસમાં પ્રવેશીને તથા મુખમાર્ગે પ્રવેશીને ઝેરી અસર કરે છે. ચામડી સાથેના સંસર્ગથી ત્વચાશોથ (dermatitis), ખરજવું, ચાંદું તથા કૅન્સર થાય છે. જો તેમાં ઝેરી દ્રવ્યનો પ્રકાર, તેની માત્રા (dose) અને સંસર્ગનો સમયગાળો અને વિસ્તાર પણ મહત્વનાં પરિબળો છે. રજકણો અને ઝેરી વાયુઓના અંત:શ્વસન(inhalation)થી જોખમ ઉદ્ભવી શકે છે. શ્વસનમાર્ગમાં પ્રવેશીને ફેફસામાં જામી જતી રજકણો અને તાંતણાં દ્રવ્યકણજન્ય ફેફસીરોગ (pheumocariosis) કરે છે. આવાં દ્રવ્યકણો સેન્દ્રિય કે અસેન્દ્રિય અથવા દ્રાવ્ય કે અદ્રાવ્ય હોય છે. સિલિકા, માઇકા, કોલસો, ઍસ્બેસ્ટૉસ અદ્રાવ્ય અને અસેન્દ્રિય દ્રવ્યકણ હોય છે જ્યારે રૂ, શણ વગેરે જેવાં સેન્દ્રિય દ્રવ્યકણો પણ હોય છે. અદ્રાવ્ય દ્રવ્યકણો દ્રવ્યકણજન્ય શ્વસનરોગ કરે છે.

ઉદ્યોગોમાં વિવિધ પ્રકારના વાયુઓ શ્ર્વાસમાં જાય છે. તેમને 3 જૂથમાં વહેંચવામાં આવે છે : સાદા વાયુઓ (પ્રાણવાયુ, જલદાયીવાળુ  hydrogen), ગૂંગળામણ કરતા વાયુઓ (કાર્બન મૉનોક્સાઇડ, સાયનાઇડ વાયુ, સલ્ફરડાયૉક્સાઇડ, ક્લૉરિન વગેરે) તથા નિશ્ચેતક વાયુઓ (anaesthesing gases) જેવા કે ક્લૉરોફૉર્મ, ઈથર અને ટ્રાઇક્લૉરોઇથેલિન.

સીસું, ઍન્ટિમની, આર્સેનિક, બેરિલિયમ, કૅડ્મિયમ, કોબાલ્ટ, મૅન્ગેનીઝ, પારો, ફૉસ્ફરસ, ક્રોમિયમ, જસત વગેરે વિવિધ ધાતુઓ અને તત્વો શરીરમાં વિવિધ પ્રકારના રોગો કરે છે. જોકે તેમનાથી થતો વિકાર તેમની સાથેના સંસર્ગને દૂર કરવાથી તથા શરીરમાંથી તેમનો નિકાલ કરવાથી શમે છે. આવું દ્રવ્યકણજન્ય શ્વસનરોગમાં થતું નથી. આમાંનાં કેટલાંક ઝેરી દ્રવ્યો પ્રદૂષિત હાથ કે ખોરાક દ્વારા શરીરમાં જાય છે. દ્રવ્યકણજન્ય ફેફસીરોગમાં જે તે દ્રવ્યકણોથી વ્યક્તિ દૂર જતો રહે તે છતાં પણ તે રોગનાં લક્ષણો અને ચિહ્નો રહે છે, જ્યારે ઝેરી ધાતુઓ, વાયુઓ કે રસાયણોથી થતા વ્યાવસાયિક રોગો, તે વાતાવરણથી દૂર જવામાં આવે અને તેની યોગ્ય સારવાર અપાય તો શમે છે.

કામ કરવાના સ્થળે વ્યક્તિને ચેપી સૂક્ષ્મજીવો અને પરોપજીવોનો સંસર્ગ થાય તો તેનાથી રોગો થાય છે; જેમ કે, બ્રુસેલોસિસ, લેપ્ટોસ્પાયરોસિસ, ઍન્થ્રેક્સ, હાયડેટિડોસિસ, સિટેકોસિસ, ધનુર્વા, હાથીપગો, ફૂગજન્ય રોગો વગેરે. આ ઉપરાંત પ્રાણીઓ સાથે સીધા સંપર્કમાં આવતી વ્યક્તિઓ તેમના વાળ, ઊન, વિષ્ટા વગેરેના સંસર્ગમાં આવે છે અને તેનાથી તેમને વિકારો સંભવે છે.

ઔદ્યોગિક ક્ષેત્રમાં થતા અકસ્માતોમાં 10 % કિસ્સાઓ યંત્રોના હાલતા-ચાલતા ભાગથી થતી ઈજાને કારણે હોય છે.

ઔદ્યોગિક ક્ષેત્રે કામદારોનું વાતાવરણ સાથે અપૂરતું અનુકૂલન થયું હોય, હતાશા ઉદ્ભવી હોય, કાર્યસંતોષની ગેરહાજરી હોય, અસલામતી હોય, માનવસંબંધો નબળા હોય, લાગણીજન્ય તણાવ થતો હોય તો તેમનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે. કામદારના શિક્ષણ, સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિકા, કૌટુંબિક જીવન, સામાજિક ટેવો તથા તેની આકાંક્ષાઓને આધારે તે કાર્યસ્થળ પર કેટલું અનુકૂલન સાધી શકશે તે નિશ્ચિત થાય છે. તેને આધારે વ્યક્તિને કાં તો (ક) માનસિક અને વર્તનલક્ષી વિકારો થાય છે અથવા તો (ખ) મન-તન વિકારો (psychosomatic disorders) થઈ આવે છે. અતિવિરોધિતા (hostility), આક્રમકતા, મનોવિકારી ચિંતા, ખિન્નતા, ધીમાપણું (tardiness), મદ્યપાનની લત, ઔષધ કુપ્રયોગ (drug abuse), માંદગી, ગેરહાજરીપણું વગેરે વિકારો તથા માનસિક અને વર્તનલક્ષી વિકારો તથા થાક, માથું દુખવું, ડોક અને ખભા અથવા પીઠમાં દુખાવો, પૅપ્ટિક વ્રણ, લોહીનું ઊંચું દબાણ, હૃદયરોગ, ઝડપથી વૃદ્ધત્વ પામવું વગેરે થઈ આવે છે.

વિવિધ અભ્યાસોએ દર્શાવ્યું છે કે ગરમી, ઘોંઘાટ, અપૂરતો પ્રકાશ જેવાં વિવિધ ભૌતિક પરિબળો માનસિક સ્વાસ્થ્યને જોખમાવે છે. વધુ પડતી સ્વયંસંચાલિતતા, વીજાણુપરક કાર્યાયોજન (electronic operation) તથા નાભિકીય ઊર્જાયુક્ત (nuclear energyrelated) કાર્યાયોજનથી નવા પ્રકારના માનસિક આરોગ્યનાં જોખમો ઉદ્ભવી રહ્યાં છે.

વ્યાવસાયિક રોગો : વ્યાવસાયિક રોગોની કોઈ નિશ્ચિત વ્યાખ્યા વિકસી નથી; પરંતુ તેમાં નોકરી સમયે ઉદભવતા બધા જ રોગોનો સમાવેશ કરાય છે. તેમને અનુકૂળતા માટે સારણી 1માં દર્શાવ્યા મુજબ 6 વિભાગોમાં વહેંચવામાં આવેલા છે.

સારણી 1 : વિવિધ પ્રકારના વ્યાવસાયિક રોગો

ક્રમાંક પ્રકાર પરિબળ ઉદાહરણ
1 2 3 4
1. ભૌતિક પદાર્થોથી થતા રોગો (ક) ગરમી ખૂબ તાવ ચડવો (અતિજ્વર, hyperpyrexia); ઉષ્ણતાજન્ય થાક, મૂર્ચ્છા કે સ્નાયુનાં પીડાકુંચનો (cramps); દાઝવું વગેરે.
(ખ) ઠંડી શીતદાહ (frostbite)
(ગ) પ્રકાશ મોતિયો, ખાણિયાનું નેત્રડોલન (nystagmus)
(ઘ) દબાણ કેશન (Caisson) રોગ, વાતપોટી સ્થાનાંતરતા (air embolism), ધડાકો (blast)
(ઙ્) ઘોંઘાટ બહેરાશ
(ચ) વિકિરણ કૅન્સર, રુધિરકૅન્સર (leukaemia), અવિકસન પાંડુતા (aplastic anaemia), સર્વરુધિરકોષઅલ્પતા (pancytopenia)
(છ) યાંત્રિક ઘટકો ઈજાઓ, અકસ્માતો
(જ) વીજળી દાહ
2. રાસાયણિક પદાર્થોથી થતા રોગો (ક) વાયુઓ અંગારવાયુ, કાર્બન મૉનોક્સાઇડ, સાયનાઇડ વાયુ, કાર્બન ડાઇસલ્ફાઇડ, એમોનિયા, નત્રલવાયુ, હાઇડ્રોજન સલ્ફાઇડ, હાઇડ્રૉક્લોરિક ઍસિડ, સલ્ફર ડાયૉક્સાઇડથી થતી વાતવિષાક્તતા (gas poisoning).
(ખ) દ્રવ્યધૂલિકા દ્રવ્યકણજન્ય ફેફસીરોગ (pneum- oconioris)
(અ) કોલસાની રજથી થતો કોલસી રોગ (anfracosis), રેતરજ-(silica)થી થતો રેતરજરોગ (silicosis), પ્રતિજ્વલક-(asbestos)થી થતો પ્રતિજ્વલક રોગ (asbestosis), લોહથી થતો લોહભારી રોગ (siderosis) જેવા વિવિધ અસેન્દ્રિય રજકણોથી થતા રોગો.
(આ) શેરડીના તંતુથી શેરડીતંતુરોગ (bagassosis), કપાસતંતુથી થતો કપાસતંતુરોગ (byssinosis), તમાકુથી થતો તમાકુ-તંતુરોગ (tobaccosis), ધાન્યરજ(grain dust)થી ધાન્યરજરોગ અથવા ખેડૂતનો ફેફસીરોગ (farmer’s lung) જેવા વિવિધ સેન્દ્રિય તંતુઓ અને રજથી થતા રોગો.
(ગ) ધાતુઓ અને તેમનાં સંયોજનો સીસું, પારો, કૅડ્મિયમ, મૅંગેનીઝ, બેરિલિયમ, આર્સેનિક, ક્રોમિયમ વગેરે.
(ઘ) રસાયણો અમ્લ (acid), ક્ષારદ (alkali) તથા કીટનાશકો
(ઙ) દ્રાવકો (solvents) કાર્બન ડાઇસલ્ફાઇડ, બેન્ઝિન, ટ્રાઇક્લૉરોઇથિલિન, ક્લૉરોફૉર્મ વગેરે.
3. જૈવિક પદાર્થોથી થતા રોગો) (ક) વિવિધ સજીવો તરંગાલેખી જ્વર (brucellosis, undulating fever), તનુસર્પિલતા (leptospirosis), શ્યામગડિતા (anthrax), રશ્મિ ફૂગરોગ (actinomycosis), જલપુટિરોગ (hydatidosis), પોપટ રોગ (psitacosis), ધનુર્વા, મસ્તિષ્ક-શોથ (encephalitis), ફૂગજન્ય રોગો વગેરે.
4. કૅન્સર ચામડીનું, ફેફસાનું, મૂત્રાશયનું કૅન્સર, રુધિરકૅન્સર
5. ચામડીના રોગો ત્વચાશોથ (dermatitis), ખરજવું
6. માનસિક રોગો (ક) માનસિક વિકાર ઔદ્યોગિક મનોવિકાર (neurosis)
(ખ) મન-તન વિકાર લોહીનું ઊંચું દબાણ, પૅપ્ટિક વ્રણ (ulcer)

દ્રવ્યકણજન્ય ફેફસીરોગ (pneumoconiosis) થવામાં રજકણ કે તંતુઓ સંબંધિત પરિબળો તેના સંસર્ગનો સમયગાળો, ધૂમ્રપાનની ટેવ, ફેફસાના અન્ય રોગો વગેરે વિવિધ પરિબળો સક્રિય છે. સામાન્ય રીતે 0.5થી 3.0 માઇક્રોન કદની રજ જોખમી હોય છે. રજનું રાસાયણિક બંધારણ, સૂક્ષ્મતા (fineness), હવામાંની તેની સાંદ્રતા, સંપર્કનો સમયગાળો વગેરે રજકણો સંબંધિત પરિબળો છે. તેમનાથી થતો રોગ મટતો નથી તેથી તેને અટકાવવો જરૂરી છે. ખાણિયાઓમાં ધૂળની રજકણો(S1O2)થી રેતરજરોગ (silicosis) થાય છે. ખાણિયા ઉપરાંત તે કુંભાર, ભૂપ્રઘાત (sand blasting) કરનારા, ધાતુને કચરનારા, બાંધકામ કરનારા, પથ્થર તોડનારા, લોહ અને પોલાદના ઉદ્યોગમાં કામ કરનારા વગેરેને થાય છે. તેનાથી ફેફસાંને નુકસાન થાય છે. કોલસાની ખાણમાં કામ કરનારાઓને થતો ફેફસાનો રોગ કોલસી રોગ અથવા શ્યામાંગાર રોગ (anthracosis) કહેવાય છે. કપાસના તંતુઓથી થતો રોગ તેમાં કામ કરતા 7થી 8 % કામદારોને થાય છે. ભારતના કુલ ફૅક્ટરી કામદાર વર્ગના 35 % કામદારો કપાસ-ઉદ્યોગમાં છે. તે તથા શેરડીના તંતુઓથી થતો રોગ પણ ફેફસાંમાં વિકાર સર્જે છે. ઊંચા તાપમાને ધાન્યરજના સંસર્ગથી વિવિધ પ્રકારના ફૂગજન્ય રોગોથી ફેફસાં બગડે છે. પ્રતિજ્વલક(asbestos)ના તંતુઓ 20થી 500 માયક્રોનની લંબાઈ અને 0.5થી 50 માયક્રોનનો વ્યાસ ધરાવે છે. તે સિમેન્ટ, અજ્વલનશીલ કપડાં, ગતિરોધપટ્ટી (break lining) વગેરે વિવિધ બનાવટોમાં વપરાય છે. પ્રતિજ્વલક મૅગ્નેશિયમ, લોહ, કૅલ્શિયમ, સોડિયમ અને ઍલ્યુમિનિયમનાં સિલિકેટ સંયોજનોનું વિવિધ ઘટકમાત્રાવાળું મિશ્રણ છે. તેના તંતુઓ શ્ર્વાસ દ્વારા પ્રવેશીને ફેફસાના વાયુપોટા(alveoli)માં જમા થાય છે. તેઓ ત્યાં તંતુતા તથા કૅન્સર કરે છે. ઍસ્બેસ્ટૉસની યંત્રશાળાઓ(factories)ની આસપાસ 1 કિમી.ના વિસ્તારમાં રહેતા લોકોને તેનાથી રોગ થઈ શકે છે. તે થતો અટકાવવા ઓછા જોખમી પ્રકારના પ્રતિજ્વલક(asbestos)નો ઉપયોગ (દા.ત., ક્રિસોલાઇટ અને એમાસાઇટ), પ્રતિજ્વલકને બદલે અન્ય આગરોધક દ્રવ્યો (કાચતંતુઓ, ખનિજ, ઊન, કૅલ્શિયમ સિલિકેટ વગેરે)નો ઉપયોગ, તંતુ અને રજકણોનું શ્રેષ્ઠ નિયંત્રણ, કામદારોની નિયમિત શારીરિક તપાસ તથા નવું સંશોધન વગેરેને કાર્યાન્વિત કરાય છે.

ઔદ્યોગિક પરિબળોથી થતું કૅન્સર લાંબા સમયના સંસર્ગ પછી થાય છે, તેમના સંસર્ગ અને કૅન્સર થવા વચ્ચે 10થી 25 વર્ષનો ગાળો રહે છે, સંસર્ગ બંધ થયા પછી પણ કૅન્સર થઈ શકે છે. સામાન્ય વસ્તીમાં જે ઉંમરે થાય તે કરતાં નાની ઉંમરે આવું કૅન્સર થાય છે. વ્યક્તિગત સ્વચ્છતા અને આરોગ્યપ્રદ ટેવો વડે તેને થતું ઘટાડી શકાય છે. તે થતું રોકવા ઉદ્યોગમાં વપરાતાં જાણીતાં કૅન્સરકારક દ્રવ્યોનો નિષેધ કરાય છે. નિયમિત શારીરિક તપાસ, ફૅક્ટરીના સ્થળનું નિરીક્ષણ, રોગ થયાની નોંધણી, ઉદ્યોગ શરૂ કરવા માટેની પરવાના પદ્ધતિ, કામદારોનું અને સંચાલકોનું શિક્ષણ તથા સંશોધન કરવા પર ભાર મુકાય છે.

અનેક ઉદ્યોગો વિકિરણ(radiation)શીલ પદાર્થોનો ઉપયોગ કરે છે. આવા વિવિધ ઉદ્યોગોમાં વિકિરણશીલ પદાર્થોનો સંસર્ગ થાય છે; જેમ કે, ઘડિયાળ-ઉદ્યોગ, રંગઉદ્યોગ, વિકિરણશીલ દ્રવ્યોની ખાણો અને તેની પેદાશો પર પ્રક્રિયા (process) કરતા ઉદ્યોગો, ઍક્સ-રેનો ઉપયોગ કરતા ઉદ્યોગો અને હૉસ્પિટલો, પારજાંબલી કિરણોવાળા પ્રકાશનો ઉપયોગ કરતો રેણકામનો ઉદ્યોગ, અધોરક્ત કિરણોવાળા પ્રકાશનો ઉપયોગ કરતા ઉદ્યોગો વગેરે. તેનાથી લોહીના રોગો, કૅન્સર તથા આંખને નુકસાન થઈ શકે છે.

કૃષિઉદ્યોગમાં પ્રાણીઓને થતા ચેપી રોગો, અકસ્માતો, કીટનાશકો સાથેનો સંસર્ગ તથા શ્વસનમાર્ગના વિવિધ રોગો થાય છે. યાંત્રિક ઉદ્યોગોમાં અકસ્માત એક મહત્વનું જોખમ છે. તે માટેનાં માનવીય અને વાતાવરણીય પરિબળો પર ધ્યાન રાખીને તેની સંભાવના ઘટાડાય છે. ઔદ્યોગિક માંદગીનું એક સીધું પરિણામ કામના સ્થળે ઉદ્ભવતી ગેરહાજરી છે. આ રીતે ઉદ્યોગો પર માઠી આર્થિક અસર પડે છે.

ઔદ્યોગિકીકરણે સમાજમાં વિવિધ નવી સમસ્યાઓ સર્જી છે; જેમાં વાતાવરણનું પ્રદૂષણ, ઘરની સફાઈ, પાણી અને હવાનું પ્રદૂષણ, કચરાનો નિકાલ, ચેપી રોગોનો ફેલાવો, આરોગ્યપ્રદ ખોરાક પૂરો પાડવાની સમસ્યા, માનસિક સ્વાસ્થ્ય, અકસ્માતો, સામાજિક સમસ્યાઓ તથા કામદારોની માંદગી અને મૃત્યુ વગેરે વિવિધ પાસાંનો સમાવેશ થાય છે.

ઔદ્યોગિક કામદારોના સ્વાસ્થ્યના રક્ષણ માટે તેમના પોષણ, ચેપી રોગોનું નિયંત્રણ, વાતાવરણની શુદ્ધતા, માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ ધ્યાન, તેમના કુટુંબના સ્વાસ્થ્યની સંભાળ, આરોગ્યશિક્ષણ તથા કુટુંબકલ્યાણ યોજનાનો અમલ વગેરે વિવિધ પાસાંને આવરી લેવાય છે. ઔદ્યોગિક રોગો ન થાય તે માટે કામદારને નોકરી પર લેતાં પહેલાં તેની તપાસ કરાય છે, ચાલુ નોકરીએ તેની વારંવાર શારીરિક તપાસ કરાય છે, તેને માટે તબીબી અને આરોગ્યસેવાઓની વ્યવસ્થા રખાય છે, જોખમી કે ચેપી રોગોની ફરજિયાત નોંધણી કરાવાય છે, કામ કરવાના સ્થળનું નિરીક્ષણ કરાય છે, ત્યાંની નોંધોને સાચવીને રખાય છે તથા આરોગ્ય-શિક્ષણ અને સલાહસૂચન માટેની વ્યવસ્થા કરાય છે.

ઉદ્યોગના સ્થળ અને બાંધકામનું નિરીક્ષણ અને તે માટેની પાયાની શરતો, તે સ્થળની સ્વચ્છતા અને સુવ્યવસ્થા, હવાઉજાસની સગવડ, યાંત્રિક સગવડોની યોગ્ય જાળવણી, જોખમી દ્રવ્યને બદલે નુકસાનકારક નહિ એવા પદાર્થોનો ઉપયોગ, રજકણો અને તંતુઓનું હવામાં પ્રમાણ નિયંત્રિત રહે તેની જોગવાઈ, જોખમી દ્રવ્યોનું પૂરતું રક્ષણ અને આવરણ, જોખમી વિસ્તાર કે કાર્યને અલગ રાખવાની જોગવાઈ, યોગ્ય પ્રકારનું બહિર્ક્ષેપી વાતાયન (exhaust ventilation), સંરક્ષણાત્મક સંયોજનાઓનો ઉપયોગ, વાતાવરણના સૂચકાંકોની નિયમિત નોંધણી-મોજણી, અંકશાસ્ત્રીય નોંધણી, સંશોધન વગેરે વિવિધ પાસાં વડે ઉદ્યોગના સ્થળને સ્વાસ્થ્યપ્રદ રખાય છે. તે માટે જરૂરી કાયદાઓ પણ ઘડવામાં આવેલા છે, જેમાં 1948નો ફૅક્ટરી ઍક્ટ અને 1948નો કામદારોનો રાજ્ય વીમા કાયદો મુખ્ય છે. કામદારોના રાજ્ય વીમા કાયદા હેઠળ કામદારોને તબીબી, માંદગીલક્ષી, માતૃત્વલક્ષી, અપંગતાના વળતરલક્ષી, કામદાર-આધારિત વ્યક્તિઓના રક્ષણલક્ષી લાભો મળે છે. તે ઉપરાંત તેમને ભોગવેલી માંદગી, કૃત્રિમ અંગો, દાંતનાં ચોકઠાં, કુટુંબકલ્યાણ યોજના, કુટુંબની તબીબી સેવા, નોકરી છૂટી જવા સામે તથા માંદગી-સમયે રક્ષણ, અગ્નિદાહનો ખર્ચ, પુનર્વસન-સહાય વગેરે વધારાના લાભ પણ મળે છે. ઉદ્યોગમાલિકોને પણ વિવિધ પ્રકારની કરરાહત વડે લાભ આપવાના કાયદા ઘડાયેલા છે.

શિલીન નં. શુક્લ