વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance)

January, 2006

વ્યાવસાયિક માર્ગદર્શન (vocational guidance) : વ્યક્તિને પોતાનો વ્યવસાય (રોજગાર, નોકરી, વ્યાપારધંધો કે સ્વરોજગાર) પસંદ કરવામાં મદદ આપવાની પ્રક્રિયા. આ પ્રક્રિયામાં (1) વિવિધ વ્યવસાય-ક્ષેત્રો, વ્યવસાયો અને તેની જરૂરિયાતો વિશે માહિતી મેળવવી; (2) માર્ગદર્શન માંગનાર વ્યક્તિની મુલાકાત લેવી; (3) તેની શરીરક્ષમતા, બુદ્ધિ, અભિયોગ્યતાઓ, અભિરુચિ અને વ્યક્તિત્વ માપવાં અને (4) તેના પ્રાપ્તાંકોનો અર્થ તારવીને તેને યોગ્ય વ્યવસાયના ક્ષેત્ર વિશે સલાહ આપવી  આ સોપાનોનો સમાવેશ થાય છે.

મોટાભાગના લોકો વ્યવસાયને અવૈજ્ઞાનિક રીતે પસંદ કરતા હોય છે. કેટલાક લોકો દેખાદેખીમાં ધંધો પસંદ કરે છે. એ ધંધામાં પડોશી ફાવી ગયો એટલે હું પણ ફાવીશ એવું માની લે છે. કેટલાક લોકો મિત્રોની કે સગાંની સલાહ પ્રમાણે અમુક વ્યવસાયમાં દાખલ થાય છે, પણ એ માટે પોતે કેટલા યોગ્ય કે તૈયાર છે તેનો વિચાર કરતા નથી. કેટલાક પિતાઓ મિત્રોને એમના ધંધામાં પોતાનાં સંતાનોને ‘ઠેકાણે પાડવા’ ભલામણ કરે છે. કેટલાક લોકો અમુક ધંધામાં ખૂબ કમાણી છે કે અમુક નોકરીનો મોભો ઊંચો ગણાય છે  એવી માન્યતાઓને આધારે ધંધામાં ઝંપલાવતા હોય છે. ઘણા યુવાનો કે તેમના વડીલો વ્યવસાયના કેટકેટલા વિકલ્પો છે તેની તપાસ જ કરતા નથી અને મર્યાદિત વિકલ્પોમાંથી જ પસંદગીનો ઉતાવળે નિર્ણય લે છે.

પોતાની શારીરિક અને માનસિક શક્તિઓ અને મર્યાદાઓ, પોતાની રુચિ, વ્યક્તિત્વ કે વ્યવસાયમાં શું જરૂરી છે તેને ધ્યાનમાં લીધા વિના વ્યવસાયમાં જોડાનારી વ્યક્તિએ પછી અનેક ખરાબ પરિણામો ભોગવવાં પડે છે. પોતાને ફાળે આવતું કામ તે બરોબર કરી શકતો નથી, કેમ કે એ કામ તેના ગજા ઉપરાંતનું હોય છે. જો એ કાર્યમાં તેની શક્તિઓનો પૂરો ઉપયોગ ન થતો હોય તો તેને સખત કંટાળો અને અસંતોષ થાય છે. તે લઘુતાની લાગણીથી પીડાય છે. માનસિક તણાવને લીધે તેને પેટમાં ચાંદાંની, શ્ર્વાસની તકલીફો કે બીજા શારીરિક રોગો પણ થઈ શકે છે. અયોગ્ય વ્યક્તિને નોકરી આપનાર સંસ્થાને પણ મુશ્કેલીઓ ઊભી થાય છે. અસંતુષ્ટ કર્મચારીને લીધે સંસ્થામાં તણાવો વધે છે, કર્મચારીઓનો જુસ્સો ઘટે છે અને ઉત્પાદન પણ ઘટે છે.

વ્યવસાયનું માર્ગદર્શન શું નથી તે પણ જાણી લેવું જોઈએ. માર્ગદર્શન માત્ર મદદ કે સલાહ છે, આદેશ નથી. વ્યવસાય અંગેનો આખરી નિર્ણય વ્યક્તિએ જ તેના કુટુંબીઓ સાથે મળીને લેવાનો હોય છે. માર્ગદર્શનમાં કોઈ એક વિશિષ્ટ નોકરી કે ધંધો લેવાનું સૂચવવામાં આવતું નથી : ‘મીનાબહેન, તમે ચિત્રકાર બનો’ કે ‘મનુભાઈ, તમે મિકેનિકલ એન્જિનિયર બનો’ કે ‘કાંતિલાલ, તમે રમકડાંનો વેપાર કરો’  એવું માર્ગદર્શન અપાતું નથી. માર્ગદર્શનમાં વ્યક્તિની સામે ઓછામાં ઓછા બે કે ત્રણ વ્યવસાયના વિકલ્પો રજૂ કરવામાં આવે છે અથવા ‘વ્યવસાયનું એક આખું ક્ષેત્ર (દા. ત., ઇજનેરી) તમારે માટે બંધબેસતું છે, તેમાંથી વિકલ્પો મેળવો’ – એમ કહેવામાં આવે છે. માર્ગદર્શન નિષેધક પણ હોઈ શકે : ‘આ વ્યવસાયક્ષેત્ર તમારા માટે બંધબેસતું નથી, તેથી તેમાં પ્રયત્ન ન કરવો એ સલાહભર્યું છે’  એવું સૂચન પણ હોઈ શકે. નિષેધક માર્ગદર્શન વ્યક્તિને નિષ્ફળતા અને અસંતોષમાંથી બચાવે છે.

માર્ગદર્શન લેનારા મોટેભાગે શાળા કે કૉલેજના વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ હોય છે; જ્યારે માર્ગદર્શન આપનારા વ્યવસાયલક્ષી મનોવૈજ્ઞાનિકો હોય છે. માર્ગદર્શન શિક્ષણસંસ્થામાં અથવા સરકારી કે ખાનગી વ્યાવસાયિક માર્ગદર્શન-કેન્દ્રોમાં અપાય છે.

માર્ગદર્શન પોતાની મરજીથી, રાજીખુશીથી મેળવવામાં આવે છે. તે ફરજિયાત ન હોઈ શકે. વ્યક્તિ કે તેના મિત્ર કે સંબંધી માર્ગદર્શન લેવા જાય, તો જ તેને વ્યાવસાયિક માર્ગદર્શન અપાય છે.

વ્યાવસાયિક માર્ગદર્શન અસરકારક રીતે આપવા માટે એક અલાયદો ખંડ ફર્નિચર સાથેનો હોવો જોઈએ. તેમાં જુદાં જુદાં ક્ષેત્રોના વ્યવસાયો વિશે સાચી, સંપૂર્ણ અને અદ્યતન માહિતી આપતાં પુસ્તકો, અહેવાલો, કોઠાઓ વગેરે સામગ્રી વર્ગીકરણ કરેલી અને ઝડપથી શોધી શકાય એ સ્વરૂપમાં પ્રાપ્ત હોવી જોઈએ. ઉપરાંત માર્ગદર્શન ઇચ્છનાર અસીલની શક્તિઓ વગેરે જાણવા માટેની વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટીઓ, તેના માનાંકોના કોઠા અને અર્થઘટન માટેની રૂપરેખા સહિતની માહિતી ત્યાં સુપ્રાપ્ય હોવી જોઈએ.

માર્ગદર્શક મનોવૈજ્ઞાનિક એ કાર્યની તાલીમ પામેલો હોવો જરૂરી છે. તેને વ્યવસાયનાં વિવિધ ક્ષેત્રોનું અદ્યતન જ્ઞાન હોવું જોઈએ. તેને કસોટી દ્વારા માપન કરતાં આવડવું જોઈએ અને તે મુલાકાત લેવામાં પણ કુશળ હોવો જોઈએ. તેનામાં સહાનુભૂતિ, નિખાલસતા, કુનેહ, મુલાકાતની વાતચીતને યોગ્ય દિશા આપવાની કુશળતા અને માહિતી ગુપ્ત રાખવા અંગેની પ્રામાણિકતા પણ હોવી જોઈએ.

શરૂઆતમાં અસીલને એક અંગત માહિતીપત્રક ભરવાનું કહેવામાં આવે છે. તેમાં તેની વ્યક્તિગત વિગતો ઉપરાંત તેના કુટુંબ વિશેની પણ કેટલીક માહિતી મેળવવામાં આવે છે. એનો હેતુ માર્ગદર્શનને વધારે અસરકારક બનાવવાનો હોય છે. કુટુંબનું પર્યાવરણ કેવું છે. તેની સામાજિક-આર્થિક કક્ષા કેવી છે. કુટુંબમાં કેટલી વ્યક્તિઓ છે, તે શું કરે છે વગેરે માહિતી ભરાવવામાં આવે છે.

ત્યારબાદ અસીલની મુલાકાત લેવાય છે. તેમાં તેની પરિસ્થિતિ વિશે, તેની ઇચ્છાઓ, રુચિઓ, ગમા-અણગમા, પ્રવૃત્તિઓ અને શોખો, અભ્યાસ દરમિયાન અનુભવો, તેણે મેળવેલી તાલીમ, વિવિધ વ્યવસાયક્ષેત્રો અંગેના તેના અને કુટુંબીજનોના વિચારો વગેરે વિશે માહિતી મેળવવામાં આવે છે.

પછી અસીલને વિવિધ કસોટીઓ અપાય છે. જરૂર લાગે તો શારીરિક કસોટીઓ વડે માપ લેવાય છે. મોટેભાગે બુદ્ધિ, વિશિષ્ટ શક્તિઓ કે અભિયોગ્યતાઓ, અભિરુચિઓ અને તેના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં માપવામાં આવે છે. ઉપયોગમાં લેવાતી કસોટીઓ મનોવૈજ્ઞાનિક પદ્ધતિ વડે પ્રમાણીકૃત કરેલી, ઊંચી વિશ્વસનીયતાવાળી, સંતોષકારક યથાર્થતાવાળી અને જેનું માપન કરવાનું છે એ વ્યક્તિના સમુદાયને અનુરૂપ હોવી જરૂરી હોય છે. વ્યક્તિની બુદ્ધિની કક્ષા પ્રમાણે તેને અર્ધકૌશલ્યવાળાં કે કૌશલ્યપૂર્ણ કામો, પર્યવેક્ષણ(supervisory)નાં કામો કે વ્યવસ્થાપનનાં કે ઉચ્ચકક્ષાનાં કાર્યો અંગે માર્ગદર્શન અપાય છે. વ્યક્તિની યાંત્રિક, કળા અંગેની, સંગીતની, કારકુની કાર્યો માટેની, ગણિતની, શાબ્દિક વગેરે અભિયોગ્યતાઓ માપીને તેના ઊંચા આંક જે અભિયોગ્યતામાં આવ્યા હોય તેની સાથે બંધબેસતા વ્યવસાયક્ષેત્રમાં જવાની ભલામણ કરવામાં આવે છે.

વ્યવસાયના ક્ષેત્રની પસંદગીમાં અભિયોગ્યતાના પ્રાપ્તાંકો ઉપરાંત વ્યક્તિની અભિરુચિના પ્રાપ્તાંકોને પણ ધ્યાનમાં લેવાય છે. એના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં વિશેના પ્રાપ્તાંકોને આધારે તેનું વ્યક્તિત્વ કયા પ્રકારના વ્યવસાય માટે વધારે બંધબેસતું છે તે શોધવામાં આવે છે. દા.ત., એકલા કામ કરવું કે લોકો સાથે કામ કરવું, શાબ્દિક કામ કરવું કે હલનચલનનું કામ કરવું, વગેરે.

પછી અંગત માહિતીપત્રક, મુલાકાતની નોંધો, તેમજ વિવિધ કસોટીમાં વ્યક્તિએ મેળવેલા પ્રાપ્તાંકોનો ભેગો વિચાર કરીને, આ વ્યક્તિનાં લક્ષણો કેવા પ્રકારના વ્યવસાયની જરૂરિયાતો સાથે બંધ બેસે છે તે શોધવામાં આવે છે. તેને આધારે સૌથી સારી રીતે બંધ બેસતા વ્યવસાયક્ષેત્રના બે-ત્રણ વિકલ્પો શોધીને વ્યક્તિને પસંદગી માટે આપવામાં આવે છે.

વ્યાવસાયિક માર્ગદર્શનના લાભો આ પ્રમાણે છે : (1) આવા માર્ગદર્શનને લીધે વ્યક્તિને પોતાને માટે વ્યવસાય-પસંદગીના વધારે વિકલ્પો મળે છે. (2) એને લીધે વ્યક્તિને પોતાની સાચી શક્તિઓ અને મર્યાદાઓનું ભાન થાય છે. માર્ગદર્શનને લીધે કેટલીક વાર તો એણે ધાર્યું જ ન હોય એવા વ્યવસાયમાં પ્રવેશીને સફળ બને છે. (3) એના આધારે વ્યક્તિ વધારે સારા, અને વર્ષો સુધી અસરકારક રહે એવા નિર્ણયો લે છે. તેથી તેને વધારે આર્થિક-ભૌતિક લાભ, સંતોષ, વ્યવસાયમાં સારું સમાયોજન (adjustment) અને પ્રગતિ અને એ બધાંને લીધે સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. (4) તે જોખમી નિર્ણયોથી બચે છે, તેથી હતાશા અને તણાવોથી પણ મુક્ત રહે છે.

આ પ્રક્રિયાની મર્યાદાઓ પણ છે : (1) હજુ ઘણા વિદ્યાર્થીઓ કે વાલીઓને આની જરૂર વિશે જાણ જ નથી. તેથી તેનો ઉપયોગ બહુ ઓછા લોકો કરે છે. (2) હજુ ભારતમાં વ્યવસાયોનું સંતોષકારક વૈજ્ઞાનિક વર્ગીકરણ થયું નથી. (3) એ જ રીતે, બધા વ્યવસાયો અને કાર્યોનું વિશ્ર્લેષણ પ્રાપ્ત થયું નથી. (4) વ્યાપક બેકારીને કારણે મધ્યમ અને નીચલા મધ્યમ વર્ગની ઘણી વ્યક્તિઓને જે પહેલો મળ્યો તે વ્યવસાયથી સંતોષ માનવો પડે છે. નોકરીની તકો ઓછી અને અરજદારોની સંખ્યા હજારોમાં હોય ત્યાં વ્યાવસાયિક માર્ગદર્શનની ઉપયોગિતા મર્યાદિત બને છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે