વ્યાસ : પ્રાચીન ભારતીય સંસ્કૃતિના ઉદ્ગાતા મહર્ષિ. ભગવાન વેદવ્યાસ તરીકે વિખ્યાત. ભગવાન વિષ્ણુના અંશાવતાર તરીકે પણ સુશ્રુત. મહર્ષિ પરાશરના પુત્ર. માતાનું નામ સત્યવતી અથવા કાલી. કાલીના પુત્ર હોવાથી ‘કૃષ્ણ’ કહેવાયા અથવા શ્યામવર્ણના હોવાથી કૃષ્ણ કહેવાયા. એમનો જન્મ યમુનાદ્વીપમાં થયો હતો એટલે ‘દ્વૈપાયન’ કહેવાયા. આથી ‘કૃષ્ણદ્વૈપાયન’ વ્યાસ તરીકે પરંપરામાં ઓળખાય છે.

વ્યાસની માતા ધીવરની ક્ધયા હતી. તેમનો જન્મ અષાઢી પૂર્ણિમાએ થયો છે તેથી અષાઢી પૂર્ણિમાને વ્યાસપૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે.

વ્યાસે વેદોની વિભાગ પાડી વ્યવસ્થા કરી હતી. સંહિતાઓનું પૃથક્કરણ કરનાર સૌપ્રથમ આચાર્ય હોવાથી તેમનું ‘વ્યાસ’ એવું નામ પડ્યું. વ્યાસ વિશેષણમાં બ્રહ્મસૂત્ર, અઢાર પુરાણ, મહાભારત આદિ ગ્રંથોના રચયિતા તરીકે પ્રસિદ્ધ છે. કઠોર તપશ્ર્ચર્યા કરીને વ્યાસે દૂરદર્શન, દૂરશ્રવણ વગેરે અનેકાનેક સિદ્ધિઓ મેળવી. તેમના ગ્રંથોમાં જગતની તમામ વાતો હોવાથી ‘व्यासोच्छिष्टं जगत्सर्वम्’ કહેવાય છે. તેઓ વૈદિક સંસ્કૃતિના પુનરુદ્ધારક, ક્રાન્તદર્શી, ક્રાન્તિકારી, કવિ, ઋષિ, મેધાવી અને સત્યનિષ્ઠ હતા. સનાતન આર્યધર્મના આચાર્ય અને વ્યાખ્યાતા હતા. ભગવદ્ગીતા જેવું ગ્રંથરત્ન પણ આપણને તેમની પાસેથી મળ્યું છે, જેમાં શ્રીકૃષ્ણનો અમર સંદેશ છે. યુધિષ્ઠિરે આથી જ વેદવ્યાસને ‘ભગવાન’ની ઉપાધિથી નવાજ્યા છે.

મહાભારત જેવા ઐતિહાસિક મહાકાવ્યમાં તેઓ સ્વયં એક પાત્ર છે. કૌરવ પાંડવોના પિતા છે. માતા સત્યવતીને વ્યાસ જેવા પુત્ર માટે ગૌરવ અને શ્રદ્ધા છે. આપત્તિના સમયમાં તેઓ વ્યાસનું જ સ્મરણ કરે છે.

તેઓ પાંડવોના હિતચિંતક રહ્યા છે. જનમેજયના સર્પસત્રમાં તેઓ ઉપસ્થિત હતા અને તેમના શિષ્ય વૈશમ્પાયનને તેમણે ‘સ્વરચિત’ ‘મહાભારત’ની કથા સંભળાવવાનો આદેશ આપ્યો હતો.

યુધિષ્ઠિરના ‘રાજસૂયયજ્ઞ’માં તેઓ ‘બ્રહ્મા’ના સ્થાને હતા. પાંડવોના વનવાસ દરમિયાન તેમને ધીરજ રાખવાનો ઉપદેશ આપ્યો હતો. વળી પ્રતિસ્મૃતિવિદ્યા એટલે કે ઇન્દ્ર અને રુદ્ર પાસેથી અનેકાનેક શસ્ત્રાસ્ત્ર પ્રાપ્ત કરવાની વિદ્યાનો ઉપદેશ પણ અર્જુનને તેમણે આપ્યો હતો.

વ્યાસે કુરુક્ષેત્રમાં તપસ્યા કરી હતી, જે ‘વ્યાસવન’ અથવા ‘વ્યાસસ્થલી’ તરીકે પ્રસિદ્ધ છે.

ભારતયુદ્ધ સમયે તેમણે ધૃતરાષ્ટ્રને દિવ્યદૃષ્ટિ આપવાનું કહ્યું, પણ ધૃતરાષ્ટ્રે યુદ્ધના રૌદ્ર સ્વરૂપને જોવાની અક્ષમતા ધારણ કરી. આથી સંજયને દિવ્યદૃષ્ટિ પ્રદાન કરી. પછી યુદ્ધ સમાપ્તિ બાદ તે પાછી લઈ લીધી. સાત્યકિએ સંજયને પકડીને મારવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે વ્યાસે સંજયની રક્ષા કરી હતી. એ જ રીતે પુત્રવધથી દુ:ખી ગાંધારી પાંડવોને શાપ આપવા જતી હતી ત્યારે અંતર્જ્ઞાનથી જાણીને વ્યાસે તેને વારી અને તેના મૃતપુત્રોનું તેને તથા ધૃતરાષ્ટ્રને દિવ્યદૃષ્ટિ પ્રદાન કરીને ગંગાના પ્રવાહમાં દર્શન કરાવ્યું હતું.

ભારતયુદ્ધ પછી પણ વ્યાસે યુધિષ્ઠિરને સદુપદેશ આપ્યો હતો.

નારદે વ્યાસને સાત્વત ધર્મનો ઉપદેશ આપ્યો હતો. તે જ ઉપદેશ વ્યાસે યુધિષ્ઠિરને પણ આપ્યો હતો.

યુદ્ધ પછી મનની શાંતિ માટે વ્યાસના કહેવાથી યુધિષ્ઠિરે ‘અશ્વમેધ’ કર્યો હતો. વ્યાસે અર્જુન, ભીમ તથા નકુલ-સહદેવને અશ્વરક્ષા, રાજ્યરક્ષા અને કુટુંબવ્યવસ્થાનું કાર્ય સોંપ્યું હતું.

અશ્વમેધ પછી યુધિષ્ઠિરે પોતાનું બધું જ રાજ્ય વ્યાસજીને અર્પણ કર્યું; પરંતુ નિ:સ્પૃહ વ્યાસે તે પુન: યુધિષ્ઠિરને આપ્યું અને સમસ્ત ધનસંપત્તિ બ્રાહ્મણોને દાનમાં દેવાની આજ્ઞા કરી.

વ્યાસને ઘૃતાચી અપ્સરાથી થયેલા પુત્ર શુકને તેમણે સૃષ્ટિક્રમ તથા યુગધર્મ બાહ્યપ્રલય અને મહાપ્રલય, મોક્ષધર્મ અને ક્રિયાફલ વગેરેનો ઉપદેશ આપ્યો.

શુકદેવ વ્યાસના જ્ઞાની પુત્ર હતા, જેમણે પરીક્ષિતને ભાગવતકથા સંભળાવી હતી. શુક સિવાય વ્યાસને વિચિત્રવીર્ય રાજાની અંબિકા તથા અંબાલિકા નામની પત્નીઓથી ક્રમશ: ધૃતરાષ્ટ્ર અને પાંડુ નામક નિયોગજ પુત્ર થયા હતા. અત્યંત જ્ઞાની વિદુર પણ અંબાલિકાની દાસીથી થયેલા પુત્ર હતા.

પુરાણો વ્યાસ ચિરંજીવ હોવાનું કહે છે.

વ્યાસના મુખ્ય શિષ્યોમાં પૈલ, વૈશંપાયન, જૈમિનિ અને સુમન્તુ હતા; જેમને વ્યાસે અનુક્રમે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનું જ્ઞાન આપ્યું હતું. આ રીતે વૈદિક સંહિતાઓના સંરક્ષણનું મહાન કાર્ય વ્યાસે સંપન્ન કર્યું હતું.

વ્યાસે મહાભારતની રચના 18 પર્વોમાં કરી છે; જે ‘જય’ નામે પહેલાં ઓળખાતું હતું. તેના લહિયા તરીકે સાક્ષાત્ ગણેશજી હતા. પછી વ્યાસના શિષ્યો દ્વારા તેમાં શ્ર્લોકોની સંખ્યા વૃદ્ધિ પામતી ચાલી. મૂળ 24,000 શ્ર્લોકોનું ‘જય’ કાવ્ય અંતે લાખ શ્ર્લોકો સુધી વિસ્તાર પામ્યું.

એ સિવાય મહાભારતના 12 ઉપપર્વો પણ છે. વળી હરિવંશ પુરાણને પણ મહાભારતનો જ પરિશિષ્ટ ભાગ માનવામાં આવે છે; જેની રચના પરિશિષ્ટ કે ખિલપર્વ તરીકે થઈ છે.

વ્યાસજીનો એક વાર પોતાનો માર્ગ ખરો છે કે કેમ તેની શંકા ગયેલી; જેનું નિરસન ચાર વેદોએ મનુષ્યરૂપ ધારણ કરીને કરેલું.

વ્યાસજીને મહાન સંદેશ ‘ધર્માચરણ’નો છે. તેમણે કહ્યું છે : ‘હાથ ઊંચા કરીને હું સર્વ સંસારને મોટેથી કહું છું પણ મારું કોઈ સાંભળતું નથી. ધર્મથી જ અર્થ અને કામની (= પુરુષાર્થોની) પ્રાપ્તિ થાય છે તો ધર્મનું આચરણ કેમ કરવામાં આવતું નથી ?’

વ્યાસસ્થળ તરીકે જાણીતાં સ્થળો નીચે પ્રમાણે છે : (1) વ્યાસવન  કુરુક્ષેત્ર; (2) વ્યાસસ્થલી  કુરુક્ષેત્ર; (3) વ્યાસાશ્રમ  હિમાલય પર્વતમાં બદરિકાશ્રમ પાસે. અલકનંદા અને સરસ્વતીના સંગમ પર શમ્યાપ્રાસતીર્થની નજીક; (4) વ્યાસકાશી  વારાણસીમાં રામનગર પાસે.

મહાભારતકાર ભગવાન વેદવ્યાસ પણ ‘વાલ્મીકિ રામાયણ’ના વાલ્મીકિ ઋષિની જેમ મહાભારતમાં એક પાત્ર તરીકે આવે છે. મહાભારતની ઘટનાઓના તેઓ સંબંધી, સાક્ષી અને ઋષિચેતનાના અપ્રતિમ પ્રદાનની મૂરત સમા છે. કથાના પ્રારંભથી જ વ્યાસ વિવિધ પ્રસંગોમાં ભાગીદાર બને છે.

જન્મતાંની સાથે તેમણે માતા સત્યવતીને વચન આપેલું કે તેઓ જ્યારે સ્મરણ કરશે ત્યારે વ્યાસ હાજર થઈ જશે.

વ્યાસજીને વારાણસીમાં ભગવાન શિવનાં દર્શન થયાં હતાં. વ્યાસની વંશાવળી આ પ્રમાણે છે : નારાયણ → બ્રહ્મા → વસિષ્ઠ → શક્તિ → પરાશર → વ્યાસ. વ્યાસ પરાશરના પુત્ર હોવાથી ‘પારાશર’ પણ કહેવાયા.

શ્રીકૃષ્ણના અભૂતપૂર્વ લોકોત્તર ચરિતનું વ્યાસે નિરૂપણ કર્યું છે. વળી વ્યાસ પૂર્વગ્રહરહિત અને અત્યંત ઉદારમના ઋષિ હતા.

વ્યાસજીની અનુપમ કૃતિ ‘મહાભારત’ હિન્દની પ્રજામાં તો ઓતપ્રોત થઈ જ ગઈ, પણ દુનિયાની અન્ય ભાષાઓમાં પણ તેના અનુવાદો થયા છે અને એના મર્મને આત્મસાત્ કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન પણ કરવામાં આવ્યો છે.

મહર્ષિ વ્યાસને યોગ્ય અંજિલ આપતાં કહેવાયું છે :

नमोडस्तु ते व्यास विशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र ।

येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः।।

પારુલ માંકડ