વ્યારોધ (baffle) : પ્રવાહને અવરોધતું તંત્ર. ઘણાં વૈજ્ઞાનિક ઉપકરણોમાં આ પ્રકારની રચના આવશ્યક બને છે. ઉદાહરણ તરીકે, ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરતાં વિસરણ પંપ (diffusion pump) તરીકે ઓળખાતા પંપમાં આ પ્રકારની રચના દ્વારા પંપ દ્વારા ઉત્સર્જિત વાયુ(સામાન્ય રીતે પંપમાં વપરાતા તેલી પદાર્થના ઉત્કલન દ્વારા ઉદ્ભવેલ)ને શૂન્યાવકાશનું જેમાં નિર્માણ થતું હોય તે વિભાગ તરફ જતાં રોકી શકાય છે.

પ્રકાશીય (optical) સાધનોના સંદર્ભમાં ‘વ્યારોધ’ પ્રતિબિંબ સર્જતાં કિરણોના પુંજ સાથે અવાંછિત પ્રકાશના મિશ્રણને રોકવા માટેની રચના છે. પ્રકાશીય સાધનના  વિવિધ ભાગો દ્વારા પ્રકીર્ણન (scattering) દ્વારા ઉદભવેલ પ્રકાશ, પ્રતિબિંબ સર્જતાં કિરણોના પુંજ સાથે મિશ્રિત થતાં પ્રતિબિંબની સ્પષ્ટતા ઘટે છે. સાધનમાં યોગ્ય સ્થળો પર ‘વ્યારોધ’ની રચના દ્વારા આ વિકીર્ણનના પ્રકાશને રોકી શકાય છે.

ઇન્ફ્રારેડ વિસ્તારમાં કાર્ય કરતા ટેલિસ્કોપની રચનામાં પણ આ પ્રકારના ‘વ્યારોધ’ વાપરવા આવશ્યક છે. આ પ્રકારના ટેલિસ્કોપમાં ટેલિસ્કોપ દ્વારા ઉત્સર્જિત ઉષ્મીય કિરણો પણ ઇન્ફ્રારેડ વિસ્તારના હોવાથી, જે ખગોળીય પદાર્થનાં વિકિરણો નોંધાતાં હોય તેની સાથે મિશ્રિત થાય તો તંત્રની સંવેદનશીલતા ઘટે. આ રોકવા માટે નીચા તાપમાને રખાયેલ ‘વ્યારોધ’ પ્રકારની રચના વપરાય છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ