વ્યારાવાલા, હોમાય

January, 2006

વ્યારાવાલા, હોમાય (. 9 ડિસેમ્બર 1913, નવસારી, ગુજરાત) : ગુજરાતનાં અગ્રણી મહિલા ફોટોગ્રાફર. મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજ ખાતેથી બી.એ. કરવા ઉપરાંત જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ્સ ખાતેથી પેન્ટિંગનો ડિપ્લોમા અને કલાનો ટીચર્સ ડિપ્લોમા મેળવ્યા.

હોમાય વ્યારાવાલા

ફોટોગ્રાફીનો શોખ અને આવડત પતિ માણેકશાના માર્ગદર્શન હેઠળ કેળવાયાં અને તેમના પાડેલા ફોટોગ્રાફ પ્રગટ થવા લાગ્યા એટલે તેમને ઉત્તરોત્તર પ્રોત્સાહન સાંપડ્યું તથા કૌશલ્ય વધતું ગયું. તેમણે બહારી ફોટોગ્રાફી કરીને જનજીવનને લગતા સુંદર ફોટોગ્રાફ બનાવ્યા અને તેના આધારે ‘ઇલેસ્ટ્રેટેડ વીકલી’ જેવા નામાંકિત સામયિક તરફથી તેમને ક્ષેત્રીય ફોટોગ્રાફરની કામગીરી મળવા લાગી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહેરની વિવિધ નાગરિક સંરક્ષણ કામગીરીની તસવીરો ઝડપવાનું કાર્ય પણ તેમને સોંપવામાં આવ્યું હતું. સિંગાપોર છોડીને અંગ્રેજોએ દિલ્હી ખાતે શરૂ કરેલ ફાર ઈસ્ટર્ન બ્યુરો ઑવ્ ઇન્ફરમેશન સર્વિસિઝ ખાતે માણેકશા સહિત તેમને પણ ફોટોગ્રાફર તરીકે નોકરીમાં લેવામાં આવ્યાં. દરમિયાનમાં તેમણે એ જ સંસ્થાના મુંબઈ ખાતેના સામયિક ‘વૉર ઇન પિક્ચર્સ’ નામક સામયિક માટે કામ કર્યું. આ સંસ્થામાં ખાનગી કામ પણ કરવાની છૂટ હતી. તેથી તેઓ ‘ઑનલૂકર’ સામયિક માટે પણ કામગીરી કરતાં રહ્યાં. તેના આધારે છબીકાર તરીકે સરકારી માન્યતા મળવાથી રાજકારણી નેતાઓ વગેરે અગ્રણીઓના ફોટોગ્રાફ લેવાની સાનુકૂળતા અને તક મળી અને ગાંધીજી, નેહરુ, વલ્લભભાઈ પટેલ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, ચર્ચિલ, ખાન અબ્દુલ ગફારખાન, લૉર્ડ માઉન્ટબેટન,

પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ સાથે સરદાર પટેલ (હોમાયે લીધેલો ફોટોગ્રાફ)

કસ્તૂરબા ગાંધી, ઇન્દિરા ગાંધી જેવા વિશ્વના કેટલાય ટોચના અગ્રણીઓ તથા અનેક ઐતિહાસિક પ્રસંગોના દસ્તાવેજસમા ફોટોગ્રાફ ઝડપ્યા. 1970માં છબીકલાક્ષેત્રનું ચોપાસનું વાતાવરણ પોતાને અનુકૂળ ન જણાતાં તેમણે સ્વેચ્છાએ આ ક્ષેત્રમાંથી નિવૃત્તિ લીધી. જમૈકાના એક ફિલ્મ દિગ્દર્શકે હોમાય ઉપર દસ્તાવેજી ફિલ્મ બનાવી છે જેનું નામ છે ‘ડાલ્ડા-13’ દિલ્હી નિવાસ દરમિયાન હોમાયની મોટરગાડીનો નંબર ‘DALDA-13’ હતો, તે ઉપરથી આ ફિલ્મને આવું શીર્ષક આપવામાં આવ્યું છે. હાલમાં (2006) હોમાય વડોદરામાં નિવૃત્ત જીવન ગાળી રહ્યાં છે.

અમિતાભ મડિયા