વ્યાવસાયિક આચારસંહિતા (professional ethics)

January, 2006

વ્યાવસાયિક આચારસંહિતા (professional ethics) : વ્યાવસાયિક રીતે યોગ્ય ગણાય તેવો વ્યવહાર કરવાને માટે ધારાશાસ્ત્રીઓએ તૈયાર કરેલા અમુક નિયમો. આચારસંહિતા એ નૈતિક નીતિ-નિયમોનું વિજ્ઞાન છે. આવા નિયમો કાયદાના વ્યવસાયે ઉપસ્થિત કરેલા હોય અથવા વરિષ્ઠ વકીલો પાસેથી નવા વકીલોએ મેળવેલા હોય અથવા તો બાર કાઉન્સિલના અથવા સૉલિસિટરોની શિસ્ત કમિટીના ચુકાદાઓમાંથી તારવેલા હોય. અનુભવે એમ માલૂમ પડ્યું છે કે વ્યાવસાયિક નીતિ-નિયમોના પાલન માટે માત્ર ન્યાયિક નિયંત્રણ જ પૂરતું નથી; અમુક ન્યાય-બાહ્ય (extra judicial) સત્તાનાં નિયંત્રણો પણ જરૂરી છે.

વ્યાવસાયિક નીતિશાસ્ત્રને નિયમબદ્ધ કરવાની પહેલ કરનાર અમેરિકા હતું. નિયમબદ્ધ આચારસંહિતા હોવી એ સલાહભર્યું જ નહિ, પરંતુ વ્યવહારુ પણ છે. આચારસંહિતાને દસ આદેશોમાં સમાવી શકાય. એ આદેશોને નીચે જણાવ્યા પ્રમાણેના મુખ્ય પાંચ વિભાગોમાં દર્શાવી શકાય :

(1) ધારાશાસ્ત્રીની અસીલ પ્રત્યેની ફરજો,

(2) અદાલત પ્રત્યે તેની ફરજો,

(3) જનતા પ્રત્યે તેની ફરજો,

(4) સાથી ધારાશાસ્ત્રીઓ પ્રત્યેની ફરજો, અને

(5) પોતા પ્રત્યેની ફરજો.

અમેરિકન વકીલમંડળે એની આચારસંહિતા બનાવી એ પહેલાં એના એક સભ્ય હૉફમૅને આને લગતા નિયમો બનાવ્યા હતા, જેની ગણના આજે પણ એક ઉત્તમ સંગ્રહ તરીકે થાય છે. સંક્ષેપમાં એ નિયમો આ પ્રમાણે છે :

વ્યવસાયીએ ગાંભીર્ય અને વિવેકની મર્યાદા ઓળંગી, અતિ ઉત્સાહમાં આવી જઈને સારાસારવિવેક છોડવો નહિ. પ્રતિસ્પર્ધી પ્રત્યે દ્વેષ ન રાખવો. ન્યાયાધીશનું માન જાળવવું. સાથીઓ અને અદાલતના અધિકારીઓ પ્રત્યે વિવેક દાખવવો. જે દાવા સાથે પોતાનું હિત જોડાયેલું હશે તેવો દાવો લડવો નહિ. વિપક્ષની નબળાઈઓનો ગેરલાભ ઉઠાવવો નહિ. અયોગ્ય દાવો સ્વીકારવો નહિ. ખોટા બચાવો ઉપસ્થિત કરવા નહિ. અસીલ પ્રત્યે વફાદાર રહેવું, પરંતુ અંગત લાગવગનો ઉપયોગ કરવો નહિ. જ્ઞાનપ્રદર્શન કરવું નહિ. અસીલની ઇચ્છાને માન આપવું, પરંતુ કાયદાનું કામ પોતાના નિર્ણય પ્રમાણે જ કરવું. અસીલના અજ્ઞાનનો અને એનાં નાણાંનો લાભ લેવો નહિ. વાજબી ફી જ લેવી. સ્વીકારેલા કેસ ચલાવી ન શકાય તો અગાઉથી અપાયેલી ફી (retainer) અને કેસના કાગળો સ્વેચ્છાથી (ex mero motu) પરત કરવા. ખોટા અભિપ્રાયો આપવા નહિ અને સમાધાનના પ્રસંગો કે પ્રયત્નોને ટાળવા નહિ. હું જે કેસ ચલાવું છું તેમાં સ્વૈચ્છિક રીતે હું સાક્ષી બનીશ નહિ. વિપક્ષના વિજયથી હતાશ થવું નહિ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓનો સમોવડિયો બનીએ તોપણ જૂના બનાવો યાદ ન કરતાં તેઓ પ્રત્યે આભારવશ રહેવું. વકીલની સેવાઓ મેળવવાનો અસીલનો અધિકાર છે. સાક્ષીઓ પ્રત્યે યોગ્ય વર્તાવ દાખવવો. સ્વાર્થી અને સંકુચિત બન્યા વિના, લાગણીના પ્રવાહમાં તણાયા વિના નિષ્કપટ અને વિનમ્ર રહેવું. પૌરુષેય વિશ્ર્વાસને સાથી બનાવવો. ઘોંઘાટ કર્યા વિના, દેખાડો અને ડોળ કર્યા સિવાય અદાલતમાં કામ ચલાવવું. પોતાને સોંપેલા કેસમાં પૂરતો રસ દાખવવો. દર વર્ષે બે વાર આ નિયમો/ઠરાવો હું વાંચીશ એમ નક્કી કરવું.

ઉપરના નિયમોમાંથી ધારાશાસ્ત્રીએ કરવાલાયક કાર્યો અને ટાળવાલાયક કાર્યોની યાદી મળી રહે છે. જે કાર્યો ટાળવાલાયક હોય તે કરવામાં આવે તો તેને વ્યાવસાયિક ગેરવર્તાવ કહે છે.

વ્યાવસાયિક ગેરવર્તાવ (professional misconduct) : ‘ગેરવર્તાવ’ શબ્દની કાયદામાં કોઈ વ્યાખ્યા નથી. સામાન્ય પરિભાષામાં એનો જે અર્થ થાય તે જ સ્વીકારાય છે. ધારાશાસ્ત્રીનું નામ વ્યવસાયીઓની યાદી પર રહેવાને લાયક છે કે નહિ તેના સંદર્ભમાં આ શબ્દનું અર્થઘટન કરવામાં આવે છે. આ બાબતમાં અનેક અદાલતી ચુકાદાઓ છે.

ધી ઍડ્વોકેટ્સ ઍક્ટ, 1961, કાનૂની વ્યવસાયીઓ વિશેના અને બાર કાઉન્સિલો તથા ઑલ ઇંડિયા બાર વિશેના, વર્તન અને શિસ્તના નિયમોમાં એકસૂત્રતા લાવવા માટે ઘડવામાં આવ્યો છે. આ અધિનિયમમાં ધારાશાસ્ત્રીની ગેરવર્તણૂક માટે તેને શિક્ષા કરવાના, બાર કાઉન્સિલની પગલાં લેવાની સત્તાના અને શિસ્ત કમિટી – તેનું બંધારણ, કાર્યવહી વગેરે બાબતો વિશેના પ્રબંધો કરવામાં આવ્યા છે. બાર કાઉન્સિલના આદેશ સામે 60 દિવસમાં ભારતની બાર કાઉન્સિલ સમક્ષ અપીલ થઈ શકે છે. આ અપીલ બાર કાઉન્સિલની શિસ્ત કમિટી સાંભળે અને યથાયોગ્ય આદેશ કરે છે. ભારતની બાર કાઉન્સિલના આદેશથી નારાજ થયેલી વ્યક્તિ, તેને આવો આદેશ મળ્યાની તારીખથી 60 દિવસમાં સુપ્રીમ કોર્ટને અપીલ કરી શકે છે.

કોઈ ધારાશાસ્ત્રીને ઠપકો આપવામાં આવે કે તેને વકીલાત કરતાં અટકાવવામાં (suspend) આવે ત્યારે જે રાજ્યની યાદીમાં તેનું નામ હોય તેની સામે એને કરેલી શિક્ષાની નોંધ કરાશે. નામ રદ કરવાનો આદેશ થતાં તેનું નામ યાદીમાંથી રદ પણ કરાય છે. જ્યારે ધારાશાસ્ત્રીને વકીલાત કરતો અટકાવવામાં આવે કે વકીલાત કરવામાંથી દૂર કરાય ત્યારે તેને ઍડ્વોકેટ્સ ઍક્ટની કલમ 22 હેઠળ આપેલું નોંધણી-પ્રમાણપત્ર (enrolment certificate) તેની પાસેથી પરત મગાવી લેવાય છે.

શિસ્ત કમિટીની સત્તાઓ : સિવિલ પ્રોસીજર કોડ હેઠળ સિવિલ અદાલતને જેટલી સત્તાઓ છે તેટલી શિસ્ત કમિટીને છે; જેવી કે (અ) સમન્સ કાઢી કોઈ પણ વ્યક્તિને હાજર થવા ફરમાન કરવાની અને તેને સોગંદ પર તપાસવાની, (આ) દસ્તાવેજોના શોધન (search) અને તેને રજૂ કરાવવાની, (ઇ) સોગંદનામા પર પુરાવો લેવાની, (ઈ) કોઈ અદાલત અથવા ઑફિસમાંથી જાહેર રેકૉર્ડ મંગાવવાની તથા (ઉ) ઠરાવવામાં આવે તેવી કોઈ પણ બાબત વિશેની સત્તા.

બાર કાઉન્સિલની શિસ્ત કમિટી સમક્ષની બધી જ કાર્યવહીઓ, ભારતીય દંડ સંહિતા(IPC)ની કલમો 193 તથા 228ના અર્થમાં ન્યાયિક કાર્યવહી ગણાય છે અને શિસ્તકમિટીને ફોજદારી કાર્યરીતિ (Cr. Pr. Code) સંહિતાની કલમો 480, 482 અને 485ના હેતુઓ માટે દીવાની અદાલત ગણવામાં આવે છે.

બાર કાઉન્સિલ ઑવ્ ઇંડિયા, ધી એનરોલમેન્ટ કમિટી, ધી ઇલેક્શન કમિટી, ધ લીગલ કમિટી અને બાર કાઉન્સિલની કોઈ પણ અન્ય કમિટીને ઍડ્વોકેટ્સ ઍક્ટની કલમ 42ની બધી જ જોગવાઈઓ, જેવી રીતે તે શિસ્ત કમિટીને લાગુ પડે છે, તેવી જ રીતે લાગુ પડે છે.

શિસ્ત કમિટી આપમેળે (suo motu) અથવા અન્યથા પોતાના આદેશનું પુનરીક્ષણ કરી શકે છે.

ગુજરાત બાર કાઉન્સિલ : ગુજરાત બાર કાઉન્સિલે; ઍડ્વોકેટ્સ ઍક્ટ, 1961ની કલમ 49 (1) (સી) હેઠળ ભારતની બાર કાઉન્સિલે રચેલા વ્યાવસાયિક વર્તન અને શિસ્ત વિશેના નિયમો સ્વીકારેલા છે. આ નિયમો અદાલત પ્રત્યે, અસીલ પ્રત્યે, વિપક્ષ પ્રત્યે તથા સાથીદારો પ્રત્યે ધારાશાસ્ત્રીની ફરજો અને તેના વર્તન સંબંધમાં છે. આ નિયમો અગાઉ જણાવ્યા છે તે જ મતલબના છે. તા. 1-4-1984થી સ્ટેટ બાર કાઉન્સિલે કાયદામાં સુધારો કર્યા પ્રમાણે ઍડ્વોકેટ્સ વેલફેર ફંડ નામનું એક ફંડ ઊભું કરવામાં આવેલું હોય છે, જેમાં દરેક નોંધાયેલા ધારાશાસ્ત્રીએ નિયત રકમ દર વર્ષે ભરવાની હોય છે. આ રકમ ન ભરવાના દોષિત ઠરનાર ધારાશાસ્ત્રી સામે, પગલાં લઈ તેનો વકીલાત કરવાનો અધિકાર નિલંબિત કરી શકાય છે

કોઈ ધારાશાસ્ત્રી જે ઍડ્વોકેટ્સ ઍક્ટની કલમ 24-એ હેઠળ ગુનેગાર ઠર્યો હોય અથવા જેને નાદાર જાહેર કરાયો હોય અથવા જેણે ખંડ સમયની કે પૂરા સમયની નોકરી સ્વીકારી હોય અથવા તો એના વ્યવસાયને પ્રતિકૂળ એવો કોઈ ધંધો કે કામકાજ કરતો હોય અથવા જે આ અધિનિયમ હેઠળના નિયમો અનુસાર બિનલાયક ઠર્યો હોય તેવો ઍડ્વોકેટ્ – આમ બન્યાના 90 દિવસમાં એક નિવેદન બાર કાઉન્સિલને મોકલે. એમ કરવામાં ચૂક થતાં તેનો વકીલાત કરવાનો અધિકાર નિલંબિત કરાય છે. આ સામે અપીલ થઈ શકે છે.

ધારાશાસ્ત્રી તરીકે નોંધાવા માટેની લાયકાત મેળવવા માટે, કાયદા બાબતની તાલીમ આપવા માટે કોઈ પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ ધારાશાસ્ત્રી કોઈ ફી કે પ્રીમિયમની માગણી કરી શકે નહિ. નિ:શુલ્ક કાનૂની સહાય આપવી એ ધારાશાસ્ત્રીની સમાજ પ્રત્યેની એક મોટી જવાબદારી છે.

ધારાશાસ્ત્રી પોતાનો વંશપરંપરાથી ચાલ્યો આવતો ધંધો (કે તેવા ધંધાનો વારસો મળ્યો હોય તો તે) ચાલુ રાખી શકે છે, પરંતુ તેના સંચાલનમાં તે અંગત રીતે કામ કરી શકે નહિ. સંસદનાં બિલોનું સવેતન સિંહાવલોકન કરવું, કાનૂની પાઠ્યપુસ્તકોને વેતનથી પ્રકાશન માટે તૈયાર કરવાં, છાપાં માટે પ્રેસનાં લખાણો વાંચીને સુધારવાં, કાનૂની પરીક્ષાઓ માટે પરીક્ષાર્થીઓને તૈયાર કરવા, પ્રશ્નપત્રો કાઢવા અને તપાસવા અને અગાઉ જણાવેલા જાહેરખબર વિરુદ્ધના અને પૂર્ણ સમયની સેવાના નિયમોને અધીન ધારાશાસ્ત્રી કાનૂની અથવા કાનૂનેતર એવા વિષયોમાં બ્રૉડકાસ્ટિંગ, જર્નાલિઝમ, વ્યાખ્યાતાનું અને શિક્ષણનું કાર્ય કરી શકે છે.

કાળો બંધ બટનવાળો કોટ, ચપકણ, અચકણ, કાળી શેરવાની અને ઍડ્વોકેટના ઝભ્ભા સાથેનો સફેદ પટ્ટાવાળો પોશાક અથવા કાળો ઓપન-બ્રેસ્ટકોટ, સફેદ ખમીસ, સફેદ કડક અથવા નરમ કૉલર અને ઍડ્વોકેટના ગાઉન સાથેનો સફેદ પટ્ટાવાળો પોશાક દરેક પુરુષ ધારાશાસ્ત્રીએ પહેરવાનો હોય છે, ઉપરના દરેક પ્રસંગે પાટલૂન (સફેદ, કાળા, પટ્ટાવાળો અથવા ગ્રે) અથવા ધોતી પહેરવાનાં હોય છે.

મહિલા ધારાશાસ્ત્રીઓ બાબતમાં કાળું અડધી બાંય અથવા આખી બાંયનું જૅકેટ અથવા કબજો; સફેદ કૉલર (કડક અથવા નરમ), કોઈ છાપકામ કે ભાત વિનાનો, સફેદ પટ્ટા અને ધારાશાસ્ત્રીના ઝભ્ભા સાથેનો પોશાક અથવા સાડી અથવા લાંબું સ્કર્ટ (સફેદ અથવા કાળું, આછા રંગનું અને કોઈ છાપકામ કે ભાત વિનાનું અથવા), કોઈ ભડકામણા રંગ સિવાયની ગ્રે અથવા કાળા પટ્ટાવાળી સાડીનો પોશાક પહેરવાનો રહે છે.

પરંતુ સુપ્રીમ કોર્ટમાં કે હાઈકોર્ટમાં હાજર થવાના પ્રસંગ સિવાયના પ્રસંગોએ ઍડ્વોકેટ્સ માટે ગાઉન (ઝભ્ભો) પહેરવાનું સ્વૈચ્છિક રહેશે. સુપ્રીમ કોર્ટ, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સેશન્સ કોર્ટ અથવા સિટી સિવિલ કોર્ટમાં હાજર થવાના પ્રસંગે પટ્ટા(band)ને બદલે કાળી નેકટાઇ પહેરી શકાય છે.

વ્યાવસાયિક આચારસંહિતા (વકીલો માટે) :

પૂર્વ ઇતિહાસ : વકીલાતનો વ્યવસાય અતિ પુરાણો છે.

ભારતમાં વકીલો અથવા ધારાશાસ્ત્રીઓની સંસ્થાનો ઉલ્લેખ નારદ, બૃહસ્પતિ, કાત્યાયન અને મનુનાં લખાણોમાં છે. તે સમયે કાયદાની સલાહ આપવા સારુ કે કોઈ વ્યક્તિનો બચાવ કરવા માટે ફી લેવાના કાર્યને અપમાનજનક ગણવામાં આવતું.

ભારતમાં અંગ્રેજોના આગમન પછી બનાવવામાં આવેલા રેગ્યુલેટિંગ ઍક્ટ, 1793માં વકીલોની સંસ્થાનો ઉલ્લેખ છે. એ સમયે વકીલો અદાલતની સત્તાને અધીન ન હતા.

ગ્રીસમાં આ વ્યવસાય જૂના જમાનાથી અસ્તિત્વમાં હતો. ત્યાં એવી વ્યક્તિઓ હતી કે જેઓ દાવેદાર વતી અદાલતને સંબોધવા માટે વક્તવ્ય (speech) તૈયાર કરી આપતી અને દાવેદાર એમાં જોઈને રજૂઆત કરતો.

રોમમાં આશ્રયદાતા અને અસીલ પેટ્રન અને ક્લાયન્ટની સંસ્થા ઉપસ્થિત થઈ. સમય જતાં કાયદાવિષયક સલાહ આપનારાઓ (jurisconsults) અને પ્રતિનિધિઓ (Agents) અસ્તિત્વમાં આવ્યા. પ્રથમ પ્રકારની વ્યક્તિઓ માત્ર લોકચાહના મેળવવા માટે જ વિના મૂલ્યે, કાયદા અંગેની સલાહ આપતી અને બીજા પ્રકારની વ્યક્તિઓ પક્ષકારો વતી અદાલતમાં હાજર થતી.

ઇંગ્લૅન્ડમાં હેન્રી બીજા(1133-1189)ના સમયથી આ વ્યવસાય શરૂ થયો. ત્યારપછી એડવર્ડ પહેલા(1239-1307)ના સમયમાં સાર્જન્ટની સંસ્થા ઉપસ્થિત થઈ; એનો અંત 1875માં આવ્યો. સૈકાઓ સુધી કાયદાનું જ્ઞાન ઇંગ્લૅન્ડમાં પાદરીઓની ઇજારાશાહી હતું. અદાલતોની નજીક Inns of Courts અથવા નિવાસી કૉલેજો (રેસિડેન્શલ કૉલેજો) સ્થપાઈ, જેમને લીગલ સોસાયટી પણ કહેતા. લિંકન્સ ઇન, ધી ઇનર ટેમ્પલ, ધ મિડલ ટેમ્પલ અને ગ્રેયઝ ઇન ચાર જાણીતી અને સ્વયંશાસિત સંસ્થાઓ હતી. આ સંસ્થાઓ કાયદાના જ્ઞાન સાથેના ઉમેદવારો તૈયાર કરતી. દરેક સંસ્થાનું એક સંચાલક મંડળ હતું. તેને જે તે વ્યક્તિને આવા વકીલમંડળમાં દાખલ કરવાનો અધિકાર હતો અને દાખલ કરાયેલી વ્યક્તિનો વકીલાત કરવાનો અધિકાર લઈ લેવાનો પણ હક હતો. સંસ્થામાં શિષ્ટાચાર અને શિસ્તના નિયમોનું પાલન કરાવાતું. 1851માં આ ચારેય મંડળોએ કાઉન્સિલ ઑવ્ લીગલ એજ્યુકેશનની સ્થાપના કરી. આ કાઉન્સિલ કાયદાના શિક્ષણ પર નિયંત્રણ ધરાવતી હતી. ત્યારબાદ 1984માં જનરલ કાઉન્સિલ ઑવ્ ધ બાર સ્થપાઈ.

ઇંગ્લૅન્ડમાં બૅરિસ્ટરો અને સૉલિસિટરો એમ બે પ્રકારના કાયદાના વ્યવસાયીઓ છે. બૅરિસ્ટરોને વકીલાત કરવાની સત્તા ઇન્સ તરફથી મળતી, સૉલિસિટરોને આવી સત્તા ઇન્કૉર્પોરેટેડ લૉ સોસાયટી (ILS) તરફથી મળતી. આ બંને પ્રકારના વ્યવસાયીઓની યાદી હોય છે અને તેમનાં કાર્યો અલગ અલગ હોય છે. કોઈ પણ બૅરિસ્ટર સૉલિસિટરને વચ્ચે રાખ્યા વિના કાનૂની કામકાજ કરી શકતો નથી.

ભારતમાં અંગ્રેજોના આગમન પછી વકીલાતના વ્યવસાય સંબંધમાં વિવિધ નિયમનો અને કાયદાઓ ઘડવામાં આવ્યાં : (1) રેગ્યુલેટિંગ ઍક્ટ, 1773; (2) બૅંગાલ રેગ્યુલેશન (નં. 7), 1793; (3) લીગલ પ્રૅક્ટિશનર્સ ઍક્ટ, 1846; (4) લીગર પ્રૅક્ટિશનર્સ ઍક્ટ, નં. 38 (1888); (5) ઇન્ડિયન હાઇકૉર્ટ્સ ઍક્ટ, 1862; (6) લીગલ પ્રૅક્ટિશનર્સ ઍક્ટ, (નં. 18) 1979; (7) ધ બાર કાઉન્સિલ ઍક્ટ, (નં. 38) 1926; અને (8) ઍડ્વોકેટ્સ ઍક્ટ (નં. 25) 1961.

1773ના રેગ્યુલેટિંગ ઍક્ટથી બ્રિટિશ પાર્લમેન્ટે ફૉર્ટ વિલિયમ, બૅંગાલમાં સુપ્રીમ કોર્ટ સ્થાપવાની સત્તા રાજાને આપી. બંગાળમાં તે સમયે ઇંગ્લિશ અને આઇરિશ બૅરિસ્ટરો વકીલાત કરતા. આ પછી મદ્રાસ (ચેન્નઈ) અને મુંબઈમાં પણ સુપ્રીમ કોર્ટ સ્થપાઈ. આ અદાલતો ઇંગ્લિશ કૉમન લૉ (common law) અને સમન્યાય(equity)ના સિદ્ધાંતોનો આશરો લઈ ન્યાય કરતી. બૅંગાલ રેગ્યુલેશન નં. 7, 1793નો હેતુ કાનૂની વ્યવસાયીઓને વ્યવસાયમાં પ્રવેશ આપવાનો અને તેમનાં વર્તન, લાયકાત અને કામકાજ અંગેના નિયમો બનાવવાનો હતો. આ ઉપરાંત રેગ્યુલેશને વિવિધ પ્રકારના દાવાઓ માટે ફીનાં ધોરણો નક્કી કર્યાં. આમ કરવા પાછળ ત્રણ કારણો હતાં :

(1) વકીલોના મોભાને સંમાનનીય બનાવવો,

(2) અસીલોનું શોષણ અટકાવવું અને

(3) ઉમદા વ્યક્તિત્વવાળી વ્યક્તિઓ જ આ વ્યવસાયમાં પ્રવેશે તેવા સંજોગો ઊભા કરવા. મુસ્લિમ વકીલોએ દર છ માસે વ્યવસાય પ્રત્યેની તેમની વફાદારીના સોગંદ દોહરાવવા પડતા. એનાં કારણો ઐતિહાસિક છે. 1814 (નં. 17) અને 1833(નં. 12)ના રેગ્યુલેશનોથી આ નિયમોમાં સુધારો કરાયો.

1846ના લીગલ પ્રૅક્ટિશનર્સ ઍક્ટથી બૅરિસ્ટરોને સુપ્રીમ કોર્ટ ઉપરાંત કંપનીની કોઈ પણ અદાલતમાં કામકાજ કરવાની રજા અપાઈ. વકીલાતનું કાર્ય કરવાની લાયકાતને વિસ્તૃત કરવામાં આવી. વકીલ અને એનો અસીલ પરસ્પર સમજૂતીથી ફી નક્કી કરી શકે તેવી રજા અપાઈ અને યોગ્ય રીતે ન વર્તનાર વકીલનો અદાલત દંડ પણ કરી શકતી. 1850ના લીગલ પ્રૅક્ટિશનર્સ ઍક્ટથી વકીલાત કરવાના ક્ષેત્રનો વિસ્તાર વધારવામાં આવ્યો.

1858માં ઈસ્ટ ઇંડિયા કંપનીનો અંત આવ્યો ત્યારે (1) ઇંગ્લિશ બૅરિસ્ટરો અને (2) પ્લીડરો એમ બે પ્રકારના વકીલો કામકાજ કરતા હતા. પ્લીડરોને માત્ર કંપનીની અદાલતોમાં જ કામ કરવાની છૂટ હતી.

1866માં પંજાબમાં ચીફ કોર્ટ સ્થપાઈ. એમાં બે પ્રકારના વકીલો હતા : (1) ચીફ કોર્ટમાં કામકાજ કરનારા અને (2) તેના તાબાની કોર્ટોમાં કામ કરનારા. આમાં વિવિધ દરજ્જાના મુખત્યારો (Mukhtars) પણ હતા. આમ વકીલાતનું કામકાજ કરનારાઓની નીચે પ્રમાણેની શ્રેણીઓ ઉત્પન્ન થઈ.

(i) ઍડ્વોકેટો – તેઓ બૅરિસ્ટરો હતા.

(ii) વકીલો – તેમની લાયકાત હિંદુસ્તાની હતી. તેઓ પ્લીડરો કરતાં ઊંચો દરજ્જો ધરાવતા.

(iii) સોલિસિટરો અથવા ઍટર્નીઓ

(iv) પ્લીડરો – આમાંના મોટાભાગના સ્નાતકની પદવી ધરાવતા ન હતા.

(v) મુખત્યારો – મુખત્યારો માત્ર મૅટ્રિક સુધી જ ભણેલા હતા.

(vi) રેવન્યૂ એજન્ટો – તેઓ રેવન્યૂ-અધિકારીઓના નિયંત્રણમાં રહેતા.

(vii) ઇન્કમટૅક્સ પ્રૅક્ટિશનર્સ – લીગલ પ્રૅક્ટિશનર્સ ઍક્ટથી એમનું કામકાજ સંચાલિત હોતું નથી.

1879ની લીગલ પ્રૅક્ટિશનર્સ ઍક્ટના અમલ દરમિયાન પણ ઍડ્વોકેટો અને વકીલો વચ્ચેનો ભેદ ચાલુ રખાયો, જે 1950 સુધી ચાલુ રહ્યો. 1947માં ભારત આઝાદ થયા પછી આ સ્થિતિમાં સુધારો કરવા નિમાયેલી કમિટીના ચૅરમૅન એસ. આર. દાસે એવો રિપૉર્ટ આપ્યો કે વકીલોની શ્રેણીઓ નાબૂદ કરવી અને સૉલિસિટરો અથવા ઍટર્નીઓની પ્રથા ચાલુ રાખવી; કેમ કે એનાથી કાર્યનું વિભાજન થઈ કેસનો ઝડપી નિકાલ થવામાં મદદ થાય છે. 1961ના ઍડ્વોકેટ્સ ઍક્ટમાં આ બધાં સૂચનો આવરી લેવાયાં છે.

વકીલાતનો વ્યવસાય :

વકીલાતનું કામકાજ એ ધંધો નથી, પરંતુ વ્યવસાય છે. ‘વ્યવસાય’ શબ્દ એ મની મેકિંગ ઑક્યુપેશન, જેને ધંધો કહે છે, તેનાથી અલગ છે. વ્યવસાયનાં મુખ્ય ત્રણ તત્વો છે :

(i) એમનાં કાર્યો કે કામકાજ વકીલોનો એક સમૂહ બનાવે;

(ii) વ્યવસાયનું ગૌરવ જાળવવું તથા નૈતિક અને બુદ્ધિજન્ય ધોરણોની જાળવણી કરવી; અને

(iii) આર્થિક લાભને કાર્યક્ષમ સેવા આપવાના કાર્યથી ઊતરતો ગણવો.

આમાં સંસ્થાની રચના એ કોઈ ધ્યાનાકર્ષક તત્ત્વ નથી; પરંતુ બાકીનાં બે સંસ્થાની રચનાનાં પાયાનાં તત્વો છે. ધંધાને માટે જાહેરખબર આપી શકાય, પરંતુ વ્યવસાયમાં તેમ ન થઈ શકે. ‘ફરજ પ્રત્યેની’ તેની ઉત્કૃષ્ટતાની એ નિશાની છે.

પ્રામાણિકતા, સાહસ, ઉદ્યમ, અક્કલ, વક્તૃત્વશક્તિ, અનુમાનશક્તિ અને ભાઈચારો – એ સાત તત્વોને વકીલાતના વ્યવસાયના સપ્તદીપકો માનવામાં આવે છે. આ ઉપરાંત વ્યવહારદક્ષતાના ગુણને ‘કલાગુરુ’ એ વિશેષણથી નવાજવામાં આવ્યો છે. ડેનિયલ વેલ્ફરના મંતવ્ય મુજબ જો આ વ્યવસાય યોગ્ય રીતે કરવામાં આવે તો સમાજને માટે એ આશીર્વાદરૂપ થઈ પડે તેમ છે. પરંતુ અયોગ્ય રીતરસમો અપનાવાય તો લૉર્ડ બૉબિંગ બ્રૉક કહે છે તેમ it is a damnable fraud and inequity – એ કપટ અને અન્યાયનો જનક બની રહે છે.

આ વ્યવસાય વર્તમાન સમયમાં ધંધાના સ્તરે નીચે ઊતરી જવાનાં ઘણાં કારણો છે. વકીલાતના વ્યવસાયના સાત દીપકો પ્રત્યે દુર્લક્ષ અને તેમની ઉપેક્ષા, વ્યાવસાયિક આચારસંહિતાનું અજ્ઞાન, વ્યવસાયનું વ્યાપારીકરણ કરી નાખવાનું ઉગ્ર વલણ, વ્યવસાયમાં કામ ઓછું મળવું, વ્યવસ્થા અને નિષ્ઠાનો અભાવ અને ધન પાછળની નિર્બંધ દોટ તથા ઉદ્યોગગૃહોના સલાહકાર બની યેનકેન પ્રકારેણ આજીવિકા રળી લેવાની ઉત્કટ અને અપરિહાર્ય વૃત્તિ. તેથી જ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ‘Advocacy is not a craft but a calling, a profession’.

ભાનુપ્રસાદ મ. ગાંધી