વ્યારા : ગુજરાત રાજ્યના સૂરત જિલ્લામાં આવેલો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 73° 24´ પૂ. રે. પર સૂરતથી પૂર્વ તરફ 65 કિમી. દૂર આવેલું છે. તાલુકાનું ક્ષેત્રફળ 813 ચોકિમી. જેટલું છે. તાલુકામાં વ્યારા ઉપરાંત 148 ગામો આવેલાં છે.
તાલુકાનું પશ્ચિમ તરફી ભૂપૃષ્ઠ લાવાના પથ્થરોથી બનેલી ટેકરીઓવાળું છે, જ્યારે પૂર્વ ભાગનો બાકીનો પ્રદેશ સમતળ ભૂમિવાળો છે. વ્યારા તાલુકાનાં ઉનાળા-શિયાળાનાં મહત્તમ-લઘુતમ સરેરાશ દૈનિક તાપમાન અનુક્રમે 41° અને 27° સે. તથા 35° સે. અને 20° સે. જેટલાં રહે છે. મે માસમાં તાપમાન વધીને લગભગ 44° સે. સુધી પહોંચી જાય છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ 1200 મિમી. જેટલો રહે છે. (1990માં તે 1441 મિમી. અને 1991માં 875 મિમી. પડેલો.)
તાલુકામાં ભેજવાળાં પાનખર વૃક્ષો ધરાવતો જંગલ-વિસ્તાર આવેલો છે. તેમાં વાંસ, બાવળ, ગાંડો બાવળ, મહુડો, બોરડી, ખેર, બિયો, સાદડ, સાગ જેવાં વૃક્ષો જોવા મળે છે. વનીકરણ-યોજના હેઠળ ગામ-રસ્તાઓ, નહેરકાંઠા અને રેલમાર્ગની બંને બાજુઓ પર વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અહીં રેતી, કંકર, માટી જેવી ગૌણ ખનિજ-પેદાશો મળે છે. જંગલોમાં હરણ, શિયાળ, સસલાં, નીલગાય વગેરે પ્રાણીઓ જોવા મળે છે.
તાલુકાની આશરે 80 % વાવેતર યોગ્ય જમીનોમાં ડાંગર, ઘઉં, જુવાર, કઠોળ, શેરડી, ફળો, શાકભાજી, કપાસ, મગફળી અને ઘાસ થાય છે. અહીં ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઘોડા, ઊંટ જેવાં પાલતુ પશુઓ જોવા મળે છે. માછીમારો અહીંની નદીમાંથી માછલીઓ પકડે છે.
આ તાલુકાના 10 કિમી. જેટલા ભાગમાંથી બ્રૉડગેજ રેલમાર્ગ પસાર થાય છે. તાલુકામાં 483 કિમી.ના પાકા અને 10 કિમી.ના કાચા રસ્તા છે. અહીં તાર-ટપાલ-ટેલિફોનની ઑફિસો આવેલી છે. વાણિજ્ય બૅંકો અને એક સહકારી બૅંકની શાખા છે. તાલુકામથક વ્યારા ખાતે તાલુકા-સરકારી કચેરીઓ, હૉસ્પિટલ, ખાનગી દવાખાનું, પશુ-દવાખાનું પણ છે. બાલવાડીઓ, બાલમંદિરો, પ્રાથમિક-માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, વિનયન-વાણિજ્ય કૉલેજો, ટૅક્નિકલ શાળા, આશ્રમશાળા, લઘુઉદ્યોગ તાલીમ-કેન્દ્રો, પુસ્તકાલયો અને પ્રૌઢશિક્ષણ-કેન્દ્રો અહીં આવેલાં છે.
2001 મુજબ આ તાલુકાની વસ્તી 2,49,812 છે. ચોકિમી. દીઠ વસ્તી-ગીચતા 269 જેટલી છે. ગ્રામવિસ્તારની વસ્તી 2,13,599 અને શહેરી વસ્તી 36,213 જેટલી છે. અહીં દર એક હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા 985 જેટલી છે. તાલુકાના લોકો ખેતી, પશુપાલન, જંગલમાં કામ કરનારા, ખાણકામ કરનારા, બાંધકામ કરનારા, વેપારમાં, વાહનવ્યવહારમાં તથા નોકરીઓમાં રોકાયેલા છે.
શહેર : સૂરત જિલ્લાના વ્યારા તાલુકાનું વહીવટી મથક. તેમાં દર હજાર પુરુષે સ્ત્રીઓની સંખ્યા 977 જેટલી છે. અહીંના 66 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે.
વ્યારામાં ખાંડનું કારખાનું, કેમિકલ વર્કસ, તેલમિલ, ડાંગર છડવાનાં કારખાનાં, બરફનું કારખાનું, ખાદી-ગૃહઉદ્યોગ કેન્દ્ર તથા હાથસાળનો ઉદ્યોગ આવેલાં છે. તાલુકામથક અને ગામડાંને વીજળીની સુવિધા ઉપલબ્ધ છે. વ્યારામાં વાણિજ્ય બૅંકો તથા સહકારી બૅંકની શાખાઓ આવેલી છે. શહેરમાં 13 કિમી.ના પાકા અને 13-14 કિમી.ના કાચા રસ્તા આવેલા છે. વ્યારા સૂરત-ભુસાવળ રેલમાર્ગ પરનું મથક છે. સૂરત-ધૂળે રાજ્યધોરી માર્ગ અહીંથી પસાર થાય છે. રાજ્ય પરિવહનની બસો દ્વારા સૂરત, બારડોલી, વલસાડ, ભરૂચ, સોનગઢ વગેરે સાથે વ્યારા જોડાયેલું છે. અહીં તાર-ટપાલ-ટેલિફોન કાર્યાલયો, દવાખાનાં તથા નગરપાલિકા સંચાલિત બગીચા આવેલાં છે. વ્યારામાં બાલવાડી, બાલમંદિરો, પ્રાથમિકથી માંડીને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કૉલેજ તથા ખાનગી શિક્ષણસંસ્થાઓ અને પુસ્તકાલયો આવેલાં છે.
વ્યારામાં જૂના અવશેષો પૈકી ફતેહબુરજ, અંબાજી મહામાયા કૃપાધામ મંદિર, મસ્જિદ, શિવાલયો વગેરે આવેલાં છે. અહીં પાંચ દિવસનો પીરનો મેળો (ઉર્સ) પણ ભરાય છે.
શિવપ્રસાદ રાજગોર