વ્યાયામાદિ ચિકિત્સા (physiotherapy) : રોગ કે અપંગતાનું નિદાન અને કુદરતી કે ભૌતિક પદ્ધતિએ ઉપચાર કરવાની વિદ્યા. તેને ભૌતિક ચિકિત્સા (physical therapy) અથવા physiatrics પણ કહે છે. અને તે ગ્રીક શબ્દ ‘physis’ (એટલે કે કુદરત, nature) પરથી બનેલો પારિભાષિક શબ્દ છે. તેમાં સારવાર માટે વિદ્યુત, જલ કે વાયુ વડે કરાતી વીજચિકિત્સા (electrotherapy), જલચિકિત્સા (hydrotherapy) કે વાતચિકિત્સા(aerotherapy)નો સમાવેશ થાય છે. વળી તેમાં યાંત્રિક ચિકિત્સા (mechanical therapy), સ્નાયુમર્દન (massage) તથા ઉપચારલક્ષી અંગકસરતનો પણ સમાવેશ થાય છે આમ કુદરતી કે ભૌતિક પરિબળો કે સિદ્ધાંતોને આધારે આ પ્રકારની ચિકિત્સા કરાય છે. તેનો આધાર આધુનિક ચિકિત્સાવિદ્યાના સિદ્ધાંતો પર રહેલો છે. અને તેથી તેને વૈકલ્પિક ચિકિત્સા-પદ્ધતિઓ(alternative medicine)ની સાથે મૂકવામાં આવતી નથી, પરંતુ તેને આધુનિક ચિકિત્સાવિદ્યાના વર્તુળમાં સમાવવામાં આવે છે. વ્યાયામાદિ ચિકિત્સા કરતા વ્યાવસાયિકોને ભૌતિક ચિકિત્સાવિદ (physiotherapist) કહે છે. તેમને અમેરિકામાં ભૌતિક ચિકિત્સકો (physical therapists) કહે છે.

વ્યાયામાદિ ચિકિત્સાનો વ્યાપ : વિશ્વમાં વિવિધ સ્થળોએ વ્યાવસાયિક સ્વતંત્રતા તથા રોગ, વિકાર અને અપંગતાની વિવિધ વિષમતાઓની સારવાર સંબંધે ભૌતિક ચિકિત્સકની વ્યાવસાયિક કામગીરીનો વ્યાપ જુદો જુદો રહે છે. કેટલાક દેશોમાં તેઓ સ્વતંત્ર અને પ્રાથમિક સારવારદાતા(care provider)ના રૂપે દર્દીની સારવારના આયોજનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, જ્યારે અન્ય સ્થળે તેઓ તબીબી નિષ્ણાતોના સૂચન કે સલાહ પ્રમાણે વર્તતા હોય છે. દર્દીઓ તેમની પાસે તબીબ સૂચવે કે નિર્દેશ કરે ત્યારે આવે છે.

વિષમતાના પ્રકારો : વ્યાયામાદિ ચિકિત્સાનો ઉપયોગ મુખ્ય 3 પ્રકારની વિષમતાઓમાં થાય છે : (1) હાડકાં અને સ્નાયુના વિકારો (સ્નાય્વસ્થિ વિકારો, musculoskeletal disorders), (2) હૃદ્-ફેફસી વિકારો (cardiopulmonary disorders) તથા (3) ચેતાતંત્રીય વિકારો (neurological disorders). ક્યારેક એકથી વધુ પ્રકારની વિષમતાઓની સારવાર આપવાની થાય છે; જેમ કે, બાળદર્દીઓનું પુનર્વસન (rehabilitation), જેમાં વિકારગ્રસ્ત બાળકને ફરીથી સામાન્ય જીવનમાં ગોઠવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. આ ઉપરાંત ભૌતિક ચિકિત્સાવિદ શસ્ત્રક્રિયાવિદ્યા, મૂત્રમાર્ગવિદ્યા (nephrology), સ્ત્રીરોગવિદ્યા, કૅન્સર, રમતગમત, પુનર્રચનાવિદ્યા (plastic surgery) વગેરેમાં પણ સહાયકની ભૂમિકા ભજવે છે. સ્થાનિક આરોગ્ય સંભાળ-પદ્ધતિ પ્રમાણે ભૌતિક ચિકિત્સક કાં તો ખાનગી વ્યવસાય કરે છે અથવા કોઈ હૉસ્પિટલ કે કેન્દ્રમાં સેવા આપે છે. ભૌતિક ચિકિત્સકોમાં પણ હવે જુદી જુદી વિદ્યાશાખામાં વિશેષજ્ઞ થવાની પ્રક્રિયા શરૂ થયેલી છે.

ઇતિહાસ : પ્રથમ વિશ્વયુદ્ધમાં યુદ્ધપીડિતોની મદદ માટે વ્યાયામાદિ ચિકિત્સા સૌપ્રથમ અસ્તિત્વમાં આવી. તે સમયે સ્નાયુમર્દન એક મહત્વની ચિકિત્સાપદ્ધતિ હતી. બંને વિશ્વયુદ્ધો સમયે ઘવાયેલા સૈનિકોનું પુનર્વસન કરવાની જરૂરિયાત ઉત્પન્ન થઈ; તેથી આ અંગે ઘણી મહત્વની માહિતી અને આવડત મેળવી શકાઈ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી કરોડસ્તંભની ઈજાની સારવાર આપતા એકમો, હાડકાં અને સાંધાની ચિકિત્સા કરતી હૉસ્પિટલો તથા છાતીનાં રોગોનાં ચિકિત્સાલયોમાં ભૌતિક (વ્યાયામાદિ) ચિકિત્સાનો ઘણો વિકાસ થયો.

ચિકિત્સાપદ્ધતિ : ભૌતિક ચિકિત્સક તેની પાસે આવતા દર્દીની તકલીફો તથા નૈદાનિક વૃત્તાંત (clinical history) જાણીને તેની શારીરિક તપાસ કરે છે. દર્દીની તકલીફોની કાલક્રમ પ્રમાણે યાદી બનાવીને તેના આધારે તે દર્દીનાં જુદાં જુદાં તંત્રોની શારીરિક તપાસ કરે છે. તે સમયે અંગોનાં જરૂરી માપનો (measuremennts) પણ મેળવે છે. આ પ્રકારનાં માપનો તેને તેના નિદાન તથા ત્યારબાદ સારવારના પરિણામનો અંદાજ મેળવવામાં ઉપયોગી રહે છે; દા. ત., હાડકાં અને સ્નાયુના વિકારોમાં તથા ચેતાતંત્રીય વિકારોમાં જે તે અંગની લંબાઈ, તેના પરિઘનો ઘેરાવો, સાંધાના હલનચલનનો ગાળો, સ્નાયુઓના બળનો અંદાજ, અંગના હલનચલન પરનું વ્યક્તિના મગજનું નિયંત્રણ, જે તે અંગની સ્થિર સ્થિતિ અથવા અંગવિન્યાસ (posture) વગેરેનો અભ્યાસ અને નોંધ કરાય છે. જો દર્દીનાં હૃદય અને ફેફસાં અંગે સારવાર આપવાની હોય તો છાતીમાં શ્વસનક્રિયા વડે હવાની અવરજવર અંગેનું સ્ટેથોસ્કોપ વડે સંશ્રવણ (auscultation) કરાય છે તથા ફેફસાંની ક્રિયાક્ષમતાની કસોટીઓ કરાય છે.

ઉપર જણાવ્યા પ્રમાણે વિષમતાનો અંદાજ મેળવ્યા પછી ભૌતિક ચિકિત્સક સારવારનું આયોજન કરે છે. સારવારમાં વપરાતી વિવિધ ભૌતિક ચિકિત્સાઓ અને ચાલવામાં મદદરૂપ થતી સલાહ ઉપરાંત સારવારથી થઈ રહેલો ફાયદો તથા સારવારપદ્ધતિમાં કરવો પડતો જરૂરી ફેરફાર પણ મહત્વનાં પાસાં છે. કોઈ પણ સારવારપદ્ધતિની સફળતામાં દર્દી અને તેની સંભાળ લેનારાઓનું સારવાર બાબતે શિક્ષણ ઘણું મહત્વનું ગણાય છે.

ભૌતિક ચિકિત્સાનાં બધાં જ પાસાંની વિશદ ચર્ચા અહીં સંભવિત નથી, પરંતુ ઉદાહરણરૂપે વીજચિકિત્સા (electrotherapy) અને અંગકસરતીય ચિકિત્સા(exercise therapy)ને લઈ શકાય. છેક શરૂઆતનાં વર્ષોથી વીજચિકિત્સા ભૌતિક (વ્યાયામાદિ) ચિકિત્સાના એક ભાગરૂપ છે; જોકે તેની આપવાની પદ્ધતિમાં ફરક પડ્યો છે અને હજુ પણ તેમાં સુધારા થઈ રહ્યા છે. આધુનિક વીજચિકિત્સા સાબિતીઓ પર નિર્ભર કરે છે. તેમનો યોગ્ય કારણોસર, યોગ્ય સમયે અને સ્થળે ઉપયોગ થાય તે જરૂરી છે. તેનો અયોગ્ય ઉપયોગ કાં તો કોઈ ફાયદો નહિ કરે અથવા તો નુકસાન કરશે. તેની વિવિધ પ્રકારની પદ્ધતિઓ છે અને તેમાંની કઈ પદ્ધતિનો ક્યારે ઉપયોગ કરવો તેનું કૌશલ્ય મેળવવું જરૂરી છે.

() લઘુતરંગી પારોષ્મન (short-wave diathermy) : તેમાં અતિ-આવૃત્તિવાળો તરંગ (high frequency current) વપરાય છે. તેનું મૂલ્ય સામાન્ય રીતે 27.12 MHZ હોય છે. શરીરની સપાટી પરની તથા અંદરની પેશીમાંથી આ પ્રકારનો તરંગ પ્રસાર પામે તેવું કરાય છે. જ્યારે પીડાકારક સોજો (શોથ, inflammation) હોય કે ઈજા થયેલી હોય ત્યારે આ પ્રકારનો તરંગ દુખાવો ઘટાડવામાં મદદરૂપ થાય છે. વળી અંદરના સાંધા જ્યારે ઈજા પછી અકડાઈ ગયા હોય ત્યારે તેમની કસરત કરાવતાં પહેલાં તેમને અક્કડતા ઘટાડવા માટે પણ તે વપરાય છે; આમ તે વિવિધ પ્રકારના રોગો અને વિકારોમાં ઉપયોગી છે. દા. ત., સ્નાયુ અને હાડકાંના વિવિધ રોગ, ઉગ્ર કે દીર્ઘકાલી શોથકારી (inflammatory disorders) કે જેમાં ટૂંકા સમયનો કે લાંબા સમયનો પીડાકારક સોજો થયેલો હોય તેવા વિકારો, ઈજા પછી સાંધાઓમાં આવેલી અક્કડતા વગેરે. અસ્થિસંધિશોથ (osteoarthritis) જેવા અપજનનીય વિકારો (degenerative disorders), લાંબા સમયનો આમવાતી સંધિશોથ (rheumatoid arthritis), મચકોડ, સ્નાયુ તણાઈ જવો, સ્નાયુમાં લોહીનો ગઠ્ઠો જામવો, સ્નાયુ કે સ્નાયુબંધ(tendon)માં ચીરો, સાંધાના આવરણ(સંપુટ, capsule)માં વિકાર વગેરે જેવા સ્નાયુ અને હાડકાં કે તેમના સાંધાના વિકારોમાં તે ઉપયોગી છે. આ ઉપરાંત ગૂમડાં, વિવરશોથ (sinusitis), શ્રોણીય ચેપજન્ય વિકારો (pelvic infective conditions) તથા ચેપયુક્ત શસ્ત્રક્રિયા સંબંધિત સ્થિતિઓમાં પ્રાથમિક સારવારરૂપે તથા જે તે ભાગનું હલનચલન વધારી શકાય તેવા ઉદ્દેશ્યથી પણ આ પ્રકારની સારવાર આપવાનું સૂચવાય છે. જોકે લોહી વહેતું હોય તેવી સ્થિતિ, શિરામાં લોહી જામી ગયું હોય કે શિરામાં પીડાકારક સોજો (શિરાશોથ, phlebitis) થયો હોય, પેશીમાં કોઈ પ્રકારની ધાતુની વસ્તુ હોય કે દર્દીને ગાંઠ થઈ હોય તો પારોષ્મનની પ્રક્રિયા ન કરવાનું જણાવવામાં આવે છે.

() તાલબદ્ધ વીજચુંબકીય ઊર્જા (pulsed electro-magnetic energy, PEME) : તે પણ 27.12 MHZ મૂલ્ય ધરાવતી ઊર્જા છે. તેને એક યંત્ર દ્વારા તાલબદ્ધ કરાય છે, જેથી તેનો સક્રિય સમયગાળો (‘on’ time) ઘણો ટૂંકો છે અને અસક્રિય સમયગાળો (‘off’ time) લાંબો હોય છે. તેનો ઉપયોગ પ્રવાહી ભરેલા સોજા ઘટાડવા, લોહીના ગઠ્ઠાનું અવશોષણ વધારવા, પીડાકારક સોજો (શોથ) ઓછો કરવા તથા ચેતાતંત્રીય વિકાર શમાવવા માટે કરાય છે. તે સગર્ભા સ્ત્રીમાં કે હૃદ્ગતિપ્રેરક(cardiac pacemaker)ધરાવનારા દર્દીમાં વાપરી શકાતી નથી.

() અધ:રક્ત વિકિરણ (infrared radiation) : વીજચુંબકીય તરંગોના વર્ણપટમાં 7700  થી વધુ તરંગલંબાઈ ધરાવતા, નરી આંખે ન જોઈ શકાતા અને વર્ણપટના લાલ પટ્ટાના છેડા પછી આવતા તરંગોને અધ:રક્ત વિકિરણો કહે છે. તેમને 2 પ્રકારનાં જનકયંત્રો (generators) વડે ઉત્પન્ન કરી શકાય છે – પ્રદીપ્ત (luminous) અને અપ્રદીપ્ત (non-luminous). બંને પ્રકારે ગરમી ઉત્પન્ન કરી શકાય છે. અપ્રદીપ્ત પ્રકારના અધ:રક્ત વિકિરણો ઉગ્ર પ્રકારના શોથ(inflammation)માં અને ટૂંકા સમયની ઈજામાં થતી પીડા ઘટાડવા વપરાય છે; જ્યારે પ્રદીપ્ત પ્રકારના અધ:રક્ત વિકિરણો ચામડી પર ચચરાટી (પ્રતિક્ષોભન, counter-irritation) કરે છે અને તેમને લાંબા સમયના પીડાકારક વિકારોમાં દુખાવો ઘટાડવા માટે વપરાય છે. તેમનો મુખ્ય ઉપયોગ દુખાવો ઘટાડવાનો છે. વળી તે સ્નાયુઓનું શિથિલન (relaxation) પણ કરે છે. દર્દીના જે ભાગમાં લોહીનું પરિભ્રમણ ઘટેલું હોય કે જ્યાંથી ચામડીમાં સંવેદનાઓ ઘટેલી હોય ત્યાં તેનો ઉપયોગ ન કરવાનું જણાવાય છે.

() અશ્રાવ્ય ધ્વનિ (ultrasound) : આ એક અતિ આવૃત્તિમય (high-frequency) તરંગ છે, જે 1 MHZ થી 3 MHZ વચ્ચેનો હોય છે. તે એક પ્રકારની યાંત્રિક ઊર્જા છે અને તે વિદ્યુતઊર્જા નથી. તેનો ઉપયોગ મૃદુપેશીની ઈજામાં કરાય છે. તે ખાસ કરીને રમતગમત સમયે થતી મૃદુપેશીની ઈજામાં ખૂબ ઉપયોગી છે. આ ઉપરાંત તે ગંઠાઈ જતી રૂઝપેશી(scar)ને ઢીલો પાડવામાં, લાંબા સમયના કઠણ થઈ ગયેલા સોજાને ઘટાડવામાં તથા મચકોડ, સ્નાયુ-તણાવ (strain) કે ટેનિસ-એલ્બો જેવા વિકારોમાં પણ ઉપયોગી છે. જેને નસોના વિકારો હોય, ઉગ્ર ચેપ હોય અથવા જ્યાં છેલ્લા 6 મહિનામાં વિકિરણચિકિત્સા (radiotherapy) અપાઈ હોય ત્યાં અશ્રાવ્યધ્વનિ વડે સારવાર કરી શકાતી નથી.

() પૅરેફિન મીણ (paraffin wax) : તેમાં ઉષ્માવહન(conduction of heat)નો સિદ્ધાંત ઉપયોગમાં લેવાય છે. ગરમ પૅરેફિન-મીણમાં દર્દી તેનાં અંગો (હાથ કે પગ) કે તેનો ભાગ બોળીને બહાર કાઢે છે. તેના અંગની આસપાસ જામી જતા મીણમાંથી સુષુપ્ત ઉષ્મા (latent heat) મુક્ત થાય છે અને તે અંગની પેશીને શેક આપે છે. તેનો ઉપયોગ આમવાતાભી (rheumatoid) સંધિશોથ કે અપજનનીય સંધિવિકાર(degenerative joint disorder)માં સ્નાયુઓના સતત સંકોચનને તથા પીડાને ઘટાડવા કરાય છે. શરીરમાં પોતાના જ કોષોને મારતી સ્વકોષગ્ની (autoimmune) પ્રકારની વિષમતાવાળો વિકાર જ્યારે સાંધાને અસરગ્રસ્ત કરે ત્યારે આમવાતાભી સંધિશોથ થાય છે. મોટી ઉંમરે સાંધામાં ઘસારો પહોંચે ત્યારે થતા વિકારને સમજનનીય સંધિવિકાર કહે છે. આ ઉપરાંત, અસ્થિભંગ (fracture of a bone) પછી પેશીઓ કે રૂઝપેશી ચોંટી જવાથી જે અક્કડતા આવે છે તે ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ કરાય છે. તેના ઉપયોગ પછી વ્યક્તિ તે ભાગની કસરત કરીને હલન-ચલન માટેનું બળ તથા હલનચલનનો ગાળો વધારી શકે છે. ખુલ્લા ઘાવ હોય, ચામડી પર કોઈ વિકાર હોય કે લોહીનું જે તે ભાગમાં પરિભ્રમણ ઓછું હોય તો તેનો ઉપયોગ ન કરવાનું જણાવાય છે.

() અંતરાયપૂર્ણ તરંગચિકિત્સા (interferential current therapy) : તે એક અદ્યતન સૂક્ષ્મતલીય પ્રક્રિયક (microbase processor) વડે અપાતી સારવાર છે. તેમાં એક માધ્યમમાં 2 મધ્યમ કક્ષાની આવૃત્તિવાળા તરંગોને એકબીજા વડે આંતરીને લઘુઆવૃત્તીય તરંગ (low frequency current) મેળવાય છે. તેની મદદથી દુખાવો ઘટાડી શકાય છે. તેનો સૌથી વધુ ઉપયોગ રમતગમતથી થતી પીડાકારક મૂઢ ઈજાઓમાં અને મૂત્રનિયંત્રણના વિકારમાં થાય છે; પરંતુ તેનો કૅન્સર, સગર્ભાવસ્થા, હૃદ્ગતિપ્રેરક(cardiac pacemaker)ની હાજરી કે અંદરની શિરાઓમાં લોહીનો ગઠ્ઠો જામે તેવા વિકાર કે ચેપ હોય તો ઉપયોગ કરાતો નથી.

આ પદ્ધતિનો સ્વતંત્ર રીતે પણ ઉપયોગ કરી શકાય છે, પરંતુ સામાન્ય રીતે તેનો અન્ય સારવારપદ્ધતિઓ સાથે સંયુક્ત ચિકિત્સા-પ્રક્રિયારૂપે ઉપયોગ થાય છે.

() આયનચલન (iontophoresis) : સૂક્ષ્મ આયનોના કોઈ વીજક્ષેત્રમાં થતાં ચલનને આયનચલન કહે છે. ભૌતિક ચિકિત્સાક્ષેત્રે આ સિદ્ધાંતનો ઉપયોગ કરીને પેશીમાં વીજપ્રવાહની મદદથી આયનોને ચામડીમાં થઈને પેશીમાં પ્રવેશ આપવામાં અને ગતિ કરાવવામાં આવે છે.

() લેઝર ચિકિત્સા : તેમાં 20 mV બળ ધરાવતા લેઝર તરંગનો ઉપયોગ કરાય છે. તે દુખાવો ઘટાડે છે. પીડાકારક સોજો (inflammation, શોથ) ઘટાડે છે અને ઘાવને રુઝાવવામાં મદદરૂપ બને છે. તેનો કૅન્સરગ્રસ્ત પેશી, સગર્ભ ગર્ભાશય તથા લોહી વહેતું હોય કે ચેપગ્રસ્ત હોય તેવી પેશીમાં ઉપયોગ કરાતો નથી. તેનો ખાસ ઉપયોગ ઘાવને રુઝવવામાં થાય છે. વળી જો તમાકુ કે સોપારીના વ્યસનથી ગલોફામાં તંતુતા (fibrosis) થઈ હોય અને તેથી મોઢું ખૂલતું બંધ થઈ ગયું હોય તો તેવી સ્થિતિની સારવારમાં પણ તે ઉપયોગી છે. આ ઉપરાંત તે ઘસારાને કારણે ઉદ્ભવતી સાંધાની વિષમતાઓની સારવારમાં પણ ઉપયોગી છે.

() પારત્વકીય વિદ્યુતીય ચેતોત્તેજન (transcutaneous electrical nerve stimulation, TENS) : તે એક બૅટરીથી ચાલતા યંત્ર વડે ઉત્પન્ન કરાતા લઘુતીવ્રતાવાળા તરંગ છે. તેની મદદથી દુખાવો ઘટાડવાની પ્રક્રિયા છે. તે પીડાદ્વારના સિદ્ધાંતમત (pain gate theory) પર આધારિત છે. તેની મદદથી બધા જ પ્રકારની પીડાને ઘટાડી શકાય છે અને તેથી પીડાનાશક દવાઓની જરૂરિયાત ઘટે છે.

() વિદ્યુતીય ચેતોત્તેજન (electrical nerve stimulation) : આ માટે ગૅલ્વેનિક, ફેરેડિક, પુનરપિપુન: અવરોધિત ગૅલ્વેનિક, વિવરાભીય (sinusoidal) વગેરે તરંગો વપરાય છે. જ્યારે ચેતા કોઈ વિકારથી કાર્ય કરતી અટકી જાય ત્યારે તેને ચેતાઘાત (nerve palsy) કહે છે. તેને કારણે જે સ્નાયુ તે ચેતા વડે ઉત્તેજનાઓ મેળવતા હોય તેઓ તેવી ચેતા-ઉત્તેજનાઓ (ચેતોત્તેજનાઓ) મેળવી શકતા નથી. આવા સ્નાયુને અચેતાન્વિત (denervated) સ્નાયુ કહે છે. વિદ્યુતીય ચેતાઉત્તેજનની મદદથી ચેતાઘાત પછીના અચેતાન્વિત સ્નાયુઓનું બળ વધારી શકાય છે. તેને કારણે પીડા અને સોજો પણ ઘટાડી શકાય છે.

() પ્રકીર્ણ પદ્ધતિઓ : આ ઉપરાંત સૂક્ષ્મતરંગ પારોષ્મન (short-wave diathermy), પારજાંબલી વિકિરણ વગેરે પદ્ધતિઓ પણ ઉપયોગમાં લેવાય છે.

શ્વસનતંત્રીય ભૌતિક (વ્યાયામાદિ) ચિકિત્સા (chest physiotherapy) : ભૌતિક ચિકિત્સાવિદ્યાના આ ઉપવિભાગનો ઉપયોગ વ્યાપક છે. તેમાં દમ, છાતીના ઉગ્ર ચેપ, છાતી-ફેફસાંને થયેલી ઈજા તથા શસ્ત્રક્રિયા પૂર્વે અને તે પછી ફેફસાંની સંભાળ વગેરે વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. છાતી અને પેટની મોટી શસ્ત્રક્રિયા પૂર્વેથી શરૂ કરાતી ભૌતિક ચિકિત્સા શસ્ત્રક્રિયા પછી પણ ચાલુ રખાય છે. તેની મદદથી ફેફસાંના લાંબા સમયના રોગો કે હૃદયરોગનો હુમલો થયો હોય તેવા દર્દીઓમાં મોટી શસ્ત્રક્રિયા કરાય તોપણ તે સુરક્ષિતતા બક્ષે છે. દીર્ઘકાલી શ્વસનમાર્ગ-અવરોધક ફેફસીરોગ (chronic obstructive pulmonary disease, COPD), સકોષ્ઠીય તંતુતા (cystic fibrosis), હૃદ્-સ્નાયુ પ્રણાશ (myocardial infarction) જેવા રોગોમાં પણ મોટી શસ્ત્રક્રિયા સંભવિત બની છે. આ પ્રકારની ચિકિત્સા દરેક વયની વ્યક્તિને આપી શકાય છે; જેમ કે, કાળપૂર્વ જન્મેલાં અપૂર્ણપક્વ નવજાત શિશુઓથી માંડીને અતિવૃદ્ધ વ્યક્તિઓ. તેમાં હસ્તગત ક્રિયાકલાપ(manual technique)થી માંડીને શ્વસનસહાય તથા શ્વસનલક્ષી કસરતોનો સમાવેશ થાય છે. તેની મદદથી દર્દીની સક્રિય કસરત કરવાની ક્ષમતા વધે છે.

ચેતાતંત્રીય ભૌતિક (વ્યાયામાદિ) ચિકિત્સા : આ બહુ મોટું અને મહત્વનું કાર્યક્ષેત્ર છે, જેમાં સ્નાયુના લકવા પછી સ્નાયુમાં બળ વધારવાની, દેહની કે શરીરના કોઈ ભાગની યોગ્ય સ્થિરસ્થિતિ અથવા અંગવિન્યાસ (posture) જાળવવાની તથા જરૂરી સક્રિયતા માટે ક્ષમતા વિકસાવવાની સ્થિતિ મેળવી શકાય છે. તેની મદદથી દર્દીના હલનચલનની અને સંવેદનાઓની તકલીફો ઘટાડી શકાય છે.

વ્યાયામાદિ ચિકિત્સાનું સૌથી મોટું પ્રદાન વિવિધ પ્રકારના ચેતાતંત્રીય, સ્નાયુલક્ષી, હાડકાં કે સાંધાના કે શ્વસનતંત્રના વિકારોથી પીડિત વ્યક્તિઓના પુનર્વાસમાં રહેતી ઉપયોગિતા છે. તેથી દર્દી પરવશ રહેવાને બદલે સક્રિય જીવનમાં પાછો જોડાય છે. વિવિધ પ્રકારના ચેતાતંત્રીય રોગો; જેમ કે, પક્ષઘાત (hemiplegia), દ્વિપાદઘાત (paraplegia), ચેતાઘાત (nerve palsy), પ્રકંપવા (parkinsonism), ગુલે-બારી સંલક્ષણ, વ્યાપક ચેતાતંતુકાઠિન્ય (multiple sclerosis) વગેરે વિકારોમાં તે ખાસ ઉપયોગી છે. તેવી રીતે અંગોચ્છેદન અથવા અંગવિચ્છેદન (amputation) પછી વ્યક્તિના જીવનનો પુનર્વાસ કરાવવો, એક મહત્વની બાબત છે. તેમાં પણ વ્યાયામાદિ ચિકિત્સા ઉપયોગી છે. તે માટે પટ્ટા, ઘોડી, વૉકર, વિશિષ્ટ પગરખાં વગેરે વિવિધ સહાયક ઉપકરણોની મદદ લેવાય છે. કૃત્રિમ અંગ બેસાડ્યું હોય તેવી વ્યક્તિના પુનર્વાસમાં પણ વ્યાયામાદિ ચિકિત્સા ઉપયોગી છે. આવી રીતે મગજ, કરોડરજ્જુ, હાડકાં, સ્નાયુબંધો (tendons), સંધિબંધો (ligaments) અને સ્નાયુઓની ઈજા પછી પણ પુનર્વાસ માટે વ્યાયામાદિ ચિકિત્સા ઉપયોગી છે.

મનાલી શાહ

અનુ. શિલીન નં. શુક્લ