વ્યક્તિવાદ : વ્યક્તિને કેન્દ્રમાં રાખી, વ્યક્તિ જ સ્વયમેવ ધ્યેય છે અને વ્યક્તિમાત્રની સ્વતંત્રતા એ સર્વોપરી મૂલ્ય છે, એવી માન્યતા ધરાવતી સામાજિક-રાજકીય તત્વચિંતનની શાખા અથવા વિચારધારા. સામાજિક જૂથ અથવા કોઈ પણ સામૂહિકતા કુટુંબ કબીલા ટોળી, જ્ઞાતિ જાતિ, વર્ગ, ગામ, પ્રદેશ, દેશ, રાષ્ટ્ર કે રાજ્ય એ સૌથી ઉપર વ્યક્તિ છે અને એ પૈકી કોઈને ખાતર તેનો ભોગ કે બલિદાન આપી શકાય નહિ, એ વ્યક્તિવાદની દૃઢ માન્યતા છે.

કોઈ પણ રાજકીય અને સામાજિક સિદ્ધાંતમાં કેન્દ્રસ્થાને વ્યક્તિ છે અને એ સંબંધી સમજૂતી આપતાં બધાં સ્પષ્ટીકરણો વ્યક્તિને કેન્દ્રમાં રાખી અને તેના સંદર્ભમાં કરવાં જોઈએ એમ વ્યક્તિવાદ માને છે. રાજ્ય, સમાજ વગેરે વ્યક્તિઓ થકી બનેલાં છે. વ્યક્તિ તેમનો પાયાનો ઘટક અથવા એકમ છે. માટે એ વિશેની બધી વિચારણામાં વ્યક્તિ કેન્દ્રસ્થાને હોવી જોઈએ, એ વ્યક્તિવાદનો તર્ક છે.

બીજી બાજુ વ્યક્તિવાદ એવું માને છે કે સમાજનું ગઠન એવી રીતે થવું જોઈએ, જેથી વ્યક્તિને લાભ અને તેનું ભલું થાય; વ્યક્તિના હકો, તેની જરૂરિયાતો અને તેનાં હિતોને અગ્રિમતા પ્રાપ્ત થાય. વ્યક્તિવાદી ચિંતનમાંથી પ્રેરણા મેળવતા પ્રશિષ્ટ ઉદારમતવાદીઓ અને જમણેરી વિચારધારામાં માનતા ચિંતકો વ્યક્તિની સ્વહિતપરાયણતા અને સ્વાવલંબન ઉપર વિશેષ ભાર મૂકે છે.

એક ફિલસૂફી તરીકે વ્યક્તિવાદ એક મૂલ્યપ્રથાનું સૂચન કરે છે; મનુષ્ય સ્વભાવનો એક સિદ્ધાંત રજૂ કરે છે; એક મનોભાવ અથવા મનોવલણ વ્યક્ત કરે છે અને અમુક પ્રકારની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થામાં દૃઢ માન્યતા રજૂ કરે છે.

મૂલ્યપ્રથા તરીકે વ્યક્તિવાદ માને છે કે બધાં મૂલ્યો મનુષ્યકેન્દ્રી છે. ભલે એ મૂલ્યો માનવસર્જિત ન હોય પણ એ સૌનો અનુભવ તો મનુષ્યો જ કરે છે. મનુષ્ય જ સ્વયં એક ધ્યેય અથવા સાધ્ય છે, એ કોઈ અન્યનું સાધન નથી. સમાજ અને રાજ્ય વ્યક્તિનાં ધ્યેયો સિદ્ધ કરવાનાં સાધનો છે. દેખીતી રીતે જ સાધ્ય (વ્યક્તિ) સાધન (સમાજ-રાજ્ય) કરતાં નૈતિક રીતે ચઢિયાતું હોય.

બીજું, બધી વ્યક્તિઓ અમુક અર્થમાં નૈતિક રીતે સમાન છે એથી બીજી કોઈ વ્યક્તિના ભલા કે કલ્યાણ માટેના એક સાધન તરીકે વ્યક્તિને ગણવાની નથી. એ અર્થમાં દરેક વ્યક્તિ સમાન છે. આમ, સમાનતા એનું મહત્વનું મૂલ્ય છે.

એટલું જ મહત્વનું, કદાચ વિશેષ મહત્વનું મૂલ્ય સ્વતંત્રતા છે – એમ વ્યક્તિવાદ માને છે. એક સામાન્ય પુખ્ત વયની વ્યક્તિનાં હિતો શક્ય હોય તેટલી સ્વતંત્રતા અને જવાબદારીની ભાવના થકી સિદ્ધ કરી શકાય, એમ વ્યક્તિવાદી સિદ્ધાંત માને છે. પોતાના ઉદ્દેશો અને તે પાર પાડવાનાં સાધનો પસંદ કરવાની વ્યક્તિને પૂરેપૂરી સ્વતંત્રતા હોવી જોઈએ. દરેક વ્યક્તિ પોતાનું ભલું અથવા હિત શેમાં રહેલું છે, એ સારી રીતે જાણે છે; એટલું જ નહિ, એ કેવી રીતે હાંસલ કરવું એ પણ એટલી જ સારી રીતે જાણે છે. એ પ્રતીતિમાંથી વ્યક્તિની સ્વતંત્રતા ફલિત થાય છે. વ્યક્તિની આ સ્વતંત્રતા પોતાના વિકાસમાં અને સમાજના કલ્યાણ  બંનેમાં ફાળો આપે એ એમાં અભિપ્રેત છે. વ્યક્તિની આ સ્વતંત્રતા સામાજિક પુરુષાર્થનાં ક્ષેત્રોમાં પોતાનો ફાળો આપવા વ્યક્તિને સૌથી અસરકારક પ્રોત્સાહન પૂરું પાડે છે. વ્યક્તિવાદની આ માન્યતાને આધારે સમાજ સ્વપર્યાપ્ત અને સ્વપરક વ્યક્તિઓનો એક સરવાળો છે. સમાજનું વ્યક્તિઓથી ભિન્ન કે સ્વતંત્ર કોઈ આગવું અસ્તિત્વ નથી.

એક મનોવલણ અથવા મનોભાવ તરીકે વ્યક્તિવાદ વ્યક્તિના સ્વાવલંબન, તેની અંગતતા અને બીજી વ્યક્તિઓ પ્રત્યેના આદરમાં વ્યક્ત થાય છે. સત્તા અથવા વ્યક્તિ ઉપરના બીજા બધા અંકુશોનો તે વિરોધ કરે છે; ખાસ કરીને રાજ્ય દ્વારા મુકાતા અંકુશોનો.

આ મૂલ્યો અને સિદ્ધાંતોમાંથી રાજ્ય અને સરકાર પ્રત્યેનો વ્યક્તિવાદી અભિગમ ફલિત થાય છે. આત્યંતિક વ્યક્તિવાદીઓ (જેમકે, અરાજકતાવાદીઓ) સિવાય મોટાભાગના વ્યક્તિવાદીઓ માને છે કે રાજ્ય અને વ્યવહારમાં સરકારે વ્યક્તિઓના જીવનમાં ઓછામાં ઓછી દખલગીરી કરવી જોઈએ. વ્યક્તિઓ વધુમાં વધુ સ્વાતંત્ર્ય ભોગવી શકે એ માટે વ્યક્તિઓ ઉપર ઓછામાં ઓછા અંકુશો અથવા નિયંત્રણો હોવાં જોઈએ. રાજ્યે (સરકારે) સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાં, વ્યક્તિઓ બીજી વ્યક્તિઓના જીવનમાં દખલગીરી ન કરે એ માટે, અને વ્યક્તિઓ વચ્ચે સ્વેચ્છાએ થયેલી સમજૂતીઓ(કરારો)નો બરાબર અમલ થાય એ પૂરતાં જ પોતાનાં કાર્યો સીમિત રાખવાં જોઈએ. વ્યક્તિવાદીઓ રાજ્યને ‘એક જરૂરી અનિષ્ટ’ (‘નેસેસરી ઈવિલ’) તરીકે ઘટાવે છે. તેમનું સૂત્ર છે : ‘જે સરકાર ઓછામાં ઓછું શાસન કરે, તે ઉત્તમ સરકાર.’

વ્યક્તિવાદ અર્થવ્યવસ્થામાં રાજ્ય(સરકાર)ની ઓછામાં ઓછી દરમિયાનગીરી હોવી જોઈએ – એમ માને છે. તે દરેક વ્યક્તિ(કુટુંબ)ની મિલકત ધરાવવાની, તેનું સંચાલન કરવાની અને પોતાની ઇચ્છા અનુસાર તેનો નિકાલ કરવાની સ્વતંત્રતામાં માને છે. પોતાનું આર્થિક હિત અથવા ભલું શેમાં રહેલું છે, તે પ્રત્યેક વ્યક્તિ સારી રીતે જાણે છે. પોતાનાં આર્થિક હિતોનું રક્ષણ કરવા જૂથો રચવાની અને તેમાં જોડાવાની સંપૂર્ણ સ્વતંત્રતા વ્યક્તિ ધરાવે છે, એ વ્યક્તિવાદની માન્યતા છે. આમ, આર્થિક ક્ષેત્રમાં વ્યક્તિવાદ ‘લેઝે ફેર’માં માને છે. મૂડીવાદી અર્થવ્યવસ્થાનાં મૂળ વ્યક્તિવાદની આ માન્યતામાં રહેલાં છે.

વ્યક્તિવાદી ચિંતનના કેટલાક મુદ્દાઓનું પગેરું પ્રાચીન ચિંતનમાં અને ઇતિહાસના જુદા જુદા તબક્કાઓ દરમિયાન જુદી જુદી સંસ્કૃતિઓમાં શોધી શકાય; પણ આધુનિક અર્થમાં વ્યક્તિવાદી તત્વચિંતન અને વિચારધારાનો ઉદય પ્રથમ ઇંગ્લૅન્ડમાં થયો. આદમ સ્મિથ, જેરેમી બેન્થામ, જેમ્સ સ્ટુઅર્ટ મિલ, જ્હૉન સ્ટુઅર્ટ મિલ વગેરેના વિચારો થકી આરંભિક વ્યક્તિવાદી ચિંતનનો પિંડ બંધાયો. સ્મિથનો ‘લેઝેફેર’(યથેચ્છવાદ, અર્થવ્યવસ્થામાં રાજ્યની બિનદરમિયાન-ગીરી)નો સિદ્ધાંત અને બેન્થામનો  ઉપયોગિતાવાદી સિદ્ધાંત (‘દરેકને એક એકમ તરીકે ગણવો, એક કરતાં કોઈ પણ વધારે નહિ’) – આ બે પાયાના સિદ્ધાંતોએ વ્યક્તિવાદી આર્થિક અને રાજકીય સિદ્ધાંતનો પાયો નાંખ્યો. સ્મિથના ‘લેઝેફેર’ સિદ્ધાંતમાં દરેક વ્યક્તિને પૂર્ણ આર્થિક સ્વતંત્રતા છે. મુક્ત અને સ્પર્ધાત્મક બજારમાં ચીજવસ્તુઓ અને સેવાઓના વિનિમયની આ સ્વતંત્રતામાં સૌને લાભ થાય એવી આદર્શ વ્યવસ્થા છે. વ્યક્તિની સ્વતંત્રતા અને ઉત્પાદનનાં સાધનોનો સૌથી વધુ કાર્યક્ષમ ઉપયોગ થવાની ખાતરી તે આપે છે. બીજાનાં હિતોને હાનિ પહોંચાડ્યા સિવાય દરેક વ્યક્તિ પોતે આપેલ યોગદાનના પ્રમાણમાં પ્રાપ્ત કરીને મહત્તમ લાભ હાંસલ કરી શકે છે. આમ, સૌના સહિયારા પુરુષાર્થથી સર્જાયેલ સંપત્તિનું ન્યાયી વિતરણ અંકે કરી શકાય છે. એ માટે રાજ્યની દરમિયાનગીરીની જરૂર નથી.

દરેક વ્યક્તિનું મૂલ્ય એક એકમ જેટલું, એકથી વધારે નહિ  એવી ઉપયોગિતાવાદી માન્યતામાંથી ‘એક વ્યક્તિ, એક મત’ના આધાર પર રચાયેલ પ્રાતિનિધિક લોકશાહીનો ખ્યાલ ઉદ્ભવ્યો છે. દરેક વ્યક્તિ સ્વતંત્ર છે અને કમસેકમ, મત આપવાની બાબતમાં સમાન છે, એ વિચાર લોકશાહીનો સૈદ્ધાંતિક પાયો રચે છે.

મુક્ત સ્પર્ધા અને બજારનિયંત્રિત આર્થિક વ્યક્તિવાદ અને ‘એક વ્યક્તિ, એક મત’ પર આધારિત રાજકીય વ્યક્તિવાદ શરૂમાં સાથે સાથે ચાલે છે, પણ 19મી સદી દરમિયાન વ્યક્તિવાદનાં આ બંને સ્વરૂપો વચ્ચે તણાવ અને બંને સામે પડકાર ઊભા થાય છે. એક બાજુ મતાધિકારનો વિસ્તાર થતાં નવા વર્ગો મતાધિકાર પ્રાપ્ત કરે છે અને આર્થિક પ્રક્રિયામાં સરકારની દરમિયાનગીરીની માગણી રજૂ કરે છે. બીજી બાજુ, ‘લેઝેફેર’ સિદ્ધાંતને કારણે સંપત્તિધારકોના હાથમાં સંપત્તિનું કેન્દ્રીકરણ થાય છે. જાહેર સત્તાના માળખા જેવા રાજ્યે વંચિત વર્ગોની તરફેણમાં આર્થિક ક્ષેત્રમાં દરમિયાનગીરી કરવી જોઈએ, એવી માગણી બુલંદ બને છે. સરકારની દરમિયાનગીરીની માગણીનાં કારણો સંપૂર્ણપણે વ્યક્તિવાદી ધારણાઓ પર આધારિત આર્થિક સિદ્ધાંતને ચુસ્તપણે વળગી રહેવાના પ્રયાસના અંતર્ગત છે. જીવનનાં બીજાં બધાં ક્ષેત્રોની જેમ અર્થકારણમાં આ ધારણાઓ અપૂરતી છે; કારણ કે, મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. તેનો સ્વભાવ, તેની જરૂરિયાતો અને તેની ક્ષમતાઓ મહદંશે સમાજ અને સામાજિક સંસ્થાઓની પેદાશ છે. તેનું મોટાભાગનું વર્તન કુટુંબથી શરૂ કરીને વિવિધ પ્રકારનાં સામાજિક-આર્થિક સંગઠનો અને રાજ્ય (જેનો તે સભ્ય છે.) થકી ઘડાય છે. વ્યવહારમાં આ બધાં સંગઠનો વ્યક્તિના જીવનને વધતા ઓછા પ્રમાણમાં પ્રભાવિત કરે છે અને નિયંત્રિત કરે છે.

ઓગણસીમી સદીના ઉત્તરાર્ધ અને વીસમી સદીમાં એવી સમસ્યાઓનો સામનો કરવાનો આવે છે, તેમાં વ્યક્તિવાદના ચુસ્ત આર્થિક અને રાજકીય સિદ્ધાંત સામે પડકાર ઊભો થાય છે. સંપત્તિનું કેન્દ્રીકરણ અને ઇજારાશાહીનો ઉદ્ભવ, મંદી અને વ્યાપક બેરોજગારીની સમસ્યા. વિજ્ઞાનનો પણ ખાસ તો ટેક્નૉલૉજીનો પ્રભાવ, બે વિશ્વયુદ્ધોએ સર્જેલી ભારે તારાજી, સાંસ્થાનિક દેશોનો સ્વતંત્ર રાષ્ટ્રો તરીકે આવિર્ભાવ વગેરે પ્રશ્નો ચુસ્ત વ્યક્તિવાદની માન્યતાઓ સામે પડકાર ઊભો કરે છે. બીજી બાજુ ફાસીવાદ-નાઝીવાદ તેમજ સમાજવાદ-સામ્યવાદ જેવી વિચારધારાઓ વ્યક્તિવાદની મૂળભૂત માન્યતાઓ સામે અને તેના વિકલ્પ રૂપે રાજકીય અને આર્થિક સિદ્ધાંતો રજૂ કરે છે.

ઉપર જણાવ્યા એ પ્રશ્નો અને પડકારો અને પ્રતિસ્પર્ધી વિચારધારાઓ અને વ્યક્તિવાદી માન્યતાઓ વચ્ચેની આંતરક્રિયા થકી વ્યક્તિવાદ ક્રમશ: ઉદારમતવાદનું સ્વરૂપ ધારણ કરે છે. અઢારમી અને ઓગણીસમી સદીના ઉદારમતવાદીઓ ‘પ્રબુદ્ધતા’-(‘એન્લાઇટન્મેન્ટ’)નાં મૂલ્યોથી મોટા પ્રમાણમાં પ્રભાવિત થયેલા. ઉદારમતવાદે વ્યક્તિવાદની કેટલીક પાયાની માન્યતાઓ; જેમ કે, વ્યક્તિની અગ્રિમતા, તેની સ્વતંત્રતા, સ્વયંમેવ ધ્યેય તરીકે વ્યક્તિનું મૂલ્ય વગેરેનો સ્વીકાર કર્યો છે. તેનાં અન્ય મૂલ્યોમાં વ્યક્તિની બુદ્ધિનિષ્ઠા (રેશનાલિટી), ન્યાય (આર્થિક, સામાજિક, રાજકીય) અને વિવિધતા તેમજ સહિષ્ણુતા વગેરેનો સમાવેશ થાય છે. સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયના વ્યાપક હિતમાં રાજ્યની દરમિયાનગીરીનો એને છોછ નથી, બલકે, કેટલાંક ક્ષેત્રોમાં તે રાજ્ય(લોકશાહી સિદ્ધાંતોને વરેલી અને તે દ્વારા સંચાલિત સરકાર)ની દરમિયાનગીરીને આવકારે છે.

સમાપનમાં કહી શકાય કે પોતાની કેટલીક પાયાની નિષ્ઠાઓ જાળવી રાખીને વ્યક્તિવાદે બૃહદ અર્થમાં ઉદારમતવાદનું સ્વરૂપ ધારણ કર્યું છે.

દિનેશ શુક્લ