વ્યક્તિવિવેક : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રનો ગ્રંથ. સર્વપ્રથમ ઈ. સ. 1909માં ત્રિવેન્દ્રમ્ સંસ્કૃત ગ્રંથમાળામાં ‘વિમર્શ’ નામની રુય્યકે લખેલી અધૂરી ટીકા સાથે પ્રસ્તુત ગ્રંથ તિરુઅનંતપુરમમાંથી પ્રકાશિત થયેલો. તેના લેખક આચાર્ય મહિમભટ્ટ (11-12મી સદી) છે. આચાર્ય આનંદવર્ધને ધ્વનિની રજૂઆત પોતાના ‘ધ્વન્યાલોક’ નામના ગ્રંથમાં કરી છે. તે ગ્રંથ અને ધ્વનિસિદ્ધાન્ત બંનેનું ખંડન કરવા માટે મહિમ-ભટ્ટે પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે.

‘વ્યક્તિવિવેક’ ત્રણ ‘વિમર્શ’નો બનેલો ગ્રંથ છે. આરંભમાં ધ્વનિનો અનુમાન અર્થાત્ કાવ્યાનુમિતિમાં અંતર્ભાવ કરવાની પ્રતિજ્ઞા લેખકે લીધી છે. આનંદવર્ધને આપેલી ધ્વનિની વ્યાખ્યાના શબ્દેશબ્દનું ખંડન કરીને આનંદવર્ધનની વ્યંજના શબ્દશક્તિની પ્રક્રિયા કાવ્યાનુમિતિની પ્રક્રિયા છે એમ લેખકે સિદ્ધ કર્યું છે. આચાર્ય આનંદવર્ધને આપેલી ધ્વનિની વ્યાખ્યા અનુમાનને લાગુ પડે છે અને ધ્વનિ અનુમિત અર્થ છે એમ સ્પષ્ટ રીતે આ ગ્રંથમાં પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. રસની વાત મહિમભટ્ટ સ્વીકારે છે અને કાવ્યાનુમિતિના પોતાના મૌલિક સિદ્ધાન્તનું પ્રતિપાદન પ્રસ્તુત ગ્રંથમાં કરવામાં આવ્યું છે. ‘વ્યક્તિવિવેક’માં અભિધા એ એક જ શબ્દશક્તિ હોવાનો મત સ્વીકારવામાં આવ્યો છે. વળી અભિધાથી મળતો વાચ્યાર્થ જ અનુમાન કે કાવ્યાનુમિતિ દ્વારા વ્યંગ્ય અર્થાત્ અનુમેય અર્થ બતાવે છે એમ પ્રસ્તુત ગ્રંથમાં કહ્યું છે. આ જ ‘વિમર્શ’ સૌથી મહત્વનો છે એ પછી બીજા ‘વિમર્શ’માં શબ્દ અને અર્થના ઔચિત્ય વિશે સૂક્ષ્મ વિચારણા રજૂ થઈ છે. ત્રીજા ‘વિમર્શ’માં આચાર્ય આનંદવર્ધને ‘ધ્વન્યાલોક’માં આપેલાં 40 જેટલાં ઉદાહરણોમાં વ્યંજના નહિ, અનુમાનની વાત છે એમ યુક્તિપુર:સર બતાવ્યું છે. આમ ‘વ્યક્તિવિવેક’ મૌલિક ગ્રંથ છે, છતાં પાછળના ધ્વનિસિદ્ધાન્તને સ્વીકારનારા આચાર્યોના ઝળહળતા પ્રકાશમાં ‘વ્યક્તિવિવેક’નો યોગ્ય સત્કાર થયો નથી અને તેને કોઈ અનુયાયીઓ સાંપડ્યા નથી.

લેખકનું નામ ‘મહિમન્’, ‘મહિમક’ કે ‘મહિમભટ્ટ’ એમ મળે છે. તે પ્રાય: ‘વ્યક્તિવિવેકકાર’ તરીકે ઓળખાયા છે તે આ ગ્રંથની મહત્તા બતાવે છે. તેમને અપાયેલું ‘રાજાનક’ બિરુદ તેઓ કાશ્મીરી હોવાનું સૂચવે છે. તેમના પિતાનું નામ શ્રીધૈર્ય અને ગુરુનું નામ મહાકવિ શ્યામલક છે. પ્રસ્તુત ગ્રંથમાં આનંદવર્ધન (850), અભિનવ (950), કુન્તક(950)નાં ખંડનો અને રાજશેખર(950)નાં ઉદ્ધરણો હોવાથી ઈ. સ. 1000 પછી આ ગ્રંથ રચાયો છે એ સ્પષ્ટ છે. 12મી સદીમાં આચાર્ય રુય્યકે ‘વિમર્શ’ નામની ટીકા આ ગ્રંથ પર લખી હોવાથી 11મી સદીના ઉત્તરાર્ધમાં આ ગ્રંથ રચાયો છે એમ માની શકાય. ‘વ્યક્તિવિવેક’ની રજૂઆત તાર્કિક, જોરદાર અને વચ્ચે ચર્ચાનો સંક્ષિપ્ત સાર આપતા અંતરશ્ર્લોકોવાળી છે.

પ્ર. ઉ. શાસ્ત્રી