વ્યક્તિગત સત્યાગ્રહ

January, 2006

વ્યક્તિગત સત્યાગ્રહ (1940-41) : દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલુ હતું ત્યારે કૉંગ્રેસ સરકારની યુદ્ધનીતિનો ખુલ્લેઆમ વિરોધ કરવા, 1940માં શરૂ કરેલી વ્યક્તિગત સવિનય કાનૂનભંગની ચળવળ.

ભારતની સંમતિ વિના વાઇસરૉયે ભારતને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પક્ષકાર તરીકે જાહેર કર્યું. મૌલાના અબુલ કલામ આઝાદના પ્રમુખપદે 19 અને 20 માર્ચ, 1940ના રોજ રામગઢ મુકામે મળેલા અધિવેશનમાં કૉંગ્રેસ, ‘ભારતના લોકોની સંમતિ વિના ભારતને યુદ્ધમાં જોડાયેલ દેશ તરીકે’ જાહેર કરવાના પગલા વિરુદ્ધ કારોબારી સમિતિ અને મહાસમિતિના વિરોધને માન્ય રાખ્યો અને ફરી વાર જણાવ્યું કે ‘ભારતના લોકો સંપૂર્ણ સ્વતંત્રતાથી ઓછું બીજું કંઈ સ્વીકારશે નહિ.’ ત્યારબાદ વાઇસરૉયે ‘ઑગસ્ટ ઑફર’ નામથી જાણીતી બ્રિટિશ નીતિ 8 ઑગસ્ટ, 1940ના રોજ જાહેર કરી. કૉંગ્રેસ તેનો અસ્વીકાર કર્યો અને ગાંધીજીના નેતૃત્વ નીચે, રામગઢ કૉંગ્રેસમાં પસાર કરેલા ઠરાવ અનુસારની સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ કરવાનો નિર્ણય કર્યો. તેમાં ગાંધીજીએ ભારતની સ્વતંત્રતાનો નહિ, પણ યુદ્ધના વિરોધમાં ખુલ્લેઆમ પ્રચાર કરવાનો મુદ્દો પસંદ કર્યો, અને તે હતો વ્યક્તિગત સત્યાગ્રહ.

સરકાર સમક્ષ એવી પણ માગણી કરવામાં આવી કે ભારતને અહિંસક માર્ગે તેની યુદ્ધવિરોધી નીતિનો પ્રચાર કરવાની છૂટ આપવામાં આવે; સરકારના યુદ્ધખોર પ્રયાસોનો અસહકાર કરવાનો પ્રચાર કરવા દેવામાં આવે, તો કૉંગ્રેસ સવિનય કાનૂનભંગનો કાર્યક્રમ મોકૂફ રાખે. આ માગણીઓ સહિત ગાંધીજી 27મી અને 30મી સપ્ટેમ્બર, 1940ના દિવસોએ વાઇસરૉય લૉર્ડ લિનલિથગોને મળ્યા, પરંતુ તેમની માગણીઓનો અસ્વીકાર કરવામાં આવ્યો.

ભારતમાં શિસ્તબદ્ધ સત્યાગ્રહ ચલાવવાની જવાબદારી કૉંગ્રેસે ગાંધીજીને સોંપી હતી. આ ચળવળનો આરંભ કરવાની અને તેને કેવું સ્વરૂપ આપવું તે માટેની યોજના તેમણે વિચારી રાખી હતી. આ ચળવળમાં ગાંધીજી ભાગ લેવાના નહોતા. ગાંધીજી ઉપવાસ પર ઊતરે તો ચળવળનું મહત્વ વધી જાય તથા તે રાષ્ટ્રવ્યાપી બની જાય. તેમ કરીને ગાંધીજી, વિશ્વયુદ્ધ ચાલતું હોવાથી અંગ્રેજ સરકારને મુસીબતમાં મૂકવા માગતા નહોતા.

ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરી. સત્યાગ્રહી તરીકેનાં વિનોબાનાં ઉચ્ચ ધોરણો માટે ગાંધીજીને વિશ્વાસ હોવાને લીધે, તે સ્થાન માટે કૉંગ્રેસપ્રમુખ કે અન્ય કૉંગ્રેસી નેતાને બદલે વિનોબાની પસંદગી કરવામાં આવી હતી. વિનોબા શરૂઆતથી જ રચનાત્મક પ્રવૃત્તિમાં જોડાયા હતા. ગાંધીજી વિનોબાને એક આદર્શ સત્યાગ્રહી માનતા હતા.

વર્ધાથી આઠ કિમી.ના અંતરે આવેલા પૌનાર ગામે 17 ઑક્ટોબર, 1940ના રોજ સવારે યુદ્ધવિરોધી પ્રવચન આપીને વિનોબા ભાવેએ વ્યક્તિગત સત્યાગ્રહનો આરંભ કર્યો. તેમની સભાની બંધી ફરમાવવામાં આવી નહિ કે તેમની ધરપકડ કરવામાં આવી નહિ; તેને બદલે, સમગ્ર ભારતમાં તેમનાં પ્રવચનો છાપવાનો અથવા તેમની પ્રવૃત્તિઓ અને કાર્યક્રમ જાહેર કરવા સામે વર્તમાનપત્રોને ચેતવણી આપવામાં આવી. તેમણે એક ગામથી બીજા ગામનો પગપાળા પ્રવાસ તથા સભાઓને સંબોધન ચાલુ રાખ્યું. 21 ઑક્ટોબરના રોજ તેમની ધરપકડ કરીને ત્રણ માસની સજા કરવામાં આવી.

જવાહરલાલ નહેરુએ ચળવળની તૈયારીઓ જોવા ઉત્તરપ્રદેશનો પ્રવાસ કર્યો અને ત્યાં પ્રવચનો કર્યાં. પાછા ફરતાં, તે સત્યાગ્રહ કરે તે પહેલાં, 31 ઑક્ટોબર, 1940ના રોજ તેમની ધરપકડ કરીને ચાર વરસની કેદની સજા ફરમાવવામાં આવી.

ગાંધીજીએ અગાઉથી જણાવ્યું હતું કે તેમની મંજૂરી વિના કોઈએ સત્યાગ્રહ કરવો નહિ. દરેક કૉંગ્રેસી માટે એ બંધનરૂપ જવાબદારી હતી. પ્રાંતિક કૉંગ્રેસ સમિતિઓને નામાવલી તૈયાર કરવાની ગાંધીજીએ સૂચના આપી હતી. સામૂહિક કાનૂનભંગની લડતના વિકલ્પ રૂપે ગાંધીજી ઉપવાસ કરવા માગતા હતા; પરંતુ લાંબી વિચારણા પછી, પદ્ધતિસરનું સંચાલન કરવામાં આવે, તે માટે કેટલીક લાયકાતો નક્કી કરવામાં આવે અને ચળવળ મર્યાદિત સ્વરૂપની રાખવામાં આવે તો તેમણે વ્યક્તિગત કાનૂનભંગનો સત્યાગ્રહ કરવાનું ઠરાવ્યું. તેમાં સર્વે જવાબદાર કૉંગ્રેસીઓએ ભાગ લેવાનો હતો. કૉંગ્રેસની કારોબારી સમિતિના સભ્યો, ધારાસભ્યો, મહાસમિતિના સભ્યો અને છેલ્લે લોકલ બૉર્ડોના સભ્યોએ, કૉંગ્રેસના કાર્યક્રમમાં માનતા હોય તો પોતપોતાનાં સ્થળોએ સત્યાગ્રહ કરવો. પ્રત્યેક સત્યાગ્રહીને સત્યાગ્રહ કરવાની પરવાનગી મળ્યા પછી, તેણે પોતાના ઇરાદાની જાણ જિલ્લા કલેક્ટરને કરવી. આ ચળવળ લોકોમાં ફેલાવવી નહિ, તે બાબતમાં ગાંધીજી સ્પષ્ટ હતા. તે સામૂહિક ચળવળ બનવી જોઈએ નહિ, પરંતુ વ્યક્તિગત કાનૂનભંગની ચળવળ જ રહેવી જોઈએ.

સત્યાગ્રહીઓની યાદીઓ જિલ્લા સમિતિઓની મદદથી પ્રાંતિક સમિતિઓ દ્વારા કાળજીપૂર્વક તૈયાર કરીને, ગાંધીજીને મોકલવામાં આવતી. ગાંધીજી દરેક પ્રાંતનાં સેંકડો નામો જોઈ જતા, કેટલાંક નામ કાઢી નાખતા, નવી યાદીઓ મંગાવતા અને પૂરી ચકાસણી કર્યા પછી, સત્યાગ્રહ કરવાની પરવાનગી આપતા. આ કાર્યમાં ગાંધીજીને મહાદેવ દેસાઈ, કૉંગ્રેસના મહામંત્રી જે. બી. કૃપાલાણી ઉપરાંત રાજેન્દ્રપ્રસાદ મદદ કરતા. પસંદગી કરતી વખતે અહિંસાનું ઊંચું ધોરણ જળવાય તેની ખાતરી કરવામાં આવતી. સમગ્ર ચળવળ ઉપર ગાંધીજીની દેખરેખ રહેતી હતી.

મહાદેવ દેસાઈએ એક નિવેદન પ્રગટ કરીને જણાવ્યું હતું કે સત્યાગ્રહ માટેના માગણીપત્રમાં નામ; સરનામું; સત્ય, અહિંસા અને રચનાત્મક કાર્યમાં શ્રદ્ધા વગેરેનો સમાવેશ કરવો.

સરદાર વલ્લભભાઈ પટેલ અમદાવાદમાં યુદ્ધવિરોધી ભાષણ કરીને સત્યાગ્રહ કરવાના હતા. તેની આગલી રાત્રે 17 નવેમ્બર, 1940ની રાત્રે તેમની ધરપકડ કરવામાં આવી. એ રીતે ડૉ. રાજેન્દ્રપ્રસાદ, ચક્રવર્તી રાજગોપાલાચારી, મૌલાના આઝાદ વગેરે નેતાઓએ ધરપકડ વહોરી લીધી. સત્યાગ્રહના બીજા તબક્કામાં માજી પ્રધાનો, ધારાસભ્યો, મહાસમિતિના સભ્યો વગેરેએ ભાગ લીધો. તે પછી કૉંગ્રેસના પ્રાદેશિક, જિલ્લા, તાલુકા તથા ગ્રામસમિતિઓના સભ્યોએ સત્યાગ્રહ કરી, ધરપકડો વહોરી. એપ્રિલ, 1941માં કૉંગ્રેસના સામાન્ય સભ્યોને પણ સત્યાગ્રહ કરવાની છૂટ મળી અને આશરે 25,000 લોકોએ સત્યાગ્રહ કર્યો. તેમાંથી સરકારે લગભગ 20,000 સત્યાગ્રહીઓની ધરપકડ કરી હતી; પાછળથી તેમાંથી આશરે 7,000 જેટલા સત્યાગ્રહીઓને મુક્ત કરી દીધા હતા.

લંડનમાંના બ્રિટિશ સરકારની નીતિના ઘડવૈયાઓને ખ્યાલ આવ્યો કે ભારતના વિરોધી વલણથી યુદ્ધના પ્રયાસોને નુકસાન થશે; તેથી કૉંગ્રેસ સાથેના મતભેદો દૂર કરવા જોઈએ.

1 નવેમ્બર, 1941થી સત્યાગ્રહીઓને મુક્ત કરવાની શરૂઆત થઈ. સરકારનું વલણ બદલાયું અને સત્યાગ્રહીઓની ધરપકડ નહિ કરવાની શરૂઆત થઈ. ઇંગ્લૅન્ડના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે 4 ડિસેમ્બર 1941ના રોજ કૉંગ્રેસપ્રમુખ મૌલાના આઝાદ અને જવાહરલાલ નહેરુ સહિત બીજા અનેક નેતાઓને છોડી મૂકવાનો હુકમ કર્યો.

આ દરમિયાન જાપાને અમેરિકાના પર્લહાર્બર પર હુમલો કર્યો અને ચીન તથા અગ્નિ એશિયાના દેશો પર વીજળીક ધસારો કરીને જીતી લેવા માંડ્યા. ભારત ઉપર જાપાનના આક્રમણનો ભય વધ્યો. આ પરિસ્થિતિમાં સત્યાગ્રહ ચાલુ રાખવો તે ગાંધીજી તથા કૉંગ્રેસના નેતાઓને ઇષ્ટ લાગ્યું નહિ. તેથી બારડોલી મુકામે 30મી ડિસેમ્બર, 1941ના રોજ મળેલી કૉંગ્રેસની કારોબારી સમિતિએ સત્યાગ્રહ મોકૂફ રાખ્યો અને ગાંધીજીને આ જવાબદારીમાંથી મુક્ત કર્યા.

આ સત્યાગ્રહ ખાસ કરીને વાણીસ્વાતંત્ર્યની પ્રાપ્તિ માટેનો હતો અને તે મર્યાદિત સ્વરૂપનો હતો. તે આમજનતાની લડત ન હતી. તેમાં ગમે તે વ્યક્તિ કે દરેક કૉંગ્રેસીએ ભાગ લેવાનો ન હતો. જે કૉંગ્રેસી ચોક્કસ લાયકાત ધરાવતો હોય તેને જ આ સત્યાગ્રહ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ સત્યાગ્રહ પ્રતિનિધિઓનો તથા એક પ્રકારનો પ્રતીક સત્યાગ્રહ હતો.

આ સત્યાગ્રહનો મૂળ હેતુ યુદ્ધનો ખુલ્લેઆમ વિરોધ કરવાનો હતો; અને તે સિદ્ધ થયો નહિ; પરંતુ સાધનશુદ્ધિમાં માનનાર ગાંધીજીના સિદ્ધાંતો અને આદર્શો જળવાય એ રીતે આ સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. તે દૃષ્ટિએ તે એક આદર્શ અને નમૂનેદાર સત્યાગ્રહ હતો.

જયકુમાર ર. શુક્લ