વૉશિંગ્ટન, બુકર ટાલીઆફેરો

January, 2006

વૉશિંગ્ટન, બુકર ટાલીઆફેરો (. 5 એપ્રિલ 1856, ફ્રેંકલિન કાઉન્ટી, વર્જિનિયા; . 14 નવેમ્બર 1915) : અમેરિકાના શિક્ષણકાર અને શ્યામ પ્રજાના પ્રભાવશાળી નેતા. તેઓ વર્જિનિયા રાજ્યના હાલ્સફૉર્ડ ખાતે ગુલામ તરીકે જન્મ્યા હતા. બાળક તરીકે તેઓ 9 મહિના કોલસાની ખાણમાં કામ કરી 3 મહિના શાળાએ જતા. હેમ્પટન ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરી 1875માં તેઓ સ્નાતક થયા.

તેઓ ટસ્કેગી ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક અને વડા તરીકે સવિશેષ જાણીતા બન્યા. તેમણે શ્યામ પ્રજાના ઉત્કર્ષ માટે આલાબામા રાજ્ય ખાતે આ વ્યવસાયલક્ષી શાળા સ્થાપી હતી. એક શિક્ષક, 50 વિદ્યાર્થીઓ અને આલાબામાં રાજ્યના 2000 ડૉલરના ભંડોળથી શાળાની શરૂઆત થઈ હતી. 25 વર્ષના અંતે તેમના નેતૃત્વ હેઠળ શાળામાં 1500 વિદ્યાર્થીઓ હતા અને 37 વિવિધ ઉદ્યોગોની તાલીમ ત્યાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી. તેમના સમયમાં શ્યામવર્ણના નાગરિકો સામે વ્યાપક ભેદભાવ રાખવામાં આવતો હતો. તેમના મત મુજબ શિક્ષણ મેળવીને જ શ્યામ પ્રજા પ્રગતિ કરી શકે તેમ હોવાથી તેમણે ભેદભાવ-નાબૂદી માટે શ્યામ પ્રજામાં શિક્ષણનો વ્યાપ વિસ્તારવાનો માર્ગ પસંદ કર્યો હતો.

બુકર ટાલીઆફેરો વૉશિંગ્ટન

તેમના આ દૃષ્ટિબિંદુનો અન્ય લોકો વિરોધ કરતા. 1895ના ઍટલાન્ટા એક્સપોઝિશનમાં તેમણે વ્યાખ્યાન આપી આ વિચારોને દોહરાવ્યા. એથી શ્વેત પ્રજાના ઘણા લોકોનું ધ્યાન તેમના તરફ ગયું. તેમણે સૌએ સહાયનો ઉદાર હાથ લંબાવી સંસ્થાના વિકાસમાં રસ લીધો. વૉશિંગ્ટનની આ કામગીરી પછીથી વધુ પાંગરી.

આથી શ્યામ જાતિ અંગેની સમસ્યાઓ અને તે અંગેની નીતિઓ બાબતે તેઓ અમેરિકાના બે પ્રમુખો થિયૉડૉર રૂઝવેલ્ટ અને વિલિયમ હોવાર્ડ ટાફ્ટના સલાહકાર બની શક્યા. એથી સમવાય સરકારમાં ઘણા શ્યામ નાગરિકોને નોકરીઓ પ્રાપ્ત થઈ. ગુલામમાંથી રાષ્ટ્રીય સલાહકાર સુધીની લાંબી મજલ તેમણે શિક્ષણકાર તરીકે કાપી.

તેમણે ઘણા ગ્રંથો લખ્યા છે. ‘અપ ફ્રૉમ સ્લેવરી’ (1901) તેમની આત્મકથા છે, જે પ્રારંભિક વર્ષોમાં સર્વોત્કૃષ્ટ વેચાણ ધરાવતી આત્મકથા રહી હતી.

રક્ષા મ. વ્યાસ