વૉસ્ખોડ : સોવિયેત રશિયાના પ્રથમ સ-માનવ અંતરીક્ષયાન ‘વૉસ્ટૉક’માં થોડું રૂપાંતર કરીને તૈયાર કરવામાં આવેલું ‘વૉસ્ખોડ’. તે અંતરીક્ષયાનમાં ત્રણ યાત્રીઓ બેસી શકે તેવી વ્યવસ્થા હતી. પ્રથમ અંતરીક્ષયાન ‘વૉસ્ટૉક’માં ઉતરાણ સમયે યાત્રી તેની બેઠક સાથે બહાર ફેંકાય તેવી વ્યવસ્થા હતી, પરંતુ ‘વૉસ્ખોડ’ યાનમાં એ પ્રકારની વ્યવસ્થા નહોતી અને યાત્રીઓ છેવટ સુધી યાન અથવા અંતરીક્ષ-કોષિકામાં જ રહેતા હતા.

વૉસ્ખોડ યાનનું પ્રથમ યાત્રી-વિહીન પરીક્ષણ-ઉડ્ડયન 6 ઑક્ટોબર, 1964ના રોજ કરવામાં આવ્યું હતું, જેનું નામ કૉસ્મૉસ-47 જાહેર કરવામાં આવ્યું હતું.

વૉસ્ખોડ-1નું સ-માનવ ઉડ્ડયન 14 ઑક્ટોબર, 1964ના રોજ કરવામાં આવ્યું હતું; જેમાં ત્રણ યાત્રીઓ – વ્લાડિમીર કૉમારૉવ, કૉન્સ્ટન્ટિન ફ્યોક્ટીસ્ટૉવ અને બોરિસ યેગોરૉવ હતા. વૉસ્ખોડની અંતરીક્ષ કોષિકા ત્રણ યાત્રીઓ માટે નાની હોવાથી યાત્રીઓએ અંતરીક્ષ-પોશાક નહોતા પહેર્યા, પરંતુ કોષિકાની અંદર પર્યાપ્ત માત્રામાં હવાનું દબાણ રાખવામાં આવેલું હોવાથી યાત્રીઓને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી પડી નહોતી. ફક્ત ચોવીસ કલાકની અંતરીક્ષ યાત્રા બાદ ઉતરાયણ-સમયે યાત્રીઓ અંતરીક્ષ-કોષિકાની અંદર જ રહ્યા હતા અને હવાઈ-છત્રીની મદદથી કોષિકા ભૂમિ પર સલામત રીતે ઊતરી હતી.

વૉસ્ખોડ-2માં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો હતો, જેમાં કોષિકાની બહારની બાજુ પર નીકળતા હવા-ચુસ્ત (air-lock) તંત્રનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેના ઉપયોગ વડે યાત્રી ખુલ્લા અંતરીક્ષમાં જઈ શકે. વૉસ્ખોડ-2નું માનવ-વિહીન પરીક્ષણ-ઉડ્ડયન 22 ફેબ્રુઆરી, 1965ના રોજ કરવામાં આવ્યું હતું (જેનું નામ કૉસ્મૉસ-57 જાહેર કરવામાં આવ્યું હતું), પરંતુ પ્રમોચન પછીના થોડા કલાકોમાં જ કોઈ સમસ્યા સર્જાવાથી એ અંતરીક્ષયાન નાશ પામ્યું હતું.

ઉપર્યુક્ત આપત્તિજનક ઘટના બની હોવા છતાં એક મહિના બાદ વૉસ્ખોડ-2નું સ-માનવ ઉડ્ડયન 18 માર્ચ, 1965ના રોજ કરવામાં આવ્યું હતું. વૉસ્ખોડ-2 યાનમાં બે યાત્રીઓ  એલેક્સી લિયૉનૉવ અને પાવેલ બેલ્યાયેવ  હતા. વૉસ્ખોડ-2ની પ્રથમ ભ્રમણકક્ષા દરમિયાન યાત્રી લિયૉનૉવ અંતરીક્ષ પોશાક પહેરીને હવા-ચુસ્ત તંત્ર દ્વારા ખુલ્લા અંતરીક્ષમાં ગયો હતો. મુખ્ય યાન સાથે તેનો પોશાક લાંબા દોરડા વડે બંધાયેલો હતો. વીસ મિનિટ સુધી અંતરીક્ષના શૂન્યાવકાશમાં રહ્યા બાદ તે યાનમાં પાછો આવ્યો હતો. માનવીની આ સૌપ્રથમ અંતરીક્ષ-લટાર (spacewalk) હતી. વૉસ્ખોડ-2ની ચોવીસ કલાકની અંતરીક્ષ યાત્રા પછી બંને યાત્રીઓ ભૂમિ પર પાછા આવ્યા હતા.

ત્યારપછી વૉસ્ખોડ-3નું સ-માનવ ઉડ્ડયન કરવામાં નહોતું આવ્યું; પરંતુ 22 ફેબ્રુઆરી, 1966ના રોજ બે કૂતરા સાથે તેનું ઉડ્ડયન કરવામાં આવ્યું હતું.

પરંતપ પાઠક