વૉશિંગ્ટન પોસ્ટ

January, 2006

વૉશિંગ્ટન પોસ્ટ : અમેરિકાની રાજધાની વૉશિંગ્ટન ડી.સી.માંથી પ્રકાશિત થતું સવારનું દૈનિક. સ્થાપના 1877માં ડેમૉક્રેટિક પક્ષના મુખપત્ર તરીકે. તે સમયે આ અખબારનાં માત્ર ચાર પાનાં હતાં. વૉશિંગ્ટન પોસ્ટ પ્રતિષ્ઠિત અખબાર છે. તેની તુલના અમેરિકાના અન્ય એક મહત્વના શહેર ન્યૂયૉર્કથી પ્રકાશિત થતા અખબાર ‘ન્યૂયૉર્ક ટાઇમ્સ’ સાથે થઈ શકે. 1889માં અખબાર વેચાઈ જતાં ડેમોક્રૅટિક પક્ષ પ્રત્યેની તેની વફાદારીનો અંત આવ્યો. આ ગાળા પછી આ અખબારનો વિકાસ થયો. તેનું કદ અને પ્રતિષ્ઠા વધ્યાં; પરંતુ તેની છાપ અત્યંત રૂઢિચુસ્ત અખબાર તરીકેની રહી. અન્ય અખબારોને કારણે સ્પર્ધા ઊભી થતાં ‘વૉશિંગ્ટન પોસ્ટ’ અખબારને લગભગ 50 વર્ષ સુધી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. 2002માં 125 વર્ષ પૂરાં કરનાર આ અખબાર હાલ ડૉનાલ્ડ ગ્રેહામના વડપણ હેઠળ આગળ વધી રહ્યું છે.

1905માં બીજી વખત અખબારનું વેચાણ થયું. તે સમયે જૉન આર. મૅકલીને ‘વૉશિંગ્ટન પોસ્ટ’ ખરીદ્યું અને 1916માં અખબારનો અંકુશ મૅકલીનના પુત્ર એડવર્ડ બી. મૅકલીનના હાથમાં આવ્યો. સમાચારોનો ઝોક પણ ઘણો બદલાયો. એડવર્ડ મહત્ત્વાકાંક્ષી હતા અને રાજકારણીઓ સાથે તેમનો ઘરોબો સારો હતો; પરંતુ છેવટે અત્યાર સુધી સનસનાટી અને સામાજિક ઘટનાઓના અહેવાલો આપતા રહેલા આ અખબારે સહન કરવું પડ્યું. એડવર્ડના રાજકારણ, ખાસ કરીને તત્કાલીન અમેરિકી પ્રમુખ વૉરેન જી. હાર્ડિંગ સાથેના સંબંધોનું પરિણામ એ આવ્યું કે ‘વૉશિંગ્ટન પોસ્ટ’ નાદારીની સ્થિતિમાં આવી ગયું.

1933માં અખબારના અર્થસહાયક યુગેન મેયરે જ તે ખરીદ્યું. મેયર ઘણા સારા માલિક-વ્યવસ્થાપક સાબિત થયા. સ્વતંત્ર અને સ્વચ્છ અહેવાલો, સચોટ રિપૉર્ટિંગ, હર્બર્ટ બ્લૉકનાં શ્રેષ્ઠ કાર્ટૂન વગેરે દ્વારા મેયરે ‘વૉશિંગ્ટન પોસ્ટ’ની પ્રતિષ્ઠા પાછી મેળવી અને તે સાથે વાચકોની સંખ્યા પણ વધી. મેયરે 1946માં અખબારની ધુરા તેમના જમાઈ ફિલિપ ગ્રેહામને સોંપી અને તેમના નેતૃત્વ હેઠળ પણ ‘વૉશિંગ્ટન પોસ્ટ’ ઘણું આગળ વધ્યું અને તેમણે 1954ના અરસામાં ‘વૉશિંગ્ટન ટાઇમ્સ હેરલ્ડ’ અને ત્યારબાદ 1961માં ‘ન્યૂઝ વીક’ સામયિક ખરીદી લીધાં. જોકે કોઈ અગમ્ય કારણોસર 1963માં ગ્રેહામે આત્મહત્યા કરી; જેને પગલે તેમનાં પત્ની અને યુગેન મેયરનાં દીકરી કૅથરિન મેયર ગ્રેહામે અખબારનો વહીવટ સંભાળી લીધો. જોકે બૉર્ડનાં અધ્યક્ષ અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (સીઈઓ) તરીકે વિધિવત્ નિયુક્તિ દસ વર્ષ પછી 1973માં થઈ.

‘વૉશિંગ્ટન પોસ્ટ’ના વિકાસ અને પ્રગતિમાં શ્રીમતી ગ્રેહામનો ફાળો ઘણો નોંધપાત્ર છે. બહુચર્ચિત ‘વૉટરગેટ’ કૌભાંડ છતું થતાં તેને લગતા અહેવાલો પ્રકાશિત કરવા માટે પત્રકારોને પૂરતું સ્વાતંત્ર્ય આપવા બદલ અને એ રીતે અખબારી સ્વાતંત્ર્ય તેમજ લોકોના જાણવાના અધિકારને માન્ય રાખવા બદલ શ્રીમતી ગ્રેહામને પ્રતિષ્ઠિત ઝેંગર પુરસ્કાર એનાયત થયો હતો. 1990ના દાયકામાં નિવૃત્ત થયેલાં શ્રીમતી ગ્રેહામે ‘પર્સનલ હિસ્ટરી’ નામે પોતાના એક અખબારી વડા તરીકેના અનુભવોનું પુસ્તક લખ્યું અને 1998માં આ પુસ્તકને પત્રકારત્વ-ક્ષેત્રનું સર્વોચ્ચ સન્માન ગણાતો પુલિત્ઝર પુરસ્કાર મળ્યો.

50 લાખ કરતાં વધુ નકલોનો ફેલાવો ધરાવતું આ અખબાર હાલ તો ધ વૉશિંગ્ટન પોસ્ટ કંપનીના નેજા હેઠળ પત્રકારત્વની સેવા બજાવી રહ્યું છે. શ્રીમતી ગ્રેહામના પુત્ર અને કંપનીના વર્તમાન અધ્યક્ષ  સીઈઓ ડૉનાલ્ડ ગ્રેહામે કંપનીનું કાર્યક્ષેત્ર અખબાર – સામયિક પૂરતું સીમિત ન રાખતાં ટેલિવિઝન પ્રસારણ, કેબલ-ટેલિવિઝન ઉપરાંત ઇલેક્ટ્રૉનિક, શૈક્ષણિક તેમજ કારકિર્દીલક્ષી સેવાઓ સુધી વિસ્તાર્યું છે.

અલકેશ પટેલ