વૉશબ્રૂક, સિરિલ

January, 2006

વૉશબ્રૂક, સિરિલ (. 6 ડિસેમ્બર 1914, બૅરો, કિલથ્રો, લૅન્કેશાયર, યુ.કે.; . 27 એપ્રિલ 1999, સેલ, ચેશાયર, યુ.કે.) : ઇંગ્લૅન્ડનો સલામી બલ્લેબાજ તથા કપ્તાન. બ્રિજનૉર્થ ગ્રામર સ્કૂલમાં ઉંમરના 18 વર્ષ સુધી (1933) રહ્યા પછી તેઓ લૅન્કેશાયર પરગણાની ક્લબમાં જોડાયા અને બે વર્ષ બાદ 1935માં તે ક્લબમાં કાયમી ખેલાડી તરીકે પ્રસ્થાપિત થયા. 1937માં ન્યૂઝીલૅન્ડ સામે ઓવલ ખાતેની એક જ ટેસ્ટ રમ્યા પછી તેમની કારકિર્દીનો મોટો ભાગ બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના ગાળામાં વેડફાઈ ગયો. યુદ્ધોત્તર સમયમાં તેઓ રૉયલ ઍરફોર્સમાં ઇન્સ્ટ્રક્ટર બન્યા. લેન હટનના ઇંગ્લૅન્ડ માટેના નિયમિત ‘ઓપનિંગ’ સાથી તરીકે તેમણે હટન સાથે સલામી બલ્લેબાજ તરીકે 51 વાર ભાગીદારી કરી હતી, જેની સરેરાશ 60ની હતી. 1946 અને 1947ની સિઝન તેમના માટે ઉત્તમ નીવડી; પ્રથમ વર્ગની ક્રિકેટમાં તેમણે અનુક્રમે 68.57 રનની સરેરાશથી 2,400 રન અને 68.25ની સરેરાશથી 2,662 રન નોંધાવ્યા. પછી તો તેઓ ક્રિકેટ-ખેલાડીઓ માટેના પસંદગીકાર બની ગયા; પણ પાંચેક વર્ષ ટેસ્ટ-ક્રિકેટમાંથી અલિપ્ત રહ્યા પછી છેક 41 વર્ષની વયે તેમને 1956માં ઑસ્ટ્રેલિયા સામે રમવા માટે બોલાવાયા હતા. તેમના વિશેની શંકાઓ ખોટી પાડતી હોય તેમ તેમણે પાંચમા ક્રમે આવીને એક દાવમાં 98 રન ફટકાર્યા હતા. 44 વર્ષની વય સુધી તેઓ ટેસ્ટમૅચોમાં રમતા રહ્યા.

ઑસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં તેમણે 98 રન ફટકાર્યા હતા તથા પિટર મે સાથે ભાગીદારીમાં 187 રન બન્યા હતા. 1954થી 1959 સુધી તેમણે લૅન્કેશાયરનું કપ્તાનપદ સંભાળ્યું હતું. 1954માં તેમને પસંદગી સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા હતા. 1991માં તેમને ‘કમાન્ડર ઑવ્ ધ બ્રિટિશ એમ્પાયર’(CBE)નો ખિતાબ એનાયત થયો હતો.

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : (1) 1937-56 : 37 ટેસ્ટ; 42.81ની સરેરાશથી 2,569 રન; સદી 6; સૌથી વધુ જુમલો 195; 1 વિકેટ; 12 કૅચ.

(2) 1933-69 : પ્રથમ કક્ષાની 592 મૅચ રમ્યા (જેમાંથી 37 પાંચ દિવસીય ટેસ્ટ હતી)  42.67ની સરેરાશથી 34,101 રન; સદી 76; સૌથી વધુ જુમલો 251 (અણનમ); 44.14ની સરેરાશથી 7 વિકેટ; સૌથી ઉત્તમ ગોલંદાજી 28; 212 કૅચ.

1947માં તેમને ‘વિઝડેન ક્રિકેટર ઑવ્ ધ યિઅર’ જાહેર કરવામાં આવ્યા હતા.

1948માં તેમના માટે બેનિફિટ મૅચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાપ્ત થયેલ 14,000 પૌંડની રકમ 1971 સુધી વિક્રમરૂપ હતી. તેમને 1959માં બીજી બેનિફિટ મૅચનું સન્માન આપવામાં આવ્યું, જેમાં 1,520 પૌંડની આવક થઈ હતી.

1954-59 દરમિયાન તેઓએ વ્યાવસાયિક ક્રિકેટરનું બિરુદ હાંસલ કરી કપ્તાન તરીકે સેવાઓ આપી. તેઓ આ બિરુદ ધરાવનાર ઇંગ્લૅન્ડના પ્રથમ કપ્તાન હતા.

1989-90 દરમિયાન તેમણે લૅન્કેશયાર પરગણાના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.

મહેશ ચોકસી