વૉશર (washer) : સ્ક્રૂ-બંધક(fastener)ની સજ્જડતા (tightness) સુધારવા માટે વીંટીના આકારનું સપાટ સાધન. વૉશર મશીનઘટક(conponent)ની સાથે વપરાતો એક ભાગ છે. તે બોલ્ટ અને નટની સાથે વપરાય છે. ત્રણ પ્રકારનાં વૉશર સામાન્યત: વપરાશમાં છે : સાદું (plane), સ્પ્રિંગ-બંધક (spring-lock) અને દંત-બંધક (tooth-lock). પ્રમાણભૂત સાદું વૉશર પ્લેટનું નુકસાન થતું અટકાવવા માટે અથવા બોલ્ટ ઉપર આવતા ભારને વહેંચવા માટે વપરાય છે. આ કાર્ય વૉશર કરી શકે છે; કેમ કે તેનું ક્ષેત્રફળ નટ અથવા બોલ્ટના આડછેદ કરતાં વધુ હોય છે.

સામાન્ય રીતે ભાર વહન કરવા માટે નરમ સ્ટીલ(soft steel)ની સપાટ વીંટી આકારનું વૉશર વપરાય છે. સાદા પ્રકારનું વૉશર નટને ફેરવતું (ટર્નિંગ થતું) રોકે છે. એ વૉશરને લોકિંગ પ્રકારનું વૉશર કહેવાય છે. (જુઓ આકૃતિ.) આ પ્રકારનાં વૉશર કંપન-(viberation)થી બોલ્ટ અને નટને ઢીલા થતાં રોકે છે. લૉક-વૉશર બંધક અને ભાગો(parts)ની વચ્ચે સતત દબાણ ઉત્પન્ન કરે છે. બોલ્ટને ઢીલો થતો રોકવા માટે સ્પ્રિંગ પ્રકારનું વૉશર ઉપયોગમાં લેવાય છે. દાંતાવાળાં વૉશર પ્લેટ અને બોલ્ટની વચ્ચે અન્ય વૉશરની જેમ મૂકવામાં આવે છે. દાંતાને લીધે વૉશરની પકડ વધુ સખત બને છે. શંકુ આકારના વૉશરમાં સ્પ્રિંગ પ્રક્રિયા ઘર્ષણની મદદથી ઉત્પન્ન થાય છે.

(Special) ખાસ પ્રકારનાં બંધકો – વૉશર

પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ