વૉલ્શ, કર્ટની ઍન્ડ્રૂ

January, 2006

વૉલ્શ, કર્ટની ઍન્ડ્રૂ (. 30 ઑક્ટોબર 1962, કિંગસ્ટન, જમૈકા, વેસ્ટ ઇન્ડિઝ) : વેસ્ટ ઇન્ડિઝના પ્રથમ પંક્તિના જમણેરી ઝડપી ગોલંદાજ. 1980ના દાયકામાં વેસ્ટ ઇન્ડિઝની ટીમમાં તેઓ દાખલ થયા હતા અને વર્ષ 2001 સુધી પોતાના દેશ વતી ટેસ્ટ-મૅચોમાં અને એક-દિવસીય મૅચોમાં ગોલંદાજ તરીકે રમતા રહ્યા, જે દરમિયાન મેળવેલ સિદ્ધિઓને કારણે ક્રિકેટના ત્યાં સુધીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી ઝડપી ગોલંદાજી કરનારા ખેલાડી તરીકે તેમણે વૈશ્વિક નામના મેળવી. તેમણે તેમની ગોલંદાજ તરીકેની કારકિર્દીની શરૂઆત નવેમ્બર 1984માં ઑસ્ટ્રેલિયાના પર્થ ખાતે તે દેશ સાથે રમાયેલ પાંચ-દિવસીય ટેસ્ટ-મૅચ દ્વારા કરી હતી. એકદિવસીય મૅચોમાં તેમની કારકિર્દીની શરૂઆત જાન્યુઆરી, 1985માં શ્રીલંકા સામેની એક મૅચથી થયેલી.  એપ્રિલ, 2001માં કિંગસ્ટન ખાતે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલ પાંચ- દિવસીય ટેસ્ટ-મૅચ તેમની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ-મૅચ બનેલી, જ્યારે

કર્ટની ઍન્ડ્રુ વૉલ્શ

જાન્યુઆરી, 2000માં ખ્રાઇસ્ટ ચર્ચ ખાતે રમાયેલી ન્યૂઝીલૅન્ડ સામેની એક-દિવસીય મૅચ તેમની કારકિર્દીની છેલ્લી એક-દિવસીય મૅચ બની હતી. તેમની કારકિર્દીની સૌથી સફળ ટેસ્ટ-શૃંખલા ભારત સામેની 1987-88ની હતી જેમાં ચાર ટેસ્ટ-મૅચોમાં તેમણે 16.80 રનની સરેરાશથી 26 વિકેટો ઝડપી હતી. 1984થી તેઓ ઇંગ્લૅન્ડની કાઉન્ટી (પરગણું) ગ્લાઉસેસ્ટરશાયર વતી તે દેશમાં રમ્યા હતા. ઇંગ્લૅન્ડની સિઝનમાં બે વખત તેમણે સૌથી વધુ વિકેટો લેવાની સિદ્ધિ નોંધાવી છે : 1986માં 18.17 રનની સરેરાથી 118 વિકેટો તથા 1992માં 15.96 રનની સરેરાશથી 92 વિકેટો તેમને ખેરવી નાંખી હતી. વર્ષ 1987માં ‘વિઝડેન ક્રિકેટર ઑવ્ ધી ઇઅર’ તરીકે તેઓ જાહેર થયા હતા. તેમણે તેમની સમગ્ર ટેસ્ટ-કારકિર્દી (1984-2001) દરમિયાન 30,019 બૉલ નાંખી 519 ટેસ્ટ-વિકેટો લીધી હતી, જેમાં ઑસ્ટ્રેલિયાના શેન વૉર્ન (659 વિકેટો), શ્રીલંકાના મુરલીધરન (584 વિકેટો) અને ઑસ્ટ્રેલિયાના ગ્લીન મૅકગ્રાથ (542) પછી કર્ટની વૉલ્શનો ચોથો ક્રમ આવે છે. તેમની 1984-2001 સુધીની ક્રિકેટ કારકિર્દીનો આલેખ આ પ્રમાણે છે :

I બૉલિંગ-સરેરાશ

વર્ગ/શ્રેણી મૅચની સંખ્યા બૉલની સંખ્યા કેટલા રન આપ્યા વિકેટો સરેરાશ
પાંચ-દિવસીય ટેસ્ટ 132 30,019 12,888 519 24.44
એક-દિવસીય મૅચ 205 10,822 6,918 227 30.47
પ્રથમ શ્રેણીની મૅચોની સંખ્યા 429 85,443 39,233 1,807 21.71

II બૅટિંગ-સરેરાશ

શ્રેણી/વર્ગ મૅચની સંખ્યા દાવની સંખ્યા અણનમ રનની સંખ્યા સૌથી વધારે રન સરેરાશ
પાંચ-દિવસીય ટેસ્ટ 132 185 61 936 30 (અણનમ) 7.54
એક-દિવસીય મૅચો 205 79 33 321 30 6.97
પ્રથમ શ્રેણીની મૅચોની સંખ્યા 429 558 158 4,530 66 11.32

પાંચ-દિવસીય ટેસ્ટ-મૅચોમાં 43 વખત તેમણે શૂન્ય રન કર્યા હતા, જે એક રમૂજપ્રેરક વિશિષ્ટ રેકૉર્ડ ગણાય છે. થાક્યા વિના સતત બૉલિંગ કરતા રહેવાની તેમની ઝંખના દાદ માગી લે તેવી હતી. ઍમ્બરોઝ સાથે તેમણે 49 ટેસ્ટ-મૅચોમાં સલામી બૉલર (opening bowler) તરીકેની ભૂમિકા ભજવી હતી અને તેમાં બંનેએ મળીને 421 વિકેટો ખોરવી નાંખી હતી.

મહેશ ચોકસી