વૉલ્વૉકેલ્સ (Volvocals)

January, 2006

વૉલ્વૉકેલ્સ (Volvocals) : લીલના ક્લૉરોફાઇટા વિભાગનું એક ગોત્ર. તે લીલ સૂક્ષ્મદર્શી હોય છે. સુકાય હંમેશાં એકકોષી કે બહુકોષી અને કશા ધરાવતી ચલિત રચના છે. જુદી જુદી લીલમાં કશાની સંખ્યા 2 અથવા 4ની હોય છે. રચનાની દૃષ્ટિએ કશા ચાબુક પ્રકારની (whiplash) અને સરખી લંબાઈ ધરાવતી છે. ચલિત કોષો સંયુક્ત રીતે એકમેકની સાથે જોડાઈ વસાહત (colony) બનાવે છે. તમામ કોષો શ્ર્લેષ્મ-આવરણ દ્વારા સમૂહમાં ગોઠવાયેલા જોવા મળે છે. વસાહતનો પ્રત્યેક કોષ એકમેકથી સ્વતંત્ર હોય છે. પ્રત્યેક વસાહતમાં ચોક્કસ સંખ્યામાં કોષો વિશિષ્ટ રીતે ગોઠવાયેલા હોય છે. આવી વસાહતને સમંડળ (coenobium) કહે છે. મોટાભાગની લીલ મીઠા પાણીમાં સપાટી ઉપર તરતી જોવા મળે છે; જે પ્રારંભિક વનસ્પતિ-પ્લવક (phytoplankton) તરીકે ઓળખાય છે. આ ગોત્રની કોઈ પણ લીલ સમુદ્રનિવાસી નથી. આ ગોત્ર 60 પ્રજાતિઓ અને 500 જાતિઓ ધરાવે છે. તેનાં જાણીતાં કુળોની માહિતી નીચે પ્રમાણે છે :

આકૃતિ : (અ)થી (ઉ) યુડોરિના; (ઊ) 1થી 5 વૉલ્વૉક્સ

કુળ : ક્લેમિડોમોનાડેસી : તે સેલ્યુલોસની બનેલી ચોક્કસ કોષદીવાલ ધરાવે છે. તેના કોષરસમાં અનેક આકુંચક રસધાની (contractile vacuole) આવેલી છે. સુકાય લંબગોળાકાર, 2 કે 4 ચાબુક જેવી સમાન લંબાઈવાળી કશા ધરાવે છે. અલિંગી પ્રજનન કોષવિભાજન દ્વારા થાય છે; જે ક્યારેક 8 બાળકોષો રૂપે પિતૃકોષદીવાલમાં વિકસતા જોવા મળે છે. આ કોષો પરિપક્વ થતાં, પિતૃકોષદીવાલ ફાટી જતાં – મુક્ત બની નવી સ્વતંત્ર વનસ્પતિ તરીકે વિકસે છે.

ક્લેમિડોમોનાસ આ કુળની મુખ્ય પ્રજાતિ છે, જે લગભગ 325 જાતિઓ ધરાવે છે. તે મીઠા બંધિયાર પાણીમાં થાય છે. કોષ લંબગોળાકાર, ત્રાકાકાર કે ગોળાકાર હોય છે. તેના અગ્ર ભાગે બે કશા હોય છે. કોષમાં પ્યાલાકાર હરિતકણ આ પ્રજાતિનું વિશિષ્ટ લક્ષણ છે. અલિંગી પ્રજનન કોષવિભાજન દ્વારા થાય છે. લિંગી પ્રજનન સમયુગ્મન પદ્ધતિથી થાય છે. યુગ્મનજ ચતુર્કશીય હોય છે. પ્રતિકૂળ સંજોગોમાં સુષુપ્ત અવસ્થા ગાળે છે, પરંતુ અનુકૂળ વાતાવરણમાં ત્વરિત વૃદ્ધિ પામી  કોષવિભાજનથી અનેક ક્લેમિડોમોનસમાં પરિણમે છે.

ફળ : વૉલ્વૉકેસી : આ કુળમાં 10 પ્રજાતિઓ અને લગભગ 30 જાતિઓનો સમાવેશ થાય છે; જેમાં વૉલ્વૉક્સ, પૅન્ડોરિના, યુડોરિના મુખ્ય પ્રજાતિઓ છે.

વૉલ્વૉક્સ 20 જાતિઓ ધરાવે છે; જે કામચલાઉ – અસ્થાયી કે સ્થાયી – મીઠા પાણીના ખાડા-ખાબોચિયામાં  સામાન્યત: વસંતઋતુમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. અનેક વૉલ્વૉક્સ સમૂહમાં ગોઠવાઈ વિશાળ વસાહતનું સર્જન કરે છે જેમાં 500થી 60,000 જેટલા કોષો હોય છે. તે શ્ર્લેષ્મી આવરણમાં સમૂહમાં પાણીની સપાટી ઉપર તરે છે. ક્યારેક પાર્શ્ર્વીય દબાણથી સુકાય-કોણીય કે ષષ્ટ્કોણીય દેખાય છે. તમામ સુકાય જીવરસતંતુની જાળી દ્વારા પરસ્પર ગૂંથાયેલા રહે છે. મોટાભાગનાં વર્ધી કોષો ગોળાકાર કે લંબગોળાકાર હોય છે. તેઓ અગ્ર છેડે બે સરખી લંબાઈની કશા અને બેથી ચાર જેટલી આકુંચક રસધાનીઓ ધરાવે છે. વસાહતમાં કોષો ગાઢ રીતે સંકળાઈ ગોળાકાર દડા જેવી રચના બનાવે છે. તેનું સૂક્ષ્મદર્શીય અવલોકન આંખને જોવું ગમે તેવું હોય છે. પશ્ર્ચ બાજુ તરફ પ્યાલાકાર નીલકણ અને એક પ્રોભૂજક ધરાવે છે. ઉપરાંત અગ્ર છેડે દૃષ્ટિબિંદુ (eyespot) આવેલું હોય છે. અનુકૂળ સંજોગોમાં તે અલિંગી પ્રકારે પ્રજનન કરે છે. પ્રત્યેક સુકાય-કોષોનાં વિભાજનથી 2થી 50 જેટલા પ્રજનનીય કોષો ઉત્પન્ન થાય છે. તેમને ગૉનિડિયા (gonidia) તરીકે ઓળખવામાં આવે છે. તેમનાં વિભાજનો થતાં અષ્ટકોષીય, કોષીય અને 16 કોષીય અવસ્થા ઉત્પન્ન થાય છે. આ અવસ્થાએ તેનું ઉત્ક્રમણ (inversion) થાય છે. ઉપરને છેડે એક છિદ્ર રચાય છે તેને ફાયલોપોર કહે છે. તેની ફરતે શ્ર્લેષ્મી આવરણ સર્જાતાં તે બાળસહમંડળ(daughter coenobium)માં પરિણમે છે.

બાળસહમંડળ પરિપક્વ થતાં છિદ્રસ્થ ભાગેથી મુક્ત થાય છે. લિંગી પ્રજનન અંડયુગ્મન(oogamy)થી થાય છે. વૉલ્વૉક્સ સમસુકાયક (homothallic) અને વિષમસુકાય (heterothallic) જાતિઓ ધરાવે  છે. સમંડળના પશ્ર્ચ ભાગે આવેલા કોષોમાંથી મોટા ભાગે પુંધાનીઓ (antheridia) ઉત્પન્ન થાય છે; જ્યારે માદા સમંડળમાં થોડીક સંખ્યામાં અંડધાની (oogonia) ઉત્પન્ન થાય છે. પુંધાનીમાં ચલપુંજન્યુઓ (antherozoids) એક તલમાં રકાબી આકારે ગોઠવાયેલા હોય છે. આ સમૂહને શુક્રપટ્ટિકા તરીકે ઓળખવામાં આવે છે. શુક્રપટ્ટિકાનું આવરણ દ્રાવ્ય થતાં ચલપુંજન્યુઓ છૂટા પડે છે અને અંડધાનીમાં આવેલા અંડકોષની ફરતે આવેલા ચીકણા આવરણમાં દાખલ થાય છે. અંડકોષરસમાં રસધાની અને તેલબિંદુઓ આવેલા હોય છે. તે ગોળાકાર હોય છે.

ચલપુંજન્યુ અંડકોષમાં દાખલ થતાં ફલન થાય છે અને અંડકોષ દ્વિકીય યુગ્મનજ(zygote)માં પરિણમે છે. યુગ્મનજ માતૃસમંડળમાં રહે છે. સમંડળ કોહવાતાં તે મુક્ત થાય છે. યુગ્મનજની ફરતે સખત કંટકીય દીવાલ હોવાથી લાંબા સમય સુધી પ્રતિકૂળ પરિસ્થિતિમાં સુષુપ્ત અવસ્થા ગુજારે છે. અનુકૂળ સંજોગોમાં તે અંકુરણ પામતાં પહેલાં અર્ધીકરણથી વિભાજન પામી ચાર એકકીય રંગસૂત્ર ધરાવતા બાળકોષો ઉત્પન્ન થાય છે. પછી સમવિભાજનથી અનેક કોષો ઉત્પન્ન કરી સુકાયમાં પરિણમે છે.

પૅન્ડોરિના : તેની 3 જાતિઓ મીઠા પાણીમાં થાય છે. તે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તેની વસાહત લંબગોળાકાર કે ઉપવર્તુળી 4, 8, 16, 32 દ્વિપક્ષીય રચના ધરાવતા સુકાયની બનેલી હોય છે. તે વચ્ચે પોલાણ ધરાવે છે. વસાહતની ફરતે શ્ર્લેષ્મનું આવરણ આવેલું હોય છે. પૅન્ડોરિના વિષમયુગ્મન (anisogamy) દર્શાવે છે; જેમાં નર જન્યુ કદમાં નાનું અને માદા જન્યુ કદમાં મોટું હોય છે અને દ્વિકશીય રચના ધરાવે છે. બંનેનું યુગ્મન થતાં ચતુર્કશીય યુગ્મનજ ઉત્પન્ન થાય છે. પ્રારંભમાં કશાથી પ્રચલન કરે છે; પરંતુ પછી કશા ખરી પડે છે અને ફરતે સખત દીવાલનો સ્રાવ કરી સુષુપ્ત અવસ્થા દ્વારા પ્રતિકૂળ પરિસ્થિતિ પસાર કરે છે. સંજોગો અનુકૂળ થતાં યુગ્મનજ અર્ધીકરણથી વિભાજન પામી મોટી સંખ્યામાં નવા પૅન્ડોરિના ઉત્પન્ન કરે છે, જે વિકસિત બની શ્ર્લેષ્મી આવરણમાં ગોઠવાઈ વસાહતનું સર્જન કરે છે. કશા બહારની બાજુએ ગોઠવાયેલી હોય છે.

યુડોરિનાની 4 કે 5 જાતિઓ થાય છે. તે નાના ખાડા-ખાબોચિયાંમાં જોવા મળે છે. તેની વસાહત ગોળાકાર 16, 32 કે 64 કોષોની બનેલી હોય છે. યુડોરિના અલિંગી પ્રજનન વિશ્રામી બીજાણુ(akinete)ના નિર્માણથી કરે છે, જ્યારે લિંગી પ્રજનન તે પૅન્ડોરિનાની જેમ વિષમયુગ્મન દ્વારા કરે છે. તે 64 જેટલા ત્રાકાકાર નર જન્યુ ઉત્પન્ન કરે છે, જેઓ ચપટી વક્ર તકતી રૂપે સમૂહમાં ગોઠવાયેલા હોય છે. પરિપક્વ થતાં સ્વતંત્ર રીતે એકમેકથી છૂટા પડે છે. માદા જન્યુ ગોળાકાર કે લંબગોળાકાર અને નર જન્યુથી કદમાં મોટાં અને દ્વિકશીય હોય છે. બંને જન્યુઓ સંયોજાઈ યુગ્મનજ બનાવે છે. પ્રતિકૂળ સંજોગોમાં તે નિષ્ક્રિય રહે છે; અનુકૂળ સ્થિતિ પ્રાપ્ત થતાં, અર્ધીકરણથી વિભાજાય છે. ત્યાર પછી સમવિભાજનો દ્વારા અનેક કોષ ઉત્પન્ન થાય છે; જે ક્રમશ: પૂર્ણ વિકસિત યુડોરિનામાં ફેરવાય છે.

આ ઉપરાંત ગૉનિયમ (Gonium) પ્રજાતિ પણ વૉલ્વૉકેલ્સમાં વર્ગીકૃત કરાય છે.

જૈમિન જોશી