વૉલ્તેર (Voltaire) (. 1694, પૅરિસ, ફ્રાન્સ; . 30 મે 1778, પૅરિસ) : મહાન ફ્રેન્ચ તત્વજ્ઞ. ઇટાલીને નવજાગૃતિકાળ મળ્યો. જર્મનીને ધર્મસુધારણાનું આંદોલન મળ્યું; પરંતુ ફ્રાન્સને વૉલ્તેર મળ્યા ! ફ્રાન્સ માટે તો ‘રેનેસાંસ’, ‘રેફર્મેશન’ અને અંશત: ‘રેવૉલ્યૂશન’ – એ ત્રણેયનો સંગમ વૉલ્તેરમાં થયો. વિક્ટર હ્યૂગોએ કહ્યું કે ‘વૉલ્તેર’ – એ નામમાં સમગ્ર અઢારમી યુરોપીય સદીનું સત્વ કે હાર્દ વ્યક્ત થાય છે; પરંતુ ધર્મસત્તા અને રાજ્યસત્તા સ્વતંત્ર ચિંતકોને પોતપોતાની મજબૂરીઓને લીધે સ્વીકારી શકતી નથી તે પણ સાચું છે. વૉલ્તેર અને રૂસોની કૃતિઓને જોઈને સોળમા લુઈએ કહ્યું કે એ બંનેએ ફ્રાન્સનો વિનાશ કર્યો છે. તોપગોળાની શોધથી સામાન્તશાહીનો અંત આવ્યો અને શાહી (ink) (એટલે કે લેખનસામગ્રી) આધુનિક સમાજવ્યવસ્થાનું વિસર્જન કરશે તેવું નેપોલિયને કહ્યું હતું. શાસકોને લેખકોનો ડર હોય છે. વૉલ્તેર મુજબ, એક વાર કોઈ રાષ્ટ્ર વિચારવાનું શરૂ કરે પછી તેને કોઈ અટકાવી શકે જ નહિ. ‘ધ સ્ટૉરી ઑવ્ ફિલૉસૉફી’માં વિલ દુરાં વૉલ્તેરનું આ વાક્ય ટાંકીને કહે છે કે વૉલ્તેરથી ફ્રાંસે વિચારવાનું શરૂ કર્યું હતું. લેખો, પત્રિકાઓ, નાટકો, કાવ્યો, નિબંધો, સમીક્ષાઓ, પત્રો – એમ વૉલ્તેરે અનેક પ્રકારનું સાહિત્ય રચ્યું છે અને તેમના સંપૂર્ણ લેખનકાર્યના 99 ગ્રંથો થયા છે. સમાજનો દંભ ખુલ્લો પાડવા માટે વૉલ્તેરે કટાક્ષયુક્ત લેખનના સુંદર સફળ પ્રયોગો કર્યા છે. લોકોને વિચારનિદ્રામાંથી જગાડવા ડેકૉર્ટે સંશયપદ્ધતિ પ્રયોજી. બધું બરોબર છે અને જે થાય તે સારા માટે જ છે તેવી ચિંતામુક્ત નિશ્ચિતતા(certainty)માંથી વાચકને વૉલ્તેર સામાજિક કટાક્ષયુક્ત /વ્યંગાત્મક લેખન(social satire)થી જાગ્રત કરે છે. વિલ દુરાંએ પોતાની આગવી શૈલીમાં લખ્યું છે કે વૉલ્તેરનું લેખન એટલું બધું સરસ છે કે તે તત્વજ્ઞાન વિશેનું છે તેવું કોઈને જણાય જ નહિ. લગભગ ચૌદ હજાર પત્રો અને બે હજાર પત્રિકાઓ, લેખો, નિબંધો, પુસ્તિકાઓ વગેરેનો વૉલ્તેરે સર્જેલા સાહિત્યમાં સમાવેશ થાય છે.

વૉલ્તેર

પૅરિસના મધ્યમ વર્ગના કુટુંબમાં જન્મેલા વૉલ્તેરનું મૂળ નામ હતું Francois Marie Arouet. 1704થી 1711 દરમિયાન College – Lowis – le – Grandમાં તેમણે શિક્ષણ લીધું હતું. 1711થી 1713 સુધી તેમણે કાયદાશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. ત્યારપછી થોડો સમય વૉલ્તેરે હોલૅન્ડમાં ફ્રેન્ચ એલચીના સચિવ તરીકે કામ કર્યું હતું.

સામાજિક-રાજકીય-ધાર્મિક સહિષ્ણુતા અને સમભાવમાં માનતા માનવવાદી વૉલ્તેરના વિચારો કૅથલિક ચર્ચને તેમજ ફ્રેન્ચ શાસનને માન્ય ન હતા. પિતા, પુત્ર અને પવિત્ર આત્માના ત્રિત્વ (ત્રિક ટ્રિનિટી) અંગેનો અને ઈશ્વરના અવતાર અંગેનો મત વૉલ્તેરને સ્વીકાર્ય ન હતો. મતબદ્ધ – મતસ્થાપક – ખ્રિસ્તી ઈશ્વરમીમાંસા (dogmatic theology) વૉલ્તેરને માન્ય ન હતી. વૉલ્તેરે ધર્મઝનૂન તેમજ નિરીશ્વરવાદ બંનેનો વિરોધ કર્યો હતો. આવા વિચારોને લીધે તેમજ કેટલીક વ્યક્તિગત અથડામણોને લીધે વૉલ્તેરની ઘણી વાર ધરપકડ કરવામાં આવી હતી, તેમને બેસ્તિલમાં કેદ કરવામાં આવ્યા હતા અને દેશનિકાલની સજા પણ તેમને કરવામાં આવી હતી. 1717-1718માં બેસ્તિલમાં જેલવાસ દરમિયાન તેમણે એક કરુણાન્ત નાટક ‘Oedipe’ લખ્યું હતું. 1726માં થયેલી દેશનિકાલની સજા દરમિયાન તેઓ ત્રણ વર્ષ ઇંગ્લૅન્ડમાં રહ્યા હતા. ત્યાં તેમણે ‘એસે અપૉન એપિક પોએટ્રી’ અને ‘એસે અપૉન ધ સિવિલ વૉર ઇન ફ્રાન્સ’ની રચના કરી.

ન્યૂટનના ભૌતિકવિજ્ઞાનથી અને જૉન લૉકના અવલોકનવાદી તત્વજ્ઞાનથી ઇંગ્લૅન્ડમાં તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સની તુલના કરતા તેમના ગ્રંથ ‘ફિલૉસૉફિકલ લેટર્સ’ (1934) ઉપર ફ્રાન્સમાં પ્રતિબંધ મુકાયો હતો. આ પુસ્તકની નકલોને જપ્ત કરીને બાળવામાં આવી હતી. વૉલ્તેર 1750માં બર્લિન ગયા અને 1755થી સ્વિટ્ઝર્લૅન્ડમાં તેઓ વસ્યા હતા. 1778ના ફેબ્રુઆરીની દસમી તારીખે તેઓ પૅરિસ પાછા આવ્યા અને ત્યાં ટૂંકા ગાળામાં જ અવસાન પામ્યા.

વૉલ્તેર મુજબ બુઝર્વા અપ્રભાવક છે, ઉમરાવશાહી ભ્રષ્ટ છે; ચર્ચ રૂઢિચુસ્ત છે એટલે પ્રબુદ્ધ રાજાશાહી (monarchy) જ સ્વીકાર્ય છે. વૉલ્તેરે ઉમરાવશાહી(aristocracy)નો વિરોધ કર્યો હતો, પરંતુ મૉન્તેસ્ક્યૂએ તેનો સ્વીકાર કર્યો હતો. અત્યારે કદાચ નવાઈ લાગે, પણ વૉલ્તેરે રાષ્ટ્રની પ્રગતિના નિમિત્ત તરીકે પ્રબુદ્ધ રાજાશાહીને ઇચ્છનીય ગણી હતી. રૂસોના સમાનતા અને સામાજિક કરારના વિચારો આ સંદર્ભમાં ફ્રેન્ચ ક્રાંતિ માટે વધુ પ્રભાવક નીવડ્યા હતા.

1755ના નવેમ્બરમાં લિસ્બનના ભયાનક ભૂકંપમાં 30,000 લોકો મૃત્યુ પામ્યા હતા. ધર્મના ઉપદેશકોએ આ કુદરતી આફતને લોકોના પાપની સજા તરીકે ઘટાવી હતી. વૉલ્તેરને તેનાથી ઘણો આઘાત લાગ્યો હતો. ઈશ્વરના અસ્તિત્વ સાથે કુદરત-સર્જિત અને મનુષ્ય-સર્જિત યાતાનાઓનો મેળ કેમ બેસાડવો તે પ્રશ્ન ‘અનિષ્ટની સમસ્યા’ તરીકે ઓળખાય છે. ઈશ્વરના અસ્તિત્વનો ઇન્કાર કર્યા વગર જગતનાં અનિષ્ટોને સમજાવવા માટેના તમામ વિકલ્પોથી અનેક વૈચારિક આપત્તિઓ આવે છે. વૉલ્તેરે આ ધરતીકંપને લીધે થયેલી જાનહાનિ અને તેના ખુલાસાઓ અંગેના વિવાદને લઈને અનિષ્ટ વિશે એક કાવ્ય રચ્યું હતું.

તમામ સંભવિત જગતમાંથી આ જગત જ સહુથી શ્રેષ્ઠ છે અને જે થાય છે તે બધું સહુના સારા માટે થાય છે તેવા જર્મન ફિલૉસૉફર લાયૂબ્નિઝનો મત વૉલ્તેર સ્વીકારતા નથી. વૉલ્તેરે ‘Candide’ (1759)  એ લઘુનવલકથામાં લાયૂબ્નિઝ મત રજૂ કરતાં પ્રોફેસર પાન-ગ્લૉસનું પાત્ર કટાક્ષયુક્ત રીતે રજૂ કર્યું છે. કેન્ડિડ નામના યુવાને પોતે જાતે અનેક અન્યાયો અને દુ:ખો સહન કર્યાં અને બીજા નિર્દોષ લોકોને જુલ્મનો ભોગ બનતા જોયા હતા; છતાં પાનગ્લૉસ લાયૂબ્નિઝના મતનો જ પ્રચાર કરે છે. પાનગ્લૉસના પાત્રમાં લાયૂબ્નિઝનું કટાક્ષયુક્ત નિરૂપણ કરવામાં આવ્યું છે. આ વાર્તાની પ્રેરણા 1755ના લિસ્બનના ભૂકંપથી વૉલ્તેરને મળી હતી. લૂંટારાઓ, દંભીઓ, પ્રપંચીઓ અને ખૂનીઓ જગતમાં હમેશાં વસતા હોય છે તે જોતાં જે કંઈ થાય છે તે બધું સહુના સારા માટે થાય છે તે કયા આધારે માની શકાય ?

વૉલ્તેરે ‘ફિલૉસૉફિકલ ડિક્શનરી’(1761)માં સ્પષ્ટ કર્યું છે કે નૈતિકતા-પોષક ધર્મ મતબદ્ધ (dogmatic) ધર્મ કરતાં વધુ ઇચ્છનીય છે. પૅરિસ, જિનીવા અને ઍમસ્ટરડૅમમાં વૉલ્તેરની આ ડિક્શનરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આધુનિક યુરોપના કેટલાક પ્રભાવક ચિંતકોની જેમ દિવ્ય-વાણી આધારિત ઈશ્વરવાદ(Theism)ને સ્થાને વૉલ્તેરે દેવવાદ (Deism) સ્વીકાર્યો હતો. દેવવાદીઓને તર્કબુદ્ધિથી અને અવલોકનોથી મનુષ્યો જે સત્યો શોધી શકે છે તેને જ સ્વીકાર્ય ગણે છે. સર્જક ઈશ્વરને માનો તોપણ સૃષ્ટિસર્જન પછી તે સૃષ્ટિ પ્રાકૃતિક નિયમોને અધીન થઈને કાર્ય કરે છે. તેમાં ઈશ્વરની સતત દેખરેખની, તેના હસ્તક્ષેપની કે સક્રિય રીતે સૃષ્ટિની જાળવણી કરવાની અપેક્ષા હોતી નથી. બેન્જામિન ફ્રૅન્કલિન, ટૉમસ જેફરસન, જૉન લૉક, જ્યૉર્જ વૉશિંગ્ટન વગેરે આ અર્થમાં દેવવાદીઓ હતા. વૉલ્તેર ચમત્કારો કે પ્રાર્થનાની અસરકારકતામાં માનતા ન હતા. આત્મા વિશે તેઓ અજ્ઞેયવાદી હતા. નૈતિકતા માટે આત્માની અમરતાનો સ્વીકાર જરૂરી નથી; પરંતુ ઈશ્વરને માનવાથી જો ગુનાઓ ઓછા થતા હોય તો વૉલ્તેરને તેમાં કોઈ વાંધો ન હતો.

ન્યૂટન અને લૉકના અવલોકનવાદ(empiricism)ને ફ્રેન્ચ તર્કબુદ્ધિવાદ સાથે જોડીને વૉલ્તેરે પ્રબોધન-યુગ (Age of Enlightenment)ની વિચારધારામાં ફ્રેન્ચ અને બ્રિટિશ ષ્ટિકોણનો સમન્વય કર્યો હતો.

પ્રબોધન-યુગ : ફ્રેન્ચ પ્રબોધન-આંદોલનના મુખ્ય ચિંતકોમાં વૉલ્તેર ઉપરાંત દિદેરો (1713-1784), કૉન્ડૉર્સે (1743-1794), હેલવેટિયસ (1715-1751) અને હૉલબૅક (1723-1789) મુખ્ય હતા. ડેવિડ હ્યૂમ (1711-1776), આદમ સ્મિથ (1723-1790) અને એડવર્ડ ગિબન (1713-1794) ગ્રેટ બ્રિટનના પ્રબોધનલક્ષી ચિંતકો હતા. જર્મનીમાં કાન્ટ (1724થી 1804) અને લેસિંગ (1729-1781) અને અમેરિકામાં ફ્રેન્ક લિન (1766-1790) અને જેફરસન પ્રબોધન-આંદોલનના પક્ષકાર હતા.

પ્રબોધન-યુગ (1800-1870) શ્રદ્ધા ઉપર આધારિત તર્કબુદ્ધિનો યુગ હતો, તર્કબુદ્ધિ પર આધારિત શ્રદ્ધાનો નહિ. પ્રબોધનના મહત્વના વિચારો નીચે મુજબ છે :

(1) શાસ્ત્રપ્રમાણ-શબ્દપ્રમાણનો વિરોધ; (2) તર્કબુદ્ધિની સ્વાયત્તતા; (3) અવલોકનાશ્રિત જ્ઞાનનું મહત્વ; (4) સંકુચિત રાષ્ટ્રવાદનો વિરોધ; (5) વિશ્વનાગરિકતાવાદ; (6) દિવ્યવાણી-પ્રેરિત ધર્મ/નૈતિકતાને સ્થાને મનુષ્ય-કેન્દ્રિત સર્વદેશી પ્રાકૃતિક ધર્મ-નૈતિકતાનો સ્વીકાર; (7) સાંસ્કૃતિક સહિષ્ણુતા; (8) અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનું રક્ષણ; (9) પ્રકૃતિનું, સમાજનું અને મનુષ્યનું સાચા કાર્યકારણ સંબંધો ઉપર આધારિત જ્ઞાન; (10) આવા જ્ઞાનથી મનુષ્યની સામાજિક પ્રગતિ અને સામાજિક ઉત્કર્ષ સિદ્ધ થશે તેવો ઇહલોકવાદી આશાવાદ; (11) ન્યૂટનના સફળ ભૌતિક વિજ્ઞાનના મૉડલનો જ્ઞાનના અન્ય ક્ષેત્રે ઉપયોગ કરવો.

જોકે પ્રબોધન-આંદોલનનાં બધાં લક્ષ્યો તુરત જ સિદ્ધ થઈ શક્યાં ન હતાં. સ્ત્રીઓના હક્કોના પ્રશ્નો, શ્રમિકોના હક્કોના પ્રશ્નો, સંસ્થાનવાદ, સામ્રાજ્યવાદના કબજામાં રહેલા દેશોના સ્વાતંત્ર્યના પ્રશ્નો વગેરે તો પ્રબોધન-યુગ પછી ઉઠાવવામાં આવ્યા હતા. ઓગણીસમી સદીમાં એક બાજુ યુરોપીય ઉદારમતી માનવવાદ હતો, બીજી બાજુ ‘સિવિલાઇઝિંગ મિશન’ને નામે અનેક દેશોનું રાજકીય/ સાંસ્કૃતિક ગૌણીકરણ કરવામાં આવ્યું હતું. અલબત્ત, છેલ્લાં બસો વર્ષનાં ઘણાં આંદોલનો, લડતો અને સંઘર્ષો પ્રબોધનના કેટલાક સ્વાતંત્ર્યલક્ષી આદર્શોનો ક્ષેત્રવિસ્તાર કરનારાં હતાં. ફ્રેન્ચ ક્રાંતિ પછીનો ઇતિહાસ જોતાં પ્રબોધન-આંદોલનનો પ્રૉજેક્ટ હજી અધૂરો છે તેવું તર્ક બુદ્ધિવાદી સમીક્ષાત્મક  જર્મન ચિંતક હાબેરમાસે વીસમી સદીમાં સ્વીકાર્યું છે. સર્વદેશી તર્કસંગતતા (rationality) તરફ હજી સમાજોએ ઘણી પ્રગતિ કરવાની બાકી છે.

તર્કબુદ્ધિની પ્રતિષ્ઠા વધવાથી કે વિજ્ઞાનોની સફળતા સિદ્ધ થવાથી જુલમી, અન્યાયી કે સરમુખત્યારી શાસનોનું વિસર્જન થાય તેવું બનતું નથી.

રૂસો, વૉલ્તેર, દિદેરો અને દ આલામ્બેર વગેરે ફ્રેન્ચ ક્રાંતિ (1789-1799) સુધી જીવ્યા ન હતા. ફ્રેન્ચ ક્રાંતિ ઉપર પ્રબોધનના વિચારોનો પ્રભાવ તો હતો જ પણ બીજાં ઘણાં મહત્વનાં કારણોએ પણ તેમાં ભાગ ભજવ્યો હતો. ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન જે કંઈ બન્યું તે બધા પ્રબોધનલક્ષી ચિંતકોને માન્ય થયું હોત તેમ કહી શકાય નહિ. ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન હયાત એવા Condorcet નામના પ્રબુદ્ધ વિચારક ફ્રાન્સનું નવું બંધારણ રચવામાં પણ જોડાયા હતા; પરંતુ 1794માં તેમની ધરપકડ થઈ પછી જેલની એક કોટડીમાં બે દિવસ પછી તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો. ક્રાંતિને ઉત્સાહથી ટેકો આપનારા બૌદ્ધિકો ક્રાંતિ પહેલાના શાસનનો તેમજ ક્રાંતિ પછીના શાસનનો – એમ બંનેનો ભોગ બનતા હોય છે. ઇતિહાસમાં તેનાં ઘણાં દૃષ્ટાંતો મળે છે. વૉલ્તેર અને તેના સાથીઓએ ગ્રંથદહન, ગ્રંથપ્રતિબંધ, ધરપકડ, જેલવાસ અને દેશનિકાલ સહન કર્યાં હતાં. જોકે આ ચિંતકો સંપૂર્ણ ક્રાંતિવાદી ન હતા; પણ તર્કબુદ્ધિનિષ્ઠ સુધારાવાદીઓ હતા, અને તેમનું ધ્યેય સત્તા ધારણ કરવાનું ન હતું.

ફ્રેન્ચ વિશ્વકોશ : દિદેરોના નેતૃત્વ હેઠળ સંપાદિત ફ્રેન્ચ વિશ્વકોશના કુલ 28 ગ્રંથો 1751થી 1772 સુધીમાં પ્રકાશિત થયા હતા. પ્રબોધન-આંદોલનના ચિંતકોએ તેમાં યોગદાન કર્યું હતું. 28 ગ્રંથોમાં 17 ગ્રંથો લેખોના અને 11 ગ્રંથો આકૃતિ / ચિત્રો વગેરે ઇલસ્ટ્રેશન્સના હતા. તેમાં કુલ 75,000 અધિકરણો હતાં. 44,000 મુખ્ય લેખો અને 28,000 ગૌણ લેખોવાળા આ કોશની શબ્દસંખ્યા 2,00,00,000 હતી. તર્કબુદ્ધિ આશ્રિત લોકજાગૃતિનો એ પ્રોજેક્ટ હતો. યંત્રસામગ્રી, વિજ્ઞાન અને ઉદ્યોગો વિશે તો તેમાં માહિતી હતી જ, પણ પ્રબોધનના વિચારોને તેમાં વ્યક્ત કરવામાં આવ્યા હતા. તેના પહેલા બે ગ્રંથો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તર્કબુદ્ધિની પ્રતિષ્ઠા વિશ્વકોશમાં વ્યક્ત થતી હતી, જે ઘણાને માટે અકળાવનારી ઘટના હતી.

1764માં દિદેરોના ધ્યાનમાં એ ઘટના આવી કે વિશ્વકોશ માટે રજૂ થયેલી કેટલીક હસ્તપ્રતોની પ્રૂફ જોવા માટેની નકલોમાંથી વાંધાજનક લખાણો લા બ્રેતાંએ છાનામાનાં દૂર કર્યાં હતાં, અને પછી મૂળ હસ્તપ્રતોનો નાશ કર્યો હતો. દિદેરોને આ હકીકત જાણીને ખૂબ આઘાત લાગ્યો હતો. ફ્રેન્ચ વિશ્વકોશનો પ્રોજેક્ટ કેવળ માહિતી-સંગ્રહ કરવાનો ન હતો; પણ પ્રબોધનનાં વિચાર-આંદોલનને લોકશિક્ષણ માટે રજૂ કરવાનો હતો. એ વિશ્વકોશમાં ‘ફિલૉસૉફર’ એટલે તર્કબુદ્ધિઆશ્રિત અને અવલોકનાશ્રિત જ્ઞાનનો પક્ષકાર એમ સમજાવવામાં આવ્યું છે. માનવવાદી, બિનસાંપ્રદાયિક સર્વલક્ષી ચિંતક ફિલૉસૉફર એ તો વિશ્વનાગરિક છે. તે સંકુચિત રાષ્ટ્રવાદી નથી; કારણ કે તે સર્વત્ર માનવીય તર્કબુદ્ધિની પ્રતિષ્ઠા વધારે છે.

કેટલાક વિશ્વકોશવાદીઓએ નિરીશ્વરવાદી, ભૌતિકવાદી અને યંત્રવાદી ન હોવાથી વૉલ્તેરનો પણ વિરોધ કર્યો હતો. વૉલ્તેર, આ પૂર્વે સૂચવ્યું છે તેમ, આત્મા વિશે અજ્ઞેયવાદી અને ઈશ્વર વિશે દેવવાદી (Deist) હતા. વૉલ્તેરનો મુખ્ય વિરોધ ઈશ્વર સામે ન હતો. પણ મતાગ્રહી અને મતબદ્ધ ઈશ્વરમીમાંસાની મુખ્ય અફર સ્થાપનાઓ (dogmas) સામે હતો, કારણ કે તેવી સ્થાપનાઓ વ્યક્તિ-સ્વાતંત્ર્યને ઘાતક હોય છે. રૂસોએ તો ખુદ ‘સિવિલાઇઝેશન’નો જ વિરોધ કર્યો અને તર્કબુદ્ધિની સર્વોપરિતા સામે પડકાર ફેંક્યો, તેથી રૂસોના વિચારો વૉલ્તેરને માન્ય ન હતા.

વિશ્વકોશવાદી ચિંતકો વૉલ્તેરને પોતાના જૂથના નેતા માનતા હતા, પરંતુ વૉલ્તેરે પોતે સ્વતંત્ર રીતે ‘ફિલૉસૉફિકલ ડિક્શનરી’ રચી. તેમાં તેમણે જણાવ્યું કે શંકા એ કદાચ સુખદ સ્થિતિ નથી, પણ ઈશ્વર, આત્મા વગેરે જેવી બાબતોમાં નિશ્ચિતતા તો જરૂર હાસ્યાસ્પદ છે. વૉલ્તેરના અવલોકનવાદ પ્રમાણે અવલોકન કરો, માપો, વજન કરો, ગણતરી કરો અને તેમાંથી જે જ્ઞાન મળે તે સ્વીકારો; બાકીનું બધું ભ્રમણાઓ જ છે.

પ્રખ્યાત જર્મન વિદ્વાન વિલહેલ્મ હાબ્ફાસના ગ્રંથ India and Europe(1989)ના નગીન શાહે કરેલા ગુજરાતી અનુવાદ ‘ભારત અને યુરોપ’નો પ્રથમ ભાગ 2003માં પ્રકાશિત થયો છે. પ્રબોધનના ચિંતકોનો અને ખાસ તો વૉલ્તેરના ભારતવિષયક વિચારોની હાબ્ફાસે નોંધ લીધી છે.

દિદેરોના ફ્રેન્ચ વિશ્વકોશના કેટલાક લેખોમાં ભારતને ખૂબ ઉતારી પાડવામાં આવ્યું હતું. પ્રબોધન-વિચાર-આંદોલનના ચિંતકો પ્રારંભમાં ભારત કરતાં ચીનથી વધુ પ્રભાવિત થયા હતા. 1760માં ‘Ezourvedam’ની હસ્તપ્રતનો અભ્યાસ કર્યા પછી તેમને (વૉલ્તેરને) ખાતરી થઈ ગઈ કે જગતની પ્રાચીન સંસ્કૃતિ અને સહુથી વધુ શુદ્ધ ધાર્મિક ચિંતન ચીનમાં નહિ પણ ભારતમાં મળી શકશે’ (શાહ, 2003, 60). ભારત સહુથી પ્રાચીન સભ્યતા તેમજ સહુથી પ્રાચીન રૂપવાળો ધર્મ ધરાવે છે. 1760 પછી વૉલ્તેરના ચિંતનમાં ભારતનું ખાસ વિશિષ્ટ સ્થાન હતું. 1767માં તેમણે ભારતનો પ્રવાસ કરવાનો ઇરાદો પણ વ્યક્ત કર્યો હતો. જોકે 1773માં તેમણે દર્શાવ્યું કે ‘આપણી ચેસની રમત માટે, આપણા ભૂમિતિના મૂળભૂત સિદ્ધાંતો માટે અને આપણી પોતાની બની ગયેલી બોધકથાઓ માટે આપણે ભારતીયોના ઋણી છીએ’ (શાહ, 2003, 62). કેટલાકને મતે ખ્રિસ્તી ધર્મસંસ્થાઓ સાથેના વિવાદમાં ભારતનો ઉપયોગ વૉલ્તેરે અન્યની જેમ કર્યો છે અને તેમને ભારતના ધર્મમાં કે તત્વચિંતનમાં સ્વતંત્ર રસ હતો જ નહિ. તેમ છતાં, વૉલ્તેરે ‘જગતની સભ્યતાનું પારણું’ એ રીતે ભારતની ઓળખ આપી છે.

મધુસૂદન બક્ષી