વૉર્ટિસિઝમ (Vorticism) (1908-1918) : વીસમી સદીના પ્રારંભનું બ્રિટિશ કલાનું એક મહત્વનું આંદોલન. લેખક અને ચિત્રકાર પર્સી વિન્ધેમ લૂઇસ (18821957) આ આંદોલનના જન્મદાતા અને નેતા હતા.
‘વૉર્ટેક્સ’ (vortex) શબ્દ ઉપરથી આ આંદોલનનું નામાભિધાન થયું છે. ભાવકને ચકરાવામાં નાંખી દેવાની નેમ લૂઇસની હતી અને તેથી જ વમળના અર્થનો શબ્દ ‘વૉર્ટેક્સ’ આ આંદોલનના નામાભિધાન માટે પસંદ કરવામાં આવ્યો. આ નામાભિધાન એઝરા પાઉન્ડે કરી આપેલું. ચિત્રકારો સી. આર. ડબ્લ્યૂ. નેવિન્સન, વિલિયમ રૉબર્ટ્સ, ડેવિડ બૉમ્બર્ગ, એડ્વર્ડ વૅડ્સવર્થ અને શિલ્પી હેન્રી ગૉડીર-બ્રેઝ્કાએ આ આંદોલનમાં સક્રિય ફાળો આપ્યો હતો. આ આંદોલનના ફળસ્વરૂપે સર્જાયેલી કલાનું માત્ર એક જ પ્રદર્શન 1915માં થયું હતું. તે વખતે તેના કૅટલૉગમાં લૂઇસે જાહેરનામું (manifesto) બહાર પાડી આ આંદોલનના ધ્યેય સ્પષ્ટ કરેલા :
(1) પિકાસોના પ્રભાવમાંથી મુક્ત થવું; ઘનવાદથી દૂર રહેવું.
(2) દૃશ્યમાન જગતનું સ્વાભાવિક નિરૂપણ ટાળવું.
(3) ફ્યૂચરિઝમથી દૂર રહેવું. ત્વરિત ગતિનાં આલેખનો, પારદર્શક સપાટીઓની રજૂઆતોથી દૂર રહી શક્તિ અને ઉન્માદનું નહિ, પણ શાંતિનું નિરૂપણ કરવું. અલ્પતમ (મિનિમેલિસ્ટ) ચિત્રણા તરફ ઢળવું.
લૂઇસના પ્રારંભકાળનાં ચિત્રોમાંથી એકેય બચ્યું નથી; પરંતુ પછીનાં ચિત્રો પરથી ફલિત થાય છે કે તેઓ પોતે પણ ઘનવાદ અને ફ્યૂચરિઝમના પ્રભાવમાંથી મુક્ત થઈ શક્યા નહિ જ. 1917માં તેમણે ચીતરેલું ચિત્ર ‘રેવૉલ્યૂશન’ તેમનો સર્વોત્તમ નમૂનો (માસ્ટરપીસ) ગણાય છે; જેમાં જુદા જુદા ચોકઠામાં વિભાજિત કૅન્વાસ પર ઘનવાદી શૈલીએ એક નગરનું આલેખન કરવામાં આવ્યું છે. એ પછી લૂઇસે ઘનવાદી શૈલીમાં એડિથ સિટ્વેલ, એઝરા પાઉન્ડ અને બીજા સાહિત્યકારોનાં વ્યક્તિચિત્રો ચીતર્યાં. તેમાં જે તે વ્યક્તિત્વની આબેહૂબ છટા અને તાસીરનાં દર્શન થાય છે.
એઝરા પાઉન્ડ અને લૂઇસે ભાગીદારીમાં ‘બ્લાસ્ટ’ નામના સામયિકનું સંપાદન શરૂ કરેલું. આ સામયિકનું ઉપશીર્ષક તેમણે રાખેલું : ‘રિવ્યૂ ઑવ્ ધ ગ્રેટ ઇન્ગ્લિશ વૉર્ટેક્સ’. પ્રથમ વિશ્વયુદ્ધના પ્રારંભ સાથે જ આ કલા-આંદોલનનો અંત આવ્યો. આ આંદોલનમાં ભાગ લેનાર પ્રસિદ્ધ બ્રિટિશ ફોટોગ્રાફર એલ્વિન લૅન્ગ્ડૉન કૉબને અરીસાઓ, લેન્સ તથા પ્રિઝમો વડે સંપૂર્ણ અમૂર્ત ફોટોગ્રાફ સર્જ્યા.
અમિતાભ મડિયા