વૉર્ડ, જેમ્સ (. 1769, બ્રિટન; . 1855, બ્રિટન) : પ્રાણીસૃષ્ટિનું આલેખન કરનાર બ્રિટિશ રંગદર્શી ચિત્રકાર. પ્રલય દ્વારા સમગ્ર સૃષ્ટિનો અંત આવશે તેવી માન્યતા ધરાવનાર બ્રિટિશ પાદરી એડ્વર્ડ ઇર્વિન્ગના તે અનુયાયી હતા અને પોતે પણ આ માન્યતામાં પૂરો વિશ્વાસ રાખતા હતા.

જેમ્સ વૉર્ડનું ચિત્ર : લાયનેસ ઍન્ડ હેરોન

તેમણે ચીતરેલાં પશુપંખી અત્યંત ક્રૂર અને ઘાતકી દેખાય છે. તેમનું ચિત્ર ‘લાયનેસ ઍન્ડ હૅરોન’ તેમનો ઉત્તમ કલાનમૂનો (માસ્ટરપીસ) ગણાય છે. અહીં વાવાઝોડાગ્રસ્ત પૃષ્ઠભૂમિકામાં તેમણે સિંહણનો આગલો ડાબો પંજો નાજુક બગલા ઉપર નિર્મમ રીતે લગાવાતો ચીતર્યો છે. સિંહણના મુખ પર ઘાતકી ભાવ નજરે પડે છે. પ્રકૃતિના હિંસક ભાવોનું નિરૂપણ કરવું વૉર્ડને પ્રિય હતું.

અમિતાભ મડિયા