વૉરૉશિલૉવ, કે. વાય. (Voroshilov, Kliment Yefremovich)

January, 2006

વૉરૉશિલૉવ, કે. વાય. (Voroshilov, Kliment Yefremovich) (. 4 ફેબ્રુઆરી 1881, વરખ્યેને રશિયા; . 2 ડિસેમ્બર 1969, મૉસ્કો) : સોવિયેત સંઘના લશ્કરી અને રાજકીય નેતા. જૉસેફ સ્ટાલિન તેમના પરમ મિત્ર હતા અને તેના અવસાન બાદ તેમણે રાજ્યના વડા તરીકે સેવાઓ આપી હતી.

કે. વાય. વૉરૉશિલૉવ

1903થી તેઓ બૉલ્શેવિક જૂથમાં સક્રિય હતા. 1917ની રશિયન ક્રાંતિ પૂર્વે ત્યાં ખેલાયેલા ગૃહયુદ્ધમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. શક્તિશાળી કમાન્ડર તરીકે તેઓ બીજાઓથી નોખા તરી આવતા હતા. 1919થી સ્ટાલિન સાથે તેમના નજીકના સંબંધો વિકસ્યા. તે પછી તેઓ રાજકીય બાબતોના વડા નિમાયા. સ્ટાલિને તેમને સંરક્ષણ માટે રચાયેલા લોકસૈન્ય(પીપલ્સ આર્મી)ના વડા બનાવ્યા. 1926માં પક્ષની કેન્દ્રીય સમિતિના પૉલિટબ્યૂરોના તેઓ સભ્ય બન્યા અને 1935થી સોવિયેત સંઘના માર્શલ તરીકે તેઓ ઓળખાવા લાગ્યા.

બીજા વિશ્વયુદ્ધ (1939-45)માં સોવિયેત સંઘના પ્રારંભિક પરાજય માટે તેમને જવાબદાર લેખવામાં આવ્યા હતા અને સંરક્ષણના વડાના હોદ્દા પરથી તેમને દૂર કરાયેલા. જોકે 1941માં રાજ્યની સંરક્ષણ સમિતિના સભ્યપદે તેમને નીમવામાં આવ્યા અને લેનિનગ્રાડના રક્ષણનો હવાલો સંભાળતા ઉત્તર-પશ્ચિમ સૈન્યના કમાન્ડર તરીકે તેમની નિમણૂક કરવામાં આવી; પરંતુ લેનિનગ્રાડમાં તેમણે કરેલી નાકાબંધી છતાં જર્મન સૈન્યને આ શહેરમાં પ્રવેશતું રોકી શકાયું નહોતું. આમ છતાં જવાબદાર અધિકારી તરીકે સરકારે તેમને સેવામાં ચાલુ રાખ્યા હતા. 1945-47 દરમિયાન હંગેરીમાં સોવિયેત સંઘે સામ્યવાદી સરકારની સ્થાપના કરી ત્યારે તેમણે સ્ટાલિનના પ્રતિનિધિ તરીકે આ કામગીરી પર દેખરેખ રાખવાની ફરજ બજાવી હતી.

બીજું વિશ્વયુદ્ધ (1939-45) પૂરું થયા પછી તેઓ લશ્કરી કાર્યોના નિષ્ણાત તરીકે ચાલુ રહ્યા, પરંતુ તેમની ભૂમિકા અને જવાબદારી ક્રમશ: ઘટતાં ગયાં. 1953 પછી સ્ટાલિન સાથેના તેમના સંબંધો તંગ બન્યા હતા; પણ તે જ વર્ષે સ્ટાલિનનું અવસાન થતાં તેઓ સુપ્રીમ સોવિયેત નામની સોવિયેત સંઘની ધારાસભાના પ્રેસિડિયમના અધ્યક્ષ બન્યા. આથી 1957 સુધી સરકાર પર તેમનો પ્રભાવ રહ્યો. તે પછી નિકિતા ખ્રુશ્ર્ચોવને સત્તા પરથી ખસેડવા માટેના એક જૂથના તેઓ ગુપ્ત સભ્ય રહ્યા અને સરકારમાં તથા પક્ષમાં 1960 સુધી હોદ્દા પર ટકી રહ્યા.

રક્ષા મ. વ્યાસ