વૉટસન, જે. બી. (જ. 9 જાન્યુઆરી 1879, ગ્રીન વિલે, દક્ષિણ કોરોલિના યુએસ.; અ. 1958) : મનોવિજ્ઞાનના ઇતિહાસમાં વર્તનવાદના સ્થાપક અને પ્રખર હિમાયતી મનોવિજ્ઞાની. મનોવિજ્ઞાન આત્માના વિજ્ઞાન, મનના વિજ્ઞાન અને તે પછી ચેતનાના મનોવિજ્ઞાન તરીકે ઓળખાતું હતું ત્યારે અમેરિકામાં જ્હૉન બ્રૉક્સ વૉટસને તેને વર્તનના મનોવિજ્ઞાન તરીકે ઓળખાવી તેના અભ્યાસ માટેનો એક નવો જ અભિગમ આપ્યો તેમજ કાર્યવાદ અને રચનાવાદનો વિરોધ કરી વર્તનવાદ(behaviourism)ને એક નિશ્ચિત અને વ્યવસ્થિત સ્વરૂપ આપ્યું. પરિણામે તેઓ વર્તનવાદના પ્રણેતા તરીકે ઓળખાયા. તેમનો ઉદ્દેશ મનોવિજ્ઞાનને આત્મલક્ષી પ્રવાહથી દૂર લઈ જઈ વસ્તુલક્ષી પ્રવાહમાં મૂકવાનો તેમજ માનવવર્તનનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી શકાય છે તે બાબત સમજાવવાનો હતો. મનોવિજ્ઞાનનું વિષયવસ્તુ મન કે ચેતના નહિ પણ વર્તન છે એમ ઘોષિત કરી, કેટલાયે વિરોધોનો સામનો કરી મનોવિજ્ઞાનને આધુનિક સ્તર પર મૂકવાનું ભગીરથકાર્ય કર્યું.
મનોવિજ્ઞાનને કાર્યવાદી અને રચનાવાદી વિચારધારાની સંકુચિતતામાંથી બહાર આણીને બાળકો, પ્રાણીઓ, સાધારણ-અસાધારણ વ્યક્તિઓ માટેના અભ્યાસના વિશાળ વસ્તુલક્ષી મંચરૂપે તૈયાર કરવામાં વૉટસનનો ફાળો અમૂલ્ય છે.
નાના પરગણા જેવા ગ્રીન વિલેની નાનકડી પ્રાથમિક શાળામાં તેમનું પ્રારંભિક શિક્ષણ થયું હતું. તેમના પૂર્વજો ખૂબ ધનિક હતા, પણ ધીમે ધીમે તેઓ આર્થિક રીતે ઘસાતા ગયા. વૉટસનની માતાનું નામ એમા અને પિતાનું નામ પિકન્સ વૉટસન હતું. ગ્રીન વિલે પાસેના નાનકડા ખેતરની ઊપજ પર આ સમગ્ર પરિવારનો નિભાવ થતો હતો. પિતા સાથે સાથે સુથારી કામ અને મકાન-ચણતરનું કામ પણ પુત્રને સાથે રાખીને કરતા હતા. માતા ધર્મિષ્ઠ, ઉદ્યમી, કુટુંબપરાયણ ગૃહિણી હતાં. પિતા વ્યસની, પ્રમાદી અને ખરાબ સોબતવાળા હતા. સ્વભાવગત અંતરને કારણે તેમનાં માતાપિતા વચ્ચે અણબનાવ ચાલ્યા કરતો અને પિતા ઘર છોડીને ઘણી વાર જતા રહેતા હતા. તેથી તેમને આર્થિક તંગીનો અનુભવ કરવો પડતો હતો. પરિણામે જૉનનો શાળાકીય અભ્યાસ પણ નબળો પડતો જતો હતો. તેમના શિક્ષકો તેમને દલીલબાજ વિદ્યાર્થી તરીકે ઓળખતા અને વડીલો તેને ‘ઇન્ફન્ટ ટેરિબલ’ તરીકે સંબોધતા.
સોળ વર્ષની વયે ફરમન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવી, પાંચ વર્ષ સુધી સખત પરિશ્રમ કરીને બી. એ. (1897) તથા એમ. એ.(1900)ની પદવીઓ મેળવી. અલબત્ત, કૉલેજકાળમાં પોતાનો ખર્ચ કાઢવા માટે તેમણે સુથારીકામ, બાગકામ, ખેતીકામ, કડિયાકામ જેવાં કામ પણ કર્યાં હતાં.
આ જ યુનિવર્સિટીના પ્રખ્યાત તત્વચિંતક અને શિક્ષણશાસ્ત્રી ડેવિડ હ્યુમ તથા ગોર્ડન મૂર તેમના અધ્યાપકો હતા. એ બંનેનો ભારે પ્રભાવ વૉટસનની શૈક્ષણિક કારકિર્દી પર પડ્યો હતો. પ્રો. મૂરનો તેમના ઘડતરમાં અમૂલ્ય ફાળો રહ્યો છે.
1903માં શિકાગો યુનિવર્સિટીમાંથી તેમને પીએચ.ડી.ની ઉપાધિ મળી. ત્યાં જ તેમણે 1908 સુધી મદદનીશ સંશોધક તરીકે કામ કર્યું. જ્હૉન હૉપકિન્સમાંથી તેમને વાર્ષિક 3,500 ડૉલરના વેતનથી સેવા આપવાની ઑફર મળતાં તેમણે તે સ્વીકારી ને તે સાથે 1903માં સાયકૉલોજીના પ્રોફેસર તરીકેની પણ કામગીરી બજાવી. આ દરમિયાન તેમણે વર્તનવાદની નવી વિચારધારા આપી. 1913માં તેમણે એક ઘોષણાપત્ર ‘સાયકૉલોજી એઝ ધ બિહેવિયારિસ્ટ વ્યૂઝ ઇટ’ (Psychology as the behaviourist views it) બહાર પાડ્યો હતો. તેઓ 1915માં અમેરિકન સાયકૉલોજી ઍસોસિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા. વૉટસને પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન મનોવૈજ્ઞાનિક તરીકે લશ્કરમાં પણ સેવા આપી હતી.
1920માં પ્રથમ પત્ની મૅરીથી બાલ્ટીમોર ખાતે છૂટાછેડા લીધા બાદ, તેમની પ્રેમિકા રોઝાલી રેનર સાથે લગ્ન કર્યું. તેમણે જૉન હૉપકિન્સ યુનિવર્સિટીમાં ક્રિયાત્મક મનોવિજ્ઞાનના ક્ષેત્રે કામ શરૂ કર્યું. પ્રાણીઓ અને બાળકોનાં વર્તનવિષયક સંશોધનો કર્યાં. તદુપરાંત, અમેરિકામાં જાહેરાત વિભાગ-ક્ષેત્રે, પણ મનોવૈજ્ઞાનિક તરીકે સેવા આપી અને તેઓ ‘એડવરટાઇઝમૅન’ તરીકે ખ્યાતિ પામ્યા.
વૉટસનની વર્તનવાદી વિચારધારાને પોષક એવા અનેક સંશોધન-લેખો અગ્રગણ્ય સામયિકમાં પ્રગટ થયા અને આ વિચારધારાને પ્રતિપાદિત કરવા માટે તેમણે ગ્રંથો પણ લખ્યા. તેમના ત્રણ ગ્રંથો આજે પણ ખૂબ મહત્વ ધરાવે છે.
એમનો પ્રથમ ગ્રંથ 1914માં ‘ધ બિહેવિયર’, બીજો ગ્રંથ 1919માં ‘સાયકૉલોજી ફ્રૉમ ધ સ્ટેન્ડપૉઇન્ટ ઑવ્ બિહેવિયારિષ્ટ’ તથા 1926માં ‘વૉટ ઇઝ બિહેવિયારિઝમ’ પ્રકાશિત થયા હતા. આ ગ્રંથ માનવજાતિના બૌદ્ધિક ઇતિહાસમાં ક્રાંતિકારી હોવાનું ‘ન્યૂયૉર્ક ટાઇમ્સે’ લખ્યું હતું.
વૉટસને રજૂ કરેલા સિદ્ધાંતોમાં ઉદ્દીપક-પ્રતિક્રિયાનો સિદ્ધાંત આધુનિક મનોવિજ્ઞાનમાં સંપૂર્ણ રીતે સ્વીકૃતિ પામ્યો નથી. માનવવર્તનના ઘડતરમાં વાતાવરણ પર તેમણે વધુ પડતો ઝોક આપ્યો, તેને આજે વંશાનુક્રમ સંબંધી થયેલાં સંશોધનો પ્રમાણભૂત ગણતા નથી. આમ છતાં મનોવિજ્ઞાનવિષયને આત્મલક્ષી ન ગણતાં, તેને વસ્તુલક્ષી ભૂમિકાએ વિજ્ઞાનોની હરોળમાં મૂકવાનું પ્રશંસનીય કાર્ય તેમણે કર્યું છે.
શાંતિલાલ છ. કાનાવાલા