વૉટર્સ, મડી (. 4 એપ્રિલ 1915, રોલિન્ગ ફૉર્ક, મિસિસિપી, યુ.એસ.; . 30 એપ્રિલ 1983, વેસ્ટ્મોન્ટ, ઇલિનોઈ, યુ.એસ.) : ‘ધ બ્લૂઝ’ નામે ઓળખાતી શૈલીનો જન્મદાતા જાઝ ગાયક અને ગિટારવાદક.

મડી વૉટર્સ

મૂળ નામ મૅક્ક્ધિલે મૉર્ગેન્ફીલ્ડ. મિસિસિપીમાં કપાસનાં ખેતરોમાં બાળપણ વીત્યું. બાળપણમાં જ હાર્મોનિયમ જેવું વાજિંત્ર હાર્મોનિકા વગાડતાં શીખી લીધું. તરુણાવસ્થામાં ગિટાર વગાડતાં શીખ્યો તથા જાઝ સંગીતકારો રૉબર્ટ જૉન્સન તથા સોન હાઉસની ‘ડેલ્ટા બ્લૂઝ’ નામે ઓળખાતી શૈલી આત્મસાત્ કરી. એમાંથી ધીમે ધીમે તેણે કામોત્તેજક, રૌદ્ર અને તીખી એવી નિજી ‘બ્લૂઝ’ શૈલી ઉપજાવી. સંગીતસંગ્રાહક (musical archivist) ઍલેન લૉમેક્સની નજર 1941માં વૉટર્સ ઉપર પડી અને લૉમેક્સે જ એ જ વર્ષે સૌપ્રથમ તેનું સંગીત રેકૉર્ડ કર્યું. 1943માં વૉટર્સ શિકાગોમાં સ્થિર થયો. ત્યાં તે અનેક ક્લબો અને બારોમાં ગાતો, સંગીત વગાડતો તેમજ સ્ટુડિયોમાં જઈ પોતાના સંગીતનું રેકૉર્ડિન્ગ પણ કરાવતો. ધીમે ધીમે તેના સંગીતમાં લય વધુ ને વધુ બળૂકો બનતો ગયો; ગિટારને સ્થાને તેણે ઇલેક્ટ્રિક ગિટાર અપનાવ્યું તથા ઑર્કેસ્ટ્રામાં તેણે પિયાનો તથા ઢોલનો સમાવેશ કર્યો. એની ગાયકીમાં હવે માદક બૂમબરાડા તથા રતિભાવથી તરબતર કામોત્તેજનાનું ઉદ્દીપન કરતા ખોંખારા, ઊંહકારા, સિસકારા તથા ખાસ તો કણસવાના અવાજોનું બાહુલ્ય વધતું ગયું. આ જ શૈલી ‘ધ બ્લૂઝ’ નામે અમેરિકા અને યુરોપમાં ખ્યાતિ પામી તથા બીજા ઘણાં જાઝ સંગીતકારોએ અપનાવી. આગળ જતાં 1950ની આસપાસ એ જ શૈલીમાંથી ‘રૉક ઍન્ડ રોલ’ તથા ‘સૌલ’ નામે ઓળખાતી જાઝ ગાયકી શૈલીઓ વિકસી.

અમિતાભ મડિયા