વૈધિક શિક્ષણ (formal education) : નિશ્ચિત ઉદ્દેશોને લક્ષમાં રાખીને વિધિવત્ રીતે અપાતું શિક્ષણ. આ પ્રકારનું શિક્ષણ માળખાગત હોય છે. તેમાં પ્રાથમિકથી માંડી યુનિવર્સિટી સુધીના શિક્ષણનો સમાવેશ થાય છે. આ શિક્ષણમાં પાઠ્યક્રમ, પાઠ્યપુસ્તકો, તાસપદ્ધતિ, પરીક્ષાપદ્ધતિ વગેરે બધું નક્કી કરેલું હોય છે. વિદ્યાર્થીઓએ અને શાળા-કૉલેજે તેને વળગી રહેવું પડે છે. ભારતની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા કૉલેજો અને યુનિવર્સિટીઓ વૈધિક શિક્ષણ આપતી સંસ્થાઓ છે.

વૈધિક શિક્ષણમાં પ્રત્યક્ષ કાર્ય કરવા વિધિપૂર્વક સંસ્થાઓ સ્થાપવામાં આવતી હોય છે. આ સંસ્થાઓ ચોક્કસ વયજૂથના વિદ્યાર્થીઓને નિયત સમયમર્યાદામાં શિક્ષણ આપવાનું કાર્ય કરતી હોય છે. મોટાભાગના દેશોમાં સરકારની પ્રાથમિક ફરજ વૈધિક શિક્ષણની સંસ્થાઓ સ્થાપવાની કે તેમને આર્થિક સહાય કરવાની હોય છે. સરકાર પોતાને ઉપલબ્ધ સાધનોમાંથી વૈધિક શિક્ષણ માટે ખર્ચ કરે છે. આમ નિશ્ચિત ઉદ્દેશોને ષ્ટિસમક્ષ રાખી માનવવર્તનમાં સભાનતાપૂર્વકનું અને હેતુપૂર્વકનું પરિવર્તન લાવવા માટે અપાતા વૈધિક શિક્ષણની કેટલીક લાક્ષણિકતાઓ નોંધપાત્ર છે.

વૈધિક શિક્ષણ સંસ્થાગત શિક્ષણ છે તેથી તે તેને માટે સ્થાપવામાં આવેલી ખાસ શિક્ષણસંસ્થાઓ દ્વારા અપાય છે.

વૈધિક શિક્ષણનો પ્રબંધ કરવા ભારતમાં રાજ્યોની વિધાનસભાઓ ધારો ઘડે છે અને તે અન્વયે ઘડવામાં આવેલા નિયમોને કેન્દ્રમાં રાખી વૈધિક શિક્ષણના હેતુઓ, સ્વરૂપ અને કાર્યપદ્ધતિ નક્કી થતાં હોય છે.

વૈધિક શિક્ષણ દ્વિધ્રુવી પ્રક્રિયા હોવાને કારણે શિક્ષક અને વિદ્યાર્થી એક જ સ્થળે ભેગા મળી પૂર્વનિશ્ચિત ઉદ્દેશોને ધ્યાનમાં રાખી શીખવવાનો અને શીખવાનો પ્રયત્ન કરે છે.

વૈધિક શિક્ષણનું માળખું નિયત હોય છે. તેથી સ્થળ, સમયગાળો, તાસ, સમયપત્રક, અભ્યાસક્રમો, પાઠ્યક્રમો, પાઠ્યપુસ્તકો, અધ્યાપનપદ્ધતિ, મૂલ્યાંકન-પ્રવિધિ વગેરેનો તેમાં સમાવેશ કરવામાં આવે છે.

વૈધિક શિક્ષણ શિક્ષણનું સુવ્યવસ્થિત સ્વરૂપ હોવાને કારણે વિદ્યાર્થીઓને મળીને  ચકાસીને  પસંદ કરીને ક્રમબદ્ધતાપૂર્વક શૈક્ષણિક અનુભવો પૂરા પાડવામાં આવે છે.

વૈધિક શિક્ષણના સ્વરૂપને નિક્ષેપ-પ્રક્રિયા (‘input-process’) અને નીપજ(output)ના સંદર્ભમાં જોવામાં આવે છે. નિક્ષેપ શિક્ષણ પોતે નથી, પરંતુ કાચી સામગ્રી છે; જે પ્રક્રિયા માટે પૂરકબળ તરીકે કાર્ય કરે છે; જેમ કે, અભ્યાસક્રમ, પાઠ્યક્રમ, શિક્ષક, ભૌતિક સગવડો, શૈક્ષણિક સાધનો, સંચાલન વગેરે. પ્રક્રિયા એટલે વર્ગખંડમાં તેમજ શાળામાં થતો શિક્ષણવ્યવહાર. શાળામાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે થતી આદાનપ્રદાનની તમામ પ્રક્રિયા એ શિક્ષણવ્યવહાર છે. જ્યારે નીપજ એટલે આ બધી પ્રક્રિયાઓને પરિણામે ઘડાતું વ્યક્તિનું વ્યક્તિત્વ; તેને પ્રાપ્ત થતાં જ્ઞાન, આવડત, કૌશલ્યો, વલણો, ગુણો, સિદ્ધિઓ વગેરે. ટૂંકમાં નીપજ એટલે વ્યક્તિમાં આવતું ગુણાત્મક પરિવર્તન.

આમ, વૈધિક કેળવણી એ અનેક પરિમાણો ધરાવતી પ્રક્રિયા છે; જેમાં વિદ્યાર્થી, શિક્ષક, અભ્યાસક્રમ, પર્યાવરણ, સમાજ અને શૈક્ષણિક સાધનો વગેરે છે. વળી તે હેતુલક્ષી પ્રક્રિયા લાંબા કે ટૂંકા ગાળાની હોઈ શકે. વૈધિક શિક્ષણની સંસ્થાઓમાં ભય, શિક્ષા અને દંડનાં તત્ત્વો ઘટાડીને પ્રેમ, સહાનુભૂતિ અને આનંદનાં તત્ત્વો ઉમેરવામાં આવે તો તે આનંદની પ્રક્રિયા બની શકે છે.

આરતી કસ્વેકર