વૈનગંગા (Wainganga) : મધ્યભારતની મહત્ત્વની નદી. આ નદી મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગમાં આવેલી સાતપુડા હારમાળાની મહાદેવ ટેકરીઓમાંથી નીકળે છે. તે શિવની જિલ્લાના તેનાં ઉદભવસ્થાનમાંથી થોડાક અંતર માટે પૂર્વ તરફ વહી, શિવનીમાંડલા અને શિવનીબાલાઘાટ જિલ્લાઓની સરહદ રચે છે, જ્યાં તે ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે. તે બાલાઘાટ અને મહારાષ્ટ્ર રાજ્યના ભંડારા જિલ્લાઓમાંથી પસાર થાય છે. ભંડારા જિલ્લાના દક્ષિણ ભાગમાં તે ભંડારાનાગપુર જિલ્લાઓ વચ્ચેની તથા તે પછીથી ચંદ્રપુરગડચિરોલી જિલ્લાઓ વચ્ચેની સરહદ રચે છે. ભંડારા શહેર નજીક તે ગાયખરી અને બાલ્લાહી ટેકરીઓની વચ્ચેથી પસાર થાય છે. અહીં રેતીખડકો અને ગ્રૅનાઇટ જોવા મળે છે. સાકોલી તાલુકાના સોનીગામ ખાતે તેને બાઘ નદી મળે છે. ચંદ્રપુરગડચિરોલી તેમજ આંધ્રપ્રદેશના આદિલાબાદ જિલ્લાઓની સરહદોને ત્રિભેટે અક્ષાપુર ખાતે તેની સાથે વર્ધા નદીનો સંગમ થાય છે. અહીંથી તે પ્રાણહિતા નદીના નામથી ઓળખાય છે. આ વિભાગમાં તે આદિલાબાદગડચિરોલી જિલ્લાઓની સરહદ રચે છે અને ચિનૂર પાસે તે ગોદાવરી નદી સાથે સંગમ પામે છે. મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની મુખ્ય નદી ગણાતી ગોદાવરી સાથે તે સંગમ પામતી હોવાથી ગોદાવરીની સહાયક નદી બની રહેલી છે.

વૈનગંગાની સહાયક નદીઓમાં પનગોલી, ચંદન, બવન્તરી, સૂર, ગઢવી, ખોબરાગડી, કથણી અને પાટફોડીનો સમાવેશ થાય છે. વૈનગંગા નદીએ તેના કાંઠાના પ્રદેશોમાં કાંપની જમાવટ કરી છે, તેનાથી ફળદ્રૂપ મેદાનો રચાયાં છે. કેટલીક જગાએ તેનો પટ એક કિમી. જેટલો પહોળો પણ જોવા મળે છે. ભેજસંગ્રહ-ક્ષમતાવાળાં તેનાં ફળદ્રૂપ-ઊંડા થરનાં મેદાનોમાં વર્ષમાં બે વાર પાક લેવાય છે. ક્ધિાારાના ભાગોમાં ડાંગર અને ઘઉંના પાકોનું વાવેતર થાય છે. આ નદી ખીણપ્રદેશો અને જંગલવિસ્તારોમાંથી વહેતી હોવાથી નાગપુરના ઔદ્યોગિક મથકોને બાદ કરતાં બધે જ વસ્તીની ગીચતા ઓછી તેમજ વસ્તી છૂટીછવાઈ જોવા મળે છે. આ નદીને કાંઠે ભંડારા, કામટી અને પવની જેવાં મોટાં શહેરો આવેલાં છે. નદીની કુલ લંબાઈ 580 કિમી. જેટલી છે.

નીતિન કોઠારી