વૈદ્ય, સરોજિની શંકર (જ. 1933, પુણે) : મરાઠી લેખિકા. તેમણે પુણેમાંથી એમ.એ. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી નાટ્યાચાર્ય દિવાકરના વિવેચનાત્મક અભ્યાસ અંગે પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ મુંબઈ યુનિવર્સિટીના મરાઠી વિભાગનાં પ્રાધ્યાપિકા અને અધ્યક્ષા તરીકે સેવાનિવૃત્ત થયાં.

તેમણે ઓગણીસમી અને વીસમી સદીના મહારાષ્ટ્રના સામાજિક- સાંસ્કૃતિક અભ્યાસના વિશેષ અધ્યયનનું ક્ષેત્ર પસંદ કર્યું. સાહિત્યનાં પ્રખર ચાહક એવાં તેમણે તેમની સાહિત્યિક અને વિવેચનાત્મક સૂઝ સાથે ઘણી વાર અંગત નિબંધો, ટૂંકી વાર્તા, ચરિત્ર, આત્મકથા અને વિવેચનની પરંપરાગત સીમાઓ ઓળંગી છે.

1975માં તેમણે તેમનો પ્રથમ સાહિત્યિક નિબંધસંગ્રહ ‘પહાટેચંપાણિ’ પ્રગટ કર્યો. 1976માં ‘માતી આણિ મૂર્તિ’ નામક સાહિત્યિક વિવેચનનો બીજો ગ્રંથ તેમણે આપ્યો. તેને વિવેચનના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે રાજ્ય સરકારનો એવૉર્ડ પ્રાપ્ત થયો. આ ગ્રંથમાં મરાઠી સાહિત્યની કેટલીક મહત્ત્વની કૃતિઓની હકીકત અને સ્વરૂપનું પૃથક્કરણ કરવામાં આવ્યું છે. 1975માં તેઓ લોકહિતવાદી તરીકે જાણીતા બનેલા, 19મી સદીના સામાજિક વિચારક અને ઉત્કર્ષના લેખક ગોપાળરાવ હરિનું ચરિત્ર આપ્યું. વળી અનુક્રમે વસંત ફાટક અને એમ. એસ. વિદ્વાંસના સહયોગમાં તેઓ ‘નટવર્ય નાનાસાહેબ ફાટક વ્યક્તિ આણિ કલા’ (1982) અને ‘શ્રીમતી રમાબાઈ રાનડે વ્યક્તિ આણિ કાર્ય’ (1989) નામક વધુ બે નોંધપાત્ર ચરિત્રોનાં સહલેખક બન્યાં. તેમાંનો પ્રથમ ગ્રંથ મરાઠી રંગભૂમિના સુવર્ણયુગના લબ્ધપ્રતિષ્ઠ ચરિત્ર-અભિનેતા વિશેનો છે, તો બીજો ગ્રંથ ન્યાયમૂર્તિ એમ. જી. રાનડેનાં પત્ની (18561922) જેઓ સામાજિક કાર્ય માટે વચનબદ્ધ હતાં તેમને લગતો છે. તેમાં તેમણે રમાબાઈના જીવનને ભારતીય નારી-આંદોલનકાર તરીકે ચિત્રાંકિત કર્યાં છે.

1975ની શરૂઆતમાં તેમણે મરાઠીના પ્રથમ નવલકથાકાર કાશીબાઈ કાનિટકર(18611948)ની આત્મકથા ‘આત્મચરિત્ર’, ‘આણિ ચરિત્ર’નું સંપાદન અને પ્રકાશન કર્યું. આ ગ્રંથ નૅશનલ બુક ટ્રસ્ટે અનેક ભારતીય ભાષાઓમાં અનૂદિત કરવા પસંદ કર્યો હતો. તેમનો વ્યક્તિગત પ્રતિભાવ ધરાવતો વૈશ્વિક સાહિત્યમાંથી પસંદ કરેલ નિબંધસંગ્રહ ‘શબ્દાયન’ (1980); તથા પંડિતા રમાબાઈ, આનંદીબાઈ અને ગોપાળરાવ જોષી જેવી અનેક અગ્રેસર વ્યક્તિઓ અને ‘હિંદુ-પંચ’, ‘શાળાપત્રક’ વગેરે જેવાં સામયિકો અંગેના લેખોની મહત્ત્વની કૃતિ ‘સંક્રમણા’ (1985) તેમણે આપ્યાં છે. આ ગ્રંથને મહારાષ્ટ્ર સાહિત્ય પરિષદ એવૉર્ડ પ્રાપ્ત થયો છે.

તદુપરાંત તેમણે કેટલીક સાહિત્યિક અને વિવેચનાત્મક કૃતિઓ જેવી કે ‘સંજીવની’ (સંજીવની મરાઠેનાં શ્રેષ્ઠ કાવ્યો, 1958); ‘જરા જાવૂન યેતો’ (ડી. બી. મોકાશીની શ્રેષ્ઠ વાર્તાઓ, 1987); ‘વેચક વસુંધરા પટવર્ધન’ (શ્રેષ્ઠ વાર્તાસંગ્રહ, 1987); ‘વાઙ્મયી મહત્તા’ (1990); ‘ટી. એસ. ઇલિયટ ઍન્ડ મૉડર્ન મરાઠી પોએટ્રી ઍન્ડ લિટરરી ક્રિટિસિઝમ’ (1990); ‘સ્ત્રીજીવન વાટચાલ આણિ વિકાસ’ (1992); ‘સમગ્ર દિવાકર’(દિવાકરની સંપૂર્ણ કૃતિઓ, 1992)નું સંપાદન કર્યું.

બળદેવભાઈ કનીજિયા