વેસપાસિયન (. . . 9, રીટ, રોમથી ઈશાનમાં; . . . 79, રોમ) : રોમન સમ્રાટ. તેનું આખું નામ ટિટસ ફ્લેવિયસ વેસપાસિયેનસ હતું. તે સેનેટર બન્યો અને ઈ. સ. 43 અને 44 દરમિયાન બ્રિટન જીતવા માટે લશ્કરનો સેનાપતિ હતો. ઈ. સ. 67માં સમ્રાટ નીરોએ જુડિયામાં થયેલ યહૂદીઓનો બળવો દબાવી દેવા વેસપાસિયનને મોકલ્યો હતો. નીરોના અવસાન (ઈ. સ. 68) પછી ગલ્બા, ઑથો અને વિટેલિયસ એક પછી એક સમ્રાટ બન્યા. આખરે, ઈ. સ. 69માં, વેસપાસિયનના લશ્કરે રોમ કબજે કર્યું અને તેને સમ્રાટ જાહેર કર્યો. તેના શાસન દરમિયાન સેનેટે રોમન સમ્રાટની સત્તાઓ આલેખતા પ્રથમ લિખિત નિવેદનને કાયદાનું સ્વરૂપ આપ્યું. વેસપાસિયનના પછી તેનો પુત્ર ટિટસ સમ્રાટ બન્યો હતો.

જયકુમાર ર. શુક્લ