વૅસલ્માન, ટૉમ (. 1931, અમેરિકા) : આધુનિક ‘એસેમ્બ્લિજ’ (assemblage) કલાકાર. નગ્ન અભિનેત્રીઓના ચેનચાળા રજૂ કરતાં સામયિકો અને ટેલિવિઝનની જાહેરાતો (sexy movie magazines) બનાવનાર તરીકે તેમણે કારકિર્દીનો પ્રારંભ કરેલો. અલગ અલગ ફોટાઓને જોડીને ફોટોમૉન્ટાજ પદ્ધતિએ કલાકૃતિઓ સર્જવા ઉપરાંત ટેલિવિઝન, ફોન, ઍરકન્ડિશનર, ઘડિયાળો ઇત્યાદિ જેવી સાચી જણસોને ચોંટાડીને પણ તેઓ પોતાની રચનાઓ સર્જે છે.

ટૉમ વૅસલ્માનનું ચિત્ર : ‘ગ્રેટ અમેરિકન ન્યૂડ નં. 99’ (1968)

‘ગ્રેટ અમેરિકન ન્યૂડ’ નામની તેમની ચિત્રશ્રેણી અત્યંત જાણીતી અને લોકપ્રિય બની હતી. આ ચિત્રશ્રેણીમાં ચહેરા વિનાની કામોત્તેજક નગ્ન નવયૌવનાનાં અલગ-અલગ આલેખનો છે અને દર્શકનું ધ્યાનબિંદુ નવયૌવનાનાં હોઠ અને સ્તનની ડીંટડીઓ પર કેન્દ્રિત થાય છે. આ શ્રેણીનું ચિત્ર નં. 57 અત્યંત લોકપ્રિય નીવડેલું. એ પછી તેમણે ‘સ્મોકર’ નામની ચિત્રશ્રેણી સર્જી, જેમાં સિગારેટના ધૂમ્રપાનને વિષય બનાવ્યો છે. આમ છતાં અહીં પણ, ધૂમ્રપાનના પરોક્ષ ઓઠા હેઠળ કામોત્તેજનાના ઉદ્દીપનનો તેમનો હેતુ સ્પષ્ટ થાય છે.

અમિતાભ મડિયા