વેશ્યાપ્રથા : પોતાના દેહના સોદા દ્વારા ગ્રાહકોની જાતીય પિપાસાને સંતોષવાની સેવા આપતી પ્રથા. વેશ્યાપ્રથા વિશ્વની કેટલીક પ્રાચીનતમ પ્રથાઓમાંની એક છે. તેને એક વ્યવસાય ગણવામાં આવે છે. આ વ્યવસાય માત્ર સ્ત્રીઓ જ ચલાવે છે એવું મનાય છે. પરંતુ પુરુષ- વેશ્યાઓ પણ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. ‘વેશ્યા’ શબ્દ ઉપરાંત ‘ગણિકા’, ‘રૂપજીવિની’ શબ્દો પણ ચલણમાં છે. જોકે વર્તમાન સંદર્ભમાં ‘વેશ્યા’ શબ્દ સ્ત્રી માટે લાંછનરૂપ મનાતો હોઈ તેના સ્થાને અંગ્રેજી શબ્દ ‘સેક્સ-વર્કર’ વધુ સ્વીકાર્ય બનતો જાય છે. આજીવિકા અને વ્યવસાયના સંદર્ભમાં વેશ્યાપ્રથા સાથે વધુ ને વધુ સ્ત્રીઓ જોડાતી જાય છે તે હકીકત વર્તમાન સમાજવ્યવસ્થામાં સ્ત્રીઓનાં સામાજિક દરજ્જા અને પુરુષ-ગ્રાહકોની વૃત્તિઓને સુપેરે વ્યક્ત કરે છે.
સામાજિક રીતે વેશ્યા-વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓ(સેક્સ-વર્કર, દલાલ, કૂટણખાનાની માલિક અને ગ્રાહક)નો દરજ્જો નિમ્ન ગણાય છે. સમાજ તેઓ માટે લાંછનરૂપ કે અપમાનજનક શબ્દપ્રયોગો કરે છે. ઐતિહાસિક સંદર્ભમાં ભારતમાં સદીઓથી રાજા-રજવાડાંઓના શાસનમાં પણ આ વ્યવસાય અસ્તિત્વ ધરાવતો હતો. ગુજરાતના જાણીતા સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈએ ‘અપ્સરા’ એ શીર્ષક હેઠળની પુસ્તકમાળામાં વેશ્યાઓનાં જીવન અને ઇતિહાસ અંગે વર્ણન કર્યું છે.
ભારતમાં કેટલીક સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાઓ સાથે વેશ્યાપ્રથાને સંબંધ છે.
ભારતમાં પ્રાચીન કાળથી વેશ્યાપ્રથા ઉદ્ભવેલી છે. બ્રહ્માએ અન્ય દેવોને અને વેદોને ઉત્પન્ન કર્યા એવી અનુશ્રુતિ જાણીતી છે. આ દેવોના અંશ તરીકે ઉત્પન્ન થયેલી દેવયોનિ કે દેવાંશી અપ્સરાઓ સ્વર્ગની વેશ્યા હતી તેથી તેને ‘સ્વર્વેશ્યા’ કે ‘સ્વર્વારા’ એવા નામથી ઓળખવામાં આવી છે. ‘ઋગ્વેદ’ અને ‘શતપથ બ્રાહ્મણ’ જેવા વૈદિક ગ્રંથોમાં અપ્સરા ઉર્વશી રાજા પુરુરવા સાથે સંબંધ ધરાવતી હતી તેવા ઉલ્લેખો છે. ‘મત્સ્યપુરાણ’ અને ‘પદ્મપુરાણ’ જેવા પૌરાણિક ગ્રંથોમાં પણ ઉર્વશી, મેનકા, રંભા, ચિત્રલેખા, ઘૃતાચી, તિલોત્તમા, સુકેશી, મંજુઘોષા વગેરે અપ્સરાઓ એટલે સ્વર્ગની વેશ્યાઓના ઉલ્લેખો છે. સ્વર્ગના રાજા ઇન્દ્રે પોતાની સ્વર્ગની ગાદી કોઈ તપસ્વી મનુષ્ય લઈ ન જાય એ માટે આ અપ્સરાઓનો રાજખટપટના હથિયાર તરીકે ઉપયોગ કરેલો એ જાણીતી અનુશ્રુતિ છે.
વેદો અને પુરાણોની જેમ શાસ્ત્રગ્રંથોમાં પણ વેશ્યાની બાબત રજૂ થયેલી છે. મહર્ષિ વાત્સ્યાયને પોતાનાં રચેલાં ‘કામસૂત્રો’માં નાગરક નાયક માટે ધર્મપત્નીની સાથે પરદારા અને વેશ્યાની પણ ચર્ચા પોતાના ગ્રંથના પાંચમા ‘પારદારિક’ નામના અને છઠ્ઠા ‘વૈશિક’ નામના પ્રકરણમાં અનુક્રમે કરી છે. જ્યારે નાટ્યશાસ્ત્રમાં નાયિકાના એક પ્રકાર તરીકે વેશ્યા નાયિકા રજૂ થઈ છે. પ્રકરણ પ્રકારના રૂપકમાં વેશ્યા નાયિકા હોય છે, પરંતુ તેનો નાયક કોઈ વૈદૃશ્ય કે વેપારી હોય તેવો નિયમ છે. આનું ઉત્તમ ઉદાહરણ શૂદ્રકના ‘મૃચ્છકટિક’ પ્રકરણમાં રજૂ થયેલી વેશ્યા વસંતસેના અને ચારુદત્તની પ્રણયકથા છે. દેવ કે રાજાને વેશ્યાનો નાયક બનાવવાનો નિષેધ કરવામાં આવ્યો છે. ભાણ પ્રકારના એકાંકી રૂપકમાં એકમાત્ર પાત્ર રંગીલો નાયક વેશવાટમાંથી પસાર થાય છે અને અનેક વેશ્યાઓ સાથે પોતાને થયેલી વાતચીતને રજૂ કરે છે એ જ તેનું મુખ્ય કથાનક દસમી સદી પછી લખાયેલાં ભાણોમાં બતાવવામાં આવ્યું છે. વળી પ્રહસન પ્રકારનાં રૂપકોમાં વેશ્યાનું પાત્ર આવે છે અને પોતાના પોકળ પ્રેમથી હાસ્ય આપી જાય છે. તેવી રીતે દામોદર ગુપ્ત નામના મહાકવિએ ‘કુટ્ટનીમત’, ‘કુટ્ટિનીમત’ કે ‘શંભલીમત’ નામનું સાતસો શ્ર્લોકોનું બનેલું મહાકાવ્ય માલતી નામની વેશ્યાના પ્રેમ વિશે રચ્યું છે.
આમ છતાં વેશ્યાનો સામાજિક દરજ્જો ભારતદેશમાં પહેલેથી જ ઘણો નીચો મનાયો છે. ‘મૃચ્છકટિક’ પ્રકરણના અંતે વેશ્યા ‘વસંતસેના’ને ‘કુલવધૂ’નું પદ રાજા આર્યક દ્વારા અપાય છે ત્યારે જ તેને ગૌરવ મળે છે, ત્યાં સુધી તો વિદૂષક મૈત્રેય તેને ‘પગરખામાં ભરાયેલી કાંકરી’ જેવી જ કહે છે. ધર્મશાસ્ત્ર પણ પોતાના સમાન વર્ણની સ્વીયા ધર્મપત્નીને જ જન્મેલા ઔરસ પુત્રને વારસાનો અધિકાર આપે છે. અન્ય વર્ણની પત્નીને પણ નીચો દરજ્જો આપે છે; જ્યારે વેશ્યાને તો પરદારાથી પણ નીચી કક્ષાની ગણાવી છે. પરદારાને ધર્મશાસ્ત્ર નિંદ્ય ગણે છે અને વેશ્યા તો અતિનિંદ્ય છે. પરિણામે મહર્ષિ વાત્સ્યાયને પરદારા અને વેશ્યા પર સ્વતંત્ર પ્રકરણો લખવા છતાં ધર્મપત્નીનું જ ગૌરવ કર્યું છે; કારણ કે ધર્મથી અવિરોધી કામ જ ભગવાનની વિભૂતિ ગણાયો છે અને કામશાસ્ત્રનું પ્રયોજન પણ મહર્ષિ વાત્સ્યાયને મોક્ષનું જ માન્યું છે. અધિકાંશે સામાન્ય કે સાધારણ સ્ત્રી ગણાયેલી વેશ્યાઓ ફક્ત પેટ ભરવા ખાતર જ પોતાનો વ્યવસાય કરતી હોવાથી ભારતીય સમાજમાં પ્રાચીન કાળથી જ કલંકરૂપ ગણાઈ છે. આજે પણ કોઈ સ્ત્રીને વેશ્યા કહેવી એ તેને ગાળ દીધા જેવું મનાય છે.
દક્ષિણ ભારતમાં ‘દેવદાસી’ પ્રથા તેનું એક ઉદાહરણ છે. પરંપરાથી આ પ્રથા હેઠળ મા-બાપ પોતાની કિશોરીઓને ઈશ્વરની સેવામાં અર્પે છે. ધાર્મિક પરંપરાના મહોરાં પાછળ નાની છોકરીઓને વેશ્યા બનાવવામાં આવે છે. જોકે સમય જતાં આ પરંપરાનો સ્વીકાર મર્યાદિત બનતો જાય છે. હિંદુઓની જ્ઞાતિવ્યવસ્થાના કોટિક્રમમાં પ્રમાણમાં નિમ્ન સ્થાન ધરાવતી કેટલીક જ્ઞાતિઓને પહેલાં રાજાશાહી હેઠળ અને નજીકના ભૂતકાળમાં સામંતવાદી ગ્રામવ્યવસ્થાના ભાગ રૂપે વેશ્યાપ્રથા કે વેશ્યાવ્યવસાયના ભોગ બનવું પડ્યું. આજે પણ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ગ્રામવિસ્તારોમાં આ પ્રથા અસ્તિત્વ ધરાવે છે. તે અનુસાર મા-બાપ પોતાની દીકરીઓમાંથી એક કે બેને રજસ્વલાના સમયથી દેહવ્યાપારમાં જોડે છે. સામાજિકીકરણના ભાગ રૂપે નાની છોકરીઓનાં કુટુંબો તેઓને વેશ્યાવ્યવસાયના પાઠ ભણાવે છે. શહેરીકરણના ભાગ રૂપે આ કિશોરીઓ તાજેતરનાં વર્ષોમાં મોટી સંખ્યામાં મુંબઈ જેવા મહાનગરોમાં ‘બાર ગર્લ્સ’ તરીકે કામ કરતી જોવા મળે છે.
મહદ્અંશે ગરીબી અને બેકારી તેમજ આંશિક રીતે સામાજિક-ધાર્મિક પરંપરા આ વ્યવસાયના મૂળમાં છે. ભારતમાં સેક્સ-વર્કર કે વેશ્યા સામાન્ય રીતે બે પ્રકારે આ વ્યવસાયમાં જોવા મળે છે. ‘રેડ લાઇટ એરિયા સેક્સ-વર્કર’ (કૂટણખાનામાં કામ કરતી) એટલે કે મોટાં શહેરોમાં કોઈ ચોક્કસ વિસ્તારમાં સેંકડોની સંખ્યામાં સેક્સ-વર્કર બહેનો રહે છે અને ત્યાં જ ગ્રાહકો તેમની સેવા લેવા આવે છે. સેક્સ-વર્કરનાં બાળકો પણ તેઓની સાથે રહેતાં હોય છે. કોલકાતાના ‘સોનાગાચી’ વિસ્તારમાં આશરે ત્રીસથી ચાલીસહજાર સેક્સ-વર્કર કામ કરે છે. મુંબઈમાં ફૉકલેન્ડ રોડ, પુણેમાં ‘બુધપેઠ’ અને સૂરતમાં ‘વરિયાળી બજાર’ તેનાં ઉદાહરણો છે. સૂરતનો રેડલાઇટ વિસ્તાર આશરે ત્રણસો વર્ષનો ઇતિહાસ ધરાવે છે. બીજા પ્રકારની સેક્સ-વર્કર બહેનોમાં કૉલગર્લ, જાહેર રસ્તા ઉપર વ્યવસાય કરતી સ્ત્રીઓ, ગેસ્ટ હાઉસ કે હોટેલમાં રહીને કામ કરતી તેમજ કેટલેક અંશે મર્યાદિત પ્રમાણમાં ગૃહિણીઓ પણ વેશ્યાવ્યવસાય સાથે સંકળાયેલી જોવા મળે છે.
સામાજિક રીતે નિમ્ન ગણાતો આ વ્યવસાય આધુનિક સમયમાં વિશ્વના કેટલાક દેશોમાં કાનૂની માન્યતા મેળવતો થયો છે. ભારતમાં કાનૂની રીતે આ વ્યવસાયને અટકાવવો (prevention) જોઈએ તેવી વિચારધારા છે; પરંતુ ‘પ્રિવેન્શન ઑવ્ ઇમ્મોરલ ટ્રાફિક ઍક્ટ’ જેને ટૂંકમાં PITA કહેવામાં આવે છે તે વેશ્યાવ્યવસાય કે વેશ્યાના કામને ગુનાઇત વર્તન નથી ગણતો; પરંતુ જેઓ આ વ્યવસાયમાં દલાલી કરે છે અને એ દ્વારા આજીવિકા મેળવે છે તેમને ગુનેગાર માનીને સજા કરવામાં આવે છે.
વીસમી સદીનાં અંતિમ વર્ષોમાં એઇડ્ઝ રોગની ગંભીરતાને કારણે વિશ્વમાં સરકારો અને સ્વૈચ્છિક સંસ્થાઓ સેક્સ-વર્કરને વિશેષ મહત્વ આપે છે. તેનું કારણ એ છે કે એચ.આઇ.વી.નો ચેપ મહદ્અંશે બિનસલામત જાતીય સંબંધોને કારણે સંક્રમિત થાય છે. આ સંદર્ભમાં દેહવ્યાપાર કરતી બહેનોને એઇડ્ઝ સંબંધિત માહિતી આપી જાગ્રત કરવા અંગેના કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. પોતાના માનવીય અધિકારો માટે સેક્સ-વર્કર આજે સંગઠિત થવા માંડી છે અને પોતાનાં મંડળો તેમજ સંગઠન બનાવે છે અને તે દ્વારા કાનૂની રક્ષણ તેમજ આરોગ્ય અને અન્ય સવલતો પ્રાપ્ત કરવા કટિબદ્ધ બની છે.
ગૌરાંગ જાની
પ્ર. ઉ. શાસ્ત્રી